Get The App

ભવ્ય ભૂતકાળની ઝાંખી બામુનિ હિલ્સ .

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
ભવ્ય ભૂતકાળની ઝાંખી બામુનિ હિલ્સ                              . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- આપણામાંથી કોક તો જાગે... કોક તો જાગે

આપણા ભવ્ય ભારત દેશનાં કેટલાય રાજ્યો એવાં છે - અનેક નગરો એવાં છે જેને ''દેવભૂમિ'' ''દેવપ્રિય'' દેવનો પોતાનો વિસ્તાર જેવા વિશેષણો પ્રાપ્ત થયા છે. ખરું જોતાં તો આપણો આખોય દેશ ''દેવનો દેશ'' હોય એવું નથી લાગતું ? કલા, સંસ્કૃતિ, સંસ્કાર, સાહિત્ય જ્યાં અભરે ભર્યાં છે એવા આપણા આ પ્રિય દેશમાં વિવિધતાનો અમોઘ વારિ છલકાય છે. એક જનમ ઓછો પડે આ દેશને નિહાળવા અને ચાહવા માટે. પ્રાકૃતિક સૌંદર્યની ખાણ છે આપણું વતન. સાથે સાથે કળાના ભિન્ન ભિન્ન પ્રકારો આપણા મન-હૃદયને હરી લે. જેમ આકાશમાં તારલા અગણિત છે તેમ ભારતમાં કળાકારીગરીની ભવ્યતા અને સુંદરતાનો કોઈ પાર નથી - તેમ છતાં એ ધરતીની સોડમાં સમાયેલી જ છે ને ! બસ, જરૂર છે એ કળાની અણમોલ કૃતિઓ ઉપરની ધૂળને ફૂંક મારીને ઉડાડવાની. એક વાર એ એના મૂળ સ્વરૂપે પ્રગટ થાય પછી એ આપણી પોતાની હોવાનો ભાવ અનુભવાય છે. કહેવાય છે કે દેશના પૂર્વોત્તર ક્ષેત્રોમાં પ્રાચીન શિલ્પ, સ્થાપત્ય, ચિત્રાદિના નમૂના ભાગ્યે જ જોવા મળે. વાતને થોડી યુક્તિથી સમજવી પડે. સત્ય તો એ છે કે આ સાતેય રાજ્યોમાં ''બૌદ્ધ સર્કિટ''ની બોલબાલા છે તેથી અહીં એકસરખી ભાસતી મોનેસ્ટ્રિઝ (મઠ) હરપળે દર્શન દે. દર્શકો પણ દર્શનની ઝંખનામાં ''ભગવાન સઘળે એક જ છે'' એવા મનોભાવથી અહીં ભાવપૂર્વક અને શ્રધ્ધાથી બે હાથ જોડી પ્રાર્થના કરે છે. હા, ભક્તિ ચળવળ અહીં પણ થયેલી અને તેથી ધર્મસ્થાનો પૂર્વે પણ હતાં અને આજે પણ છે - ઓછાં તો ઓછાં.

બામુનિ હિલ્સનું બીજું નામ છે ''ઉષા પહાડ''

