Get The App

ટીનએજર્સમાં ચરબીની ચિંતાજનક સમસ્યા .

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
ટીનએજર્સમાં ચરબીની ચિંતાજનક સમસ્યા                         . 1 - image


- 2050 સુધીમાં ભારતમાં 45 કરોડ લોકો મેદસ્વી હશે

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ભારતમાં 14થી 18 વરસની ઉંમરનાં દર ચાર યુવક-યુવતીમાંથી બે 'ઓવરવેઈટ' છે. તેઓ 20 પહેલાં જ ડાયાબિટિસ, હાઈપર ટેન્શન કે હૃદયરોગના હુમલાનો શિકાર બની શકે છે

આ જની ટીનએજર પેઢી બૌદ્ધિક ક્ષમતામાં, સ્મરણશક્તિમાં અને ગ્રહણશક્તિમાં ભલે ગમે તેટલી 'સ્માર્ટ' કે સક્ષમ બની હોય. પરંતુ જીવનની સૌથી મહત્ત્વની અને અગત્યની બાબતમાં નબળી બની છે. ના, સંસ્કારો કે ચારિત્ર્યના આદરની વાત નથી. એનાથીય ચડિયાતી, જિંદગીના અસ્તિત્વ પ્રત્યેની તકેદારી, સભાનતા અને સજાગતાની વાત છે.

આપણા મહાકવિ કાલિદાસે સદીઓ પહેલાં કહ્યું હતું કે 'શરીરમ્ આદ્યમ્ ખલુ ધર્મસાધનમ્।' આપણું શરીર એટલે કે દેહમંદિર ધર્મની સાધનાનું સૌપ્રથમ પગથિયું છે. શરીરને સ્વસ્થ-તંદુરસ્ત રાખવું એ સૌનો પ્રાથમિક અને પરમ ધરમ છે. સ્વામી વિવેકાનંદે આ જ સત્યને દોહરાવતાં માર્મિક વાણી ઉચ્ચારી હતી કે 'સ્ટ્રેન્થ ઈઝ લાઈફ, વિકનેસ ઇઝ ડેથ.' (શક્તિ એ જ જીવન છે, જ્યારે અશક્તિ મૃત્યુ છે.)

પરંતુ કમનસીબે 'ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર જોબન માંડે આંખ' આવી તરવરાટ ભરી અને સાહસથી છલકવાની વયમાં આજકાલના ૧૩થી ૧૯ વરસની ઉંમરના ટીન-એજરો વધુપડતી કે નકામી ચરબીથી ઉભરાતી બેડોળ, સ્થૂળ કાયાને કારણે મસ્તીના મશાલચીઓને બદલે સુસ્તીના સોદાગરો બની રહ્યા છે.

આગામી પચીસ વર્ષમાં એટલે કે ૨૦૫૦ સુધીમાં ભારતમાં ૪૫ કરોડ લોકો મેદસ્વી હશે એવો રિપોર્ટ પ્રખ્યાત મેડિકલ જર્નલ લેન્સેટના એક સ્ટડીમાં આવ્યો છે. હાલમાં ભારતમાં પાંચથી ૧૫ વર્ષની વયનાં હોય એવાં ૧.૬ કરોડ છોકરા અને ૧.૪ કરોડ છોકરીઓ ૨૦૫૦ સુધીમાં મેદસ્વી અને સ્થૂળકાય બની જશે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૨૧.૮ કરોડ પુરુષો અને ૨૩, ૧ કરોડ મહિલાઓ ૨૦૫૦ સુધીમાં મેદસ્વી બની જશે.

ચીનમાં ૨૦૫૦ સુધીમાં ૬૨.૭ કરોડ લોકો મેદસ્વી હશે અને બીજા ક્રમાંકના મેદસ્વી લોકોની સંખ્યા ભારતમાં હશે. ત્યાર બાદ અમેરિકા, બ્રાઝિલ અને નાઇજીરિયા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમાંકે રહેશે.

