Get The App

અદલા બદલી કરવાની જરૂર છે .

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
અદલા બદલી કરવાની જરૂર છે                        . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- આ ગેમનું નામ અદલા બદલી છે. તમારે એક મહિના સુધી આ ગેમ રમવાની છે. દર અઠવાડિયે હું તમને અલગ અલગ કામ સોંપીશ અને તમારે તે પ્રમાણે કરવાનું

'મ યુરિકા કેમ આટલી ચિંતામાં દેખાય છે. વિશ્વાસ કુમાર સાથે ઝઘડો થયો છે કે પછી નવી વહુ સાથે ફાવતું નથી. તબિયત તો સારી છે ને તારી. કેમ નંખાઈ ગયેલી દેખાઈ છે?' - વનલતા બાના અવાજમાં ચિંતા જણાઈ.

'મમ્મી, એવું કંઈ નથી. આ તો થોડું...' - મયુરિકા એટલું જ બોલી અને રડી પડી. વનલતાબેને તેનો બરડો પસવાર્યો અને છાની રાખી. રસોડામાંથી પાણી લાવીને આપ્યું. મયુરિકાએ ઘુંટડો ભર્યો અને જાણે કે થોડા હિબકાને ગળાની નીચે ધકેલ્યા હોય તેમ ખોંખારો ખાધો.

'બોલ બેટા, શું થયું છે. તું આમ અચાનક મને બોલાવે તો મનેય ખબર તો પડે જ ને કે કંઈક લોચા છે. આમ રડાતું હશે. હવે તો તું સાસુ થઈ ગઈ. સાસુઓ જબરી જ સારી લાગે, રડતી નહીં.' - વનલતા બા બોલ્યા અને હસી પડયા. મયુરિકાના ચહેરા ઉપર પણ આછું સ્મિત આવ્યું.

'મમ્મી, વાત એવી છે કે, નૈષધ અને સ્વરા છૂટાછા લેવા માગે છે. તેઓ કહે છે કે, હવે સાથે રહેવાની હિંમત નથી. લગ્નના ત્રણ વર્ષે હવે છુટા પડવું છે. કોલેજથી માંડીને અત્યાર સુધી દસ વર્ષથી સાથે રહ્યા છે અને હવે કહે છે કે, સાથે રહેવું નથી.' - મયુરિકાનો અવાજ પાછો તરડાયો.

'સારું. એક કામ કર, મને આવતા મહિને તેમની પાસે મુંબઈ લઈ જા. આમેય ઘણા વખતથી હું ક્યાંય બહાર ગઈ જ નથી. તારા પપ્પા એમના મિત્રો સાથે ક્યાંક ધાર્મિક યાત્રા કરવાના છે, હું અહીંયા રહું કે નૈષધની સાથે મારે તો સમય જ કાઢવાનો છે. તને અનુકુળ હોય તો તું પણ આવી જજે.' - વનલતા 

બેને કહ્યું.

'આપણે ક્યાંય જવાની જરૂર જ નથી. એ બંનેની ટ્રાન્સફર અમદાવાદ થઈ ગઈ છે. હવે અહીંયા જ રહેવાના છે. એક ચિંતા તો ઓછી થઈ છે.' - મયુરિકાએ કહ્યું. 

'વાહ, બંને જણા અહીંયા આવી રહ્યા છે તો સમજી લે તારું કામ પચાસ ટકા તો પૂરું થઈ ગયું. બાકીનું તું મારી ઉપર છોડી દે. જલસા કર, નાની વહુ સાથે મોજમજા કર એટલે મોટી વહુને થોડી બળતરા થવા લાગે.' - વનલતા બા બોલ્યા અને મયુરિકા હસી પડી.

પંદર દિવસ પછી નૈષધ અને સ્વરા અમદાવાદ આવી ગયા. તેઓ એકબીજાની સાથે વાત કરવાનું ટાળતા હતા. મયુરિકા આ બધું જોતી હતી પણ તેની હિંમત નહોતી કે મોટા દીકરા અને વહુને સમજાવે. તેના આ પહેલાના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. તે મુંઝાતી હતી પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. તે વનલતા બા રહેવા આવે તેની રાહ જોતી હતી.

