કટ્ટર ઇસ્લામિક જેહાદી ત્રાસવાદને લીધે કાશ્મીર જન્નત નહિ, દોઝખ લાગે છે!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- હિંદુઓ ભોળાભાવે ભરોસો મૂકી કાશ્મીર યાત્રા માટે જાય, કથા માટે જાય. ફેમિલી સહિત ફરવા માટે જાય અને બદલામાં મઝહબના નામે મોત મળે તો આવા ધિક્કારના અધર્મનો પુરસ્કાર ના હોય, તિરસ્કાર હોય
'ગાં ધીજી કહેતા કે જો હિન્દુ શાસ્ત્રોમાં પણ એ વાત લખી હોય કે અસ્પૃશ્યતા સત્ય છે તો એ શાસ્ત્રોને હું માનતો નથી! પણ કોઈ મુસલમાન એવું કહેવા તૈયાર નથી કે જો કુરાન અને અલ્લાહ પણ આતંકવાદને સમર્થન આપતા હોય તો તે કુરાન અને અલ્લાહ ને હું માનતો નથી!
તેના બદલે મુસલમાનો એવો બચાવ કરે છે કે કુરાન અને અલ્લાહ કદી પણ આતંકવાદ ને સમર્થન આપતા જ નથી! આવા બચાવ ને લીધે એવું થાય છે કે મુલ્લા,મૌલવીઓ કુરાનની આયતોને આધારે જ નવા આતંકવાદીઓ તૈયાર કરે છે!
જેઓ આતંકવાંદ ને સમર્થન કરે છે તેઓ ને મનાવવા મુલ્લા મૌલવીઓ જે કટ્ટર છે તે કંઈ બીજા શાસ્ત્રો નો ઉપયોગ કરતા નથી!પણ કોઈ કહેવાતા સેક્યુલરો કે રાષ્ટ્રવાદી મુસલમાનોમાં એટલી નૈતિક હિંમત જ નથી કે સોઈ ઝાટકી ને ગાંધીજીની જેમ કહે કે 'જો કુરાન,પેગમ્બર અને અલ્લાહ પણ આતંકવાદને સમર્થન આપતા હોય તો તે કુરાન,પેગમ્બર અને અલ્લાહ ને હું માનતો નથી!'
આ શબ્દો વર્ડ ટુ વર્ડ એક મુસ્લિમ રીડરબિરાદર હકીમ રંગવાલાએ પહેલગામ પાસે હલકટ હરામખોર જેહાદી ઇસ્લામિક ત્રાસવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર કરેલા જીવલેણ ત્રાસવાદી હુમલા પછી જાહેરમાં લખેલી ફેસબુક પોસ્ટના છે! બીજી પોસ્ટ ઇલિયાસ શેખની છે એના અંશો વાંચો : 'કાશ્મીરીઓને મદરસામાંથી બહાર કાઢીને માદરે-વતન પરસ્તીના પાઠ ભણાવવાની જરૂર છે. કાશ્મીરીઓને એકસુત્રે જે બાંધી રાખે છે - એ તંતુ અને જંતુનું નામ 'કટ્ટર ઇસ્લામવાદ' છે. વાયા ઇસ્લામાબાદ વકરેલાં ને ફેલેલાં કટ્ટર-ઇસ્લામવાદના ઝેરી મુળિયાઓએ કાશ્મીરના ચિનારના વૃક્ષોને પાંખા કરી નાંખ્યા છે. અમન-એખલાસને ખલાસ કરી નાંખ્યા છે. શાંતિ ને સલામતીના જળને થીજવી નાંખ્યા છે. કાશ્મીરની ઠંડી હવામાં આજે બારૂદની વાસ પેસી ગઈ છે. કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓની દાદાગીરી અને નેતાગીરી તાકીદે ખતમ કરી દેવાની જરૂર છે. જગતમાં ભારત જેટલી આઝાદી બીજા એક પણ દેશમાં નથી. કાશ્મીરીઓ સામે આપણા સૌનું દીવા જેવું આ સનાતન-સત્ય ઉજાગર કરવાની જરૂર છે. આજે કાશ્મીરીઓ જે આઝાદીની માગણી કરી રહ્યાં છે. એ ખરેખર તો એની બરબાદી નોતરી રહ્યાં છે. આજે તો ઇસ્લામિક કટ્ટરવાદ કાશ્મીરમાં કેન્સરના કોશની માફક રોજ બેવડાય રહ્યો છે.'
