Get The App

'પાછલું જીવન જોવામાં સાર નથી, માત્ર આગળ શું કરવું એનો વિચાર કરવા પૂરતું જ પાછળ જોવાની જરૂર પડે તો જોવું'

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
'પાછલું જીવન જોવામાં સાર નથી, માત્ર આગળ શું કરવું એનો વિચાર કરવા પૂરતું જ પાછળ જોવાની જરૂર પડે તો જોવું' 1 - image


- પોતાની જન્મતારીખની ચર્ચા અંગે 1934માં સરદારે આવું કહેલું

- સરદારનું જન્મવર્ષ દોઢસોમું, પરંતુ જન્મતારીખ ખોટી?

- સરદાર @150-હસિત મહેતા

- પ્રસિદ્ધ નવલકથાકાર ક.મા.મુનશીએ ૧૯૩૭માં હાઈસ્કુલમાં એક રૂપિયો ભરીને જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું

- 'તમે ભાગ્યશાળી છો કે જન્મદિવસ ચોક્કસ યાદ છે. મને તો વરસ કેટલાં થયાં એ વિશે પણ અટકળથી જ ગપાટો મારવો પડેલ છે.' સરદાર પટેલે છગનલાલ જોશીનાં પત્રમાં આવું લખ્યું હતું...

- 'મારી માને પેટે પાંચ પથ્થર પડેલાં, તે પથરાં કેવા નીકળશે અને શા કામમાં આવશે એનો કશો ખ્યાલ ન હોવાથી કોઈએ દિવસની કે વરસની કશી નોંધ રાખી જ નથી.'

આ જે, સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિએ તેમની નીડરતા, સમર્પણ અને વ્યવસ્થા શક્તિના દાખલાઓ દંતકથા જેવા લાગે છે. તેમના જાહેરજીવનના અડગ અને દીર્ઘદ્રષ્ટિવાળા કાર્યો તો ખૂબ જ જાણીતા છે, પરંતુ તેમના અંગત જીવન, શાળાજીવન, છૈયાંછોકરાની વાતો, વકીલાત સમયની કથાઓ વિશે જોઈએ તેટલી સભાનતા કે જનપ્રચાર થવો બાકી છે. એટલે સુધી કે સરદારના વતન કરમસદ અને જન્મભૂમિ નડિયાદ વચ્ચે, કર્મભૂમિ દિલ્લી-અમદાવાદ અને સત્યાગ્રહભૂમિ બારડોલી વચ્ચે, ગાંધીસૈનિકપણાં અને જવાહરમતભેદપણાં વચ્ચે જાતભાતની અટકળો અને અટકચાળાંઓ થઈ રહ્યાં છે. અરે, આજે ઉજવાતી તેમની જન્મતારીખ ખુદ જ ઈતિહાસના એક ખોટા પાનાની માહિતી જેવી નોંધાયેલી છે.

સરદાર પટેલે જ અનેક વખત કહેલું છે કે ૩૧ આક્ટોબર તેમની સાચી જન્મતારીખ નથી. તેમણે તારીખ ૨-૭-૧૯૩૪એ નાસિકની સેન્ટ્રલ જેલથી છગનલાલ જોશીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં પત્રમાં લખેલું કે 'મારી માને પેટે પાંચ પથ્થર પડેલાં, તે પથરાં કેવા નીકળશે અને શા કામમાં આવશે એનો કશો ખ્યાલ ન હોવાથી કોઈએ દિવસની કે વરસની કશી નોંધ રાખી જ નથી.'

તેમની આ જન્મતારીખની દેન પણ ગુજરાતના પ્રસિદ્ધ નવલકથાકાર ક.મા.મુનશીની છે. ઈ.સ.૧૯૩૭માં કોંગ્રેસમાં ચુંટણી આવી ત્યારે સરદારની જન્મતારીખની જરૂર પડેલી, તેથી મુનશીએ સરદાર છેલ્લે જે શાળામાં ભણ્યાં હતા તે ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં એક રૂપિયો ભરીને સરદારનું મેટ્રિકનું સર્ટિફીકેટ કઢાવ્યું, તેમાં આ '૩૧ આક્ટોબર' લખાઈને આવી.

