અહિંસા અને શાંતિ વિશ્વમાં ક્યારેય હતી ખરી?
- 'ગાંધીજી, માર્ટિન લ્યુથર કિંગ અને મંડેલા સાંપ્રત છે' જેવી બડી બડી વાતો વચ્ચે વિશ્વમાં યુદ્ધ અને ગૃહ યુુદ્ધનો મોરચો કાયમ માટે મંડાયેલો જ રહે છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- નેતાનયાહૂ, બાઈડેન,જિનપિંગ કે પુટીન ભારતની મુલાકાતે આવે તો ગાંધીજીની સમાધિ પર પુષ્પો અર્પણ કરે અને શક્ય છે તે પછી તરત દુશ્મન દેશ પર મિસાઈલ એટેક કરવાનો હોટલાઈન પરથી સેનાના વડાને આદેશ આપે
- અમેરિકાનું સંરક્ષણ બજેટ 800 અબજ ડોલર, ચીનનું 230 અબજ ડોલર છે
વિ શ્વના જે પણ નેતા ભારતની મુલાકાત લે છે ત્યારે નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીજીની સમાધિ પર પુષ્પો મૂકીને અંજલિ જરૂર આપે. ઇઝરાયેલના નેતાનયાહૂ , પેલેસ્ટાઇન નેતાઓ, જિનપિંગ , પુતિન અને અમેરિકી પ્રમુખ પણ વિશ્વના શાંતિ દુતોના ઉપદેશનું મહિમા ગાન ગુ્રપ સેવન, ગુ્રપ ટ્વેન્ટી કે બ્રિક્સ જેવા વૈશ્વિક નેતાઓના મેળાવડામાં કરતા જ હોય છે. અહિંસાને અનુસરવું, વિશ્વ શાંતિ થકી વિશ્વ સુખદ બનાવવું અને પર્યાવરણની જાળવણી આ ત્રણ પરિબળોની ચિંતા કરવી તે કમનસીબે મંચ પર ભજવતા નાટક બની ગયા છે. 'ગાંધીજી, માર્ટિન લ્યુથર કિંગ અને મંડેલાનો અહિંસાનો ઉપદેશ જ સમયની માંગ છે અને તે આજે પણ સાંપ્રત છે.' તેવું નેતાઓના ભાષણની સ્ક્રિપ્ટમાં અચૂક હોવાનું.
આપણા બુદ્ધિજીવીઓ , સર્જકો અને નેતાઓ પણ પ્રત્યેક જયંતિએ રંગ બદલે છે. ગાંધી જયંતિ વખતે ગાંધીજી, સુભાષ ચંદ્ર બોઝ કે ભગત સિંઘને અંજલિ આપતા તેઓની વિચારધારાનો જયકાર કરે. જે રાજાઓએ શૌર્ય બતાવી તલવાર, અશ્વ અને તોપોનો મારો કરીને હિન્દુ અસ્મિતાનું ગૌરવ વધારતા મુઘલ કે મુસ્લિમ રાજાઓને યુધ્ધનો માર્ગ અપનાવી મહાત આપી કે શહાદત વહોરી તે પણ આપણા હીરો છે. ઝાંસીની રાણી પણ તેની દેશભક્તિ માટે યાદ કરાય છે.
અહિંસા કે ક્ષમાની માનવતા ક્યાં સુધી અને કોને તે અંગે કોઈ ગળે ઉતરે તેવી સ્પષ્ટતા કોઈ મહાપુરુષોએ નથી કરી.
ઉદાહરણ તરીકે અવળચંડાઇ અને અંચઈ કરી રહેલ ચીન ગલવાનમાં ભારતીય સૈનિકોને શહાદત ભેટમાં આપે તો આપણે કંઈ નીતિ અખત્યાર કરવી.
પેલેસ્ટાઇન પહેલો હુમલો કરે ત્યારે ઇઝરાયેલે તેના જવાબમાં ગાઝા પટ્ટી પર ઉપવાસ પર બેસી જવું?
