બંગાળના મહાન યોગી ભૂપતિનાથ મુખોપાધ્યાયની યોગ-સિદ્ધિઓ
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ભૂપતિનાથ પદ્માસન વાળી બેસી ગયા અને એકાએક શ્રી રામકૃષ્ણ દેવ પરમહંસના શરીરમાંથી વીજળીની જેમ દિવ્ય તેજ નીકળ્યું અને ભૂપતિનાથના શરીરમાં પ્રવેશી ગયું
ભા રતના મહાન યોગીઓમાં એક ભૂપતિનાથ મુખોપાધ્યાયે રામકૃષ્ણ પરમહંસ, તૈલંગ સ્વામી અને ભાસ્કરાનંદ સ્વામી જેવા મહાન સિદ્ધહસ્ત યોગીઓ પાસેથી યોગને લગતું જ્ઞાન અને તેની પ્રક્રિયાઓનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. બાળપણથી જ તે બ્રહ્મતેજથી દૈદીપ્યમાન હતા. પંડિત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે જ યથાર્થ તત્ત્વદર્શન પ્રાપ્ત કરવા યોગ્ય ગુરૂની શોધમાં નીકળી ગયા હતા. તે વખતે આખા બંગાળમાં જેમની ખ્યાતિ પ્રસરેલી હતી તે શ્રી રામકૃષ્ણ પરમહંસને તે મળવા આવ્યા.
ભૂપતિનાથને જોતાની સાથે શ્રી રામકૃષ્ણ પરમહંસને સમાધિ લાગી ગઈ. થોડા સમય બાદ જ્યારે તેમની સમાધિ તૂટી ત્યારે તે હિન્દીમાં એક ગીત ગાવા લાગ્યા - 'રામ કો જો નહીં ચીન્હા હૈ, દિલ ચીન્હા હૈ, સો ક્યા રે' ઔર જાના હૈ, સો કયા રે, સંત વહી જો રામ રસ ચાખે ઔર વિષયરસ ચાખે, સો ક્યા રે ! પુત્ર વહી જો ફુલ કો તારે ઔર જો સબ પુત્ર હૈ, સો ક્યા રે.''
પરમહંસજીના દર્શન ભૂપતિનાથ માટે વરદાન રૂપ સાબિત થયા. તે તત્ત્વજિજ્ઞાસા અર્થે વારંવાર તેમની પાસે આવવા લાગ્યા. એકવાર ભૂપતિનાથ એમને મળવા ગયા. તેમણે એક પ્રાર્થના ગીત ગાયું. તે સાંભળી પરમહંસ ભાવાવેશમાં આવી સમાધિમાં ઊતરી ગયા. ભૂપતિનાથને તેમના ચરણનો સ્પર્શ થયો તે સાથે તેમનામાં બ્રહ્મજ્ઞાન અવતરિત થઈ ગયું અને તેમનું મન અલૌકિક આનંદનો અનુભવ કરવા લાગ્યું. લગાતાર ત્રણ દિવસ સુધી તેમની આ સ્થિતિ રહી. તે બ્રાહ્મ સમાજમાં યોજાયેલા વિદ્વાનોના પ્રવચન સાંભળવા ગયા ત્યારે તેમને તે બધામાં, ચારે તરફ રામકૃષ્ણ પરમહંસ જ દેખાતા રહ્યા.
ત્રીજા દિવસે ભૂપતિનાથ ગંગાસ્નાન કરી ઘેર જઈ રહ્યા હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસેથી એક અદ્રશ્ય શક્તિ એમની સામે આવીને ઊભી રહી અને કહેવા લાગી - 'હું તમને મારી અંદર સમાવી દેવા માંગુ છું.' ભૂપતિનાથે કહ્યું - હમણાં નહીં. નિધન થયા પછી. આટલું સાંભળતાં જ તે શક્તિએ તેનું ત્રિશૂળ ભૂપતિનાથના મસ્તક પર મૂકી દીધું. તે સાથે જ પગથી મસ્તક સુધી વીજળી દોડી ગઈ હોય એવી અનુભૂતિ થઈ. એવું લાગ્યું કે મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિ જાગૃત થઈ, ઊર્ધ્વારૂઢ થઈ ષડચક્ર ભેદન કરી સહસ્ત્રાર ચક્રના સદાશિવને મળી ગઈ. તેમને બધું શિવમય દેખાવા લાગ્યું. પછી તે શક્તિએ ભૂપતિનાથને કહ્યું - 'હવે તમે તમારા ગુરૂ પાસે પહોંચી જાવ. તમારા ગુરૂ છે - શ્રી રામકૃષ્ણ દેવ પરમહંસ.
