આજથી આરંભીને આગામી એકસો વર્ષના શુદ્ધ મુહૂર્તો આપતું અજોડ શતવર્ષીય શાસ્ત્રીય પંચાંગ
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ માત્ર પંચાંગ ગણિતનાં આધાર પર જ ભવિષ્યના મુહૂર્તનો વિચાર કરી શકાય નહીં, પરંતુ એની સાથોસાથ શુભાશુભ યોગ દર્શાવનારા શાસ્ત્રાર્થની પણ જરૂ૨ ૨હે છે
આ જથી ૧૧૪ વર્ષ પહેલાં યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કરેલું ભવિષ્યદર્શન આજે, વર્તમાન સમયે સાચું પડયું છે. એક સદી પૂર્વે એમણે કહ્યું હતું કે ભારત અહિંસક માર્ગે આઝાદી મેળવશે અને દેશમાં વિજ્ઞાાનનો મહિમા થશે. રાજ-રજવાડાંનો એ સમય હતો, ત્યારે એમણે ભવિષ્ય ભાખ્યું કે આ રાજાશાહી ચાલી જશે અને જગતમાં ઉદ્યોગો અને કળાનું સામ્રાજ્ય સ્થપાશે. આજે પારાવાર આશ્ચર્ય લાગે કે એમણે લખ્યું હતું કે, 'એક દિવસ એવો આવશે કે જ્યારે એક ખંડનાં સમાચાર બીજા ખંડમાં પળવાર પહોંચી જશે.' અને આજે આપણે એકસોથી પણ વધુ વર્ષો પૂર્વેની એ યોગનિષ્ઠ આચાર્યશ્રીની ભવિષ્યવાણી સાચી થતી જોઈએ છીએ.
તાજેતરમાં 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ'ના પ્રસંગે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ યોગનિષ્ઠ આચાર્યશ્રીની એ ભવિષ્યવાણીનું સ્મરણ કરતાં કહ્યું હતું કે, 'પાણી બજારનાં ભાવે વેચાશે એવી એકસો વર્ષ પૂર્વે તેઓએ કહેલી હકીકત આજે હકીકત બની ગઈ છે.'
એકસોથી પણ વધુ વર્ષ પૂર્વે આવી ભવિષ્યવાણી ભાખનારા ક્રાંતદર્શી એટલે કે પેલે પારનું જોનારા યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પુણ્યશતાબ્દીના પ્રસંગે એક વિશિષ્ટ ઘટના બની રહી છે અને તે છે રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય એવા આચાર્યશ્રી અરુણોદયસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્યશ્રી અરવિંદસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા આગામી એકસો વર્ષના ગ્રહયોગ આદિના ભવિષ્યને ઉજાગર કરતું 'શતવર્ષીય શાસ્ત્રાર્થ' નામે ચાર ગ્રંથોનું પ્રકાશન. આ એક એવી મોટી ઘટના છે કે જ્યારે આગામી એકસો વર્ષનું ગણિત રાષ્ટ્ર, સમાજ અને સંઘને પ્રાપ્ત થશે.
આજ સુધી આપણે ત્યાં જે પંચાંગ પ્રગટ થતા હતા, તેમાં વધુમાં વધુ સત્તર મહિના સુધીનાં પંચાંગ પ્રાપ્ત થતાં હતાં. આજના ઝડપી યુગમાં અને એડવાન્સ પ્લાનિંગની આવશ્યકતાના સમયે ઘણા લાંબા સમય સુધીનાં પંચાંગની જરૂર રહે છે. લગ્ન માટે હોલ કે વિદેશથી લગ્નપ્રસંગે ભારત આવનારને વહેલી જાણ કરવી પડે છે. વિદેશની સર્વધર્મલક્ષી સંસ્થાઓ અમારી પાસે દોઢ-પોણા બે વર્ષ અગાઉ એ ધર્મનાં મહત્ત્વનાં પર્વ અને તહેવારોની તારીખો મંગાવે છે. પછી એનો ચાર્ટ પ્રકાશિત કરે છે. આ સમયે અમારી મૂંઝવણના ઉકેલનો સહારો આચાર્યશ્રી અરવિંદસાગરસૂરિજી જ આજ સુધી રહ્યા છે.