સીરિયા કે અન્ય ઇસ્લામ દેશોમાં શિયા અને સુન્ની વચ્ચે હિંસા થાય છે ત્યારે કોઈ પક્ષ શાંતિ અને અહિંસાના પાઠનું અનુકરણ નથી કરતો.
રશિયાને યુક્રેન જે રીતે મર્યાદિત તાકાત અને સક્ષમતા હોવા છતાં જડબાતોડ જવાબ આપે છે તે જઝ્બા પર વિશ્વ આફ્રીન પોકારી ગયું છે.
વર્તમાન વિશ્વમાં તમે નજર નાંખશો તો જણાશે કે આંતર વિગ્રહ કે યુધ્ધ કેટલાક વર્ષોથી જારી જ છે.
મંડેલાના પ્રભાવ ક્ષેત્ર કહી શકાય તેવા આફ્રિકી દેશોમાં વંશ યુદ્ધ ચાલે છે.
'તમને કોઈ એક ગાલે તમાચો મારે એટલે બીજો ગાલ ધરવો' તે ઉપદેશ અને કળિયુગમાં તેનું પરિણામ કલ્પી જુઓ.
આપણે ભગવાન કૃષ્ણનો 'પાર્થ, હવે તો યુદ્ધ જ એ જ કલ્યાણ' તેવા ટંકાર અને અહિંસાના પૂજારી બંને વિષય પર એક કલાક વક્તવ્ય આપી શકીએ છીએ. બંને પર થીસીસ થાય જ છે.પણ આપણા દેશની,આપણી સુરક્ષા માટે કઈ નીતિ રાખવી તે માટે સ્પષ્ટ બનવું પડશે. ડાબેરીઓ જેવા પણ હોય પણ તેમની નીતિમાં સ્પષ્ટ છે. આસ્તિક કે નાસ્તિક પણ તેમની માન્યતા માટે મક્કમ છે.
ભારતના નેતાઓ બડી બડી વાત કરે છે કે 'અમે પહેલો હુમલો નહીં કરીએ પણ જો કોઈ દેશની તાકાતને પડકારશે તો વળતો જોરદાર જવાબ આપીશું.'
પણ ભારત પહેલો, પાંચમો કે પચાસમો આતંકી હુમલા થયા તો પણ સર્જીકલ સ્ટ્રાઈકને બાદ કરતાં નિષ્ક્રિય રહ્યું છે તેવી નાગરિકોમાં છાપ છે.
અહિંસાના પૂજારી મનાતા ભારત દેશના નાગરિકો જ હવે શાસકોને પ્રશ્ન કરે છે કે 'ઇઝરાયેલ જો તેમના દુશ્મનો અને તેમના કમાન્ડરોને તેમના દેશમાં ઘૂસીને મારે છે તો આપણે પાડોશી દેશમાં છુપાયેલા તત્ત્વોને કેમ આ રીતે સજા ન આપીએ.'
ભારતે આમ કરવું જોઈએ તેમ સલાહ નથી આપતા પણ સવાલ એ જ છે કે શું આ ભારતનો હિંસામાં નહીં માનવાનો જે ઉપદેશ છે તે પાળવાનો પ્રયત્ન છે કે ઇઝરાયેલ જેમ નહીં કરી શકવાની લાચારી પર ઢાંક પિંછોડો છે.
વિશ્વ શાંતિ આવશ્યક છે જ પણ તે બે દુશ્મન દેશો સમજે તો જ સાકાર થઈ શકે. વિશ્વના બધા દેશો કેમ યુદ્ધ નહીંનો ઠરાવ નથી કરતા. જેમ છે તે સ્થિતિએ હવેથી શાંતિથી રહીશું તેમ કેમ સમજૂતી નથી થતી.