આસામના તેઝપુર શહેરમાં સદીઓ પૂર્વે કોચવંશનું રાજ હતું. ત્યાર બાદ અહોમ કિંગડમ ૧૬મી સદીમાં આવ્યું જેમણે કલા-સંસ્કૃતિની રખેવાળી કરી. તેઝપુરમાં પ્રાચીન સ્થાપત્યો, મંદિરો તથા સ્મારકો ઠીકઠીક પ્રમાણમાં છે. તેઝપુર જિલ્લા વડું મથક છે જેના તાબામાં સોનિતપુર ગામે ભવ્ય, તેજસ્વી, ઓજસ્વી ભૂતકાળનાં પ્રતિબિંબો સમાન ભગ્નાવશેષોનો એક અનોખો સંચય પોતાની આભાની છાયા લહેરાવતો. રસિકોને પોતાની તરફ એક લોહચુંબકની જેમ આકર્ષીને જાણે કે તેમની પરોણાગત કરતો જણાય છે. વિશાળ, ભવ્ય બ્રહ્મપુત્રના જમણા કાંઠે ''બામુનિ'' નામની નાનકડી ટેકરીઓ ઉપર અને તેના ખોળે વીતેલા યુગને વાચા આપતા પ્રેરણાદાયી પાષાણ શિલ્પો પુરાતન પુરાણોને આદરભરી અંજલિ આપે છે. આડાબીડ નકશી અને કોતરણી યુક્ત વિવિધ શિલ્પો, મૂર્તિઓ અને પ્રતિમાઓ અહીં વિચરતા હોય એ રીતે વિખરાયેલાં પડેલાં છે. ભારતીય પુરાતત્ત્વ ખાતાએ અહીં ઉત્ખનન કરાવીને આ સ્થળને રક્ષિત જાહેર કર્યું છે પરંતુ નવમીથી બારમી સદી એ.ડી.ની આ કલાકૃતિઓને હજી નવજીવન અને નવપ્રસ્થાપનની પ્રતીક્ષા છે. કૃતિઓના પ્રકાર અને શૈલી કહે છે કે આ કળાનાં મૂળિયાં ગુપ્તા યુગ સુધી પહોંચે છે. પુરાણો અનુસાર ઐતિહાસિક પાત્રો અનિરૂદ્ધ અને બાણાસુર પુત્રી ઉષાની પ્રણય કથાનાં અંકન અહીં જોવા મળે. ટેકરીના સ્હેજ ઊંચા ભાગે અહીં પાલાવંશ સમયમાં વિષ્ણુનું મંદિર બંધાયું હશે એવી ધારણા છે જે ઉત્તર ભારતીય નાગર શૈલીનું છે. મંદિરની ચૌદિશ ગૌણ ગાદીઓ ધરાવતા ચાર શિવાલયનાં અવશેષો પણ અહીં છે તેથી એ પંચાયતન મંદિર કહેવાય છે. અહીં આશ્ચર્યકારક પથ્થરની કલાકૃતિઓ, ખડકમાંથી કોતરાયેલાં શિલ્પો તેનાં ઝીણવટભર્યાં કૌશલ્યયુક્ત કલાકર્મ થકી કલાકારને યશ અપાવે છે.

થાંભલાની મથોટી અને પેનલ્સની કમાલ

અરૂણાચલ પ્રદેશની સીમા વટાવતાં. વીર જવાનોની સ્મૃતિને આંસુથી પખાળતાં, તવાંગ અને બોમડિલાની વિદાય લઈ ટેંગા ગામે નાની શી ટેકરી પર મસ્ત ગુલાબી રંગનું ઝીણકું મંદિર છેટેથી જ આપણને આકર્ષે. નાનકડી ત્રિકોણ-પિરામિડ આકારની ટેકરીનો ટેકો મળે એ મંદિરને. આંગણામાં નાના નાના ગોમ્પા (દેરી)થી ઘેરાયેલ મંદિરનું છાપરું પેગોડા શૈલીનું - પણ સ્થાપના અંદર દેવી-દેવતાઓની. નાના થતા જતા પર્વતો પાંખા થવા માંડે, ઝરણાં વિલીન થાય ને ખીણ ઊંડી થતી જાય ત્યારે પર્વતની છાતી ચીરીને કંડારેલી કેડી અને ટનલ નવાં બાંધકામોની છડી પોકારે. અરે ! આ તો આસામના તેઝપુરનો રસ્તો - જ્યાં અતિ વિશાળ પટ ધરાવતા બ્રહ્મપુત્ર નદીના કિનારે ગણેશજીનું પ્રાચીન મંદિર છે જેની રચના સાદી સીધી છે પરંતુ ગણેશજીની મૂર્તિની પાછળ દ્વાપર યુગની મહાકાય શિલા મંદિરને ખાસ બનાવે છે. તેઝપુર શહેરની વચ્ચે દ્વાપર યુગના જ મહા શિવલિંગની સ્થાપનાવાળું મહાકાળ ભૈરવ મંદિર મળે. જ્યાં પ્રાંગણમાં વિશાળકાય નંદીની કોટે ઘંટડીનો રણકાર ! બાણાસુરે અહીં પૂજા કર્યાનું કહેવાય છે. પ્રખ્યાત કાલિયા ભુમરા બ્રિજની પછવાડે ભૈરવી મંદિર છે જ્યાં બાણાસુર પુત્રી ઉષાએ મા દુર્ગાની આરાધના કરેલી. દાહ પરવતિયામાં પ્રાચીન શિવાલય પંદરમી સદીનું છે. મંત્રોચ્ચારમાં વ્યસ્ત ધરાને વિકસિત સંસ્કૃતિનું વહન કરતી અહીં બતાવાઈ છે, તો, અગ્નિગઢ હિલ પર પુરાણો આધારિત પ્રસંગોની માંડણી શ્યામ પથ્થરમાં કરાવાઈ છે. ઓખા-અનિરૂદ્ધની વાર્તા, કૃષ્ણ-શિવ વચ્ચેનું બ્રહ્માંડમાં થયેલું યુદ્ધ - જેને હરિ-હરા યુદ્ધ કહે છે તેનાં શિલ્પો, ઓખાહરણ, ચિત્રલેખા, અનિરૂદ્ધનું ચિત્ર અને કૃષ્ણ - રુકિમણી ગાંધર્વ વિવાહનાં શિલ્પો અહીં છે.