કાશ્મીરને કમાણી કરાવી જીવવા જેવું રાખતા ટુરિસ્ટસ પર અગાઉ પણ ટેરરરિસ્ટ એટેક થયા છે. પણ આ હદે આ સ્કેલના નહિ, જેનાથી વેકશન હોવા છતાં પ્રવાસીઓ જ દેશ દુનિયાના કાશ્મીર જવાનું ટાળી દે! હજુ પુલવામાનું આરડીએક્સ આટલી મોટી સંખ્યામાં આટલી આસાનીથી કેવી રીતે આવ્યું ત્યાં તો બુધવારે આ લખાય છે ત્યારે નવા સવાલો ઉભા થઇ ગયા છે.
જેમાંના ચારની ઓળખ જાહેર થઇ ને બે તો પાકિસ્તાની નીકળ્યા એવું સમાચારોમાં આવે છે એ લોકો આવી રીતે આધુનિક હથિયારો લઈને આ સંવેદનશીલ ક્ષેત્રમાં પહોંચ્યા જ કેવી રીતે? એમણે ધર્મ જાણીને એટેક કર્યો એ તો નાગાઈની એ સાબિતી હતી કે કાશ્મીરમાં એમને ઇસ્લામ સિવાયના ધર્મની જ એલર્જી છે. આર્મીને આઝાદી તો બધા ઓઠાં છે, જગતના ચોવટીયાઓને ઉઠાં ભણાવવાના. પણ કેવળ પ્રવાસી પુરુષોને ટાર્ગેટ કરવાના આદેશો એમને કોણે ને શા માટે આપેલા? અન્યો ઘાયલ કેવીં રીતે થયા? એક સ્થાનિક મુસ્લિમ નામે સૈયદ કેવી રીતે મર્યો? ઓલરેડી કાશ્મીર ખીણમાં અનંતનાગ, બારામુલ્લા, શોપિયાં (પહેલગાંવ આવે એ વિસ્તાર એમાં આવી જાય) ત્રાસવાદી પ્રવૃત્તિના એપિસેન્ટર જેવા જ રહ્યા છે. તો ત્યાં ઢીલું મૂકી દેવાયેલું સાવ? કદાચ આ છપાય ત્યાં સુધીમાં એ બધા રહસ્યો પર વધુ ખુલાસા આવ્યા હશે.
પણ કાશ્મીરમાં ૨૧ વર્ષ પહેલા જઈને જે લખેલું એ જ અનુભવો આજના પ્રવાસીઓ પણ જે સુખેથી ફરી આવેલા એ કહે છે. લેટ્સ ડુ ક્વિક રિકેપ. યાદ રાખજો એ લેખનું ટાઈટલ ત્યારે હતું : કાશ્મીર ખીણ: પાસપોર્ટ વિના પાકિસ્તાનનો પ્રવાસ?
તાલિબાનછાપ ચુસ્ત ઈસ્લામની અસરનીચે કાશ્મીરમાં શણગારને પણ ધિક્કારથી જોવામાં આવે છે. પણ હથિયારની હરકોઈને આદત છે. કેટલાક કાશ્મીરીઓ ખરેખર સેક્સ કરતા હિંસાને વઘુ સલામત માને છે. માટે મુહોબ્બતને બદલે મૈયત (સ્મશાનયાત્રા)ની મુસીબત વધતી ચાલી છે.
એમ ગુજરાતી સ્ટાઈલની વેવલી અરેરાટી ન બોલાવો. આપણી આસપાસના સંગઠ્ઠનો પણ વૈચારિક રીતે 'હુસ્ન'ને પ્રતિબંધિત કરવા માટે હિંસા ઉપર ઉતરી આવે છે. સવાલ રોમાન્સ કે સેક્સનો નથી. સવાલ વાયોલન્સનો છે. જો કે, તમને ધીરે ધીરે આંખ-કાન ખુલ્લા રાખો તો અહેસાસ થાય છે કે સવાલ વાયોલન્સ પણ નથી. અનંતનાગના પાટિયા પર કોઈએ કૂચડો ફેરવી ઉર્દૂ લિપિમાં 'ઈસ્લામાબાદ' લખી નાખ્યું છે. આ તો અટકચાળું ગણો, ત્યાં પહેલગાંવ બસસ્ટેન્ડ પાસે ભારત બહારના દેશોમાં જ શક્ય હોય (ઈન્ડો-ચાઈના, ઈન્ડો-અમેરિકન વગેરેની સ્ટાઈલમાં) એવા શબ્દવાળું પાટિયું ઝૂલતું દેખાય છે:
'ઈન્ડો-કાશ્મીર એમ્પોરિયમ'!