પહેલાં જાણીએ પંચાંગ વિશે. પંચાંગ એટલે મુહૂર્તનાં પાંચ અંગો. તિથિ, વાર, કરણ, નક્ષત્ર અને યોગ. આ મુહૂર્તનાં પાંચ અંગો છે. આ બધા અંગોની શુદ્ધિ જેટલી અધિક એટલો મુહૂર્તનો સમય અધિક શુભ અને શ્રેષ્ઠ. આવી પાંચેય અંગોની શુદ્ધિ-અશુદ્ધિ જેમાંથી જાણવા મળે તે પંચાંગ. આ પંચાંગ હોય તો જ આપણે મુહૂર્ત મેળવી શકીએ અને શુભ- અશુભ કામનો વિવેક કરી શકીએ. કોઈ શ્રદ્ધેય જ્ઞાાની પંચાંગ જોઈને મુહૂર્ત આપે પછી આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ.
આચાર્યશ્રીએ અથાગ મહેનત પછી તૈયાર કરેલા આ શતવર્ષીય એટલે કે ઈ.સ. ૨૦૧૪થી આરંભીને ૨૧૧૪ સુધીનું 'શતવર્ષીય શાસ્ત્રાર્થ' શ્રી સીમંધર સ્વામી પ્રત્યક્ષ પંચાંગ પ્રાપ્ત થાય છે. જૈન આગમોમાં એટલે કે એના ધર્મશાસ્ત્રોમાં ગણિત વિભાગમાં જ્યોતિષશાસ્ત્રનું વર્ણન મળે છે અને જ્યોતિષ એ ખગોળશાસ્ત્રનું એક અદ્ભૂત વિજ્ઞાાન છે. એનો ઉપયોગ વ્યક્તિનાં દૈનિક જીવનની આરાધનાથી માંડીને સામાજિક જીવનમાં દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે શુભકાર્યો માટે મુહૂર્ત મેળવવા માટે થાય છે. આ એકસો વર્ષનું શાસ્ત્રીય પંચાંગ હોવાથી સંઘ અને સમાજને અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોનાં આયોજનની હવે સુગમતા રહેશે.
જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ માત્ર પંચાંગ ગણિતનાં આધાર પર જ ભવિષ્યના મુહૂર્તનો વિચાર કરી શકાય નહીં, પરંતુ એની સાથોસાથ શુભાશુભ યોગ દર્શાવનારા શાસ્ત્રાર્થની પણ જરૂ૨ ૨હે છે. એક અર્થમાં કહીએ તો પંચાંગના ૨થમાં ગણિત અને શાસ્ત્રાર્થના બે ચક્ર પર બિરાજમાન મુહૂર્તના રથમાં બેસીને ભવિષ્યના શુભ અનુષ્ઠાન અને સાધનારૂપ કાર્યને સમજી શકાય.
જૈન ધર્મના, અનુષ્ઠાનોમાં, સાધનામાં, અંજનશલાકા, જિનમંદિર નિર્માણ, પદપ્રદાન, ઉપધાન માલારોપણ, સંઘ માલારોપણ, વડી દીક્ષા, ગણિ-પન્યાસ-આચાર્ય આદિ પદારોહણ, તપ પ્રારંભ, લોચ, વિહાર, અઘ્યયન પ્રારંભ અને પ્રતિષ્ઠામાં તેમજ દીક્ષા જેવા સાધના માર્ગે પ્રયાણ કરવાના પ્રસંગોએ આ 'શતવર્ષીય શાસ્ત્રાર્થ' પંચાંગ અત્યંત ઉપયોગી છે, પણ એથીયે વધુ તો વર્ષ પૂર્વેનાં ભાવિ અનુષ્ઠાનોનાં આયોજનમાં પણ એ અત્યંત ઉપયોગી બની રહેશે.
