વિશ્વમાં નાસ્તિક બનવાનો ટ્રેન્ડ! .
- બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મી દેશોમાં નવી પેઢીના નાગરિકો કહે છે કે અમારે કોઈ ધર્મનું લેબલ નથી જોઈતું.. માનવ ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- અમેરિકા, યુરોપીય દેશો, સાઉથ કોરિયા અને જાપાન જેવા દેશમાં સરેરાશ 40 ટકા નાગરિકો ચર્ચ કે મઠમાં જતા નથી
- હિન્દુ અને મુસલમાનોને તેમના ધર્મમાં અડગ શ્રદ્ધા આમ છતાં બૌદ્ધિકો અને રેશનાલીસ્ટ વધતા પણ જાય છે
- અમેરિકાની 'Pew' રિસર્ચ સંસ્થાનો સર્વે : નાસ્તિક કદાચ કહેવાતા આસ્તિકો કરતા પણ વધુ ઉદાહરણીય જીવન વીતાવતા હોય છે
એ ક જાણીતા તબીબ જોડે પ્રવાસમાં જવાનું થયું. માર્ગમાં જ એક પ્રાચીન મંદિર કે જે પ્રવાસન સ્થળ તરીકે પણ જાણીતું હોઈ દર્શન માટે કાર ઉભી રાખી. કારમાં બેસેલ બીજા બે મિત્રો હોંશભેર દર્શન કરવા ઉતર્યા. પણ અમારા તબીબ મિત્ર કારમાં બેઠા રહ્યા. અમે પૂછયું કે 'તમારે દર્શન કરવા નથી આવવું' તો તેમણે જવાબ આપ્યો કે સમજણો થયો ત્યારથી કોઈ મંદિરમાં પગ નથી મૂક્યો. તમે મને નાસ્તિક કહી શકો છો.' થોડું સમજાવ્યા પણ ન જ માન્યા. એટલે સુધી કે પ્રસાદ પણ ન લીધો. ફરી કાર પર બેસીને પ્રવાસ આગળ વધાર્યો ત્યારે મિત્ર ભાવે પૂછયું કે 'તમને ધર્મ - પૂજામાં કેમ શ્રદ્ધા નથી' તો કહે કે મારો ધર્મ હિન્દુ છે તે હું સ્વીકારું પણ કોઈ ભગવાન કે મૂર્તિ પૂજા અને દર્શનમાં માનતો નથી.'
ચાલો આ ભાઈ કમ સે કમ તેઓનો કોઈ જન્મજાત ધર્મ છે તેમ તો સ્વીકારે છે.
પણ કેટલાક પરિચિતો એવા પણ છે કે તેઓ સરેઆમ કહે છે કે 'હું નાસ્તિક છું. કોઈ ભગવાનમાં માનતો નથી અને હું જન્મથી જે ધર્મ છે તેમાં પણ શ્રદ્ધા નથી ધરાવતો હા, હું માનવ ધર્મમાં માનું છું. કોઈને નડતો નથી. કોઈ માટે દ્વેષ નથી રાખતો અને મારી શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ વ્યક્તિ કે પરિવારને આર્થિક કે સમય દાન આપીને મદદ કરું છું.'
એક બહોળો વર્ગ એવો પણ છે જેઓ પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખે છે પણ તેઓને મંદિર, દહેરાસર ચર્ચ કે મઠમાં જે રીતે સંસારીને પણ શરમાવે તેવી ખટપટ, જૂથબંધી, ગાદી માટેના ઝઘડા, ભાવુક શ્રદ્ધાળુઓનું આર્થિક અને માનસિક શોષણ વગેરે જોઈને તેવા મંદિરોમાં દર્શન કે પૂજામાં જવાની ઇચ્છા જ નથી થતી. તેઓ કહે છે કે 'અમે ધર્મમાં કે ગ્રંથોમાં કઈ રીતે જીવવું તેનું જ માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે આચરણ કરીએ છીએ. અમને કોઈ આસ્તિક કહે કે નાસ્તિક તેનાંથી કોઈ ફર્ક નથી પડતો.'
