...તો અખિલ બ્રહ્માંડમાં આપણે એકલા નથી એ ફાઇનલ?
- એકનજરઆતરફ -હર્ષલપુષ્કર્ણા
- નાસાના જેમ્બ વેબ ટેલિસ્કોપે 124 પ્રકાશવર્ષ દૂરના બ્રહ્માંડમાં નજર માંડીને K2-18b નામના બાહ્યાવકાશી ગ્રહ પર શું શોધ્યું? Are we alone? એ યક્ષપ્રશ્નનો જવાબ?
‘અફાટ, અનંત, અસીમ, અતળ બ્રહ્માંડમાં જો આપણે પૃથ્વીવાસી એકલા જ હોઈએ, અન્ય કશે જ જીવસૃષ્ટિ ખીલી ન હોય, તો (કથિત) સર્જનહારે આટલું મોટું અંતરિક્ષ રચીને જગ્યાનો નાહક બગાડ કર્યો ગણાય.’
બ્રહ્માંડના જટિલ, સંકીર્ણ તેમજ અટપટા તથ્યો અત્યંત સરળ શબ્દોમાં રજૂ કરી આપતા (સદ્ગત) ડો. કાર્લ સેગાનના Pale Blue Dot પુસ્તકમાં એક સરસ, વિચારપ્રેરક વાક્ય આવે છે—“If it is just us, seems like an awful waste of space.”
વાક્યનો અનુવાદ નહિ, પણ ભાવાર્થ કંઈક આવો નીકળે છેઃ અફાટ, અનંત, અસીમ, અતળ બ્રહ્માંડમાં જો આપણે પૃથ્વીવાસી એકલા જ હોઈએ, અન્ય કશે જ જીવસૃષ્ટિ ખીલી ન હોય, તો (કથિત) સર્જનહારે આટલું મોટું અંતરિક્ષ રચીને જગ્યાનો નાહક બગાડ કર્યો ગણાય.
ડો. કાર્લ સેગાનની વાતમાં તર્કનો દમ છે. અબજો તારાઓની હાઉસિંગ કોલોની જેવી અબજો આકાશગંગાઓના રચયિતા ફક્ત Milkyway/ દૂધગંગાના ફક્ત એક તારાના ફક્ત એક ગ્રહને જીવનથી ચેતનવંતો રાખે અને બાકીના કરોડો અવકાશી પિંડ જડ રહી જાય તે માનવા જેવું લાગતું નથી. તર્ક ઉપરાંત કોમન સેન્સનું પણ તેમાં શિર્ષાસન થતું દેખાય છે. સો એકરની ફળદ્રુપ જમીન પર ચારેય તરફ લાખો બીજ રોપી દો, પણ તેમાંનું એક જ બીજ અંકુરિત થઈ છોડ ખીલે એના જેવી વાત છે. સામાન્ય બુદ્ધિને તે વાત ન જચે કે ન પચે!
આ બદહજમી ખગોળવિદ્દોને વર્ષોથી સતાવી રહી છે. બ્રહ્માંડમાં પૃથ્વીની કોઈ સખી યા સિસ્ટર છે કે કેમ તે જાણવા-શોધવા માટે તેઓ પાવરફુલ ટેલિસ્કોપ વડે વિશાળ અવકાશી ફલક ફંફોસતા આવ્યા છે. સાડા ત્રણ દાયકાથી ચાલી રહેલા તલાશી અભિયાન દરમ્યાન આપણી સૂર્યમાળાની બહારના અવકાશમાં સાડા પાંચ હજાર કરતાં વધુ extrasolar planets/ બાહ્યાવકાશી ગ્રહો મળી ચૂક્યા છે. પરંતુ પૃથ્વીથી ૪૦ પ્રકાશવર્ષ દૂર (૧ પ્રકાશવર્ષ = ૯,૪૬૦ અબજ કિલોમીટર) ‘ટ્રેપિસ્ટ’ સૌરમંડળમાં મળી આવેલા પાંચ પૈકી બે ગ્રહો જેવા પાણીદાર કોઈ નથી. જીવનનું પારણું ‘ટ્રેપિસ્ટ’ ગ્રહો પર બંધાયું હોવાની સંભાવના પૂરેપૂરી છે. બાકીના હજારો ગ્રહો યા તો નપાણિયા છે અથવા માત્ર વાયુના ફોરા દડા છે. પિતૃતારાથી વધુ પડતા નજીક હોવાથી બળબળતી ભઠ્ઠી સમા છે અગર તો વધુ પડતા દૂર બિરાજ્યા હોવાથી આઇસ કોલ્ડ શીતાગાર છે. ચારેય કેસમાં ગ્રહ પર જીવનની ફૂટ ફૂટવી અસંભવ છે.
