Get The App

બ્રહ્માંડનું ફાઇન-ટયુનિંગ : મેટર અને એન્ટી-મેટરના અસંતુલનમાં ઈશ્વરનાં હસ્તાક્ષર!

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
બ્રહ્માંડનું ફાઇન-ટયુનિંગ : મેટર અને એન્ટી-મેટરના અસંતુલનમાં ઈશ્વરનાં હસ્તાક્ષર! 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

સ દીઓથી ઘણીવાર વિજ્ઞાન અને ધર્મને  વિરોધી શક્તિઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે.  વિજ્ઞાન એક પ્રયોગમૂલક પુરાવામાં મૂળ ધરાવે છે અને ધર્મ શ્રદ્ધામાં. તેમ છતાં વધતી જતી સંખ્યામાં વિજ્ઞાનીઓ અને ફિલસૂફો, આ બંને ક્ષેત્રોના આંતરછેદની શોધ કરી રહ્યા છે, જે સૂચવે છે કે બ્રહ્માંડની જટિલ રચના ઉચ્ચ બુદ્ધિ કક્ષા તરફ નિર્દેશ કરી શકે છે. હાર્વર્ડના ખગોળ ભૌતિકશાસ્ત્રી અને એરોસ્પેસ એન્જિનિયર ડા. વિલી સૂન તાજેતરમાં એવો દાવો કરીને હેડલાઇન્સમાં આવ્યા છે કે 'ગાણિતિક સૂત્ર ભગવાનના અસ્તિત્વને સાબિત કરી શકે છે.' બ્રહ્માંડના 'ફાઇન-ટયુનિંગ'નાં મૂળમાં ભૌતિકશાસ્ત્રી પોલ ડાયરેકનું  ક્રાંતિકારી સૂત્ર છે. બ્રહ્માંડને સંચાલિત કરતા વૈજ્ઞાનિક સિદ્ધાંતો અસાધારણ રીતે સંતુલિત દેખાય છે. ભૌતિક સ્થિરાંકોના ચોક્કસ મૂલ્યો, એન્ટી મેટરની અસમપ્રમાણતાની હાજરી, ક્વોન્ટમ મિકેનિક્સ અને સાપેક્ષતાની આંતરપ્રક્રિયા, આ બધું એક ક્રમ તરફ નિર્દેશ કરે છે. જ્યારે કેટલાક વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે 'આ ઘટનાઓ કુદરતી પ્રક્રિયાનું પરિણામ  છે, અન્ય વિજ્ઞાનીઓ તેને ઇરાદાપૂર્વકની રચનાના પુરાવા તરીકે જુએ છે. ધર્મ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લીધા વિના, બ્રહ્માંડનું ફાઇન-ટયુનિંગએ આધુનિક ભૌતિકશાસ્ત્રનાં સૌથી વધુ રસપ્રદ અને ગહન વિષયોમાંથી એક છે. જે ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સ્વભાવમાં વધુ સંશોધન કરવા પ્રેરે છે.

ફાઇન-ટયુનિંગ દલીલ 

હાર્વર્ડના ખગોળ ભૌતિકશાસ્ત્રી અને એરોસ્પેસ એન્જિનિયર ડા. વિલી સૂને દર્શાવેલાં ગાણિતિક સૂત્ર,  ગણિત અને આધ્યાત્મિકતા વચ્ચેના સંબંધ વિશેની જૂની ચર્ચાને ફરીથી શરૂ કરી છે. ક્વોન્ટમ મિકેનિક્સ, સાપેક્ષતા અને બ્રહ્માંડ વિજ્ઞાન દ્વારા સમર્થિત ફાઇન-ટયુનિંગ દલીલ સૂચવે છે કે 'બ્રહ્માંડના નિયમો અને પરિસ્થિતિઓ જીવન માટે ચોક્કસ રીતે અનુકૂળ છે, જે હેતુપૂર્ણ સર્જન તરફ નિર્દેશ કરે છે.' ફાઇન-ટયુનિંગ દલીલ દર્શાવે છેકે 'બ્રહ્માંડના મૂળભૂત સ્થિરાંકો (યુનિવર્સલ કોન્સ્ટટન્ટ) અને ભૌતિક નિયમો અસાધારણ રીતે ચોક્કસ છે, જે જીવનને શક્ય બનાવે છે. જો આ મૂલ્યો સહેજ પણ અલગ હોત, તો તારાવિશ્વો, તારાઓ, ગ્રહો અને જૈવિક જીવન અસ્તિત્વમાં ન હોત.' ભૌતિકશાસ્ત્રીઓ રિચાર્ડ સ્વિનબર્ન અને રોબિન કોલિન્સે આ દલીલને વિસ્તૃત કરી સમજાવે છે. જેમ કે પ્રોટોન-ટુ-ઇલેક્ટ્રોન માસ રેશિયો : જે દર્શાવે છેકે કોઈપણ નોંધપાત્ર વિચલન મૂળભૂત રસાયણશાસ્ત્રમાં વિક્ષેપ પાડશે. પરિણામે ડીએનએ જેવા જટિલ પરમાણુઓને બનતા અટકાવશે. 