આવી જ રીતે ભારતમાં અને વિશ્વમાં રેશનાલિસ્ટ (તર્કપ્રામાણ્યવાદી) ની સંખ્યા પણ વધતી જાય છે જેઓ તમામ બાબતોને બુદ્ધિ , અને તર્કના ત્રાજવે તોળ્યા પછી જ તેનો સ્વીકાર કરે છે. આંખ મીચીને કોઈના પર પણ શ્રદ્ધા નથી મૂકતા.જે પણ તેઓના પરીક્ષણમાંથી પાસ થાય તે જ સત્ય તેમ માને છે.
ભારતમાં તો ધર્મથી વિમુખ થનારા કે નાસ્તિકની સંખ્યા હજુ ઘણી ઓછી છે પણ
વોશિંગ્ટન સ્થિત આદરણીય સંશોધન સંસ્થા 'ઁીુ િીજીચબિર'ના તારણો પરથી એવો ટ્રેન્ડ જોઈ શકાય છે કે વિશ્વના નાગરિકો તેમના પરનું ધર્મનું લેબલ ત્યજી પોતે કોઈપણ ધર્મમાં નથી માનતો તેમ ગૌરવભેર કહે છે. આ સર્વે આપણને ધર્મ આધારિત ભાવિ વિશ્વ કેવું હશે તેની ઝલક જરૂર આપી જાય છે. પણ તે વિશ્વ વધુ સુખદ કે સામાજિક, માનસિક, આર્થિક અને સ્વાસ્થ્યની રીતે પડકારો ઊભા કરશે તે તો સમય જ બતાવશે.
Pewના સર્વે પ્રમાણે હિન્દુ અને ઇસ્લામ ધર્મમાં નાસ્તિકો કે કોઈ ભગવાનમાં ન માનનારા 'None believers'ની સંખ્યા ઓછી છે પણ ખ્રિસ્તી તેમજ બૌદ્ધ ધર્મમાં જેઓ જન્મ્યા છે અને તેમની યુવા વય સુધી ચર્ચમાં કે મઠમાં જતા હતા, સત્સંગમાં ભાગ લેતા હતા તેઓએ છેલ્લા વર્ષોમાં ધર્મ, દર્શન કે શ્રદ્ધા જોડે છેડો ફાડી નાંખ્યો છે.
સાઉથ કોરિયામાં ૫૦ ટકા નાગરિકો એવા છે જેઓ કહે છે કે અમે કોઈ ધર્મમાં નથી માનતા. સ્પેનમાં ૪૦ ટકા, કેનેડામાં ૩૮ ટકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ૩૬ ટકા, જર્મની, જાપાન અને અમેરિકામાં ૩૪ - ૩૪ ટકા નાગરિકો તેમના ધર્મના દેવાલયો, ભગવાન કે તહેવારોમાં ભાગ નથી લેતા. તેઓ પોતાને નાસ્તિક ((Athiests, Agnostics' કે Nothing in particular) વર્ગમાં મુકે છે.
આજે અમેરિકા અને યુરોપમાં ઘણા ચર્ચો વેચાઈ રહ્યા છે. ત્યાં અન્ય ધર્મ અને સંપ્રદાયના ધર્મસ્થળો બની રહ્યા છે કેમ કે ચર્ચમાં જનારની સંખ્યા ઘટતી જ જાય છે.
ભારતમાં માત્ર બે ટકા અને ઇસ્લામ દેશોમાં સરેરાશ બે ટકાથી પણ ઓછા આવા નાસ્તિક કે તેમના ધર્મમાં ન માનનારા છે. જો કે ભારતની ૧૪૦ કરોડની વસ્તીના બે ટકા એટલે ૨.૮ કરોડ થાય જે આંક યુરોપના દેશોની વસ્તીના ૩૦ ટકા થાય તે પણ ભૂલવું ન જોઈએ.
એવું કહેવાય છે કે સ્પેન અને યુરોપીય દેશમાં જન્મેલી દસ વ્યક્તિઓથી નવ ખ્રિસ્તી હોય છે. પણ આજે ૫૦ ટકા નાગરિકોએ ધર્મની ઓળખ ત્યજી દીધી છે. યાદ રહે ખ્રિસ્તી કે બૌદ્ધ ધર્મીઓના આ આપેલ તમામ આંકડા માટે એવું સમજવાનું છે કે તેઓએ તેમનો ધર્મ કે શ્રદ્ધા છોડી દીધી છે તેઓએ કોઈ અન્ય ધર્મ અપનાવ્યો નથી. તેઓ કોઈપણ ધર્મ સમૂહમાં જોડાવવા નથી માંગતા.