■■■
આ સંદર્ભે હવે એક તાજા સમાચાર જાણો. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપની વેધક આંખે ૧૨૪ પ્રકાશવર્ષ દૂરના અવકાશમાં K2-18b નામના પાણીદાર ગ્રહનો તાજેતરમાં ફલાદેશ કાઢી આપ્યો છે. કદમાં તે ગ્રહ આપણી પૃથ્વી કરતાં અઢી ગણો વિરાટ છે. પૃથ્વીનો એક દિવસ ૨૪ કલાકનો છે, તો K2-18b તેત્રીસ કલાકે એક ધરીભ્રમણ પૂરું કરે છે. પિતૃતારાથી સલામત અંતર જાળવીને પ્રદક્ષિણા કરતો હોવાથી તેનું વાતાવરણ વધુઓછા અંશે પૃથ્વી જેવું છે. વધુ પડતું ગરમ નથી તેમ વધુ પડતું ઠંડું પણ નહિ. સપાટી પર ઝિલાતાં પિતૃતારાનાં કિરણોની તીવ્રતા એટલી જ છે કે જેટલી પૃથ્વીને મળતાં સૌરકિરણોની છે. આ બધી ખૂબીઓ K2-18bને જીવસૃષ્ટિ પાંગરવા માટેનો લાયક ઉમેદવાર બનાવે છે.
જો કે, લાયકાતને અનેકગણી વધારી દેતી બીજી ખૂબી પણ છે. જેમ્સ વેબ ટેલિસ્કોપે K2-18bના વાતાવરણમાં પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને મિથેનની હાજરી પારખી છે, જ્યારે સપાટી પર દરિયો ઘૂઘવતો હોવાનું અનુમાન કર્યું છે.
ત્રીજી ખૂબી K2-18bના વાતાવરણમાં મળેલી ડિમિથાઇલ સલ્ફાઇડ તથા ડિમિથાઇલ ડાયસલ્ફાઇડની હાજરી છે. પૃથ્વી પર તે બન્ને વાયુઓનું નિર્માણ પ્લેન્ક્ટન નામના બારીક સમુદ્રી જીવો તથા બેક્ટીરિઆને આભારી છે. આનો સૂચિતાર્થ એ નીકળે કે પૃથ્વીની જેમ K2-18b પર કદાચ પ્લેન્ક્ટન તથા બેક્ટીરિઆની મોજૂદગી હોવી જોઈએ—અને સાચે જ હોય તો સમજી લો, કે અખિલ બ્રહ્માંડમાં આપણી પૃથ્વીવાસી એકલા નથી. ખગોળવિદ્દોને વર્ષોથી સતાવતો ‘Are we alone?/ સકળ બ્રહ્માંડમાં શું આપણે પૃથ્વીવાસી એકલા જ છીએ?’ સવાલનો કદાચ જવાબ મળી આવે.
ચાલો, ઠીક છે. પૃથ્વીથી ૧૨૪ પ્રકાશવર્ષ દૂરના અંતરિક્ષમાં એકાદ પાણીદાર, જીવંત ગ્રહ મળે તોય શું? અને ન મળે તોય શું? અહીં આપણા જીવનમાં તેનાથી શો ફરક પડવાનો હતો?
આમ તો કશો જ નહિ. પરંતુ એવો સંકુચિત અભિગમ અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતરણ કરવામાં તેમજ પ્રાપ્ત જ્ઞાનનું સમૃદ્ધિકરણ કરવામાં બાધારૂપ બનતો હોય છે. આજે બ્રહ્માંડ વિશે આપણે જે થોડુંઘણું જાણી શક્યા છીએ તે ભૂતકાળમાં ટોલેમી, નિકોલસ કોપરનિકસ, ગેલિલિયો ગેલિલિ, આઈઝેક ન્યૂટન, એડવિન હબલ, આલ્બર્ટ આઇનસ્ટાઇન, સ્ટીફન હોકિંગ, એલન ગૂથ, ફ્રેડ હોઇલ જેવા ખગોળવિદ્દોએ બ્રહ્માંડનાં રહસ્યો ઉકેલવા માટે વેઠેલા અગણિત ઉજાગરાની દેણ છે. આથી બ્રહ્માંડ વિશે આજે જે કંઈ સંશોધન થઈ રહ્યું છે તેનો લાભ આવનારી પેઢીઓને મળવાનો છે.
