Get The App

તાંત્રિકો, અંધશ્રદ્ધાળુઓ દ્વારા અવિરત શિકારને કારણે ધરતી પરથી ઘુવડ ગૂમ થઈ જશે

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
તાંત્રિકો, અંધશ્રદ્ધાળુઓ દ્વારા અવિરત શિકારને કારણે ધરતી પરથી ઘુવડ ગૂમ થઈ જશે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ડૉ. સલીમ અલીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે તાંત્રિકો મેલી વિદ્યાની સાધના કરવા બેસે ત્યારે  આઠ દિવસ સુધી ઘુવડને  ભૂખ્યું રાખે છે 

ભા રતના સામાજિક અને રાજકીય ક્ષેત્રે તાંત્રિકો, ભૂવાઓનું ચલણ એકવીસમી સદીમાં પણ જરાય ઓછું થયું નથી. આ વાત સાબિત કરતો અહેવાલ તાજેતરમાં જ અખબારોમાં પ્રગટ થયો હતો કે તાંત્રિકો તેમની મેલીવિદ્યા સાકાર કરવા ઘુવડનું બલિદાન ચઢાવે છે. તંત્ર સાધનામાં વિવિધ પ્રયોગો કરવા માટે પણ ઘુવડનો ઉપયોગ થાય છે. જેના કારણે વનવિભાગે આ પક્ષીને રક્ષિત જાતિમાં મુક્યું હોવા છતાં ઘુવડનો વ્યાપક શિકાર થાય છે. ઘુવડ ચાલીસથી પચાસ હજાર અને કેટલાક જાતના ઘુવડ તો એક લાખ રૂપિયે નંગના હિસાબે વેંચાય છે! 

દિવાળી નજીક આવે અને યુ.પી.થી દિલ્હી અને છેક મુંબઇના ક્રાફર્ડ માર્કેટ સુધીના પક્ષી બજારમાં ગુપચુપ રીતે ઘુવડનો વેપાર થાય છે. જો કે દેશમાં ઘુવડની લેતી-દેતીનું સૌથી મહત્ત્વનું મથક આગ્રા ગણાય છે. આગ્રાના પક્ષી બજારમાં ઘુવડનું હાથો હાથ વેંચાણ તો થાય છે જ, પરંતુ મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ કે અન્ય કોઇ દૂરના શહેરમાં રહેનાર વ્યક્તિ આગ્રાની માર્કેટમાંથી ઘેરબેઠાં ઘુવડની ડિલીવરી મેળવી શકે છે.

જાણકાર સૂત્રોના કહેવા મુજબ બાર્ન આઉલની કિંમત તો લાખોમાં બોલાય છે. ગયા વર્ષે દિવાળીમાં મુંબઇ શહેરમાં જ બેથી ત્રણ હજાર ઘુવડોનું વેચાણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના કાર્યકરોએ વિવિધ સંશોધનો કરીને રાતના પહેરેગીર મનાતા ઘુવડનો ઝડપથી નાશ થઈ રહ્યો હોવાનું તારણ કાઢયું છે.

આજે શહેરોમાં નવી પેઢી ઉછરી રહી છે જેણે કદી ઘુવડ દીઠું નથી કે તેના વિશેનું જ્ઞાાન પણ અંગ્રેજીમાં બાળપોથીમાં 'ઓ' ઑવલ  (ર્ંઉન્)  નો ઓ સુધી સિમિત રહ્યું છે ત્યારે એવી ભીતી ઊભી થઈ છે કે ઘુવડ કદાચ જોતજોતામાં નામશેષ થઈ જશે. કહે છે કે રોમન લોકો ઘુવડને મોત અને આપત્તિને નોતરનારું અપશુકનિયાળ પક્ષી ગણાવતા. સમ્રાટ ઑગસ્ટસના આવાસ  પાસે એક ઘુવડ કાયમ ચિત્કાર કરતું રહેતું. આ વાત અપશુકનિયાળ છે એમ એક રાજ જ્યોતિષીએ કહ્યું પછી સમ્રાટનું મોત નિપજ્યું એવી  જ રીતે સમ્રાટ કોમોડ્સ ઓરેલિયસના મોત પૂર્વે એક ઘુવડ તેના વિશાળ ખંડમાં ઝૂમ્મર પર આવીને બેસતું હતું. એવી વાયકા પણ છે કે  જુલિયસ સીઝરની હત્યા થઈ તે પૂર્વે ઘુવડોએ ભેગા થઈ મરશિયા ગાતા હોય તેમ ચિચિયારીઓ કરેલી.

