Get The App

સિંધુ જળ સમજૂતી રદ્ : 'લોહી અને પાણી સાથે વહી શકે નહીં'

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
સિંધુ જળ સમજૂતી રદ્ : 'લોહી અને પાણી સાથે વહી શકે નહીં' 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- 1965, 1971 અને 1999ના યુદ્ધ વખતેય ભારતે મોટું મન રાખીને જળ સમજૂતી રદ્ કરી ન હતી. હવે પાકિસ્તાનને પાઠ ભણાવવા 65 વર્ષ પછી કરાર રદ્ કરી દેવાયો છે

'લો હી અને પાણી સાથે વહી શકે નહીં.' ૨૦૧૬માં ભારતીય લશ્કરના જવાનો પર ઉરીમાં આતંકવાદી હુમલો થયો તે પછી તીવ્ર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરનું વાક્ય કહ્યું હતું. પાકિસ્તાનમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કરાવેલા એ હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા હતા અને ૩૦ને ઈજાગ્રસ્ત બન્યા હતા. સુરક્ષાદળો પર બે દશકામાં થયેલો એ સૌથી મોટો હુમલો હતો. તે વખતે પીએમના આ નિવેદન પછી એવી અટકળો ચાલતી હતી કે ભારત સિંધુ જળ સમજૂતી રદ્ કરી દેશે, પણ મામલો શાંત પડયો પછી કેન્દ્ર સરકારે ટ્રીટી રદ્ કરવાનો વિચાર માંડી વાળ્યો.

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી - પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ૨૦૧૯માં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર પુલવામા નજીક ઈન્ડિયન આર્મી પર હુમલો કર્યો. ૪૦ જવાનો શહીદ થયા અને ૩૫ ઘવાયા. એ ઘટનાથી આખો દેશ હચમચી ગયો. 'ઈંટનો જવાબ પથ્થરથી ન આપો તો કંઈ નહીંે, 'લોહી'નો જવાબ 'પાણી'થી તો આપો!' - આ મથાળા સાથે ત્યારે આ કોલમમાં સિંધુ જળ સમજૂતી રદ્ કરવાની તરફેણમાં લેખ લખ્યો હતો. હુમલા પછી અટકળો ચાલતી હતી કે પાકિસ્તાનને સીધું કરવા માટે પાણી અટકાવી દેવાશે, પણ તે વખતેય ભારતે મોટું મન રાખીને, પાકિસ્તાનના નાગરિકોનો વિચાર કરીને જળ સમજૂતી રદ્ ન કરી.

આખરે આઠ-નવ વર્ષથી તોળાતું એક્શન હવે લેવાયું. ટૂરિસ્ટનો ધર્મ પૂછીને કાશ્મીરના પહલગાવમાં આતંકવાદીઓએ ૪૬ નાગરિકોનો જીવ લીધો એ પછી પાકિસ્તાનને સીધું કરવામાં વિલંબ ન કરવો જોઈએ એવી લોકલાગણી ઉઠી. કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે પગલાં ભર્યાં. પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી જવાનું ફરમાન કરવાની સાથે કેન્દ્ર સરકારે સિંધુ જળ સમજૂતી તાત્કાલિક અસરથી રદ્ કરી દીધી. ને ૬૫ વર્ષના જળ વહેચણીના કરારનો અંત આવ્યો.

***

૧૯૪૭માં અખંડ ભારતના ભાગલા પડયા કે તરત જ બ્રિટિશ સરકારના સૂચનથી બંને દેશોના એન્જિનિયરો વચ્ચે સિંધુ નદીના પાણી મુદ્દે કરાર થયો હતો. એ કરાર ૩૧ માર્ચ, ૧૯૪૮ સુધી જ લાગુ હતો. કરાર પ્રમાણે ભારતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવવાનું ન હતું. ટૂંકા ગાળાનો કરાર પૂરો થયો પછી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તે વખતની પરિસ્થિતિ જોઈને પાકિસ્તાનને મળતો પાણીનો જથ્થો અટકાવી દીધો. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રજૂઆતો કરી. સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્લ્ડ બેંકને મધ્યસ્થીનું સૂચન કર્યું. વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આઠ-નવ વર્ષ વાટાઘાટો થઈ. આખરે ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦માં કરાચીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ.

સિંધુ નદીની પાંચ મુખ્ય ઉપનદીઓ અને એક સિંધુ નદી - એમ છ નદીઓના પાણીની વહેંચણી આ રીતે નક્કી થઈ - ત્રણ પૂર્વી નદીઓ - વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને મળ્યું અને ત્રણ પશ્વિમી નદીઓ - સિંધુ, ચેનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું. પાકિસ્તાનને જે ત્રણ નદીનું પાણી મળે છે તેમાંથી ભારત વીજળી, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે છે, પણ એનો જથ્થો ૨૦ ટકાથી વધુ ન થવો જોઈએ. ભારતમાંથી વહેતી આ નદીઓમાંથી ભારતે ૮૦ ટકા જથ્થો પાકિસ્તાન માટે અનામત છોડી દેવાનો હતો.

