ધ્યાન અને પ્રાર્થના દરમિયાન પ્રાણશક્તિ ચમત્કારો સર્જી શકે
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ચેતના ધ્યાન અને પ્રાર્થનાની સ્થિતિમાં દિવ્ય ચેતના અને અલૌકિક શક્તિ સ્ત્રોત સાથે જોડાઈ જાય છે. તે અતીન્જદ્રિય ક્ષમતા ઉત્પન્ન કરી સંકટમાં રક્ષણ કરે છે
સા ઈકોસાઈબરનેટિક્સ મન અને ચેતનાના ગહન રહસ્યોને ઉદઘાટિત કરવાના પ્રયાસો કરે છે. અમેરિકન મનોવિજ્ઞાાની ડૉ. નેલ્સન બોલ્ટ કહે છે કે મનુષ્યની અંદર અનંત શક્તિશાળી આત્મચેતના રહેલી છે જેને પ્રાણશક્તિ કહેવાય છે. તે શરીરની સૂક્ષ્મ અને જટિલ પ્રક્રિયાઓને ચલાવવાનું કાર્ય તો કરે જ છે તે ઉપરાંત એકસાથે અનેક બાબતોમાં પ્રત્યક્ષ-પરોક્ષ ક્રિયાઓ કરે છે અને એકબીજાને સહયોગી બની અદ્ભુત શરીર તંત્ર ચલાવે છે. તે અસ્તિત્વને ટકાવી રાખવા અજ્ઞાાત સાધનો પુરા પાડે છે. વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની વિરાટ ચેતના સાથે સદા-સંયુક્ત રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિગત મન વૈશ્વિક મન (Universal Mind) સાથે હમેશાં જોડાયેલું રહે છે એટલે એ કોઈ મોટા સંકટના સમયે એના સંકેતો આપવા લાગે છે. વ્યક્તિ અતીન્દ્રિય શક્તિ ધરાવતી ન હોવા છતાં તેવા વિશિષ્ટ સંજોગોમાં તેનામાં ચેતના ઈન્દ્રિયાતીત જ્ઞાાન પ્રકટ કરી દે છે, એટલું જ નહીં કેટલાક સંજોગોમાં તે દૂરથી પણ તે સંકટને દૂર કરવાનો ઉપાય કરી લે છે અને તે સંકટગ્રસ્ત વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થઈ જાય છે.
Exploring Psychic Phenomena & Beyond Mind and Matter લેખક ડગ્લક્ષ સ્કોટ રોગો (Douglas Scott Rogo) નામના પરામનોવિજ્ઞાાની અને સંશોધક દર્શાવે છે કે વિચારો અને ભાવનાઓ પ્રાણઊર્જાનું જ ઉત્સર્જન છે - Thoughts and feelins are discharge of vital force. વિશિષ્ટ સંજોગોમાં આ ઉત્સર્જન અંત:કરણમાં સ્ફૂરણા રૂપે પ્રગટ થાય છે. આખું બ્રહ્માંડ ચેતનાનો અવિચ્છિન્ન પ્રવાહ જ છે. એટલે વિચાર અને ભાવથી જોડાયેલી બે વ્યક્તિ વચ્ચે આ અંત:સ્ફૂરણાથી ઉદભવેલ માહિતીનું તત્ક્ષણ આદાનપ્રદાન થઈ જાય છે. તેને લીધે ટેલિપથી, દૂર-દર્શન, દૂર-શ્રવણ જેવી ક્લેરવોયન્સની ઘટનાઓ ઘટિત થઈ જાય છે. ડી. સ્કોટ રોગોના અન્ય કેટલાક પુસ્તકો પણ પ્રસિદ્ધ છે - ESP and your pet & Discover your pets Hidden Psychic Power, Phone calls from the Dead. Miracles, A Parascientific Inquiry into Wondrous Phenomena.
પોતાના સ્વજનના સંકટની જાણ થવાની અને તેનો ચમત્કારિક રીતે બચાવ થવાની એક અદ્ભુત અને અકલ્પ્ય ઘટના ચાર્લ્સ વેબસ્ટર લેડબીટરે એમના પુસ્તકમાં રજૂ કરી છે. સી.ડબલ્યુ.લેડબીટર C.C.W. Lead beater) થિયોસોફિકલ સોસાયટીના સભ્ય, મેડમ બ્લેવેત્સ્કીના સહયોગી, અક્લ્ટ સાયન્સ (ગૂઢવિદ્યા)ના લેખક હતા. ૧૯૦૯માં લેડબીટરની મુલાકાત ચૌદ વર્ષની વયના જિદુ કૃષ્ણમૂર્તિ (જે. કૃષ્ણમૂર્તિ) સાથે થઈ હતી અને તેમની પ્રતિભા ઓળખી લીધી હતી. તે માનતા હતા કે કૃષ્ણમૂર્તિ વિશ્વ શિક્ષકના વાહન માટે યોગ્ય ઉમેદવાર છે, અનેક થિયોસોફિસ્ટ જે પ્રતિષ્ઠિત મસીહા ચેતનાના આગમનની આશા રાખતા હતા તે પૂરી પાડશે લેડબીટરે કૃષ્ણમૂર્તિનું છદ્મ નામ અલસીઓન (Alcyone) રાખ્યું Rents in the veil of Time શીર્ષક હેઠળ એપ્રિલ ૧૯૧૦ માં થિયોસોફિસ્ટ મેગેઝિનમાં એક શૃંખલામાં અલસીઓન (જિદુ કૃષ્ણમૂર્તિ)ના ૩૦ પૂર્વજન્મો (Past lives) પ્રકાશિત કર્યા હતા. તે ૨૨,૬૬૨ ઈ.પૂ.થી ૬૨૪ ઈસ્વીસન સુધી હતા. તેમાં ૧૧ જન્મોમાં અલસીઓન સ્ત્રી રૂપે હતા.