પછી ઘેર જઈ ભોજન કર્યા બાદ તે તરત જ એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા અને જે ઘટના બની હતી તેની વાત કરી. રામકૃષ્ણ પરમહંસે કહ્યું - 'જલદી શિવ સ્તુતિ કરો ? ભૂપતિનાથ પદ્માસન વાળી બેસી ગયા અને ભગવાન શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. એકાએક શ્રી રામકૃષ્ણ દેવ પરમહંસના શરીરમાંથી વીજળીની જેમ દિવ્ય તેજ નીકળ્યું અને ભૂપતિનાથના શરીરમાં પ્રવેશી ગયું. આ રીતે ગુરૂએ શક્તિપાત કર્યો તે પછી ભૂપતિનાથને થયું કે તે હરિહર બની ગયા છે. થોડી વાર પછી શ્રી રામકૃષ્ણ દેવે તેમને હંસેશ્વર મુક્તિ પ્રદાન કરી.
તે પછી થોડા સમયમાં શ્રી રામકૃષ્ણ પરમહંસે દેહત્યાગ કરી દીધો. તે પછી તે રામકૃષ્ણના શિષ્ય નિત્ય ગોપાલ પાસેથી યોગ શિક્ષણ મેળવવા લાગ્યા. એક રાત્રે તેમને સમાધિ લાગી ગઈ. પછી એવું બન્યું કે તેમનામાં પુરુષત્વનો લોપ થઈ ગયો. તેમની તબિયત બગડવા લાગી. એમને એવું લાગવા માંડયું કે તે મૃત્યુના દ્વાર પર આવીને ઊભા છે. ઘરના લોકો ખૂબ ચિંતિત થઈ ગયા. એ અરસામાં એક દિવસ તેમને તૈલંગ સ્વામીના દર્શન થયા અને તેમને પોતાની પાસે આવવા આકર્ષિત કર્યા. ભૂપતિનાથે રામકૃષ્ણ પરમહંસ તથા નિત્યગોપાલ પાસેથી તૈલંગ સ્વામીની મહાનતા વિશે સાંભળ્યું હતું. તે તરત જ તેમની પાસે કાશી પહોંચી ગયા. તેમની સ્થિતિ જોઈ તૈલંગ સ્વામીએ તેમને જણાવ્યું - 'તમે યૌગિક પ્રક્રિયા ખોટી કરી રહ્યા છો એટલે તમારી આવી દશા થઈ છે. પછી તેમણે તેમને સાચી પ્રક્રિયા શીખવી. ભૂપતિનાથે તૈલંગ સ્વામીએ જણાવ્યું તે પ્રમાણે યોગ પ્રક્રિયા કરવા માંડી. થોડા સમયમાં તેમનું પુરુષત્વ પાછું આવી ગયું અને એકદમ કથળી ગયેલું સ્વાસ્થ્ય એકદમ સુધરવા માંડયું અને સ્થિતિ પુનઃ સામાન્ય બની ગઈ. તેમને તૈલંગ સ્વામી પાસેથી યોગની ઘણી અજ્ઞાત બાબતોની જાણકારી પ્રાપ્ત થઈ.
થોડા દિવસો પછી ભૂપતિનાથને ખબર પડી કે તૈલંગ સ્વામી દેહત્યાગ કરી પરમધામમાં પધારી ગયા છે તેનાથી તે ખૂબ વ્યથિત થયા. તેમણે થયું કે મારી યોગ સાધના અધૂરી જ રહેશે કે શું ? તે વખતે નિત્યગોપાલે કહ્યું - 'તૈલંગ સ્વામીની સમકક્ષ ગણાય એવા એક અન્ય યોગી કાશીમાં રહે છે. તે છે સ્વામી ભાસ્કરાનંદ. તમે એમને મળો અને તમારી સ્થિતિ વિશે વાત કરો. અત્યારે આખા ભારતમાં તેમના જેવા કોઈ સિદ્ધ યોગી વિદ્યમાન નથી. તે તમારી અધૂરી યોગ સાધના પૂરી કરાવશે.
