બોલો ઈશ્વર, શું લઈ આવું? .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- 'બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર/ ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે!'
ગ ઝલ આજે સૌથી વધુ લખાતો અને વંચાતો કાવ્યપ્રકાર છે. તેની લોકપ્રિયતાનું એક કારણ લાઘવ. ગઝલનું એકમ છે શેર, જે બે જ પંક્તિનો હોય. બીજું કારણ મૌખિક પરંપરા. ઉર્દૂ અને ગુજરાતી ગઝલ જેટલી વાંચવાની તેટલી (બલ્કે તેથી વધારે) સાંભળવાની વસ્તુ રહી છે. તેનો પ્રચાર કર્ણોપકર્ણ થતો રહે છે. શેર બહુધા 'ચોટ પહોંચાડે તેવો' રચાતો હોઈ સદ્યસ્પર્શી બને છે. આ કારણોથી આપણે છૂટા શેરને પણ આસ્વાદી શકીએ છીએ. તો માણીએ સુરેશ ઝવેરીના કેટલાક શેર :
પ્રેમ કરે છે હા-ના કરતા
રહેવા દે ને આના કરતા
'બહુ વિચારીને પ્રેમ કરવા કરતાં, ન કરવો સારો.' શિખામણમાંથી શેરનું સર્જન કરે તે શાયર. પહેલી પંક્તિમાં 'હા-ના કરવી' (અવઢવમાં રહેવું) રૂઢિપ્રયોગનો લાભ લીધો છે, જેનાથી શેરને બોલચાલની ભાષાનું ચાલકબળ મળે છે. 'તું પ્રેમ કરવો રહેવા દે' એવા વ્યાકરણશુદ્ધ વાક્યથી કવિતા ન બને. 'રહેવા દે ને આના કરતા' બોલાતી ભાષા છે, જે ગઝલને માટે અનુકૂળ મનાય છે. 'હા-ના' બે શબ્દનો પ્રાસ 'આના' એક શબ્દ સાથે મેળવાયો હોવાથી કાનને અનપેક્ષિત આનંદ મળે છે. બીજી પંક્તિમાં ઉપાલંભનો કાકુ સંભળાય છે.
વૃદ્ધાશ્રમ સારો લાગે છે
ખાલીખમ સારો લાગે છે
સ્નેહીસંબંધીથી વિખૂટા થઈ વૃદ્ધાશ્રમમાં રહેવું કોને ગમે? આવા વૃદ્ધોની દશા જોવી ય કોને ગમે? તો શાયરે 'વૃદ્ધાશ્રમ સારો લાગે છે' કેમ કહ્યું? પરંપરાની ગઝલની રચનારીતિ દાવા-દલીલની રહી છે. પહેલી પંક્તિમાં કરાયેલા દાવાને બીજી પંક્તિની દલીલ વડે સાચો ઠેરવવો પડે. બીજી પંક્તિમાં 'ખાલીખમ' વિશેષણ ઉમેરીને શાયર પહેલી પંક્તિનું શીર્ષાસન કરાવે છે. વૃદ્ધાશ્રમ આમ તો દીઠો નથી ગમતો, હા, તેમાં કોઈ રહેતું ન હોય તો ગમે. આવા નર્મમર્મસભર લઘુકાવ્યને અંગ્રેજીમાં 'એપિગ્રામ' કહે છે.
વાતનું ખોટું વતેસર ના કરે
ધર્મગુરુ હોય તો એના ઘરે
આ શેરની બન્ને પંક્તિને રૂઢિપ્રયોગનું બળ મળ્યું છે. સાચા ધર્મમાં 'વાત' (તથ્ય, સચ્ચાઈ) હોય, 'વતેસર' (ટાયલું, લંબાવેલું, ડોળેલું) ન હોય. શાયરને ધર્મ પરત્વે નહિ પણ ગેરમાર્ગે દોરતા ધર્મગુરુઓ પરત્વે રોષ છે.