વડાપ્રધાન મોદી સિવાય કેમ બાઇડેન, જિનપિંગ કે પુતિન 'શાંતિ એ જ ઉધ્ધાર' તેવા સુફિયાણાં નિવેદન નથી કરતા. શું ચીન કે પાડોશી દેશ યુધ્ધ લાદે તો ભારત શાંત બેસીને માર ખાતું રહે? અત્યારે જે દેશે યુધ્ધ ભડકાવ્યું તેને શાંત રહેવાનું અને યુદ્ધ વિરામ કરવાની સલાહ અપાય. બાકી અહિંસા અને શાંતિનો વ્યાપક ઉપદેશ તો સારો છે જ ને તેમાં શું નવાઈ.
અમેરિકા, રશિયા અને યુરોપીય દેશોની મહત્તમ કમાણી જ શસ્ત્રોના વેચાણ થકી છે.વિશ્વમાં અરાજકતા જારી રહે અને શાંતિ હોય તો યુધ્ધની ભૂમિકા સર્જાય તે જ આ ટોચના દેશોની નીતિ છે ત્યારે અહિંસા અને શાંતિના ઉપદેશનો પ્રસાર ન થાય તેની આ દેશો જ તકેદારી રાખે.
અમેરિકા, રશિયા, યુરોપીય દેશો, નોર્થ કોરિયા, તાલિબાનો, આતંકી જૂથો, યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ વચ્ચેનું પરસ્પર વૈમનસ્ય જેવા કેટલાયે પરિબળો વિશ્વના અન્ય દેશોને પણ પ્રત્યેક પળે યુદ્ધ માટે તૈયાર રહેવા ફરજ પાડે છે. પ્રત્યેક દેશ તેનું સરક્ષણ બજેટ વધારતું જ જાય છે તે શું સૂચવે છે ?
કોઇ વિવાદ હોય તો ટેબલ પર મંત્રણા માટે બેસાય પણ વિસ્તારવાદ અને વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની કે ધર્મનો પ્રસાર અને અમલ ક્રૂરતાથી ઠોકી બેસાડવાની મેલી મુરાદ સરમુખત્યાર જેવા નેતાઓ, આતંકીઓ અને લશ્કરની હોય તો સામો પક્ષ અહિંસા કે ઉપવાસથી વિજય મેળવી શકે ?
શો, સૈન્ય બળ અને નાગરિકોમાં રાષ્ટ્રની રક્ષા કરવા માટે વળતો જવાબ આપવાની તાકાત ન હોય તો દેશ પર અન્ય દેશ ખૂંખાર હુમલા સાથે કબ્જો પ્રાપ્ત કરી જ લે. હા, તમામ દેશોમાં સુલેહ, સૌજન્ય અને વિશ્વ કલ્યાણની ભાવના હોય અને કોઇ મતભેદ હોય તો અહિંસા અને ટેબલ મંત્રણાથી રૂડું કઇ નથી પણ કમનસીબે મંત્રણા થાય છે પણ યુધ્ધ પછી.
જ્યારે હિટલર યહૂદીઓનો નરસંહાર કરી રહ્યો છે ત્યારે ''યહૂદીઓએ કોઈપણ જાતના પ્રતિકાર વગર નરસંહાર માટેના કેમ્પમાં ચાલ્યા જઈને શહાદત વહોરવી જોઈએ આજે નહીં તો કાલે અહિંસક શરણાગતિનો જયજયકાર થશે'' તેવા ગાંધીજીના વલણની ભારે ટીકા થઈ હતી. શહાદત સામી છાતીએ લડીને વહોરી કહેવાય.
આપણા શાસ્ત્ર, વેદો, ઉપનિષદો, ગીતા બધા જ આજે પણ પણ સાંપ્રત છે જ. ફર્ક એટલો છે કે આપણે તે પ્રમાણે સૂક્ષ્મ અને સ્થૂળ દેહે અને તેવા માનસથી જીવવું નથી.
ખરેખર બંને દેશો કે જૂથોમાં અહિંસાનો ઉપદેશનો પ્રભાવ હોય તો વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ અનુભવાય. એક તરફ વિશ્વના દેશો તેનું સંરક્ષણ બજેટ વધારતા જાય છે. પરમાણુ અને હાઇડ્રોજન બોંબના પરીક્ષણ જાણે દિવાળી કે નાતાલની આતશબાજી હોય તેમ થાય છે.
