જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે?
- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિક
- શાસ્ત્રો કહે છે કે આત્મા અમર છે. તે માણસના મરણ સાથે મરતો નથી, પણ તેના જીવન પ્રમાણે નવો જન્મ લે છે, પુનર્જન્મ પામે છે.
मृत्योर्बिभेषि किं मूढ भीतं मुञ्चति किं यमः ।
अजातं नैव गृह्णाति कुरु यत्नमजन्मनि ॥
(હે મૂઢ! મૃત્યુથી તું કેમ ડરે છે? ડરપોક માણસને યમ શું (જન્મ-મરણમાંથી મુક્તિ) મોક્ષ આપે છે? એ તો જે જન્મ્યો જ ન હોય તેને (મૃત્યુના પાશમાં) કદી પકડી શકતો નથી. માટે જન્મથી (જન્મ મૃત્યુના ચક્રમાંથી) મુક્ત રહેવાનો યત્ન કર.)
શાસ્ત્રો કહે છે કે આત્મા અમર છે. તે માણસના મરણ સાથે મરતો નથી, પણ તેના જીવન પ્રમાણે નવો જન્મ લે છે, પુનર્જન્મ પામે છે. આ નવા જન્મમાં અગાઉના જીવનમાં પોતે કરેલાં કર્મોનાં મીઠાં-કડવાં ફળ ભોગવે છે. કર્મ-ફળ આપણા હાથમાં નથી. તે આપણી આસ્થા મુજબના પરમાત્મા કે કોઈ દેવતા અથવા કોઈ અવ્યક્ત સર્વ શક્તિશાળી પરમતત્વના હાથમાં છે. તેના નિર્ણયની કોઈને ખબર પડતી નથી. અને અજાણ્યાનો ડર સૌથી મોટો છે. એટલે સૌથી સરળ અને તાર્કિક જડીબુટ્ટી શોધી કાઢવામાં આવી. જન્મે એ તો મરે જ છે, પણ જે આત્મા નવા જન્મના વાઘા ધારણ કરતો જ નથી તેને જમરાજા પણ પકડી શકતા નથી. તેને મરણનો ડર ક્યાંથી થાય ? તો મરણનો ડર જ નિવારવો હોય તેણે ફરી જન્મ ન થાય તો મરણ પણ ન આવે માટે ફરી જન્મ લેવો જ ન પડે એવો ઉપાય કરવો પડે. મુક્તિ અથવા મોક્ષ માટે તપસ્યા સાધના કરવી પડે, અને તે માટે ધાર્મિક ઉપદેશ, દીક્ષા વગેરે લેવાં પડે. આને માટે તક પણ છે. દરેક આત્માએ ચોર્યાશી લાખ જન્મ-મરણના ફેરા કરવા પડે છે. તે દરમિયાન જો પૂરતાં પુણ્ય તે કરે તો પરમાત્મા તેને મોક્ષ આપે. આ અંગેનું અધ્યાત્મજ્ઞાન અસાધ્ય છે. મોટી મોટી લાઇબ્રેરીમાં પણ તેનો સમાસ ન થાય. એને પચાવવા માટે એક જિંદગી ઓછી પડે. અખા ભગત કહે છેઃ
તિલક કરતાં ત્રેપન થયાં
જપમાળાનાં નાકાં ગયાં
કથા સુણી સુણી ફૂટયા કાન
તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન !
આપણે તો શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં સ્પષ્ટ કહ્યું હતું તે અનુસાર, આપણા અધિકાર મુજબ કર્મ કરવું જોઈએ, અનવરત પરિશ્રમ કરવો જોઈએ અને સારું ફળ મળશે એવી શ્રધ્ધા રાખીએ.