અગાઉનાં પંચાંગ ગણિતનાં નિર્ણયોમાં ક્યાંક ઉપેક્ષા કે મનસ્વીતા જોવા મળતી હતી અને કેટલાક સાધુ-મહાત્માઓને ચિંતા પણ રહેતી કે સંઘની સમસ્ત આરાધનાઓ માટે મુખ્ય આધારરૂપ તિથિ અને મુહૂર્ત જો આવી રીતે ખોટું કે દોષયુક્ત અપાય તો એનાથી ઘણું અનિષ્ઠ સર્જાય. આથી સ્વતંત્ર રૂપે સૂક્ષ્મ અને ક્ષતિરહિત ગણિત દ્વારા વિશ્વસનીય પંચાંગનું નિર્માણ કરવાનો અહીં પ્રયત્ન થયો.
આચાર્યશ્રી અરવિંદસાગરસૂરીશ્વરજીએ આ કપરો પડકાર ઝીલી લીધો અને સાત વર્ષ પહેલાં ૨૦૧૭ની એપ્રિલે આચાર્ય પદવીનાં પ્રસંગે આ કાર્યનો પ્રારંભ કર્યો. આચાર્યશ્રીના સતત સંશોધન કરતો ઉત્સાહી સ્વભાવ અને પંચાંગનો પાંચેય અંગોની શુદ્ધિ-અશુદ્ધિની નિશ્ચિત અને પર્યાપ્ત જાણકારી હોવાથી એની પ્રમાણભૂતતામાં કોઈ શંકા નહોતી. ગણિતની કાળજી રાખવી એ પણ આમાં ઘણું મોટું કામ. ગણિતની શુદ્ધતા અને સૂક્ષ્મતાને માટે American Ephemeries, Swiss Almanac, Indian Ephemeris આદિનો સંદર્ભ મેળવ્યો. આચાર્યશ્રીએ પંચાંગના સમીકરણની વિશેષ જાણકારી આપતો પંચાંગ ગણિત પ્રોગ્રામ તૈયાર કર્યો અને એ કાર્ય પૂર્ણ થતાં એમણે પંચાંગ શાસ્ત્રાર્થનું કાર્ય કરવાનો પણ પ્રયાસ કર્યો. આમાં ઘણી મુશ્કેલીઓ આવી. કોરોનાકાળમાં પોંડિચેરીની સાધનાભૂમિ પર વીસ મહિના સુધી સ્થિરતા થઈ, પણ અંતે ગુરુકૃપા, સંસ્થાઓનો સહયોગ, જ્યોતિષીઓ અને અન્ય વ્યક્તિઓની સહાયથી એકસો વર્ષનાં પરિપૂર્ણ પંચાંગના સર્જનની યાત્રા શક્ય બની.
અગાઉ સૂક્ષ્મ ગણિતની સાથોસાથ જ્યોતિષશાસ્ત્રનાં નિયમોને ઘ્યાનમાં રાખીને એક વર્ષનું પંચાંગ અતિ પરિશ્રમથી તૈયાર થતું હતું. એ પછી એકસો વર્ષનું ગણિતયુક્ત પંચાંગ તૈયાર કર્યું અને હવે એકસો વર્ષનું શાસ્ત્રાર્થસહિત પંચાંગ પ્રગટ થઈ રહ્યું છે. આ શતવર્ષીય શાસ્ત્રાર્થ પંચાંગ ચાર વિભાગમાં ૧૨૩૯ પૃષ્ઠોમાં તૈયાર કર્યું છે. એ સ્વાભાવિક છે કે મુહૂર્ત માટેની શુદ્ધતાનો સહુ કોઈ આગ્રહ રાખે, ત્યારે તેઓને આ પંચાંગ ઘણું માર્ગદર્શક બની રહેશે. એના આધારે ગ્રહ નક્ષત્ર, ચરણ પ્રવેશ આદિ ગણિતનું કામ અને એના આધારે તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્રરાશિ પ્રમાણે શુભકાર્ય માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં આવશે.