આ સ્ટડીમાં જણાવ્યા મુજબ વિશ્વમાં  એ સમયે ૩.૮ અબજ લોકો મેદસ્વી હશે અને એ સમયે વિશ્વની પુખ્ત વયની અડધોઅડધ વસ્તી મેદસ્વી હશે. આશરે ૧.૯૫ અબજ લોકો અતિ મેદસ્વી  હશે. સહારાના આફ્રિકન વિસ્તારમાં મેદસ્વી લોકોની સંખ્યામાં ૨૫૪.૮ ટકાનો વધારો થવાની ધારણા છે.

 ૧૯૯૦થી પુરુષોમાં મેદ સ્વિતાનો આંકડો ૧૫૫ ટકા અને મહિલાઓમાં ૧૦૪.૯ ટકા વધ્યો છે. ભારતમાં હાલમાં ૭ ટકા પુરુષો અને ૧૦ ટકા મહિલાઓ મેદસ્વી છે.

તાજેતરમાં દિલ્હીની એક હોસ્પિટલે દિલ્હી, પુણે, આગ્રા, અલાહાબાદ અને જયપુર જેવાં પાંચ શહેરોમાં સર્વેક્ષણ કર્યું હતું, જેમાં તેમને જાણવા મળ્યું કે પેટની ચરબી, ઇન્સ્યુલિનનો પ્રતિકાર, હાઈપર ટેન્શન અને બીજાં અંગોની સ્થૂળતા યુવાનીના ઉંબર પર ઊભેલી ટીનએજર પેઢીમાં વધી રહી છે. આનાથી જતે દહાડે આ લોકો ૨૦થી ૩૦ વરસની યુવાનવયમાં જ ડાયાબિટિસ, નપુંસકતા કે વંધ્યત્વ અને હૃદયની બીમારીનો શિકાર બનશે.

સર્વેક્ષણના તારણ મુજબ સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ચયાપચય (મેટાબોલિઝમ)ની પ્રક્રિયા ખોરવાઈ જવાનું વધી રહેલંુ પ્રમાણ ખરેખર ચિંતાજનક છે. ડોક્ટરો તબીબી ભાષામાં સ્થૂળતાના આ ઉપદ્રવને 'સિન્ડ્રોમ એક્સ' તરીકે ઓળખે છે. 

'એક્સ સિન્ડ્રોમ'નું આ લક્ષણ જુદાં જુદાં કારણોસર બગડેલા સ્વાસ્થ્યની નિશાની છે અને આવી હાલતથી હૃદયની રક્તનલિકાઓને લગતી બીમારીઓ તથા ડાયાબિટિસ થવાની શક્યતા વધે છે, જે અકાળ મૃત્યુમાં પરિણમે છે. તેનાં જોખમી લક્ષણોમાં ઇન્સ્યુલિનનો અવરોધ, ખાસ કરીને પેટની સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર અને 'લિપિડ લેવલ' ખોરવાઈ જવાનો અને રક્તવાહિનીઓમાં લોહી ગંઠાઈ જવાનો (બ્લડ-ક્લોટિંગ)નો સમાવેશ થાય છે.

બાળકોમાં આવા રોગોનાં બાયો-મેડિકલ લક્ષણો પારખવાનું ઘણું મુશ્કેલ હોય છે. જોકે પેટની સ્થૂળતા પરથી બાળકોમાં ૮૦ ટકા જેટલું જોખમ જાણી શકાય છે. આવી સ્થૂળતા છોકરીઓમાં વધુ જોવા મળે છે, કેમ કે તેઓ વધુ બેઠાડુ હોય છે. ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં અવરોધ પેદા થવાનું ગંભીર જોખમ ૨૦થી ૩૦ વરસની વયે વધુ રહે છે.

'ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ' (એઈમ્સ) દ્વારા હાથ ધરાયેલા દિલ્હીની સ્કૂલોના વિદ્યાર્થીઓના સંશોધન મુજબ છેલ્લાં વીસેક વરસમાં ટીનએજરોના વજનમાં ૫ કિલોથી ૧૫ કિલોનો વધારો થયો છે. 'એઈમ્સ'ના એક પ્રોફેસરના અભિપ્રાય મુજબ આ વજનવધારો જોખમી કહેવાય.

