વલ્લભભાઈને મોટા માણસ નાના હતા ત્યારથી જ થવુું હતું
- સરદાર @150-હસિત મહેતા
- સરદારના મામા ડુંગરભાઈ જીજીભાઈ દેસાઈ
- ઘરની સાધારણ સ્થિતિ વચ્ચે વલ્લભભાઈ ઝડપથી કોઈ નોકરી-ધંધે વળગીને કમાતા થઈ જાય, એમ વિચારી મામા ડુંગરભાઈએ તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં નાનકડી નોકરી સ્વીકારવાનો આગ્રહ કર્યો
જે વૃક્ષના બીજ ઊંડા અને કસવાળી જમીનમાં વવાયાં હોય તેને યોગ્ય સિંચન, રક્ષણ અને તક મળે તો તે ઘટાદાર અને સુફળો આપનાર બને છે. વલ્લભભાઈના બાળપણમાં તેમની પછીથી પાંગરનારી પ્રતિભાના બીજ મળી રહે, તેવા અગણિત દાખલાઓ અને ઘટનાઓ મોજુદ છે.
તેમના વતન વિશે એલેકઝાંડર ફોર્બ્સ નામના અંગ્રેેજ અધિકારીએ નોંધ્યું છે કે ચરોતરની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી. આપણે એ નોંધવુ જોઈએ કે આ ફળદ્રુપતા માત્ર જમીનની કે ખેતીની જ નહીં, પરંતુ સપૂતોના ઉત્તમોત્તમ પાકને લણનારી હતી. આ એ ભૂમિ હતી જ્યાંથી ગાંધીના સદાયના સાથી સરદાર પટેલ જેવા અનેક મહાવીરોએ દેશોદ્ધાર માટે જીવન ન્યોચ્છાવર કર્યા છે.
બારડોલી સત્યાગ્રહની જ્વલંત સફળતા પછી ગાંધીજી બોલ્યાં છે કે '(કોઈપણ) સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં રહી છે.... મને વિચાર આવ્યો કે (બારડોલીમાં) ઉપસેનાપતિ કોણ હશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મેં તેમની પહેલી મુલાકાત લીધી ત્યારે એમ થયું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પ્રસંગમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ.... વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.'
વલ્લભભાઈના નિકટના સાથીદાર શ્રી પુરુષોત્તમદાસ ટંડને તેમની હયાતી દરમ્યાન, ૧૯૪૭ની ૨જી નવેમ્બરે, 'પ્રજાબંધુ' સાપ્તાહિકમાં સરદારના વ્યક્તિત્વની ઝીણી રેખાઓ બતાવતાં લખ્યું હતું કે, '(વલ્લભભાઈના) ઉપસી આવેલાં ગાલનાં હાડકા અને જડબાંની સ્પષ્ટ રેખાઓવાળો દ્રઢ ચહેરો એમ સૂચવે છે કે આ માણસ વિચારશીલ હોવા કરતાં કાર્યશીલ વિશેષ છે. તેમની ભારે પોપચાંવાળી આંખો એમ સૂચવે છે કે આ માણસમાં છુપાવવાની શક્તિ ઘણી છે.... તેમની મુખાકૃતિ જ તેમના કાર્યશીલ સ્વભાવની પ્રતીતિ કરાવે છે....આપણને એમ જ લાગે કે મુશ્કેલીના સમયમાં આ માણસ તરફથી આપણને ઉત્સાહ અને સાચી દોરવણી મળશે.'
બાળ વલ્લભભાઈમાં અડગતા, નિડરતા અને કર્મનિષ્ઠ અભિગમના અજવાળાં પથરાઈ ચૂક્યા હતા. તેઓ માતા લાડબાના નરમ સ્વભાવ કરતાં પિતા ઝવેરભાઈના કડક સ્વભાવના વધુ વારસદાર હતા.પરંતુ આ કડકાઈમાં ક્યાંય સ્વચ્છંદતા, અન્યાય કે સંવેદનહીનતા નહોતી. પોતે જે ધારે તે કરે, પોતે જે અનુભવે તે જ કહે, પોતે જે નક્કી કર્યું હોય તે માર્ગ છોડે નહીં, તેટલું નક્કી.