અમેરિકા વિરુધ્ધ નોર્થ કોરિયાને ગાંધીજીનો સંદેશ પહોંચે ખરો? ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની ઘટનાઓ બને, કાશ્મીરમાં પાકિસ્તાનીઓ બ્રેઈન વોશિંગ કરાવી પથ્થરમારાની ઘટનાને જન્મ આપે, આતંકવાદીઓ આશ્રય પામે ત્યારે ભારતીય સેના બીજો ગાલ ધરે? પાકિસ્તાન અને ચીન તેમની ધરી રચીને ભારતને ભીંસમાં લે કે ડોકલામ પર ઘૂસણખોરી કરે ત્યારે ભારતીય સેના ઉપવાસ પર બેસી શકે?
ભારતની આંતરિક સલામતીને માટે જોખમી નીવડી શકે તેવા રોહિંગ્યાને ગાંધી ચિંધ્યા માર્ગે આશ્રય આપી શકાય ખરો? એમ જોવા જઈએ ભારત-પાકિસ્તાનના ભાગલા થતા જ હિંસા ફાટી નીકળી ત્યારે જ બંને ધર્મના નાગરીકોએ ગાંધીજીના જીવન અને સંદેશને અભરાઈએ મૂકી દીધો હતો.
હા, જો વિશ્વના નાગરિકો તેમના ધર્મના મુળ ઈશ્વરો કે મહાસંતોને અનુસર્યા હોત તો પણ વિશ્વ સ્વર્ગમય હોત. વ્યક્તિ હજુ પણ અંગત રીતે ગાંધીમાર્ગે જીવીને તેની પોતાની સૃષ્ટિ રચી શકે છે પણ નેતાગીરી, આતંકીઓ અને ભ્રષ્ટ માનસ ધરાવતા તત્ત્વો, ઉપભોગવાદીઓ, મૂડીવાદીઓના હાથમાં વ્યવસ્થા અને નીતિઓ હોય ત્યારે વ્યક્તિ અમુક હદથી આગળ સમાજને તેના સ્વપ્નનનો આકાર નથી આપી શકાતો.
વિશ્વની ૯૫ ટકા સંપત્તિ પાંચ ટકા લોકો પાસે છે. પર્યાવરણને આપણે ભયજનક રીતે ખોરવી ચૂક્યા છે. પાણીના સ્રોતો, ઊર્જા, તેલ તળિયે છે. આ બધું પૂરવાર કરે છે કે આપણે કે વિશ્વ ગાંધી માર્ગે જીવ્યા નથી. હવે અહિંસક આંદોલનો છેડાય તે વાતમાં દમ નથી. આંદોલનકારીઓની જ ગેમ કરી નાંખે તેવા વિશ્વમાં રાજકારણીઓ છે. ગાંધીજીને આપણા ઘરમાં જીવીઓ તો પણ ખરું.
જ્ઞાન પોસ્ટ
ગાંધીજી 'અહિંસા પરમો ધર્મ' મંત્રના પ્રચારક રહ્યા. ગાંધી ચિંધ્યા આંદોલનની આ પદ્ધતિ અને તત્વજ્ઞાનનું વૈશ્વિક છબિ ઉપસાવવામાં યોગદાન હતું. પણ ગાંધીજીએ હિન્દુ શાસ્ત્રના મૂળ સુવાક્યનો અડધો હિસ્સો જ લીધો હતો. પુરુ સુવાક્ય એવું છે કે, 'અહિંસા પરમો ધર્મ : ધર્મ હિંસા તથીવ ચ' તેનો અર્થ એમ થાય કે 'અહિંસા એ પરમ ધર્મ છે તે જ રીતે ધર્મની રક્ષા માટે હિંસા અનિવાર્ય હોય તો તે પણ પરમ ધર્મ છે.'