માયા છોડો, છોડાવો નહિ
અમને ઝાઝું બોલાવો નહિ
આ ઉક્તિ કોને સંબોધીને કહેવાઈ તે વાચકની કલ્પના પર છોડી દેવાયું હોવાથી વાચકને સહિયારા સર્જનનો આનંદ મળે છે. 'ડાહી સાસરે જાય નહિ ને ગાંડીને શિખામણ આપે.' સાધુઓમાં ચેલા મૂંડવાની હરીફાઈ આપણે ક્યાં નથી જોઈ? શાયરે ઓછું બોલીને ઝાઝું કહ્યું છે.
રામના નામે તરે, વાંધો નથી
રામના નામે ચરે, એ ઠીક નહિ
અહીં 'ચરવા'ના લાક્ષણિક અર્થનો લાભ ઉઠાવાયો છે. 'કામધેનુને જડે નહિ એક સૂકું તણખલું/ ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.' (કરસનદાસ માણેક)
ખાલી હાથે હું નહિ આવું
બોલો ઈશ્વર, શું લઈ આવું?
શિષ્ટાચાર પ્રમાણે કોઈના ઘરે ખાલી હાથે ન જવાય, ભેટ લઈ જવાની હોય. પહેલી પંક્તિ વાંચતાં આટલો અર્થબોધ થાય. પણ બીજી પંક્તિમાં ઈશ્વરના ધામે જવાની વાત નીકળે. શાસ્ત્રો કહે છે કે ખાલી હાથે આવ્યાં હતાં અને ખાલી હાથે જવાનાં. સંસારમાંથી શી રીતે કશુંય લઈ જવાય? તેય ઈશ્વર માટે? અહીં શાયરની ખુમારી કળી શકાય છે. ઈશ્વર પાસે માગવાવાળા ઘણા હોય પણ દેવાવાળા? મહાભારતના આદિપર્વમાં કથા છે: શ્રીવિષ્ણુએ પ્રસન્ન થઈને ગરુડને કહ્યું: વત્સ, વરદાન માગી લે! ગરુડે વિનયપૂર્વક ઉત્તર વાળ્યો, ભગવન્, આપે ઘણું આપ્યું, હવે આપ માગી લો અને હું આપું. યાદ આવે છે ઉમાશંકર જોશીની પંક્તિઓ:
'શું શું સાથે લઈ જઈશ હું?
કહું ?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
વસન્તની મ્હેકી ઉઠેલી
ઉજ્જ્વલ મુખશોભા જે નવતર
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ
મહીં ઝિલાયો તડકો,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય
શિલાનું મૌન ચિરંતન,
બાળકનાં કંઈ અનંત
આશ-ચમકતાં નેનાં...'
સુરેશ ઝવેરીની ગઝલના કેટલાક શેર :
લઈ હાથમાં ખોટી ખરી કરવી નહીં
દીવાસળીની બહુ સળી કરવી નહીં
કાયમ નમેલું ના રહે જોજો તમે
માથું નમે ત્યાં માગણી કરવી નહીં
મારું હૃદય છે, પ્રેમથી રાખો તમે
એમાં પછી કારીગરી કરવી નહીં
દેખાઉં છું હું એટલો ભોળો નથી
ચૂનો લગાડી ખાતરી કરવી નહીં
જેના પ્રત્યે આદર હોય તેના ઓશિંગણ શું કામ બનવું? માથું શ્રદ્ધાથી નમવું જોઈએ, શરમથી નહિ. ઉપકારના ભારથી માથું ઝૂકેલું જ રહે. અરુણ કોલટકર મરાઠી કાવ્ય 'વામાંગી'માં લખે છે કે તેમણે પંઢરપુરના મંદિરમાં રુક્મિણીના પગે માથું ટેકવ્યું. પણ પછી 'પગે અડાડેલું માથું/ લઈ લીધું પાછું/ મને જ આગળ ઉપર/ ખપમાં આવે એટલે.' માથું નમાવવું, પણ નમેલું ન રાખવું.
કારીગરી કરવી એટલે જાણે કોતરણી કરવી. મેં તમને હૃદય આપ્યું, તેમાં ઉઝરડા ન પાડશો. યાદ આવે મરીઝનો શેર, 'બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર/ ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે!'
સુરેશ ઝવેરીની શૈલી કહેવત-રૂઢિપ્રયોગ-બોલચાલના લહેકા- હાસ્ય-વ્યંગથી આકર્ષક બને છે.