ધર્મ પરિવર્તન કરનારાઓના આંક તે અલગ વિષય છે અને તે પણ ભાવિ વિશ્વની કલ્પનાના સંદર્ભમાં ચોંકાવનારો તો છે જ.
હા, તો આપણે જે વિષય છેડયો છે તે વિશ્વમાં નાગરિકો પોતાનો ધર્મ છોડી કોઈપણ ધર્મમાં ન માનનારાઓ અંગેનો છે.
જાપાનમાં બૌદ્ધ ધર્મ તરીકે ઉછેર પામેલા ૫૮ ટકા નાગરિકોમાંથી ૨૬ ટકા પોતાને નાસ્તિક તરીકેની ઓળખ આપે છે. સાઉથ કોરિયામાં ૩૦ ટકા બૌદ્ધ ધર્મોમાંથી ૧૧ ટકા, સિંગાપોરમાં ૨૭ ટકાથી ૧૦ ટકા અને યુએસમાં એક ટકામાંથી અડધો ટકો નાગરિકો હવે તેમના બૌદ્ધ ધર્મના લેબલને હટાવી ચૂક્યા છે.
બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મની સામે ઇસ્લામ અને હિન્દુ ધર્મીઓમાંથી નાસ્તિક બનેલા એક ટકાથી માંડી શૂન્ય છે.
બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા, ટયુનિશિયા, ભારત, સિંગાપોર, તુર્કીમાં બહુમતી જે ધર્મી છે તેઓમાંથી તેમના ધર્મમાંથી શ્રદ્ધા ઊઠી ગઈ હોય તેની ટકાવારી શૂન્યથી બે ટકા માંડ છે.
હા, અમેરિકામાં હિન્દુ તરીકે ઉછેર પામેલાઓમાંથી ૧૮ ટકા કહે છે કે અમને હિન્દુ કે અન્ય કોઈ ધર્મ સ્પર્શતો નથી. શ્રીલંકામાં આ જ રીતના હિન્દુ નાગરિકો પૈકી ૧૧ ટકા કોઈ ધર્મ નથી પાળતા.
અભ્યાસમાં આવેલ વધુ એક રસપ્રદ તારણ એ છે કે આ બધા ધર્મમાં નહીં માનનારાઓના જે આંકડાઓ આપણે જોયા તે અભણ,ગરીબ , વંચિત કે આદિવાસી નાગરિકો નથી પણ તેમાંના મહત્તમ ૩૫ વર્ષથી નીચેની વયના ટેકનોલજી હસ્તગત કરનારા અને વિશ્વને બીમારી,ભૂખમરો, નિરક્ષરતાથી મુક્ત કરાવવાની ઝંખના ધરાવનાર ઉચ્ચ ડિગ્રીધારી શિક્ષિતો છે અને બાકીના ૩૫થી ૫૫ વર્ષની વયજૂથના છે તેઓ પણ આધુનિક દ્રષ્ટિ અને સમાજના છે.
સમગ્ર સર્વેને તે રીતે પણ મૂલવી શકાય છે કે વિશ્વમાં ૩૧.૬ ટકા ખ્રિસ્તી ધર્મી, ૨૫.૮ ટકા ઇસ્લામ ધર્મી,૧૫.૧ ટકા હિન્દુ ધર્મીઓ છે તે પછી ચોથો ક્રમ વિશ્વના એવા નાગરિકોનો આવે છે જેઓ કોઈ ધર્મના જ નથી. આવા વિશ્વમાં ૧૪.૪ ટકા નાગરિકો છે. તે પછી ૬..૬ ટકા સાથે બૌદ્ધ ધર્મીઓ આવે છે એટલે કે વિશ્વના કુલ ઇસ્લામ કે હિન્દુ ધર્મી જેટલા જ લગભગ નાગરિકો કોઈ ધર્મના બેનર વગરના છે.વિશ્વના બૌદ્ધ ધર્મી કરતાં આવા નાસ્તિકોની સંખ્યા બમણાથી વધારે છે.