ફાઇન-ટયુનિંગનું બીજું આવશ્યક ઘટક છે, કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ છે, જે આઈન્સ્ટાઈનનાં સામાન્ય સાપેક્ષતાવાદનાં  સમીકરણોમાં   બ્રહ્માંડના વિસ્તરણ અથવા સંકોચનને નિયંત્રિત કરે છે. આ સ્થિરાંકનું ચોક્કસ મૂલ્ય ઘણા ભૌતિકશાસ્ત્રીઓ દ્વારા ફાઇન-ટયુનિંગના સૂચક તરીકે જોવામાં આવે છે, કારણ કે આવાં સૂક્ષ્મ ફેરફારો પણ જીવનને અશક્ય બનાવી શકે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું પ્રખ્યાત સમીકરણ, E=mc2, ઊર્જા અને સમૂહ વચ્ચેના સંબંધને સમજાવે છે. આ સિદ્ધાંત પરમાણુ પ્રતિક્રિયાઓમાં આવશ્યક છે, જેમાં પાવર સ્ટાર્સનો સમાવેશ થાય છે, જે તેમને અબજો વર્ષો સુધી ઊર્જા ઉત્સર્જન કરવાની ક્ષમતા આપે છે. આપણા સૂર્ય જેવા તારાઓની સ્થિરતા અને દીર્ઘાયુષ્ય જીવન ટકાવી રાખવા માટે નિર્ણાયક છે, જે ઝીણવટભર્યા બ્રહ્માંડની કલ્પનાને વધુ મજબૂત બનાવે છે.  ડૉ. સૂન દલીલ કરે છે કે આ ચોક્કસ પરિસ્થિતિઓ સૂચવે છે કે બ્રહ્માંડ રેન્ડમ ચાન્સ કે બાય ચાન્સથી પેદા થયું નથી. બ્રહ્માંડએ ઈશ્વરની ઇરાદાપૂર્વકની ડિઝાઇનનું પરિણામ છે.  

એન્ટી-મેટર / પ્રતિદ્રવ્યનું  રહસ્ય 

સૌ પ્રથમ ૧૯૨૮માં પોલ ડિરાક દ્વારા એન્ટિમેટરની આગાહી કરવામાં આવી હતી. ૧૯૩૨માં એન્ટિમેટરની પુષ્ટિ કરવામાં આવી હતી. એન્ટિમેટરમાં નિયમિત પદાર્થથી વિરોધી ચાર્જવાળા કણો પેદા થાય છે, તેમ છતાં બ્રહ્માંડમાં એક અસ્પષ્ટ અસંતુલન અસ્તિત્વમાં આવી શકે છે. પરંતુ આપણાં પ્રવર્તમાન બ્રહ્માંડમાં એન્ટિમેટર - પ્રતિદ્રવ્ય કરતાં દ્રવ્ય-પદાર્થ- મેટર નોંધપાત્ર રીતે વધુ છે. આ દ્રવ્ય- પ્રતિદ્રવ્યની અસમપ્રમાણતા, કેટલાક વિજ્ઞાનીઓ દ્વારા ઈશ્વરની ઇરાદાપૂર્વકની રચનાના પુરાવા તરીકે ગણવામાં આવે છે. કારણ કે જો દ્રવ્ય-પ્રતિદ્રવ્યની માત્રા સમાન હોત તો, દ્રવ્ય-પ્રતિદ્રવ્યએ એકબીજાને ખતમ કરી નાખ્યા હોત. પ્રવર્તમાન ભૌતિક બ્રહ્માંડનું અસ્તિત્વ ન રહેત.  ડૉ. સૂન બ્રહ્માંડ પર દ્રવ્યનું પ્રભુત્વ છે તે હકીકતને એક હેતુપૂર્ણ ડિઝાઇનના પુરાવા તરીકે જુએ છે. 