કાશ્મીરી દોસ્તો પાસે દલીલ કરવા માટે રહેલો ઇતિહાસ અને અનુભવો માત્ર 'વન-સાઇડેડ' છે. ૧૦૦૦ વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મ કાશ્મીર ભારતનો 'ગેટવે' હોઇને અહીં સતત આવતો રહ્યો... એ અગાઉના કાશ્મીરના ઇતિહાસનું શું? ત્યારે કાશ્મીર પર હિંદુ શાસન હતું, એના ભગ્ન અવશેષો આજેય કાશ્મીરમાં ચોમેર ફેલાયેલા છે. આ વાત કરો તો એક આધેડ વયના 'સ્કોલર' તજજ્ઞા મુસ્કુરાઇને કહે છે: 'આમાં તલવાર નહિં, વિચારની વાત છે.' તો પછી ગાંધીજીની જેમ વૈચારિક લડત ચલાવો. રંચનશાહ પછીના મુસ્લીમ બાદશાહોના રાજ પછી પંજાબના મહારાજા રણજીતસિંહે કાશ્મીર જીતીને ભારતની આઝાદી સુધી ડોગરા વંશના રાજપૂતોને સોંપેલું... એ વિચાર પણ ફેલાવો. અકબર જેવા બે-ત્રણ અપવાદરૂપ શાસકો વિના બાકીના શાસકોએ બિનમુસ્લિમો પર કરવેરા અને અન્ય પ્રતિબંધો મૂકેલા એ પણ ભણાવો. કાશ્મીરમાં જે કંઇ કોમ્યુનિકેશન- ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક છે, એ ભારતના પૈસે થયું છે. એ વાસ્તવિકતા પણ સ્વીકારો. વિચાર કરો તો પૂરો કરો...
'આપને અભી તક ખાનકા નહીં દેખા? વો તો દેખના ચાહિયે. કશીર (કાશ્મીરનું કાશ્મીરી ભાષામાં નામ) જબ કૂફ્રિસ્તાન થા, તબ ઉન્હોંને યહાં આકે ઇસકો દર- ઉલ- ઇસ્લામ બનાયા' કૂફ્રિસ્તાન એટલે બિનમુસ્લિમોની માલિકીનો પ્રદેશ. સાવ જ ભોળાભાવે એક મિત્ર બની ગયેલા કાશ્મીરી ટીનએજરે આ વાત કરી હતી. એ ભલે ત્રાસવાદી નહોતો, ટુરિસ્ટને મદદ કરનારો હતો પણ... પણ ઇસ્લામી શાસન વિનાના દેશો નાપાક હોય, એવી વાત સહજ રીતે એના દિમાગમાં ઠસી ગઇ હતી. અલબત્ત, આ વાત હજુ આચરણ સુધી પહોંચી નહોતી, પણ 'તમે પાક મુસલમાનની ફરજો બજાવતાં નથી?' એવો સવાલ ગમે ત્યારે પૂછીને પછી એના મનમાં અપરાધભાવ ઉભો કરી... પછી ચુસ્ત મઝહબી બનાવવાના નામે એને ચોક્કસ પ્રકારની નફરતવાળો કટ્ટરવાદી હિંસક બનાવવા માટેનો દારૂગોળો રોપાઇ ચૂકયો હતો! દુનિયાભરના ધર્મોની ટ્રેજેડી એ જ છે કે એનું મનગમતું અર્થઘટન કરીને મનફાવે તેવી માનસિકતા કે જોરજબરજસ્તીવાળા પંથ લેબલ સાથે કે લેબલ વિના ઉભા કરી શકાય છે. ઇસ્લામમાં તબલિગી- દેવબન્દ 'સ્કૂલ ઓફ થોટ'માંથી આ જ રીતે પાકિસ્તાનના શાતિર દિમાગ નેતાઓએ 'તાલિબાન' સર્જ્યા હતાં.