બાળકોમાં વધી રહેલા મેદસ્વીપણાના પ્રમાણ માટે તબીબોએ લાઇફસ્ટાઇલને જવાબદાર ઠેરવી છે.

રોજબરોજના ખોરાક અને પીણામાં વધતા જતા શૂગરના વપરાશના પગલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાના વિવિધ દેશોની સરકારોને સૂગર ટેકસ લાગુ પાડવાની ભલામણ કરી છે. અત્રે જણાવી દઈએ કે ૨૦૧૩માં મેક્સિકોએ શૂગર ટેકસ લાગુ પાડયો હતો તેના સકારાત્મક પરિણામો મળવા લાગ્યા છે.આ ઉપરાંત હંગેરીએ પણ શૂગર,મીઠા અને કેફિન પ્રકારના ફૂડ પર ટેકસ લાગુ પાડયો છે.

એક માહિતી મુજબ દુનિયામાં ૫ વર્ષથી ઓછી વય ધરાવતા ૪.૩૨ કરોડ બાળકો ઓબેસિટીની બિમારી ધરાવે છે. બાળકોની આ બિમારી માટે ખાનપાનમાં શૂગરનો વધુ પડતો વપરાશ જવાબદાર છે.ખાસ કરીને બાળકો માટેના હેલ્થ ડ્રિન્કસ અને સોફટ ડ્રિન્કસમાં શૂગરનું ઉંચુ પ્રમાણ નુકસાન કરી રહયું છે.સોફટ ડ્રિન્કસમાં જરુરીયાત કરતા ચાર ગણી વધારે ખાંડ હોય છે.આ સોફટ ડ્રિન્કસનો ઉપયોગ કરવાથી શરીરમાં કેલરી જમા થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના એક બાળરોગ નિષ્ણાત કહે છે કે એશિયન બાળકોમાં નાની વયે ચરબી વધવાનું પ્રમાણ વધુ હોવાથી તેના નિવારણ માટે કડક ઉપચારો અને વધુ અગમચેતી રાખવી જરૂરી છે. તેમને વધુ શારીરિક વ્યાયામ અને ખાન-પાનમાં ફેરફાર કરવાની જરૂરત છે, કેમ કે બાળપણની સ્થૂળતા ૭૦ ટકા કેસોમાં મોટી વયે પણ જોવા મળે છે. દરેક માબાપે પોતાનાં સંતાનો ઘરે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાય તેની તકેદારી રાખવી જોઈએ અને તેમને સક્રિય જીવનશૈલી માટે પ્રોત્સાહન પૂરું પાડવા માબાપે પોતે સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવીને દાખલો પૂરો પાડવો જોઈએ. ચિંતાજનક વાત તો એ છે કે પુરુષો કરતાં મહિલાઓ ત્રણ ગણી વધુ મેદસ્વી હોય છે.

શહેરની મહિલાઓ ગ્રામીણ મહિલાઓ કરતા સરેરાશ વધુ વજન ધરાવે છે. એ તો સ્પષ્ટ છે પરંતુ નવા અભ્યાસના તારણ અનુસાર શહેરની મહિલાઓ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ કરતા ત્રણ ગણી વધુ મેદસ્વી છે.

જાહેર આરોગ્ય પર એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત એક લેખ મુજબ ભારતીય મહિલાઓ પુરુષો કરતા વજનની બાબતમાં ૨.૭૧ ગણી વધુ  મેદસ્વી છે. એક નિષ્ણાત એન્ડોક્રાઈનો  લોજીસ્ટના કહેવા પ્રમાણે મેદસ્વીતાને લાગે વળગે ત્યાં સુધી વ્યક્તિનું લિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે અને પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ વજન ધરાવતી હોય છે. જેમ જેમ ભારતીય સમાજમાં વિવિધ ઈલેક્ટ્રોનિક ગેઝેટસનો વ્યાપ વધી રહ્યો છે એમ એમ ભારતમાં શહેરમાં રહેતી મહિલાઓનું સરેરાશ વજન ઝડપથી વધી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ટરનેટના વપરાશનો સીધો સંબંધ મહિલાઓના વજન સાથે છે એવું પ્રતિપાદન એમણે કર્યું હતું.