રોમ સિવાય બ્રિટનના જુદાં જુદાં પ્રાંતોમાં પણ ઘુવડ બુંદિયાળ મનાય છે. પરંતુ પ્રાચીન કાળમાં ગ્રીસવાસીઓ ઘુવડને દેવી એથીના (સરસ્વતી)નું વાહન  માનીને પૂજતા હતા.  પર્શિયામાં પણ ઘુવડની ગણના બુદ્ધિશાળી પક્ષીઓમાં થતી. ઈરાનીઓ ઘટમાં ઘુવડ પાળતા હતા. જુના સમયમાં મિસરની પ્રજા મેલી વિદ્યા કે જાદુટોણાની અસરથી બચવા પોતાના વસ્ત્રની અંદર ઘુવડના પીંછા ખોસતા અથવા કપડા પર પીંછા ઘસતા હતા.

મરહૂમ ડૉ. સલીમ અલીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે તાંત્રિકો મેલી વિદ્યાની સાધના કરવા બેસે ત્યારે  આઠ દિવસ સુધી ઘુવડને  ભૂખ્યું રાખે છે અને સાધના કરતી વખતે તે સતત ઘુવડને પાતળી સળીથી ચાબખા માર્યા કરે છે. તેઓ  ગ્રામ્યપ્રજાનેે એવું કહીને  ભોળવે છે કે ઘુવડને મારવાથી એ માણસની જેમ બોલવા લાગે છે અને અચૂક ભાવિ ભાખે છે. કેટલાંક તાંત્રિકો ઘુવડને ભૂખ્યું રાખી મારી નાખે છે પછી તેના હાડકા કાઢી લઈ તેની પર જંતરમંતર કરીને નદીમાં પધરાવી દે છે. ત્યારબાદ જો તેને એ હાડકાં પાછા મળે તો તેની મારકવિદ્યા મજબૂત બને છે તેવી માન્યતા છે. 

પર્યાવરણવાદીઓ એવું કહે છે કે જૂના ઘટાદાર વૃક્ષોની કરાતી કાપણી પણ ઘુવડની સંખ્યામાં ઘટાડા માટેનું એક કારણ છે. જાદુટોના કરનારા લોકો પણ ઘુવડના  પીંછા, કાનની બુટ્ટી, હૃદય, લીવર, આંખ, કિડની, હાડકા અને માંસ મગાવતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અન્ય પક્ષીઓને પકડવા તેમજ દવામાં પણ ઘુવડના અંગોનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.  તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે આંધ્ર  બંગાળ વગેરે રાજ્યમાં  કેટલાંક વૈદો ઘુવડના ચોક્કસ અંગમાંથી બનાવેલી દવા વડે રતાંધળાપણા અને સંધિવાનો ઈલાજ કરે છે.

એક લોકકથા એવી છે કે એક દિવસ સૃષ્ટિના સર્જનહારે સર્વજીવોની બેઠક બોલાવી. એક પ્રાણીએ ફરિયાદ કરી કે ઉડવા માટેની પાંખો પક્ષીઓને જ કેમ આપી, જાનવરોને કેમ નહીં? બ્રહ્માએ આ પ્રશ્નનો તો સંતોષકારક જવાબ આપ્યો, પછી પક્ષીઓમાં સૌથી વધુ ચતુર કોણ? બુદ્ધિશાળી હોય  છતાં ગુણિયલ હોય તેવું પક્ષી કયું તેની ચર્ચા ચાલી.

લાંબી ચર્ચાના અંતે ગરૂડ, મોર, કાગડો અને ઘુવડના નામ આગળ આવ્યા. છેવટે બ્રહ્માએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું : ગરુડની બુદ્ધિ તીક્ષ્ણ છે પણ એ ક્રોધી છે. મોરની બુદ્ધિ તેજ છે, પણ સ્વાર્થી છે. કાગડો ચતુર છે પણ તે કુટિલ નીતિમાં માનનારો છે. એટલે ઘુવડ જ એવું પક્ષી છે જે દુર્ગુણોથી  પર છે. એ શાંત, ધીરગંભીર અને એકાંતપ્રેમી છે. આમ તે દિવસથી બ્રહ્માએ ઘુવડને જ્ઞાાનનું વાહન બનાવી ઉચ્ચપદે સ્થાપ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ ઘુવડને મહાદેવી લક્ષ્મીજીનું વાહન ગણાવ્યું છે. છતાં આ ઘુવડની શી દશા છે? 