મહાદેવભાઈએ સરદારની હયાતીમાં, ઈ.સ.૧૯૨૮માં લખેલાં જીવનચરિત્ર 'વીર વલ્લભભાઈ'માં નોંધ્યું છે કે ઘણીવાર તેઓ કહેતાં કે 'નિશાળમાંથી એક ખોટી તારીખ મળી છે ખરી'. સરદાર પટેલે પણ છગનલાલ જોશીનાં પેલાં પત્રમાં લખ્યું હતું કે 'તમે ભાગ્યશાળી છો કે જન્મદિવસ ચોક્કસ યાદ છે. મને તો વરસ કેટલાં થયાં એ વિશે પણ અટકળથી જ ગપાટો મારવો પડેલ છે.'

સરદારની આ ખોટી જન્મતારીખ માટે આપણી પાસે કાયદામાં કોઈ પડકારી શકે નહીં તેવો આધારભૂત પુરાવો હોવા છતાં એ સાચી નથી, એવું ખુદ સરદારે લખેલાં પત્રોમાં, ભાષણોમાં, એમની હયાતીમાં લખાયેલાં જીવનચરિત્રના પુસ્તકમાં નોંધાયેલું છે. આ આરિજીનલ પુરાવો નવાઈ ભરી રીતે સરદારને નામે ચાલતી કોઈ સરકારી ઓફિસ કે સંસ્થામાં નહીં, અમદાવાદ કે દિલ્લીના સ્મારકોમાં નહીં, બારડોલી આશ્રમ જેવા ઐતિહાસિક સ્થળે નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં માત્ર આકર્ષણના પાયા ઉપર રચાયેલાં ઈન્ટરનેશનલ ટુરીસ્ટ સ્પોટ ઉપર નહીં, પરંતુ નાનકડા નડિયાદ શહેરમાં મરવાને વાંકે ચાલી રહેલી સાર્વજનિક ટ્રસ્ટની શાળામાં સચવાયો છે. આ શાળા એટલે પોણા બસો વર્ષ જૂની, નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલી જૂની ગર્વમેન્ટ હાઈસ્કૂલ. આ શાળા એટલે સરદારે પોતાનું શાળાજીવન પૂર્ણ કરીને મેટ્રીકની પદવી જ્યાંથી લીધી હતી તે શાળા, જ્યાં છેક ૧૮૭૫નાં આરિજીનલ રજીસ્ટર (જી.આર.)માં પાન નં. ૧૬૩ ઉપર જી.આર. એન્ટ્રી નંબર: ૨૪૬૦ના ખાને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જન્મતારીખ ૩૧ આક્ટોબરની નોંધ (એન્ટ્રી) છે. આજે 'સરદાર પટેલ હાઈસ્કૂલ'ના નામે ચાલતી આ શાળામાં સરદાર જે પાટલી ઉપર બેસીને ભણતાં હતા તે બેન્ચીસ, માટીનાં નળીયાં અને સાગના પાટીયાની છતવાળાં અસલના વખતનો સરદારનો ક્લાસરૂમ, સરદારના અવતારકાર્યોને રજૂ કરતું પ્રદર્શન, જન્મતારીખના પુરાવાવાળું અસલ જી.આર. રજીસ્ટર, આ બધું જ નિસ્બતપૂર્વક આ નાનકડી શાળાએ જળવાયું છે. ખરે જ, સાચા અર્થમાં આ શાળા જ સરદાર મંદિર છે, સરદાર સ્મારક છે, સરદાર મ્યુઝિયમ પણ અને સરદાર યાત્રા કરવા માટેનો ઐતિહાસિક ટૂરીસ્ટ પોઈન્ટ પણ.