કાશ્મીરમાં એક આખી એવી પેઢી તૈયાર થઈ ચૂકી છે, જેમના માટે અફઘાનિસ્તાનમાં જોરતલબીથી પુરાણો જડવાદી ઈસ્લામ ધર્મ સ્થાપવાવાળા તાલિબાન 'હીરો' છે, અને આધુનિક ટેકનોલોજીની પ્રગતિનું પ્રતીક બની ગયેલ અમેરિકા 'શેતાન' છે! માટે અસલી રંગબેરંગી કાશ્મીરિયત ભૂલીને અત્યારે કાશ્મીરની બહુમતી પ્રજા 'તાલિબાનિયત' તરફ ઝૂકી ચૂકી છે! દેખાવે દેહાતી હોય કે શહેરી - સ્વભાવે એવરેજ કાશ્મીરી મુસ્લીમ એક ચોક્કસ પ્રકારની વિચારધારા મનમાં રાખી જીવે છે. લોકશાહીનું સ્થાન આ વિચારધારામાં જ નથી, માટે ચૂંટણીમાં મતદાન નગણ્ય થાય છે.
બોલો, આ હતી અને છે આંખો દેખી હકીકત. આમાં લાગે છે બે દસકે કોઈ ફરક?
***
ફરક પડયો એવું લાગતું હતું, ૩૭૦મી કલમની નાબૂદી વખતે પણ લખેલું કે મૂળ વાત કાશ્મીરીઓને ભારતીય બનાવવાની છે, ને એ મિશ્રણ જોડાણ કરતા અઘરું છે. પણ પથ્થરમારા બંધ થયા બાદ મનોજ સિંહાના કાળમાં ચૂંટણીઓ થઈને મહેબૂબા કરતા વધુ સહ્ય એવા ઓમર અબ્દુલ્લાની સરકાર આવી જેણે દિલ્હી સાથે સારાસારી રાખવાની પહેલ કરી. જો કે વખતોવખત સેનાના જવાનો તો હજુ હમણાં સુધી કોઈને કોઈ મુઠભેડમાં શહીદ થયા કરતા હતા. પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં જતા હતા એટલે એમને સેફ લાગતું હતું બધું. બાકી છાવા ફિલ્મને લીધે જે ઔરંગઝેબને યાદ કર્યો એવો એક ઔરંગઝેબ ૨૦૧૮નો આપણી આર્મીનો ભૂલી ગયા? એ વખતે ઓનલાઈન લખેલું :
કાશ્મીરમાં ઔરંગઝેબ નામનો આપણો ફૌજી જવાન આતંકવાદીઓની ૧૫ ગોળીઓનો શિકાર થઇ પ્રચલિત અર્થમાં શહીદ થઇ ગયો. (જેમનું જીકે વોટ્સએપીયું જ છે એમની જાણ ખાતર કે મીડિયા ને લોકો ભલે આપે પણ લશ્કરમાં તરત જ શહીદનો દરજ્જો એમ મળતો નથી. લાંબી વાત છે, પછી ક્યારેક) ઔરંગઝેબના પિતા પણ ઇન્ડિયન આર્મીમાં હતા. એક કાકા ભારતીય સેના માટે ત્રાસવાદીઓ સામે લડતા ૨૦૦૪માં જન્નતનશીન થયેલા. અને એક ભાઈ હજુ આર્મીમાં છે. ઔરંગઝેબે અગાઉ ત્રાસવાદીઓને ખતમ કરવામાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. એ ઇદની રજા લઈ ઘેર જવા નીકળેલો. પણ તહેવાર માતમમાં પલટાઈ ગયો. કાશ્મીરમાં આપણા ઘણા જવાનો જાનફેસાનીથી કુરબાન થયા જ કરે છે. આ ઘટના થોડી વધુ મહત્વની એટલે લાગી કે આપણા પક્ષે રમઝાનના નામે સીઝફાયરની ડિમાન્ડ કરવામાં આવે છે. પણ એ જ રમઝાનની આમન્યા પણ સરહદપારથી પ્રેરિત જેહાદી ત્રાસવાદીઓ ખુદ રાખતા નથી, ઈમાનના પાલનને બદલે એક મુસ્લિમ કાશ્મીરી જવાનને ભારતના લશ્કરમાં જોડાવાના કારણે ખતમ કરીને ને પાછા ઇસ્લામની દુહાઈ દેવાનું પોલિટિક્સ રમ્યા કરે છે!