તેની ઈચ્છા ઝડપથી જ પૂરી થઈ. તેની મમ્મી કહ્યા કરતા વહેલા જ તેના ઘરે રહેવા આવી ગઈ. વનલતા બાને આવેલા જોઈને નૈષધ અને સ્વરા વધારે હરખાઈ ગયા. તેઓ મનોમન વિચારતા હતા કે, વનુ બા જ તેમના નિર્ણયને સમર્થન આપશે અને તેના કારણે બાકીના લોકોની મગજમારી રહેશે નહીં અને સરળતાથી છુટા પડી જવાશે.

એક સાંજે બધા ડિનર કરીને વાતો કરતા હતા ત્યાં નૈષધ બોલ્યો, 'અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે.'

'તારી વાત પછી કહેજે પણ પહેલાં મારે એક વાત કરવી છે. નિહાર અને ખ્યાતીનો પણ લગ્ન સંસાર શરૂ થઈ ગયો છે. તમે લોકો પણ અહીંયા છો ત્યારે મારા ઘરની પરંપરા પ્રમાણે નવી વહુ આવે ત્યારે મોટી વહુ અને દીકરા પાસે એક સામાજિક રમત રમાડવાની હોય છે. તમે લોકો અહીંયા આવ્યા છો તો આ સમય ગુમાવવો નથી.' - વનુબાએ કહ્યું.

'વનુ બા, અમે ગેમ રમીએ તેનાથી નિહાર અને ખ્યાતીને શું લાભ થવાનો છે?' - સ્વરાએ કહ્યું.

'બેટા, આપણા ઘરની અને આ સંસારની આ તો મજા છે. બસ એક મહિનો આ ગેમ રમવાની છે. ત્યારબાદ તમારે જે કહેવું હોય એ કહેજો અને જે કરવું હોય એ કરજો. આ ઘરની કામગીરી પૂરી થાય એટલે ખ્યાતી અને નિહાર પણ છુટા અને તમે પણ.' - વનુબાએ કહ્યું.

'સારું, પણ આ ગેમનું નામ શું છે?' - સ્વરાના અવાજમાં ઉત્સુકતા હતી.

'આ ગેમનું નામ અદલા બદલી છે. તમારે એક મહિના સુધી આ ગેમ રમવાની છે. દર અઠવાડિયે હું તમને અલગ અલગ કામ સોંપીશ અને તમારે તે પ્રમાણે કરવાનું. એક મહિના પછી ગેમ પૂરી અને નવા વરઘોડીયાને આપવાનો સંદેશ પણ મળી જશે.' - વનુબાએ કહ્યું.

'સ્વરા અને નૈષધ સાંભળો! તમારે એક અઠવાડિયા સુધી તમારા દરેક કામ જાતે જ કરવાના છે. તમારા માટે ટિફિન પણ જાતે જ બનાવવાનું છે. ઘરની કોઈ વ્યક્તિ તમને કોઈ મદદ નહીં કરે. તમે બંને ઘરમાં એકલા જ છો તેવી રીતે ઘરના તમામ કામ પરવારીને તમારે નોકરી જવાનું છે. તમે એકબીજાને પણ મદદ નહીં કરી શકો. રજાના દિવસે પણ આ રમત ચાલુ જ રહેશે. ત્યાર બાદ બીજા અઠવાડિયે બીજું કામ આપીશ.' - વનુબાએ કહ્યું અને બંને તૈયાર થઈ ગયા.

ત્યારબાદનું એક અઠવાડિયું બંને માટે થોડું કપરું ગયું પણ બંને બધા જ કામ કરતા થઈ ગયા. બીજા અઠવાડિયે દાદીએ તેમની ભૂમિકા બદલી કાઢી. સ્વરા જે કામ કરતી હતી તે નૈષધે કરવાનું હતું અને નૈષધના કામ સ્વરાએ કરવાના હતા. દાદીએ સોંપેલું આ કામ ખૂબ જ અઘરું સાબિત થયું હતું.

નૈષધ સવારે વહેલો જાગતો, બંને માટે રસોઈ બનાવતો, ટિફિન બનાવતો, ચા-નાસ્તો તૈયાર કરતો અને ઘરમાં સાફસફાઈ કરીને પરવારીને ઓફિસ જતો. સાંજે ઓફિસથી આવતો, રસોઈ કરતો, વધારાના વાસણો ધોતો અને ઘરમાં રખરખાવ કરતો. બીજી તરફ સ્વરા બજારમાં જતી, દૂધ, શાક, વસ્તુઓ લાવતી, બેન્કના કામ કરવા, કંઈ બગડયું હોય, જોઈતું હોય તો લાવવું, રિપેર કરાવવું જેવા કામ કરવા લાગી હતી.