ઑક્ટોબરથી માર્ચ મહિના સુધીની સિઝન ઘુવડ માટે સંવનનનો કાળ ગણાય છે. પક્ષીપ્રેમીઓને પણ ઘુવડને નજીકથી નિહાળવાનો, અભ્યાસ કરવાનો આ જ સમય સૌથી ઉચિત લાગે છે, પરંતુ ઘુવડને નિરખવાનો મોકો હવે મળે છે જ ક્યાં? ઘુવડની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે. આપણા દેશમાં દશેરા અને દિવાળી વચ્ચે રોજ આશરે ૧૦૦૦ ઘુવડને જીવતાં પકડીને પછી મારી નાંખવામાં આવે છે. મેલી વિદ્યાના સાધકો, તાંત્રિકો, ભૂવાઓ ઘુવડને રિબાવી, તેને ભૂખે મારીને 'બ્લેક મેજિક'નો પાવર મેળવતા હોવાનું કહેવાય છે. આમ અંધશ્રધ્ધા અને જંતરમંતરના પાપે ઘુવડનું નિકંદન નીકળી રહ્યું છે. શું આ પક્ષી એટલું નકામું છે, અશુભ છે કે માનવી નિર્દય બની તેની હત્યા કર્યા કરે?

શાંત  સ્વભાવનું  ઘુવડ એ બારેમાસનું પંખી છે. બારેમાસ દેખાય છે. આપણે ત્યાં 'ઘુવડ' કહેવાય છે. અપભ્રંશમાં તેને 'ઘુડ' પણ  કહે છે. અંગ્રેજો 'આઉલ'ના નામથી ઓળખે છે. ઊત્તર ભારતમાં સર્વત્ર તે ઉલ્લુ તરીકે ઓળખાવાય છે. કેરળમાં ઘુવડની ૧૬ જાતો જોવા મળે છે. તેમાં સૌથી વધુ દુર્લભ ગણાતું ઘુવડ 'કલાન કોઝી' (મોતનું પંખી) તરીકે ઓળખાય છે. ઘુવડની એકસો બત્રીસ જાતિ ગણવામાં આવી છે. તે આખી પૃથ્વી પર બધે જ પથરાયેલી છે. ભારતમાં આશરે ૨૬ પ્રકારના ઘુવડ જોવા મળે છે.  

આ પક્ષીની આંખો સૂર્યપ્રકાશમાં અંજાઈ જાય છે. તેથી દિવસે પોતાના રહેઠાણમાં આખો દિવસ બેસી રહે છે. ત્યારે નરમ અને નિ:સહાય બની જાય છે. દિનચર પંખીઓ સૂરજ ઢળે અને રાતે અંધારા પથરાવા માંડે ત્યારે પોતાને માળે પાછા ફરે. એ સમયે ઘુવડનો દિવસ શરૂ થાય છે. સૂર્યના પ્રકાશમાં અંજાયેલી આંખો ધીમેધીમે અંધારા કાપી-રાતમાં તેજસ્વી થવા માંડે ત્યારે પાંખો પસારી ઘુવડ શિકારે નીકળી પડે છે.

રાતનું એ રાજા ગણાય છે. ખૂબ ઊંચાઈવાળા વૃક્ષો પર એ બેઠક જમાવે છે. અને જામતી  રાત્રે તેની પાંખોનો ફફડાટ સંભળાય છે.  એ જેમ ઊંચાઈવાળા વૃક્ષો પર બેસે છે તેમ ઊંચા ઊંચા  મકાનો પર પણ  બેસે છે. અને  ચીરીરી...વીરીરીરી... જેવો તીક્ષ્ણ અવાજ કાઢે છે. વાડી-ખેતરમાં રહેનારા લોકો કહે છે કે ''ઘુવડ ઘણી જાતના અવાજ કાઢી બોલે છે. ઘણીવાર  તે એકમાણસ બીજા માણસને સાદ કરતો હોય તેવો અવાજ પણ કાઢી શકે છે. અને બાળકના રડવાનો અવાજ પણ કાઢી શકે છે.'' આથી રાતને વખતે કોઈ વટેમાર્ગુ ડરી પણ જાય છે.''

તેના દેહનું કદ કાગડાથી જરા મોટું, માથું ગોળ, માણસને મળતું, આંખોગોળ અને આંખો પર પોપચાં, આંખો પહોળી કરી જૂએ ત્યારે આંખોની કીકીની ચારેબાજુ ડોળાનો સફેદ ભાગ તેનો ચહેરો-મ્હોરો ભયાનક બનાવે છે.

