પોતીકાં કોડિયાં ઉછીનાં અજવાળાં .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
દિ વાળીના તહેવાર બળિરાજા સાથે સંયોજાયેલો છે. બળિરાજા દયાળુ, ઉત્સવપ્રિય અને ખૂબ દાનવીર રાજવી હતાં. તેમની પાસે કોઈ હાથ લાંબો કરે તો તે આપી દેતાં બધુય વામન રૂપે શ્રીવિષ્ણુએ સર્વસ્વ માગી લીધેલું. તે ત્રણ પગલાંની વાત જાણીતી છે. તેમના રાજ્યમાં આળસ, મલિનતા ન્હોતાં રોગ-ગરીબી ન્હોતાં, દ્વેષ-અસૂયા ન્હોતાં. વિષ્ણુ ભગવાન તેમના દ્વારપાલ હતા. કલ્યાણકારી રાજ્યના રાજવીના સ્મારકમાં આ તહેવાર ઉજવાય છે. પ્રજા ઘર આંગણાં ચોખ્ખાં કરી, દીવા પ્રગટાવી, અંધારું હટાવી, પૂજા-વિધિ કરી મિષ્ટાન્ન જમતી, નર્તન કરતી, હર્ષોલ્લાસ થતો. આ દિવસે જ સત્યભામાએ શ્રીકૃષ્ણની મદદથી નરકાસુરનો વધ પણ કરેલો અને સોળહજાર રાજકન્યાઓને મુક્ત કરાવેલી. સ્ત્રીઓનો ઉદ્ધાર થયેલો. ભાઈ બેનનો સાત્વિક સંબંધ પણ ભાઈબીજ તરીકે ઓળખાય છે, તે સંદર્ભે યમની વાર્તા પણ છે. આજે એ વાતો વિસરાઈ ગઇ છે, પણ કાકાસાહેબે સાચવી લીધી છે (જીવતા તહેવારો)
ઇન્દ્રપ્રસ્થ રાજા હંસ મૃગયા કરતા હતા ત્યારે તેમનું સ્વાગત હૈમ નામના રાજાએ કરેલું તે દિવસે હૈમને ત્યાં પુત્રોત્સવ હતો એટલામાં એક જ્યોતિષિએ આવીને કહ્યું વિવાહ પછી ચોથા દિવસે તારા દીકરાને સાપ કરડશે, અને મૃત્યુ પામશે. હંસ રાજાએ તે હૈમ રાજાના પુત્રને બચાવવા યમુના નદીમાં એક સુરક્ષિત ઘર બનાવી આપ્યું, ત્યાં રહેવા લાગ્યા. વિવાહ થયો. ચોથા દિવસે યમુનાના ધરામાંથી સાપ આવ્યો ને દીકરાને ડસ્યો. યમદૂતો તેને લેવા આવ્યા ત્યારે હંસરાજાએ તેમને અટકાવ્યા. ત્યારથી દિવાળીનો તહેવાર જે મનાવે તેને ત્યાં મૃત્યુનો પ્રસંગ ન આવે એવી માન્યતા સાથે ઉત્સવ જોડાઈ ગયો. યમરાજાએ હંસને વચન આપ્યું, તહેવાર આ રીતે ઉજવણી પામ્યો. સાવિત્રીની જેમ હંસરાજાએ યમ ઉપર વિજય મેળવેલો, યમનું તર્પણ આમ થાય છે. ધનતેરસ અથવા ધણતેરશ પણ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે. આ દિવસે પાંદડાંની હોડીમાં દીવો કરી નદીમાં વહેતો મુકાય છે. ગાયો, બળદ, ભેંસ વગેરેની પૂજા થાય છે. કાળી ચૌદશે ઉકરડા કાઢી ખેતરમાં ખાતર નંખાતું, નરકાસુરની વાર્તા પણ વંચાતી. ઘર રંગાતા. દિવાળી દીવાનો ઉત્સવ હતો. બેસતુ વર્ષ નવા વર્ષની તૈયારીનું હતું. નવા અન્નનો મહિમા થતો. શિયાળો શરૂ થઇ જાય છે. ભાઈબીજના દિવસે યમ પોતાની બહેનને ત્યાં ગયા. મૃત્યુ નિત્યનૂતનના ઘરમાં પ્રવેશે એનું પણ સ્વાગત થતું - આપણાં શાસ્ત્રો મૃત્યુને પણ મંગલ માને છે. આમ પોતીકાં કોડિયામાં પોતીકાં અજવાળાં પથરાતાં હતાં. જૈનો પણ ભગવાન મહાવીરના નિર્વાણ દિનને ઊર્ધ્વચેતનાનો અવસર ગણે છે. દિવાળીનો દિવસ અમાસનો દિવસ, પિતૃઓનું તર્પણ કરાય છે તે પછીના દિવસથી નવું વરસ શરૂ થાય છે. નવા વરસે નવા સંકલ્પો થાય છે. વેદકાળથી આ ઉત્સવનું મહત્ત્વ છે.