યોગી ભૂપતિનાથ કાશી આવ્યા અને દુર્ગા કુણ્ડમાં આવેલા એક આવાસમાં સ્વામી ભાસ્કરાનંદજીને મળવા ગયા. સ્વામીજીએ તેમની અધૂરી સાધના પૂરી કરાવી અને તેમને પણ સિદ્ધ યોગી બનાવી દીધા. ભૂપતિનાથની સાધનાથી પ્રસન્ન થઈ ભગવાને એમને સાક્ષાત્ દર્શન પણ આપ્યા હતા. ભૂપતિનાથજીની યૌગિક સિદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે તે જેને આશીર્વાદ આપે તેને તરત સમાધિ લાગી જતી. સમાધિ અવસ્થામાં તેને ઇશ્વરના દર્શન થઈ જતા કે પરમ તત્ત્વનો સાક્ષાત્કાર થઈ જતો !
યોગી ભૂપતિનાથ તીર્થયાત્રા પર નીકળ્યા હતા તે વખતનો એક પ્રસંગ છે. જ્ઞાનેન્દ્ર ચૌધરી નામનો એક યુવક સિદ્ધ યોગીની શોધમાં આગરાના જંગલમાં ભટકતો હતો. તે વખતે થોડા દિવસો માટે તેનો મેળાપ ભૂપતિનાથ સાથે થઈ ગયો. તે બન્ને કોઈ મંદિર પાસે પહોંચે ત્યારે ભૂપતિનાથ હોમ-હવન કરતા. તે માટે જ્ઞાનેન્દ્ર સૂકા લાકડા લઈ આવતો. તે વખતે તો તેને ભૂપતિનાથની યોગસિદ્ધિઓ વિશે કશી ખબર નહોતી. તે તેમને ંતેમને પોતાના જેવી સામાન્ય વ્યક્તિ જ સમજતો હતો. એક દિવસ એક દુર્ઘટના બની ગઈ. લાકડા વીણતાં નાગફણીનો ધારદાર કાંટો જ્ઞાનેન્દ્રની આંખમાં ઘૂસી ગયો. તેને સખત પીડા થવા લાગી. દવા કરવા છતાં તેને સારું થયું નહીં. પછી સાત-આઠ દિવસ બાદ ડૉક્ટરોએ તેને કહ્યું - કાલે તારી આંખનું ઓપરેશન કરીશું. એ સિવાય તને સારું નહીં થાય.
જ્યારે યોગી ભૂપતિનાથને આ વાતની ખબર પડી તો તેમણે જ્ઞાનેન્દ્રની પીડિત આંખ પર બે વાર તેમનો હાથ ફેરવ્યો. ઘડીના છઠ્ઠા ભાગમાં જ્ઞાનેન્દ્રની આંખની પીડા ગાયબ થઈ ગઈ. એને એવું લાગ્યું કે જાણે એની આંખને કશું થયું જ નથી. તે સમયે પણ જ્ઞાનેન્દ્ર એવી કલ્પના કરી શક્યો નહીં કે ભૂપતિનાથ મહાન સિદ્ધ યોગી છે. તે કેવળ આ ચમત્કાર જેવી ઘટનાથી વિસ્મય જરૂર પામ્યો. બીજે દિવસે એનાથી વધારે મોટો ચમત્કાર સર્જાયો. જ્ઞાનેન્દ્ર ઓપરેશન માટે હોસ્પિટલ પહોંચ્યો. ઓપરેશનની બધી તૈયારી થઈ ચૂકી હતી. જ્ઞાનેન્દ્ર સ્ટ્રેચર પર સૂઈ ગયો તે પછી ડૉક્ટરોએ તેની આંખનું પરીક્ષણ કર્યું તો તે વિસ્મયપૂર્વક બોલી ઉઠયા - અત્યારે તો આંખ એકદમ બરાબર છે. કોઈ તકલીફ છે જ નહીં. ઓપરેશનની જરાય જરૂર નથી, આંખ એટલી સારી છે કે તેમાં હવે કોઇ દવા નાંખવાની પણ જરૂર રહી નથી. તે વખતે જ્ઞાનેન્દ્રને ખ્યાલ આવ્યો કે આ ભૂપતિનાથના હસ્તસ્પર્શનો ચમત્કાર છે. તેમની યોગસિદ્ધિથી આ બન્યું છે.