બંને દેશોના અધિકારીઓ-પ્રતિનિધિઓની એક કાયમી સમિતિ બની અને અનિવાર્ય ન હોય ત્યાં સુધી નેતાઓની દખલગીરી વગર બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવીને કરારનું પાલન થતું હતું. તે એટલે સુધી કે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ એમ ત્રણ ત્રણ યુદ્ધો થયાં. રાજદ્વારી કે આર્થિક સંબંધો જ રહ્યા ન હોવા છતાં ભારતે જળ સમજૂતી રદ્ ન કરી. ૧૯૮૫ પછી પાકિસ્તાને આતંકવાદી સંગઠનોને સમર્થન આપીને પ્રોક્સી વૉર શરૂ કર્યું તોય ભારતે પાણી અટકાવ્યું નહીં. પાકિસ્તાન મોટિવેટેડ આતંકવાદીઓએ ભારતના પાટનગર દિલ્હીમાં સંસદભવન પર હુમલો કર્યો, આર્થિક પાટનગર મુંબઈ પર હુમલો કર્યો ને સતત કાશ્મીર સહિત દેશમાં કેટલાય સ્થળોએ હુમલા કર્યા છતાં ભારતે મોટું મન રાખીને પાકિસ્તાનના નાગરિકો તરસ્યા ન મરે તે માટે જળ સમજૂતીનું પાલન કર્યું.

***

પણ ભારત જે રીતે પાકિસ્તાનના નાગરિકોનું વિચારે છે એમ પાકિસ્તાન ક્યારેય ભારતના નાગરિકોનું વિચારતું નથી. પાકિસ્તાને એકથી વધુ નિર્દોષ નાગરિકોને જાસૂસીના આરોપમાં જેલમાં બંધ રાખ્યા છે. બંને દેશો વચ્ચે કરાર છતાં કેટલાય માછીમારોને ગેરકાયદે રીતે વર્ષોથી કેદ કરી રાખ્યા છે. હવે કાશ્મીરમાં ટૂરિસ્ટ પર થયેલા હુમલાથી હદ પાર થઈ ગઈ છે ત્યારે સિંધુ જળ કરાર રદ્ કરવાનો નિર્ણય સમયસરનો છે. પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતમાં તીવ્ર પાણીની અછત સર્જાશે. જ્યાં આતંકવાદીઓને કેમ્પ ધમધમે છે એ બલુચિસ્તાન અને પીઓકેમાં પણ પાણીની તંગી થશે.

ભારતે કરાર રદ્ કર્યો પછી પાકિસ્તાનના નેતાઓ શેખી મારી રહ્યા છે - 'ભારત વૈશ્વિક કાયદા પ્રમાણે કરાર તોડી શકે નહીં. પાકિસ્તાન આ અંગે વૈશ્વિક સ્તરે રજૂઆત કરશે. પાકિસ્તાન પણ સામે શિમલા કરાર રદ્ કરી નાખશે.' પાકિસ્તાનના આ બધા દાવા પોકળ છે. શિમલા કરારની કેટલીય જોગવાઈઓનું તો છેલ્લાં ૫૦ વર્ષથી પાકિસ્તાન ઉલ્લંઘન કરે છે. વૈશ્વિક સંસ્થાઓનું પોતાનું સ્ટેન્ડ જ ઘણા કેસમાં શંકાસ્પદ છે. આમેય પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે. આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાન આર્મીના હથિયારો પકડાય છે. પાકિસ્તાન આર્મીના ડ્રોનનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિમાં થઈ રહ્યો છે. પાકિસ્તાનની વાત કોઈ સાંભળે એમ નથી ને કોઈ સાંભળે તોય ભારતે વૈશ્વિક સંસ્થાઓને, અમેરિકાને આયનો બતાવી દેવાની તૈયારી રાખવી પડે.

વેલ, આ છ નદીઓને ઈન્ડસ રિવર સિસ્ટમ કહેવાય છે. આ સિસ્ટમની નદીઓમાંથી ભારતને ૪૧ અબજ ક્યૂબિક મીટર, જ્યારે પાકિસ્તાનને ૯૯ અબજ ક્યૂબિક મીટર પાણી મળે છે. ભારતે સત્તાવાર રીતે કરાર તોડી નાખ્યો એ આતંકવાદી હુમલાના એક્શનનું રિએક્શન છે. પરંતુ આમેય આ વર્ષે માર્ચમાં ભારતે રાવી નદીના પાણીનો જથ્થો અટકાવી દીધો હતો. ભારતે કરારની ફેરવિચારણા માટે નોટિસો પાઠવી હતી એ જોતાં વહેલા મોડો આ કરાર તૂટવાનો હતો. સારું થયું, સમજૂતી વહેલી રદ્ થઈ. આમેય લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. 