લેડબીટર જણાવે છે કે ચેતના ધ્યાન અને પ્રાર્થનાની સ્થિતિમાં દિવ્ય ચેતના અને અલૌકિક શક્તિ સ્ત્રોત સાથે જોડાઈ જાય છે. તે અતીન્જદ્રિય ક્ષમતા ઉત્પન્ન કરી સંકટમાં રક્ષણ કરે છે અને તેનું નિવારણ પણ કરી છે. આના પુરાવા રૂપ ચેતનાનો ચમત્કાર ગણાય એવી આ ઘટના જે તેમણે રજુ કરી છે તે આ પ્રમાણે છે -
લંડનના હોલબોર્ન રોડ પર આવેલા એક મકાનમાં આગ લાગી. સમય સૂચક્તા વાપરી લગભગ બધા માણસોને સહીસલામત બહાર કાઢી બચાવી લેવાયા. ત્યાં એ મકાન માલિક મહિલાને યાદ આવ્યું કે તેની એક મિત્ર તેને અગત્યનું કામ હોવાને કારણે તેનું બાળક અહીં એની સંભાળમાં મુકીને કાલચેસ્ટર ગઈ છે. તેને તો તે ભૂલી જ ગઈ છે. તેણે ફાયર બ્રિગેડના કર્મચારીઓને એને બચાલી લેવા વિનંતી કરી. એક કર્મચારી હિંમત કરીને ત્યાં ગયો જ્યાં તેને સુવાડવામાં આવી હતી. તેણે જે જોયું તે માન્યામાં આવે તેમ નહોતું. છતાં તે સત્ય હતું. બાળક જે પલંગ પર સૂતું હતું તેની ચારે તરફ આગ હતી પણ બાળકની આજુબાજુ ત્રણેક ફુટ સુધી વર્તુળાકારે એક પ્રકાશપુંજ ઘેરાયેલો હતો અને આગ એનાથી આગળ જતી નહોતી. પલંગ તો આગમાં ભડભડ બળી રહ્યો હતો. ત્યાં જાણે તેના અંતરમાંથી અવાજ પ્રગટ થયો હોય તમ કોઈ અવાજ સંભળાયો - 'તું બાળકને લઈ લે, તને કોઈ નુકસાન નહીં થાય.' તેણે એ બાળકને ઉઠાવી લીધું. રૂમમાંથી બહાર નીકળતી વખતે તેણે પાછળ વળીને જોયું તો પેલો પ્રકાશપુંજ અદ્રશ્ય થઈ ગયો હતો અને આગ વધીને તે ભાગમાં પણ ફેલાઈ ગઈ હતી જ્યાં બાળક સૂતું હતું. આખો પલંગ ભડભડ બળી રહ્યો હતો.
આ મકાનને આગ લાગી તે વખતે કાલચેસ્ટરમાં એ બાળકની માતા જે ઘસઘસાટ ઊંઘી ગઈ હતી તે અચાનક જાગી ગઈ હતી. તેના મનમાં તેનું બાળક ભારે સંકટમાં છે એવા સંકેતો મળવા લાગ્યા હતા. તેની પાસે ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તે ધ્યાનમાં બેસી ગઈ અને પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવા લાગી હતી કે તો તેના બાળકનું રક્ષણ કરે. તેની ધ્યાનાવસ્થામાં કરાયેલી પૂર્ણ શ્રદ્ધાયુક્ત પ્રાર્થનાથી તેનું સૂક્ષ્મ શરીર એક વિદ્યુત ચુંબકીય પ્રવાહ સાથે ત્યાં પહોંચ્યાં જ્યાં તેનું બાળક સૂતેલું હતું. તે બાળકની ચારેબાજુ પ્રકાશના વર્તુળ રૂપે તેને ઘેરીને તેનું રક્ષણ કરતું રહ્યું હતું. એ દિવ્ય પ્રકાશ એવો હતો જેને અગ્નિ વીંધી શકતો નહોતો. માતૃપ્રેમની પરાકાષ્ઠાની સ્થિતિમાં એની માતાની વ્યક્તિગત ચેતના વૈશ્વિક ચેતના સાથે જોડાઈ જવાથી તેને બાળકના સંકટની જાણ દૂર હોવા છતાં થઈ ગઈ હતી. ધ્યાન અને પ્રાર્થના દરમિયાન પરમ તત્વ સાથે જોડાઈ ગયેલી ચેતનાએ એવી ક્રિયા કરી જેનાથી બાળકનું આગથી ચમત્કારિક રીતે રક્ષણ થયું અને તેનો બચાવ થઈ ગયો.