વલ્લભભાઈ સાધારણ કુટુંબના સંતાન હોવા છતાં તેમના મનમાં મહત્વાકાંક્ષા ઘણી મોટી હતી. એમને બહુ મોટા માણસ નાના હતા ત્યારથી જ થવુ હતું. એ માટે બૅરિસ્ટર બનવું હતું, વિલાયત જવું હતું અને સફળ વકીલ થવું હતું. પોતાના જીવનનો આવડો મોટો નકશો તેમણે છેક કરમસદમાં પ્રાથમિક શાળાની નાનકડી ઉંમરે આંકી દીધો હતો. એ માટે માર્ગમાં જે કોઈ અડચણો આવે તેને મક્કમતાથી એમણે હડસેલી દીધી હતી. સાવ નાની ઉંમરે, મોટા માણસો આગળ, મોટી મોટી ઘટનાઓ સામે પણ.
જેમ પોતાના વિરોધીને, જેમ ગુલામ બનાવનાર અંગ્રેજોને, જેમ દેશદ્રોહીઓને, તેમ પોતાના પરિવારજનોને પણ તેમણે ખોટી વાતમાં છોડયા નથી. મેટ્રિકના વર્ષોમાં તેઓ વડોદરાની સ્કૂલમાં સારું અંગ્રેજી ભણવાની આશાએ ગયા, અને નિરાશા સાથે બે મહિનામાં પાછા આવ્યા. ત્યારે મામા ડુંગરભાઈજીજીભાઈ દેસાઈએ એમને પૂછયું કે 'કેમ પાછો આવ્યો?' વલ્લભભાઈએ એમને કડવું સત્ય કહી દીધું કે 'ત્યાં કોઈ માસ્તરને ભણાવતાં જ નથી આવડતું.' એકવાર તેમને કોઈક કારણે મામા પર રીસ ચડી, તો ખેડૂતને ખોટું કહીને મામાના દોઢ વીઘું ખેતરનો તમાકુ પાક પૂરતો પાકે તે પહેલાં જ કપાવી નાંખેલો.
ઈ.સ.૧૮૯૭માં, ૨૨ વર્ષની ઉંમરે તેઓ મેટ્રિક પાસ થયાં ત્યારે તેમણે મોટા માણસ થવા માટે બૅરિસ્ટરનો ધોરી માર્ગ પસંદ કરી લીધો હતો. એ માટે વિલાયત જવાનાં સપના સેવી લીધા હતા. તગડી કમાણી કરીને સુખસંપતિવાળું જીવન શરૂ કરવાના અરમાન ઉછેર્યા હતા. પરંતુ ઘરની સાધારણ સ્થિતિ વચ્ચે વલ્લભભાઈ ઝડપથી કોઈ નોકરી-ધંધે વળગીને કમાતા થઈ જાય, એમ વિચારી મામા ડુંગરભાઈએ તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં નાનકડી નોકરી સ્વીકારવાનો આગ્રહ કર્યો. આ સંદર્ભે મહાદેવભાઈ દેસાઈએ પોતાની ઈ.સ.૧૯૩૨ની ડાયરીનોંધમાં સરદારના શબ્દો ટાંકીને લખ્યું છે કે 'મારી ભલાઈ માટે તેમણે (મામા ડુંગરભાઈએ) મને મુકાદમની નોકરી અપાવવાની વાત કરી, કે જેથી હું તાબડતોબ આજીવિકા રળવા માંડુ.' પરંતુ આ ઉભરતા યુવાનમાં મોટી મહત્વાકાંક્ષા ઉછરી રહી હતી. સામાન્ય નોકરીથી આ સાહસિક યુવાનને સંતોષ થાય તેમ નહતો.
મામા ડુંગરભાઈએ તેમણે ઘણાં સમજાવ્યાં. એ સમયે તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચીફ એન્જિનિયર હતા. છતાં મામાની વાત તેમણે માની નહીં. પેટલાદમાં પાંચમા ધોરણે ભણતાં વિદ્યાર્થી વલ્લભભાઈએ પોતાની રૂમની દીવાલ ઉપર 'એક્તા મોટું બળ' સૂત્ર લખી દીધું હોય, અને જાહેરજીવનમાં તેઓ 'હું જતાં પહેલાં દેશને શક્તિશાળી અને સંગઠિત બનાવીને જઈશ.' એમ બોલતા હોય, તો સમજી શકાય કે નાનકડી નોકરી સ્વીકારવાની બાબતમાં મામાની સામે થઈ જનારો આ બાળક, પાકી સમજણ બેસતાં કેવી નિસ્બતથી દેશની સાથે થઈ ગયો હતો.