3180 કિલોમીટર લાંબી સિંધુ નદી

સિંધુ નદી. એશિયાની આ સૌથી મોટી પૈકીની એક ગણાતી નદીના કાંઠે એક સમયે- આશરે આઠેક હજાર વર્ષ પૂર્વે જગતની પ્રાચીન એવી એક સિંધુ સંસ્કૃતિનો ઉદય થયો હતો. આજેય સિંધુ નદી અને તેમાંથી ઉપનદીઓના કાંઠે ૩૦ કરોડ લોકો રહે છે. ૧૧.૬૫ લાખ વર્ગ કિલોમીટરમાં તેનો ફેલાવો છે. ભારતમાં સિંધુ નદીનો ૩૯ ટકા હિસ્સો છે. નદીનો સૌથી વધુ ૪૭ ટકા વિસ્તાર પાકિસ્તાનમાં છે. ચીનમાં ૮ ટકા અને અફઘાનિસ્તાનમાં નદીનો ૬ ટકા જેટલો હિસ્સો છે. માનસરોવર નજીક ઉદ્ગમ સ્થાન ધરાવતી આ નદીની કુલ લંબાઈ ૩૧૮૦ કિલોમીટર છે. સિંધુ નદીની મુખ્ય ઉપનદીઓ - વિતસ્તા (ઝેલમ), ચંદ્રભાગા (ચેનાબ), ઈરાવતી, વિપાસા, રાવી, વ્યાસ, સતલુજ - ભારતીય ઉપખંડમાં વહે છે. તે સિવાયની ઉપનદીઓ પણ ભારત-પાકિસ્તાન-તિબેટ-અફઘાનિસ્તાનમાંથી પસાર થાય છે. સિંધુ પાકિસ્તાનની નેશનલ રીવર છે. સિંધુ નદી પરથી જ પાકિસ્તાનના એક પ્રાંતનું નામ પણ સિંધ પ્રાંત છે.

2022 પછી સિંધુ જળ સમિતિની બેઠકો થઈ નથી

૧૯૬૦માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ પછી એક સ્થાયી સિંધુ જળ સમિતિની રચના કરવામાં આવી હતી. એમાં ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ સંયુક્ત રીતે વાટાઘાટોથી વિવાદો ઉકેલે છે. જો કોઈ મુદ્દે એકથી વધુ બેઠકો યોજાવા છતાંય નિરાકરણ ન આવે તો વર્લ્ડ બેંક તટસ્થ નિષ્ણાત આપે તે સમિતિની બેઠકમાં હાજર રહે છે. ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓની બનેલી આ સમિતિની બેઠકો આમ તો દર વર્ષે મળે છે. જરૂર પડે તો વાર્ષિક બેઠકો સિવાય પણ બેઠકો યોજાય છે. ૨૦૧૯માં પુલવામામાં હુમલો થયો એ પછી બેઠકો ખૂબ અનિયમિત થઈ ગઈ. ૨૦૨૧માં દિલ્હીમાં ૧૧૬મી બેઠક મળી હતી. ૨૦૨૨માં ઈસ્લામાબાદમાં ૧૧૭મી બેઠક થઈ હતી. ત્યારબાદ સિંધુ જળ કમિશનની એકેય બેઠક મળી નથી. ભારતે ગયા વર્ષે સત્તાવાર જાહેરાત કરી હતી કે સિંધુ જળ સમજૂતીમાં નેગોશિએટ નહીં થાય ત્યાં સુધી બેઠકો થશે નહીં.

2023થી કરારમાં ફેરફારની ભારતની માગણી

સિંધુ જળ સમજૂતી સામે પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં જ ૨૦૦૩માં વિરોધ ઉઠયો હતો. જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં સમજૂતી રદ્ કરવાની તરફેણમાં ૨૦૦૩ અને ૨૦૧૬ એમ બબ્બે વખત ઠરાવ થયો હતો. જમ્મુ-કાશ્મીરની દલીલ છે કે આ ટ્રીટીથી રાજ્યને પૂરતું પાણી મળતું નથી. પાણીનો મોટો હિસ્સો પાકિસ્તાનને આપવો પડે છે. એ જ વર્ષે સુપ્રીમ કોર્ટમાં પણ જાહેર હિતની અરજી થઈ હતી, જેની સુનાવણી હજુ બાકી છે. સમય બદલાયો છે એટલે ભારત ૧૯૬૦ની સમજૂતીમાં ફેરફાર કરવા ઈચ્છે છે. ડેમ બનાવવા હોય તો પણ આ ટ્રીટીના કારણે શક્ય બનતું નથી. વર્લ્ડ બેંક આ સમજૂતીમાં મધ્યસ્થીની ભૂમિકામાં છે એટલે ભારતે વર્લ્ડ બેંક અને પાકિસ્તાનને એકથી વધુ વખત એ માટે રજૂઆત કરી છે. ૨૦૨૩માં પહેલી વખત સત્તાવાર રીતે પાકિસ્તાનને નોટિસ આપી હતી. એ પછી ચાર વખત ટ્રીટી નેગોશિએટ કરવાની નોટિસ ભારતે પાઠવી છે.

Tags :