તો પછી પ્રશ્ન થાય કે સરદારની સાચી જન્મતારીખ કઈ હશે ? સરદારે ખુદે કહ્યું હોય તો યે ખોટી તારીખે જ આપણે એમના હેપ્પી હેપ્પી વાલા બર્થ-ડેની ઉજવણી કરતાં રહેવાનું? ના, સાવ એવું ય નથી. સરદારની સાચી જન્મતારીખ વિશેના પણ સંશોધનો થયા છે. ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ ઈ.સ.૧૯૯૦માં પ્રસિદ્ધ કરેલાં પોતાના મૂલ્યવાન (મૂલ્યનિષ્ઠ પણ) સંશોધનાત્મક પુસ્તક 'સરદાર પટેલ : એક સમર્પિત જીવન'ના પ્રથમ પ્રકરણમાં આ વાત લખાઈ છે. તેમને દ્રષ્ટિપૂર્વકના ખાંખાંખોળાં કરતી વખતે સરદારના સગા ભત્રીજા શંભુભાઈ પટેલ સાથે મેળાપ થયેલો. શંભુભાઈ સરદારના સૌથી મોટાભાઈ નરસિંહભાઈના પુત્ર. આ નરસિંહભાઈ જ સરદારના કુટુંબમાં દસ્તાવેજો અને માલ-મિલકતોનો હવાલો રાખતાં હતા. તેમણે પોતાના હસ્તાક્ષરમાં વલ્લભભાઈની જન્મતારીખ એક કાગળમાં લખી રાખી હતી, જે કાગળ શંભુભાઈએ જાતે વાંચેલો અને ગાંધીજીના પૌત્ર સંશોધક રાજમોહન ગાંધીને રૂબરૂ મુલાકાતમાં વર્ણવ્યો હતો. જેમાં લખેલું કે સરદારના એક મામાના દીકરા નારાયણભાઈના જન્મ પછીના એક મહિનાના રવિવારે વલ્લભભાઈનો જન્મ થયેલો, જે આધારે એમ નક્કી થઈ શકે છે કે ક્રમ સંવત ૧૯૩૨ના વૈશાખ સુદ રવિવારે સરદારનો જન્મ થયો હતો. આ હકીકત કુટુંબના સીધી લીટીના વારસદાર શંભુભાઈને વડીલોપાર્જિત જ્ઞાાનને આધારે મળી છે. જે મુજબ સરદારનો જન્મ ઈ.સ.૧૮૭૬ના એપ્રિલની ત્રીસ 

અથવા મે મહિનાની સાતમી તારીખ હોવાનું તારણ શ્રી રાજમોહન ગાંધીએ ખૂબ જ તાર્કીક રીતે રજૂ કર્યું છે. 

હવે??? ગૂંચાવડો પત્યો કે વધ્યો? એકતરફ સ્કૂલના રજિસ્ટરે નોંધાયેલી ૩૧ ઑક્ટોબર, બીજી તરફ સરદારના પત્રો અને ભાષણોમાં એ તારીખ ખોટી હોવાની વાત, ત્રીજી તરફ રાજમોહન ગાંધીનું સંશોધન ૩૦ એપ્રિલ કે ૭ મે. આ ત્રિભેટે આપણે ૧૫૦ વર્ષ પછી પણ મૂંઝવણનજરે ઉભા છીએ. 

દેશના આ મહામાનવ સપૂતની ઉજવાઈ રહેલી ૧૫૦મી જન્મ શતાબ્દીએ તેમની જન્મતારીખ માટેનો પાયો જ ડગેલો નીકળે, તો કરવાનું શું? જવાબ છે સરદારના જીવનને નહીં પરંતુ સરદારના વિચારને, કર્મને, કર્મઠતાને સ્વીકારીએ તો સમજાય કે મહામાનવો તેમના કર્મથી જન્મે છે. ખુદ સરદાર પટેલે જ જન્મદિવસનો અર્થ સમજાવતાં પેલા તા.૨-૭-૧૯૩૪ના પત્રમાં વિચાર આપેલો છે કે '(છગનલાલ), પાછલું જીવન જોવામાં સાર નથી. માત્ર આગળ શું કરવું એનો વિચાર કરવા પૂરતું જ પાછળ જોવાની જરૂર પડે તો જોવું. નહીં તો આજે જ જન્મ થયો છે એમ ગણીને જે કાંઈ શરૂ થઈ શકે તે કરવું. એના જેવું બીજું કશું સારું નથી.'

Ravi-Purti

Google NewsGoogle News