સ્થૂળતા પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં થોડાં વર્ષ પૂર્વે સરકારે પહેલીવાર ભારતીયો માટે આદર્શ ચરબીનું માપ (બોડી માસ ઈન્ડેક્સ) ૨૫ કિલોથી ઘટાડીને વૈશ્વિક ધોરણ મુજબ ૨૩ કિલો કર્યું છે. આગામી દાયકાઓમાં ભારત 'ડાયાબિટિસ'નું પાટનગર બનશે એવી દહેશતથી સરકારે સત્તાવાર જાહેર કર્યું છે કે ૨૫ કિલોનો 'ઈન્ડેક્સ' ધરાવતા લોકો 'મેદસ્વી' ગણાશે. શરીરના નોર્મલ વજન કરતાં દસ કિલો વધુ વજન ધરાવતી વ્યક્તિનું આયુષ્ય ત્રણ વરસ ઘટી જાય છે. એટલે દર દસ કિલોદીઠ જિંદગીનાં ત્રણ વરસ ઓછાં થાય છે.

૧૪થી ૧૮ વરસના વયજૂથમાં ધૂમ્રપાનનું જોખમ પણ ચિંતાપ્રેરક છે, કેમ કે ધૂમ્રપાન અને હૃદયરોગને સીધો સંબંધ છે. 'હૃદય' નામની એક ભારતીય ખાનગી સંસ્થાના વ્યાપક સંશોધન પ્રમાણે વિશ્વમાં પહેલીવાર ભારતની સ્કૂલોમાં ૧૧ વરસની ઉંમરના કિશોરોમાં તમાકુનું સેવન વધી રહેલું જાણવા મળ્યું છે.

આજે દુનિયાભરમાં પાંચ વર્ષથી નાની વયનાં આશરે ચાર કરોડ બાળકો ઓવરવેઈટ અથવા સ્થૂળ છે. ભારતમાં બાળકો અને કિશોરોમાં વધી રહેલી મેદસ્વિતા વહેલામાં વહેલી તકે ડામવાની જરૂર છે. જો આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવાશે, તો આપણી યુવાપેઢી જતે દહાડે અનેક જટિલ બીમારીઓના કળણમાં ખૂંપશે અને તેનાં સામાજિક-આર્થિક દુષ્પરિણામો ભોગવશે.

ઓબેસિટી રોકવા આટલું કરો

માબાપ

 બાળકનું વજન, ઊંચાઈ અને ચરબીના થર પર સતત ધ્યાન આપવું.

 ટીવી અને કમ્પ્યુટર પાછળ બાળક સમય ન વેડફે તેના પર અંકુશ રાખવો.

 દરરોજ બાળકને શારીરિક કસરત માટે પ્રોત્સાહન આપવું.

 બહારનું ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવા પર રોકથામ મૂકવી.

સરકાર

 રમતગમતનાં વધુ મેદાનો, બગીચા, ચાલવા માટેના અને સાઈકલ ચલાવવાના વધુ રસ્તા જેવી સગવડો ઊભી કરવી.

 ચરબી વધારનારાં તેલો અને 'ફેટી એસિડ' વધારતી બજારુ ખાદ્ય સામગ્રીઓ પર પ્રતિબંધ મૂકવો.

 ટીવીના મહત્ત્વના કાર્યક્રમો અને બાળકોના કાર્યક્રમો દરમિયાન બજારુ ખાદ્ય પદાર્થોની જાહેરખબરો પર નિયંત્રણો મૂકવાં.

સ્કૂલો

 શારીરિક પ્રવૃત્તિ અને વ્યાયામને મહત્ત્વ આપવું.

 સ્કૂલની કેન્ટિનમાં આરોગ્યપ્રદ નાસ્તાની વ્યવસ્થા કરવી.

 અભ્યાસક્રમમાં પૌષ્ટિકતા વિશે વધારે માહિતી સામેલ કરવી.

Tags :