જુદા જુદા પ્રદેશમાં તેના રૂપરંગમાં થોડો થોડો ફેર છે.  ઊડતા ઊડતા હવામાંથી મળીજતી જીવાતને ઘૂવડ મોઢામાં પધરાવે છે, નાના પક્ષી મળી જાય તો પણ ઠીક. બાકી ઉંદરડા તો તેને બહુ ભાવે. ઉંદરને તે ભાળે તો છોડે જ નહીં. તેના દર પર સુધ્ધાં ત્રાટકે.

માદા ઘુવડ કોઈ ઝાડની ડાળ પર એકલી અટુલી બેઠી હોય તો નર ઘુવડ તેને રિઝવવા તેની ઊપલી ડાળ પર જઈને બેસે છે.  ત્યારબાદ ઘુવડ પોતે આણેલું ભોજન (મારેલો ઉંદર કે બીજા જીવને) ચાંચમાંથી એવી રીતે લટકાવે છે કે માદા ઘુવડ એ ખાઈ શકે! જો માદા આ ખોરાક  સ્વીકારી લે તો નર ઘુવડ એવું માની લે છે કે માદાને આ દોસ્તી સ્વીકાર્ય છે. એટલું જ નહીં, માદા એ પણ માની લે છે કે નર ઘુવડ તેનું અને બચ્ચાંઓનું બરાબર જતન કરશે. માદા બચ્ચાં ઉછેરતી હોય ત્યારે વધારાનો ખોરાક લાવવાનું કામ પણ નરઘુવડ કરે છે.

એકવાર પ્રેમસંબંધ બંધાય તો નર અને માદા બંને એકબીજાના ચહેરા પરના પીંછા પીંખે છે. એટલું જ નહીં, બેઉ એકબીજાની સાથે પોતાની છાતી ઘસે છે. જાણે પ્રેમ આલિંગન આપતા હોય. ઘણીવાર તો નર અને માદા બંને વારાફરતી એકબીજાના પીંખાયેલા પીંછા વ્યવસ્થિત ગોઠવી આપતા નજરે પડયાં છે!

ખેર, આ વર્ષે  લક્ષ્મીપૂજન વખતે જો કોઈ ઘુવડનો બલી ચડાવતા પકડાશે તો તેની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાશે એવી ચેતવણી પોલીસ અને પ્રાણીરક્ષકો તરફથી આપવામાં આવી છે. શહેરમાં કે ઉપનગરમાં તમારા ઘરની આસપાસ લક્ષ્મીપૂજન માટે કોઈ ઘુવડ લઈ આવ્યું છે એવી ખબર પડે કે તરત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને  અથવા તો પોલીસને જાણ કરવાની પ્રાણીપ્રેમી સંસ્થાએ લોકોને અપીલ કરી છે. ૧૯૭૨ના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વન્યજીવોને પાળવા કે તેનો શિકાર કરવો એ અપરાધ છે.

બીજીબાજુ એક જ્યોતિષીએ એવી માહિતી આપી હતી કે હકીકત એ છે કે ઘુવડનો ખોરાક ઊંદર છે.હવે ઊંદરોની ફોજ ખેતરોમાંનો ઉભો પાક ખાઇ જઇને ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જે છે.જોકે ઘુવડ ઊંદરોનો શિકાર કરતું હોવાથી ખેતરોમાંના પાકનું રક્ષણ થાય છે.પરિણામે ખેડૂત અને ખેતી બંને સમૃદ્ધ રહે છે.આ જ કારણસર ઘુવડને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે,લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે.જોકે આવા ઉમદા હેતુનું અવળું અને વિકૃત અર્થઘટન કરીને કેટલાંક અંધશ્રદ્ધાળુઓ સંપતિ મેળવવા  બિચારા ઘુવડનો જીવ લઇ લે છે.

આમ ઘુવડ માનવજાતને કોઈ રીતે ઉપદ્રવ કરનાર પંખી નથી. ઊલ્ટુ માનવ કુળમાં મરકીની મરણ પોક મૂકાવનાર, દાણા-કપડાં અને ઘરના રાચરચીલાનું ધનોતપનોત કાઢનારા ઉંદરને રફેદફે કરે છે. એ માનવ જાત ઉપર મહાન ઉપકાર જ ગણાય. 


Google NewsGoogle News