પણ પછી તો પુલવામાં ઉરી સર્જીકલ સ્ટ્રાઈક ને ઘણા પાણી જેલમમાંથી વહી ગયા. પણ વકફ બોર્ડ સુધારાના કાયદા મામલે કેટલાક મુલ્લાઓની સરકારવિરોધી ઉશ્કેરણીઓ, તહવ્વુર રાણાની ૨૦૦૮ના ૨૬/૧૧ના પાકિસ્તાને જ કરાવેલા મુંબઈ પરના ટેરર એટેકના મામલે ભારત આવવું, એ જ વખતે જે ડી વેંસ જેવા અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું ભારતમાં ચીન સામે આર્થિક સમજૂતી માટે હોવું, એ જ સમયે ૧૯૮૨માં ઇન્દિરા ગાંધી ગયેલા પછી છેક ૨૦૨૫માં પાકિસ્તાને જેની જોડે બગાડયા છે, એ સાઉદી અરેબિયા જોડે આપણે સંબંધ સુધાર્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં જવું, એ ગાળામાં જ કાશ્મીરને ગળાની નસ કહીને પાકિસ્તાન આર્મીના ચીફે બયાન આપવું ને એ વખતે દાયકાઓ બાદ બધું નોર્મલ થયું છે, ફિલ્મો જોવાય છે, ભણવાનું ચાલુ છે, નોર્મલી પ્રવાસીઓ હરેફરે છે એવા મેસેજ જગતને મળતા હોય એ જ રહે મોરારિબાપુની ત્યાં રામકથા યોજાય અને એકઝાટકે દહશતના દરિન્દાઓ કેટલા ઘર બરબાદ કરી દે જેમાં નેવીનો એક રજા ઉપર રહેલો જુવાન અફસર પણ હોમાઈ જાય એવો એટેક થાય એ આંચકાજનક છે. એ જ તો આ જેહાદી જડસુઓનો એજેન્ડા હોય. પોતાને ફાવે એવી એક જગ્યાએ પ્રતિકાર ના કરી શકે એવા પ્રવાસીઓ પર મઝહબના નામે મોન્સ્ટર થઇ અશાંતિ અને અરાજકતા મફતમાં દેશભરમાં ઉકળી રહેલી લાગણીઓના પેટ્રોલમાં તણખો નાખીને ટ્રિગર કરવાનો!
જેહાદી ત્રાસવાદ અને કાશ્મીર પર એટલુ બધું લખ્યું છે કે હવે એકની એક વાત લખવામાં પણ સાર નથી લાગતો.
પંડિતોનું ઉચ્છેદન એ વાતનો પુરાવો છે કે સુફી કશ્મીરિયતની રંગીન વાતો માત્ર કહેવા પુરતી છે. બાકી ઇસ્લામના નામે ફિરદૌસને દોઝખ બનાવતી ફેક્ટરીને કાચા માલ રૂપે નૌજવાનો મળ્યા જ કરે છે, બ્રેઈન જ નથી, તો બ્રેઈનવોશિંગ શું કહેવું? સ્કલવોશિંગ છે આ ખાલી ખોપરીઓને ઇસ્લામના નામે ઉઠાં ભણાવાય છે. ચોક્કસ સિલેક્ટેડ સમાચારો, આડેધડ થતા અમુક રાજકીય ધાર્મિક નિવેદનો, કોઈ જવાબદારીના ભાન વિના સોશ્યલ નેટવર્કમાં થતા બેફામ ગાળાગાળી જેવા નફરતી મેસેજીઝ...આ તો પુરવાર થયું છે કે આ બધાનો ખંધા ત્રાસવાદ ઉછેરકેન્દ્રોમાં આપણી સામે એક નેગેટીવ નેરેટીવ સેટ કરવામાં ઉપયોગ થાય છે, અને એટલે જ ગમે તેમ ભરડતા રહેતા કે ગપ્પના મેસેજ ફોરવર્ડ કરતા લોકોને ખ્યાલ નથી કે એક રીતે એ લોકો ત્રાસવાદીઓને મદદરૂપ થઈને દેશની કુસેવા કરી રહ્યા છે.