તિથિ, વાર, નક્ષત્રનાં સંયોજનથી બનતા શુભ અને અશુભ ગ્રહોનું ગણિત ઉપલબ્ધ નહોતું, જેના વગર મુહૂર્ત નિશ્ચય ન કરી શકાય. એ શુભ-અશુભ યોગોનું ગણિત અપ્રતિમ પુરુષાર્થથી તૈયાર કરવામાં આવ્યું. અગાઉ વર્ષો પહેલાં બનારસથી પ્રકાશિત થતા વેંકટેશ્વર પંચાંગમાં આવનારા વર્ષોનું ગણિત મળતું હતું, પરંતુ તે આ ગ્રંથ જેટલી સૂક્ષ્મતાવાળું નહોતું.
આજે વર્તમાન સમયે આવું કોઈ 'શતવર્ષીય શાસ્ત્રાર્થ' ગણિત ઉપલબ્ધ નથી. આમાં ગુરુ અને શુક્રનો લોપ અને દર્શન જોવું જરૂરી હોય છે, એનું ગણિત પણ અહીં મળે છે. વળી આ પંચાંગને આધારે કોઈને પણ મુહૂર્ત આપવું હોય તો આપી શકાય છે. માત્ર જૈન સમાજને જ નહીં, પરંતુ મુહૂર્ત માટે જ્યોતિષવિદોને પણ આ ગ્રંથ માર્ગદર્શક બનશે. મુહૂર્તનાં જ્ઞાાતા જ્યોતિષીને રેફરન્સ મેળવવા માટે અન્ય કોઈ ગ્રંથની આવશ્યકતા નહીં રહે.
મુહૂર્તનાં વિષયમાં ઉદિત તિથિની મહત્ત્વની ભૂમિકા હોય છે. આ પંચાંગમાં ઉદિત તિથિ જોઈને પણ એની વિગતો મળી રહે છે. આ કાર્યમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે, ગણિતની પણ સમસ્યાઓ આવે, તિથિનાં ક્ષય અને વૃદ્ધિનું ગણિત કરવાનું હોય, ક્રાંતિ સામ્યદોષનું કાર્ય કરવાનું હોય, ત્યારે ભારે પુરુષાર્થ કરવો પડે અને આચાર્યશ્રી અરવિંદસાગરસૂરિજીએ એ સમસ્યાઓને ઉકેલવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ક્યારેક એવું પણ બને કે ક્ષય કે વૃદ્ધિની ગણતરી કર્યા વિના કોઈ સરકારને અમુક દિવસે સંવત્સરિ પર્વ અને અન્ય પર્વોની તિથિ લખી આપે, ત્યારે આચાર્યશ્રી અરવિંદસાગરજીએ એકલા દઢતા બતાવીને આવી મનસ્વીતા દર્શાવનાર સામે શાસ્ત્રાર્થ કર્યો છે. ધર્મસિંધુ અને નિર્ણયસિંધુ જેવા ગ્રંથોને આધાર આપીને તેમણે યોગ્ય તિથિ દર્શાવી છે. પોતાના કાર્ય પ્રત્યેનું ઊંડું સમર્પણ જ આ શક્ય બનાવે. આચાર્યશ્રી અરવિંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સાત-સાત વર્ષનાં અથાગ પરિશ્રમ અને એથીયે પૂર્વે છેક ૧૯૮૫થી શરૂ થયેલી એમની પંચાંગ યાત્રાનો સુવર્ણસિદ્ધિનો કળશ એટલે આ 'શતવર્ષીય શાસ્ત્રાર્થ' પંચાંગ. જે ગુરુકૃપાને પરિણામે સંઘને, દેશને અને વિશ્વને તેઓશ્રી પાસેથી યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજીની જન્મશતાબ્દીએ એકસો વર્ષનું નજરાણું પ્રાપ્ત થઈ રહ્યું છે.