બે અઠવાડિયા પૂરા થયા પછી બંને હાંફી ગયા પણ કોઈપણ ભોગે મહિનો પૂરો કરવો તો પડે તેમ જ હતો. દાદી આગળ તેઓ કશું જ બોલી શકે તેમ નહોતા. બીજું અઠવાડિયું પૂરું થયું તેની રાત્રે દાદી બંને પાસે આવ્યા. તેમણે જણાવ્યું કે હવે ત્રીજા અઠવાડિયે બંનેએ ભેગા થઈને ઘરના બધા કામ કરવાના છે. તેઓ બધા જ કામમાં એકબીજાને મદદ કરશે. 

ત્રીજું અઠવાડિયું તો સરસ રીતે પસાર થઈ ગયું. બંને સાથે જાગતા, કામ કરતા, ઓફિસ જતા, રસોઈ કરતા, ઘરે આવતા, ઘરના કામ કરતા અને આનંદ કરતા. ત્રીજું અઠવાડિયું ક્યાં પસાર થઈ ગયું તેમને ખબર જ ન પડી. ત્યારબાદ ચોથા અઠવાડિયામાં બંનેને પહેલાં જેવું જ સામાન્ય જીવન જીવવાનું કહેવાયું. સ્વરા જે કરતી હતી તે કામ તેણે કરવાના અને નૈષધ જો કામ કરતો હતો તે કામ તેણે કરવાના. આ રીતે ચાર અઠવાડિયા પૂરા થઈ ગયા. 

મહિના પછી રજાના દિવસે રાત્રે બધા ફરીથી ભેગા થયા અને દાદીએ બંનેને તેમનો અનુભવ પૂછયો. 

'દાદી, મને સમજાયું છે કે, દાંપત્ય એકબીજાની સાથે સાયુજ્ય સાધવાનું નામ છે. પ્રેમ, સમર્પણ, ત્યાગ, ધૈર્ય, સમજણ અને બીજા ઘણા પાસા છે જેને આત્મસાત કરીને એકબીજાને ગમતા રહેવાનું છે. તેના આધારે જ દાંપત્ય વધારે મજબૂત અને સુમધુર બને છે. એકબીજા સાથે ઝઘડવાથી કે પોતાને મહાન સાબિત કરવાથી દાંપત્ય લાંબું ટકવાનું નથી. ક્યારેક પોતાના પાર્ટનરના ગુસ્સાના કડવા ઘુંટડા પીવા પડે છે અને ક્યારેક તેની લાગણીઓના ધોધમાર વરસાદમાં ભીંજાવાનો પણ અવસર સાંપડે છે. પ્રેમની મીઠાશ પણ ચાખવા મળે છે તો ક્યારેક ગુસ્સાની તિખાસ પણ ભળી જાય છે.' - સ્વરાએ કહ્યું.

'દાદી મને તો એક જ વાત સમજાઈ છે કે, નોકરી જતાં પહેલાં અને નોકરીથી આવ્યા પછી સ્વરાને કેટલું કામ કરવું પડે છે. મેં તેના વિશે તો ક્યારેય વિચાર્યું જ નહોતું. તમે અને મમ્મી પણ નોકરી કરતા હતા અને કદાચ તમે પણ આવું જ જીવન જીવતા હશો. ખરેખર તો દંપત્તીએ પોતાના ઈગોને સાઈડમાં રાખીને એકબીજાને એડજસ્ટ થવાનું છે. લગ્નજીવન આપોઆપ સુખી થઈ જશે.' - નૈષધ બોલ્યો. 

'સમજી ગયા ખ્યાતી અને નિહાર, તમારા મોટા ભાઈ અને ભાભીના અનુભવો કેવા સરસ છે. તમારે પણ આ ધ્યાન રાખવાનું છે. બેટા, નૈષધ મહિના પહેલાં તમે લોકો મને કોઈક વાત કરવાના હતા, શું હતી એ વાત.' - વનુબા બોલ્યા.

'કંઈ નહીં દાદી છોડોને. એ બધું પૂરું થઈ ગયું.' - સ્વરાએ કહ્યું. ઘરના બધા હસી પડયા. મયુરિકાના હાસ્ય વચ્ચે પણ આંખોનાં ખૂણા ભીંજાઈ ગયા.

Tags :