વિષ્ણુના દશ અવતારોનું આબાદ અવતરણ અકબંધ

વિનાશક ધરતીકંપને કારણે ઉત્કૃષ્ટ સર્જન ઢગલામાં પરિણમ્યું સદીઓ પૂર્વે. આજે યથાવત્ છે એ સ્મૃતિ. છૂટા છવાયા સ્તંભો, આડી પડેલી દીવાલો, ઘેરા કથ્થઈ રંગના વર્તુળાકાર, અર્ધવર્તુળાકાર, ચક્ર, ઘંટી આકાર, ચોરસ-લંબચોરસ પથરા અહીં પથરાયેલા છે. એક પગ પર ઊભેલી, શ્યામલ પથ્થરની પ્રતિમાના બે હાથ વાળેલા પગ ઉપર છે. લાંબા વાંકડિયા વાળ ફરકે હાથનાં કંગન ખનકે. સૌ પુનરુથ્થાનની પ્રતીક્ષા કરે! પીળા, લાલાશ પડતા, શ્વેત સ્તંભો અને આડી પેનલ્સ પર દેવી દેવતાઓની વિવિધ અંગભંગિમાઓ કતારબંધ ઊભેલી સ્વયમ્ શિસ્ત જ લાગે! કુંભીઓ પર ફૂલ ભાત, સક્કરપારા ભાત, બિંદુ, પૌરાણિક પાત્રો અને પ્રસંગોના નિરૂપણ સહિત વાતાવરણને બોલકું  બનાવે. કેટલીક કૃતિઓમાં તો સૂર્યકિરણોનાં અંકન ઉજાસ ફેલાવે, સ્તંભના નીચલા ભાગે ધજા-પતાકાવાળાં તોરણ, ચક્ર અને ગોળાકાર વળિયા એકમેકને ટેકો દઈ ટકી જતા ભાસે. પથરાની તો જાણે ગાદીઓ ન પથરાઈ હોય - એમ લાલ, પીળી, સફેદ ચાદરની બિછાત અહીં દેખાય! દેવી દેવતાનાં અદ્ભુત અંગો ત્રિભંગ મુદ્રામાં શોભે. હાથમાં કુંભ, દોરડું અને વળી કેડે હાથ! સરસમજાની કિનાર પર ફૂલભાત! પેનલ્સ ક્યાંક હજી જીવે છે અને કલામાં ભેદ હોવા છતાં અહીં કોણાર્ક અને ખજૂરાહો સાંભરે છે. ગુલમહોર, પલાશ વૃક્ષોના ચંદરવા ક્ષિતિજ સુધી લંબાઈ પમરાટ પ્રસરાવતાં બ્રહ્મપુત્રમાં ડોકિયાં કરે! લીલીછમ ટેકરીમાં જીવ પ્રગટે. કાશ! પેલા દશાવતાર અને કીર્તિમુખનાં પણ પુનર્જન્મ થાય!

લસરકો :

પ્રકૃતિ સંગ કલાનો સંગમ

અનુભૂતિ હોય હૃદયંગમ


Google NewsGoogle News