ભૌતિકશાસ્ત્ર ઉપરાંત, અસંખ્ય ખગોળીય શોધો, ઈશ્વરીય ડિઝાઇનના વિચારને વધુ મજબૂત બનાવે છે. જેમકે : ૧. ગ્રહોની રચના માટે ચોક્કસ શરતો પુરી થવી જોઈએ, પૃથ્વી જેવાં કહેવાતા ગ્રહનાં અસ્તિત્વ માંટે ગોલ્ડીલોક્સ ઝોન ખુબ જ જરૂરી છે. દરેક ગ્રહ ઉપર આવી સ્થિતિનું નિર્માણ થયેલ નથી. જ્યાં સ્થિતિ પ્રવાહી પાણી અને જીવન માટે એકદમ યોગ્ય હોય. જો બ્રહ્માંડનાં નિયમો એકસરખા હોત તો, દરેક ગ્રહ ઉપર જીવન હોત. પરંતુ આવું થયું નથી. શા માટે?  ૨. ડીએનએમાં જટિલ માહિતી સંગ્રહ : ડીએનએની રચનામાં એક જટિલ કોડ હોય છે, જે જીવનને નિયંત્રિત કરે છે. જે દરેક સજીવમાં અલગ લાક્ષણિકતા ઉભી કરે છે. તેમને અલગ  પ્રજાતિ તરીકે સ્થાપિત કરે છે.  જેનાથી કેટલાક વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે 'ડીએનએની રચના, બુદ્ધિશાળી ડિઝાઇનર એટલેકે ઈશ્વર તરફ નિર્દેશ કરે છે. ૩. એન્થ્રોપિક સિદ્ધાંત : આ ખ્યાલ જણાવે છે કે બ્રહ્માંડ એવી રીતે સંરચિત થયું હોય તેવું લાગે છેકે 'જે માનવ અસ્તિત્વ માટે જ  તૈયાર કરવામાં આવ્યું છે. આ બધાં તારણો, ઈશ્વર દ્વારા થયેલ ફાઇન-ટયુનિંગને સમર્થન આપે છે.

મેટર અને એન્ટી-મેટરનું અસંતુલન

ડૉ. સૂનની દલીલ કેમ્બ્રિજ ભૌતિકશાસ્ત્રી પોલ ડિરાકના કાર્ય પર ખુબ જ ભાર મૂકે છે. જેને ઘણીવાર 'પ્રતિદ્રવ્યના પિતા- ફાધર ઓફ એન્ટી-મેટર' તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૨૮માં, ડિરાકએ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતને, શ્રોડિંગરના ક્વોન્ટમ મિકેનિક્સ સાથે જોડીને ઇલેક્ટ્રોનના વર્તનનું વર્ણન કરતું સમીકરણ બનાવ્યું હતું. શરૂઆતમાં, આ સમીકરણ ભૌતિકશાસ્ત્રના જાણીતા નિયમોનું ઉલ્લંઘન કરતું હોય તેવું લાગતું હતું, તે બ્રહ્માંડમાં નકારાત્મક ઊર્જા ધરાવતા કણોના અસ્તિત્વનું સૂચન કરતુ હતું. આ એક નવા સિદ્ધાંતે વૈજ્ઞાનિક સમુદાયને મૂંઝવણમાં મૂકી દીધો હતો. ડીરાકના કાર્યથી પ્રભાવિત આ માળખું, દ્રવ્ય અને એન્ટિમેટર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ સહિત, મૂળભૂત દળો અને કણોની ઊંડી સમજ પૂરી પાડે છે. ક્વોન્ટમ ફિલ્ડ થિયરીએ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના સિદ્ધાંતો અને નબળા પરમાણુ બળને એકીકૃત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે, જે ્રબ્રહ્માંડની અંતર્ગત લાવણ્ય અને ક્રમને વધુ સુંદરતાથી રજુ કરે છે. ક્વોન્ટમ મિકેનિક્સએ હવે ક્વોન્ટમ મિકેનિક્સ વિસ્તરણ, ક્વોન્ટમ ક્ષેત્ર સિદ્ધાંત, સ્પેશિયલ રિલેટિવિટી અને ફિલ્ડ થિયરીના ફ્યુઝન તરીકે ઉભરી આવ્યું.

ડિરાકનાં સમીકરણનો ઉકેલ, નકારાત્મક ઊર્જા ધરાવતા નવા પ્રકારના ઇલેક્ટ્રોનના અસ્તિત્વની આગાહી કરતો હતો. આ વિચાર શંકાસ્પદ હોવા છતાં એક દાયકાથી ઓછા સમયમાં કોસ્મિક કિરણોમાં એન્ટિમેટર કણો મળી આવ્યા ત્યારે તેની પુષ્ટિ થઈ.  કેમ્બ્રિજના પ્રોફેસર પોલ ડિરાકે શોધી કાઢયું કે 'બ્રહ્માંડમાં દરેક ધન ચાર્જવાળા કણ માટે, એક અનુરૂપ નકારાત્મક કણ હોવો જોઈએ. તેમના સમીકરણે સૂચવ્યું કે બ્રહ્માંડને નકારાત્મક કણોની પણ જરૂર છે. ડિરાકના સમીકરણે માત્ર એન્ટિમેટરના અસ્તિત્વની આગાહી કરી ન હતી, પરંતુ ક્વોન્ટમ ફિલ્ડ થિયરીનો પાયો પણ નાખ્યો હતો. જે ભૌતિકશાસ્ત્રની એક નૂતન શાખા છે. અને ક્વોન્ટમ મિકેનિક્સ અને સાપેક્ષતાને એક કરે છે. ડૉ. સૂન માટે ડિરાકનું કાર્ય ગણિતની સુંદરતા અને આગાહી શક્તિનો પુરાવો છે.  