જેમ્સ વેબ ટેલિસ્કોપ નામના અવકાશી પંડિતે જેની કુંડળી કાઢી આપી તે K2-18b બાહ્યાવકાશી ગ્રહનો અભ્યાસ જરૂરી એટલા માટે છે કે તેના વડે સંશોધકો પૃથ્વીના ભૂતકાળમાં (સૈદ્ધાંતિક રીતે) ટાઇમ ટ્રાવેલ કરી શકે તેમ છે. જુદા શબ્દોમાં કહો તો, આદિકાળમાં પૃથ્વી પર પહેલો જીવ કેવી રીતે પાંગર્યો અને પાંગર્યા પછી વૈવિધ્યના સેંકડો ફાંટે તેની ઉત્ક્રાંતિ શી રીતે થઈ તેનો વધુ સચોટ ખ્યાલ K2-18bનો અભ્યાસ કરીને મળી શકે તેમ છે. આ મુદ્દો જરા વિગતે અને વિસ્તારપૂર્વક સમજવા જેવો છે.
■■■
આજથી ૪.૬ અબજ વર્ષ પહેલાં પૃથ્વી નામનો અવકાશી પિંડ રચાયો હતો. ધગધગતા લાવા વડે ખદખદતો ગોળો ક્રમશઃ ઠર્યો તેમ તેના ચહેરા પર ખડકો, પહાડો, ખીણો જેવાં ભૌગોલિક ફીચર્સ ઊપસી આવ્યાં. કરોડો વર્ષ બાદ વાતાવરણ બન્યું, વાદળો ગંઠાયાં, મુશળધાર વર્ષા થકી સાગર, સરોવરો તથા નદીઓની રચના થઈ. વખત જતાં એવો તબક્કો આવ્યો કે જ્યારે પૃથ્વી પર બધું જ હતું—સિવાય કે જીવન!
આજે વિજ્ઞાનીઓ એટલું તો જાણે છે કે પૃથ્વીના જન્મ બાદ ૧.૬ અબજ વર્ષ વીતી ગયા ત્યાર પછી સમુદ્રમાં પહેલો એકકોષી જીવ ઉદ્ભવ્યો હતો. અગાઉ જે પદાર્થ નિર્જીવ હતા તેમાંના અમુક પોતાનું રાસાયણિક સ્વરૂપ બદલીને સજીવ થયા હતા. જડ મટીને ચેતન બન્યા હતા. પરંતુ અત્યંત દૂરના ભૂતકાળમાં એ જાતનું ચમત્કારિક સ્વરૂપાંતર શી રીતે થયું તે આજની તારીખે રહસ્ય છે. વિવિધ વિજ્ઞાનીઓએ સમયાંતરે તે રહસ્ય વિશે પોતપોતાની વૈજ્ઞાનિક થિઅરીઓ આપી છે, પણ વૈશ્વિક માન્યતાનો સિક્કો હજી તેમને લાગ્યો નથી.
જેમ કે, ફ્રેડ હોઇલ અને ચંદ્ર વિક્રમાસિંઘે નામના ખગોળશાસ્ત્રીઓ જણાવે છે કે પ્રથમ જીવનો ઉદ્ભવ પૃથ્વી પર થયો જ નહોતો. બલકે, બાહ્યાવકાશથી સંભવતઃ ઉલ્કા ભેગો તે પૃથ્વી પર આવ્યો, દરિયામાં પાંગર્યો અને વખત જતાં મ્યૂટેશન (ગુણવિકાર) વડે પ્રાણી-પંખી-જળચરો જેવી અવનવી સ્પીસિસમાં રૂપાંતર પામ્યો.
આ થિઅરીને પૂર્ણ માન્યતા મળી નથી. છતાં થોડીક વાર પૂરતી તેને સ્વીકારી લઈએ તો વળી બીજો સવાલ જન્મે છે કે, આદિકાળમાં ધરતીની કૂખે પ્રથમ જીવ જન્મ્યો ન હોય અને બાહ્યાવકાશથી તેણે દત્તક લીધો હોય તો ખુદ બાહ્યાવકાશમાં જીવની ઉત્પત્તિ શી રીતે થઈ હશે?