વિશ્વમાં ૦.૨ ટકા વસ્તી જ યહૂદી (જ્યુ) ની છે. જ્યુ પ્રજાએ પુરવાર કર્યું છે કે લઘુમતીમાં હોવ તો પણ જો વેપાર , વિજ્ઞાાન, સંશોધન અને શૌર્યની તાકાત હોય તો વિશ્વ પર પ્રભાવ પણ પાડી શકો છો અને ધાક પણ.
સામાન્ય માન્યતા એવી છે કે નાસ્તિક અને ધર્મ વગરના નાગરિકો વિશ્વમાં વધે તો સમાજ ભયજનક, કલુષિત અને પાશવી બને પણ આપણે આ ભયંકર ગેરસમજ ત્યજી દેવી જોઈએ કેમ કે નવી દુનિયાના નવા માનવી ગુણવત્તાસભર જીવન અને રહેવા લાયક વિશ્વ માટે સભાન છે. તેઓ આહાર, વિહાર, વ્યાયામ, શૂન્ય વૃત્તિ અને વિચારો સાથેનું પોતાની જાત જોડે અનુસંધાન સાધતું ધ્યાન ધરે છે. પર્યાવરણની સમતુલા જાળવવા સભાન છે. ધર્મ કહે છે એટલે નહીં પણ સાત્વિક ઉર્જા તેમજ માંસાહારથી બીમારી વધી શકે છે તેવા ખ્યાલ સાથે વીગન કે શાકાહારી બને છે. માનવ ધર્મને જ પોતાનો ધર્મ માને છે. સારા કર્મોનું ભાથું બંધાય એટલે નહીં પણ એમ જ ગરીબો, પીડિતો , કે જરૂરિયાતમંદોની મદદ કરવી તેઓનો ધર્મ સમજે છે. આ જન્મને માણી લેવો છે. પુન: જન્મ હોય કે ન હોય સ્વર્ગ કે નર્ક હોય કે ન હોય તેઓને વિવેક પણ હશે કે શું અપનાવવું અને શું ત્યજવું.
શ્રી રંગ અવધૂત મહારાજે 'પરસ્પર દેવો ભવો' જેવો મંત્ર આપ્યો છે તે ધર્મ તરીકે અપનાવાય તો વિશ્વ રૂડું રૂપાળું બને. ધર્મ કે ઇશ્વરના ખ્યાલ વગર આ કોઈમાં નહીં માનનારી પેઢી એકબીજાને બેઠા કરવાનો ધ્યેય અપનાવશે. કીટક અને પ્રાણી, પંખી પ્રત્યે પણ અનુકંપા બતાવશે. અને આવી રીતે જેઓ પોતાને નાસ્તિક કે રેશનલ કહે છે તેમાંના મોટાભાગના કોઇ કથા,તિલક,પૂજા - બંદગી કે ચર્ચમાં નિયમિત જનાર કરતાં વધુ ઉમદા અને ઉદાહરણીય જીવન જીવતા હશે. નાસ્તિક એટલે પાપી નહીં. કોઈ ધર્મ નથી પાળતા એટલે સામાન્ય સમજ પ્રમાણે અધર્મી છે તે રીતે ન સમજવું.
હા, ધર્મ ચોક્કસ એ રીતે આપણું ઘડતર જરૂર કરે છે કે જ્યાં સુધી આપણી સ્વતંત્ર સોચ કે સમજ ન હોય ત્યાં સુધી જે ઘરમાં જન્મ લઈએ છીએ ત્યાંના વાતાવરણ, વિચાર, સંસ્કાર, આહાર પધ્ધતિ અને સામાજિક, આર્થિક સ્થિતિ વચ્ચે આપણો ઉછેર થતો હોય છે. જેની જીવન પર હકારાત્મક કે નકારાત્મક અસર પડતી હોય છે.
‘Pew'નો એક સર્વે એવો થવો જોઈએ કે વિશ્વના નાગરિકોમાં કોઈપણ ધર્મના ન હોવું કે નાસ્તિક બનવાનો જે ેટ્રેન્ડ ચાલ્યો છે તેની પાછળના કારણો કયા હશે.