ઇઝરાએલના રાજદૂતે પ્રતિભાવ આપ્યો એમ ડરાવવા માટે નવા નવા નુસખા ત્રાસવાદીઓ શોધ્યા જ કરે છે. અમેરિકા હોય કે ઇઝરાએલ કે ભારત આપણને ખબર જ છે કે આ લડાઈ જ નથી, વાયડાઈ છે એટલે એના પર એકઝાટકે વિજય મેળવવો અઘરો છે. બધે યુદ્ધ શરૂ થાય પછી ઝટ વન વે સામે દુશ્મન નાનો ને નબળો હોય તો પણ પુરા નથી થતા. પણ પ્રવાસીઓ પર એટેક એ નાની વાત નથી. ત્રાસવાદીઓ અને એમના આકાઓની સાત પેઢી યાદ રાખે એવી સજા સેનાએ એને આપવી રહે. પીઓકે જ ત્રાસવાદીઓ મોકલવાનું સેન્ટર છે કાશ્મીરમાં. એનો સફાયો કરીને એને ભારતમાં ભેળવી દેવાનું હોય આમ તો ને બલુચિસ્તાનને બાંગ્લાદેશની જેમ પાકિસ્તાનમાંથી છુટું કરાવવાનું હોય. અંગત રીતે તો એવું લાગે કે જે કાશ્મીરને જ પ્રવાસીઓ ઉપર નભવા છતાં એના ધર્મ સામે વાંધો છે, ત્યાં જવું જ ન જોઈએ. ભલે ભૂખે મરતા સ્વર્ગને નરક બનાવીને.
પણ આ બધું આપણે કરી શકવાના નથી. ગમે તેટલો ગુસ્સો કે ફ્રસ્ટ્રેશન હોય, કોઈ પોતાનો મોબાઈલ પણ મુકીને બોર્ડર પર લડવા જવાનું નથી. સંજય દત્ત હોય કે શાહરૂખ ખાન બધાએ વ્યથા ને ક્રોધ ઓનલાઈન વ્યક્ત કરી સરકાર તરફ નજર નાખી છે. એટલે કૂટનીતિના નિર્ણય રાજ્ય કે કેન્દ્રના અનુભવી સત્તાધીશો પર છોડી દઈએ. મોદી, શાહ, દોભાલથી વધુ સારો વિકલ્પ આમે જેહાદી ઇસ્લામિક ત્રાસવાદ અને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો બીજો હોઈ ના શકે, એટલે ભરોસો ને ધીરજ રાખીએ કે કૈંક પરિણામલક્ષી થશે, ચૂંટણીલક્ષી નહિ, ને ત્રાસવાદીઓની જાળમાં આવી એલફેલ વાણીવિલાસથી દેશમાં આંતરિક તોફાનો ના થાય એની જવાબદાર દેશવાસી નાગરિક તરીકે કાળજી લઈએ. બાંગ્લાદેશ હોય કે આપણું જ બંગાળ, ઈરાન હોય કે અફઘાનિસ્તાન, આ યુદ્ધ વૈચારિક પણ છે. આપણે તો ઘેર બેઠાં એટલું કરી શકીએ કે કટ્ટર જેહાદી રૂઢિચુસ્ત ઇસ્લામની સોચની નકલને બદલે અક્કલ વાપરી એના કાઉન્ટરમાં આધુનિકતાવાળી આઝાદી ને વૈજ્ઞાાનિક અભિગમ સાથેની રંગીનમિજાજીનું પૂરજોર સમર્થન કરીને એવી મુલ્લા માનસિકતાને બાળીએ અને એ જડસુ જૂનવાણીપણાનો પ્રસાર ખાળીએ! જેમ વેસ્ટર્ન વર્લ્ડ જેહાદી ત્રાસવાદ સામે લડતી વખતે એની પછાત લાઈફસ્ટાઈલ કોપી કરવાને બદલે વધુ બિન્દાસ ને શિક્ષિત વિકસિત બનીને એમને સેકન્ડરી સિટીઝન હોવાનો અહેસાસ કરાવે છે એમ જ! એટલુ આપણા હાથમાં છે.
ફાસ્ટ ફોરવર્ડ
'મુસલમાનો માટે આતંકવાદ સૌથી મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ. વકફ કે એનઆરસી નહીં. જેટલું જોર કે તાકાત સરકાર અને ના ગમતા નેતાઓ સામે લાદવામાં લગાડાય છે, એની પાંચ ટકા પણ આ પોતાનામાં પ્રવેશી ગયેલી ત્રાસવાદી માનસિકતા સામે લડવામાં લગાડી હોત, તો પોતે પણ સુકુનથી જીવી શકત અને બીજાઓ પણ!'
(સિદ્ધાર્થ તાબિશ)