વખત જતાં એ પૌરાણિક કથા વિસારે પડી અને તેની સાથે સંયોજાયેલી પ્રણાલિકાઓ પેઢી દર પેઢી સ્વીકૃતિ પામી. પરિવાર આખો ભેગો થતો. આખા વર્ષનો હિસાબ કિતાબ થતા સરસ્વતી પૂજા વાક બારસે, ધનતેરસ આંગણે ઊભેલાં પશુના શિંગડાં રંગાય, ધન પૂજા થાય. કાળી ચૌદસ નૈવેદ્ય ધરી માતાને અર્પણ થાય. દિવાળીએ પરિવાર સાથે મળી મિષ્ટાન્ન આરોગે અજવાળાં થાય. રાગદ્વેષ ભૂલી જઈ, એકબીજાને મળી નવેસરથી નવા વર્ષની શરૂઆત થાય. આજે ગામનાં ઘર બંધ થઇ ગયાં છે. પરિવાર ત્યાં એકઠો થતો નથી. ગાર-માટીથી દીવાલો, આંગણાં શણગારાતાં નથી. દીવા પ્રગટે છે પણ ઉમળકા હોલવાઈ ગયા છે. વસીત વધી છે પણ માણસાઈ ઘટી છે. કોડિયાં નથી, કોડિયામાં ઘી-તેલ નથી, વીજળીના દીવાએ બધું જ અસલી હોલવી નાખ્યું છે. પેટનાં જણ્યાંય પારકાં થતાં જાય છે. દૂર દેશાવર રહેતા ભાઈઓ હવે દિવાળીએ ઘરે આવવાનું ટાળે છે. આવે તો ઊભા ઊભા આવીને ચાલ્યા જાય છે. ભાઈચારા જેવું કશું જ રહ્યું નથી. માળો ખાલીખાલી લાગે છે. ઉછીના તેજે દીવાળી પ્રગટે છે. આસો મહિનામાં ઘરે ઘરે બંધાતાં આંબા અને આસોપાલવનાં તોરણ ક્યાં રહ્યાં છે ? શરદનો સ્વાદ પણ ક્યાં રહ્યો છે ? ચોઘડિયાં, શુકન, પંચાંગ હવે ક્યાં કોઈ જુએ છે ? કે માને છે ?
પહેલાં દૂર દેશાવર પેટને માટે ગયેલા તે બધા ગામડે પાછા આવે, આખા વરસનો થાક ઉતારે. નવો મિલન ઉત્સાહ લઇને પાછા જાય. પોતીકાં સાથે મળે હળે ભળે. બાળકો એકમેકના પરિચયમાં આવી આત્મીય બને. ભાઈઓનાં બાળકોમાં આત્મીયતા બંધાય. વહુઓ સાથે રહે અને એકબીજાની સાથે હળે મળે આત્મીય થાય. મારાપણું પ્રગટ થાય. દેશાવરની કડવાશ દિવાળીની જાતે બનાવેલી મીઠાઈ ભુલાવી દેતી, દેશાવરના અંધારાં દિવાળી ઉલેચી નાખી અજવાળાં પાથરતી - થાક ઉતારતી. બેત્રણ પેઢી જોડાયેલી રહેતી. આજે એ વાત વિસારે પડવા માંડી છે. ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસો પાંચ પાંડવો જેવા પાંચ ભાઈઓ દરેકનું મહત્ત્વ નોખું નોખું. છેક લાભપાંચમ સુધી રોમેરોમ દીવા ઝગમગે હવે એમાંનું કશું બચ્યું નથી. યાંત્રિકતાએ જીવનરસને શુષ્ક બનાવ્યો છે, દિવાળી સમયનો ટુકડો નહિ, હૈંયાને જોડનારો અવસર સ્નેહપૂર્ણ સેતુ !! એ દિવાળી. આજની દિવાળીએ તો કેવા અનુભવો થાય છે! કોઇએ લખ્યું છે આજે ઉછીના અજવાળે દિવાળી મીણબત્તીથી થાય છે.
કોઈ આવ્યું ના ઘરે,
ના કોઇને મળવા ગયા
ટેબલે કાજુ બદામ,
જેમના તેમ જ રહ્યા
આમ પણ પહેલાંની
માફક ક્યાં કશુંય થાય છે ?
એ જ ટેબલક્લોથ છે,
ને ના ચાદરો બદલાય છે ?
ઘૂઘરા, મઠિયા,
મોહનથાળ ના કોઈ ખાય છે
થોડી સુગરફ્રી મીઠાઈ
ડીસમાં મૂકાય છે
બારણે પ્લાસ્ટિકનાં તોરણો,
સ્ટીકરમાં લાભ શુભ
લક્ષ્મી પગલાં ઉંબરે ક્યાં
કંકુથી કોરાય છે ?
મઠિયાં સુવાળી મગસ તો
ચાલ્યાં ગયાં
બંધ પેકેટમાં હવે દિવાળી ઉજવાય છે.