આ અણઉકેલ સવાલનો જવાબ પૃથ્વીથી ૧૨૪ પ્રકાશવર્ષ છેટે સ્થિત K2-18b ગ્રહનો સંકીર્ણ અભ્યાસ કરવાથી મળે તે સંભવ છે. પ્રોફેસર નિક્કુ મધુસુદન નામના વિજ્ઞાની જવાબ મેળવવા બાબતે ખાસ્સા આશાવાદી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ખગોળશાસ્ત્ર શાખાના એ તજજ્ઞ K2-18b ગ્રહના અભ્યાસ પાછળ પુષ્કળ સમય અને શક્તિ ખર્ચી રહ્યા છે. કારણ કે K2-18bનું પાણીની વરાળ, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ તથા મિથેન યુક્ત વાતાવરણ આદિકાળની પૃથ્વીના વાતાવરણ જેવું જણાય છે. જગતના બહુધા ખગોળવિદ્દોએ સ્વીકારેલી વૈજ્ઞાનિક થિઅરી મુજબ પૃથ્વી પર આદિકાળનો સમુદ્ર પ્રથમ એકકોષી જીવની સ્વયંભૂ ઉત્પત્તિ માટે અનુકૂળ હતો. સમુદ્રના પાણીનું નવશેકું તાપમાન અને રાસાયણિક બંધારણ જીવના સર્જનને શક્ય બનાવવા માટે એકદમ પરફેક્ટ હતું. આ થિઅરી મુજબ જોતાં સૂક્ષ્મ જીવોને પાંગરવા માટે જોઈએ તે બધાં તત્ત્વો K2-18bના વાતાવરણમાં મોજૂદ છે. ગ્રહની સપાટી પર દરિયો ઘૂઘવતો હોય અને પાણીનું તાપમાન નવશેકું હોય તો જીવની ઉત્પત્તિ માટે સ્થિતિસંજોગો બધી રીતે માફકસર છે.
અગાઉ જણાવ્યું તેમ સૂર્યમાળાની બહાર મળી આવેલા બાહ્યાવકાશી ગ્રહો પૈકી ઘણાખરા પર પાણીની હાજરી પ્રવાહી સ્વરૂપે નથી. આથી જીવનના પ્રાગટ્ય માટે તેઓ ગેરલાયક ઠરે છે. પાણી વિના કોઈ પણ જીવના કોષો વચ્ચે જીવરાસાયણિક તત્ત્વોનું વહન દ્વારા આદાનપ્રદાન થઈ શકતું નથી. વળી જીવનના સંચાર માટે ગ્રહ પર કાર્બનનું અસ્તિત્વ હોવું પણ અનિવાર્ય છે. કાર્બન બીજા અનેક રાસાયણિક તત્ત્વો સાથે જોડાણ સ્થાપીને નવા રેણુ રચી શકે છે, જે સિવાય તો સજીવનું શારીરિક માળખું રચાય જ નહિ. યાદ રહે કે પૃથ્વી પર મનુષ્ય સહિતના અનેક સજીવોની બાયોલોજિકલ બનાવટમાં કાર્બન અનિવાર્યપણે છે. બાહ્યાવકાશી K2-18b ગ્રહ પર કાર્બનની પણ ઉપસ્થિતિ હોવાથી પ્રોફેસર નિક્કુ મધુસુદન જેવા સંશોધકો ત્યાં જીવનનો અંકુર ફૂટ્યા વિશે આશાવાદી છે.
રહી વાત આદિ પૃથ્વી પર સજીવ કેવા સંજોગોમાં પાંગર્યો તે સવાલની, તો તેનો જવાબ પૃથ્વીનો અભ્યાસ કરીને મળી શકવાનો નથી. કારણ કે પ્રથમ જીવ આદિ પૃથ્વીના જે વાતાવરણમાં ઉદ્ભવ્યો તેવું વાતાવરણ આજે પૃથ્વી પર રહ્યું નથી. આ માટે કોઈ અન્ય ગ્રહમાં ડોકિયું કરવું રહ્યું, જે માટે બાહ્યાવકાશી K2-18b ગ્રહ સૌથી લાયક ઉમેદવાર જણાય છે.■