ઈશ્વર : એક ઉચ્ચકક્ષાના ગણિતશાસ્ત્રી?

ઘણા વિજ્ઞાનીઓની દલીલ છે કે બ્રહ્માંડને સંચાલિત કરતા ગાણિતિક સમીકરણોની સુઘડતા અને અનુમાનિતતા, એક દિવ્ય બુદ્ધિ સૂચવે છે. ખુદ ડીરાકે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેણે કહ્યું કે, 'કોઈ કદાચ પરિસ્થિતિનું વર્ણન કરી શકે છે કે ભગવાન ખૂબ જ ઉચ્ચ ક્રમના ગણિતશાસ્ત્રી છે, તેમણે બ્રહ્માંડના નિર્માણમાં ખૂબ જ અદ્યતન ગણિતનો ઉપયોગ કર્યો છે.' ૧૯૬૩માં તેમણે એક વૈજ્ઞાનિક જર્નલમાં લખ્યું : 'એવું લાગે છે કે 'બ્રહ્માંડનાં મૂળભૂત ભૌતિક નિયમોનું વર્ણન, મહાન સુંદરતા અને શક્તિના ગાણિતિક સિદ્ધાંતના સંદર્ભમાં કરવામાં આવે છે, જેને સમજવા માટે ગણિતના ઉચ્ચકક્ષાનાં જ્ઞાનની જરૂર છે. આમ ભગવાન ખૂબ જ ઉચ્ચ ક્રમનો ગણિતશાસ્ત્રી લાગે છે, જેણે બ્રહ્માંડનું નિર્માણ કરવા માટે અદ્યતન ગણિતનો ઉપયોગ કર્યો છે.'

ડૉ. સૂન આ ભાવનાનો પડઘો પાડે છે. તેઓ દલીલ કરે છેકે 'ભૌતિક નિયમોની ગાણિતિક સુંદરતા ઉચ્ચ બુદ્ધિ તરફ નિર્દેશ કરે છે. બ્રહ્માંડ ફક્ત રેન્ડમ નથી, તે એવા કાયદાઓ દ્વારા સંચાલિત છે, જે ફક્ત ચોક્કસ જ નથી, પણ અતિ સુંદર પણ છે.' આ સૂચવે છે કે બ્રહ્માંડ રચના પાછળ, એક મન, માઈન્ડ -બ્રેઈન કે વ્યક્તિ છે. જે એક ડિઝાઇનર છે. જેણે ગણિતનો ઉપયોગ બ્રહ્માંડ બનાવવા માટે એક સાધન તરીકે કર્યો હતો.' મલ્ટિવર્સ સિદ્ધાંત પણ ફાઇન-ટયુનિંગ માટે એક વૈકલ્પિક સમજૂતી પ્રદાન કરે છે. જો અનંત સંખ્યામાં બ્રહ્માંડો અસ્તિત્વમાં હોય, દરેકમાં અલગ અલગ ભૌતિક સ્થિરાંકો હોય, તો આંકડાકીય રીતે અનિવાર્ય છે કે ઓછામાં ઓછા એક બ્રહ્માંડમાં જીવન માટે જરૂરી પરિસ્થિતિઓનું નિર્માણ થયેલ જ હશે. આ દ્રષ્ટિકોણથી, આપણા બ્રહ્માંડનું ફાઇન-ટયુનિંગ સંભાવનાનું પરિણામ નહિ, એક ચોક્કસ વ્યક્તિની ડિઝાઇનનો છે. ડૉ. સૂનનું ગાણિતિક સૂત્ર આખરે ભગવાનના અસ્તિત્વને સાબિત કરે છે કે નહીં? તે વાતને બાજુમાં મૂકીએ તો પણ તેમનું કાર્ય બ્રહ્માંડના ગહન રહસ્ય પર ભાર મૂકે છે.  પોલ ડાયરેકના શબ્દોમાં, 'આપણે ફક્ત સ્વીકારવું પડશે કે બ્રહ્માંડ, તેની બધી સુંદરતા અને જટિલતા સાથે, જ્ઞાન અને અર્થની સતત શોધનો પુરાવો છે.

Tags :