Get The App

અંધશ્રદ્ધામાંથી ઉગારનાર .

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
અંધશ્રદ્ધામાંથી ઉગારનાર                                               . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- આજે વિશ્વમાં વર્ષે 54 લાખ સર્પદંશના કેસ થાય છે, તેમાંથી ભારતમાં જ 28 લાખ કેસ છે. ભારતમાં વર્ષે સાઠ હજાર લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે.

પૂ ણેના ઉમ્બ્રેજ નામના નાનકડા ગામમાં ડૉ. સદાનંદ રાઉતનો જન્મ થયો. તેમના ગામમાં તેમના ઘર અને મંદિર વચ્ચે એક રસ્તો હતો. ગામમાં કોઈ બીમાર પડે એટલે તેને મંદિરમાં લઈ આવતા હતા. ખાસ કરીને સર્પદંશ થયો હોય ત્યારે. પછી મંદિરમાં તાંત્રિક પાસે વિધિ-વિધાન કરાવતા અને જોરજોરથી શોરબકોરવાળું સંગીત વગાડતા. જો સર્પ ઝેરી ન હોય તો તે વ્યક્તિ થોડા સમય પછી ભાનમાં આવી જતો અને ઝેરી સાપનો દંશ હોય તો તે વ્યક્તિ મૃત્યુ પામતી. તે સમયે સદાનંદની ઉંમર એટલી નાની હતી કે મૃત્યુ એટલે શું, એની તેને ખબર નહોતી, પરંતુ આ બધું જોઈને એમણે નક્કી કર્યું કે મોટા થઈને તે ડૉક્ટર બનશે. તેમનું સ્વપ્ન સાકાર થયું. જનરલ મેડીસીનમાં એમ.ડી. થઈને એમણે કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબીટોલોજિસ્ટ તરીકે પંદર કિમી. દૂર આવેલા બાજુના નારાયણગાંવમાં પ્રેક્ટિસ શરૂ કરી. ડૉ. સદાનંદ અને તેમનાં પત્ની ડૉ. પલ્લવી રાઉતે ગામલોકોની સેવા કરવાના આશયથી શહેરમાં ન જતાં નારાયણગાંવમાં જ સેવા આપવાનું નક્કી કર્યું.

પૂના-નાસિક હાઈ-વે પર આવેલી તેમની હોસ્પિટલમાં અકસ્માત, હાર્ટઍટેક કે ખેડૂતોએ કરેલો આપઘાતનો પ્રયાસ જેવા કેસ આવવા લાગ્યા. ૧૯૯૨માં તે વિસ્તારમાં એમ્બુલન્સ નહોતી, તેથી જે વાહન મળે તેમાં દર્દીઓને લાવવામાં આવતા. એક દિવસ તેમના ખેડૂત મિત્રના ખેતરમાં કામ કરતાં ખેતમજૂરની આઠ વર્ષની દીકરીને કોબ્રાએ દંશ દીધો. તેઓ તાત્કાલિક ડૉ. સદાનંદ પાસે લઈ આવ્યા, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું. આઠ વર્ષની છોકરીના મૃત્યુનો આઘાત એટલો ઊંડો લાગ્યો કે ડૉ. સદાનંદે નક્કી કર્યુંં કે આસપાસના ગામડાંઓમાં સર્પદંશથી મૃત્યુ ન થાય તે માટે તેઓ પ્રયત્ન કરશે. તેમણે ૧૯૯૨માં વિઘ્નહર ફાઉન્ડેશનની સ્થાપના કરી અને 'મિશન ઝીરો સ્નેકબાઈટ ડેથ' નામનું અભિયાન શરૂ કર્યું. તે સમયે તેમની કારકિર્દીની શરૂઆત હતી. એમણે જોયું કે તાત્કાલિક સારવાર માટે એમ્બુલન્સ કે અન્ય સાધનો એટલા ઝડપથી મળતાં નહોતા કે દર્દીને શહેરમાં પહોંચાડી શકાય, તેથી ઘણા દર્દીઓ રસ્તામાં જ મૃત્યુ પામતા હતા. જે લોકો શહેરમાં જઈ શકતા નહોતા તેઓ તાંત્રિકો પાસે જતા અથવા તો ઘરગથ્થુ ઈલાજ કરતા હતા.

ડૉ. સદાનંદે જોયું કે પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં આવા કેસની સારવાર કરવા માટે મેડિકલ ઑફિસરો ઇચ્છુક નથી હોતા. વેન્ટીલેટર જેવા પૂરતા સાધનો પણ ઘણી વાર ઉપલબ્ધ થતા નહોતા. તો ઘણીવાર તાત્કાલિક સારવાર કેવી રીતે આપવી તેવી તાલીમ પામેલી નર્સ પણ મળતી નહોતી. ડૉ. સદાનંદે કાર્ડિયાક મોનીટર, વેન્ટીલેટર્સ અને ઑક્સિજન સીલીન્ડર વસાવી લીધા જેથી સ્થાનિક દર્દીની તાત્કાલિક સારવાર થઈ શકે. તે સમયે તલીમ પામેલી નર્સ નહોતી તેથી ડૉ. સદાનંદ અને ડૉ. પલ્લવી સતત રાત-દિવસ કામ કરતા હતા. દર વર્ષે સર્પદંશના આશરે બસો કેસ આવતા અને ચોમાસામાં તો રોજના દસ-બાર કેસ આવતા હોવાથી પતિ-પત્ની સતત વ્યસ્ત રહેતા. રાઉત દંપતીએ સર્પદંશ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમો કર્યા. સ્કૂલ, હાઈસ્કૂલ, કૉલેજ, એન.સી.સી., શિક્ષકો, ગવર્નમેન્ટ મેડિકલ ઑફિસર સહુને તેમાં સામેલ કર્યા. સાડા ત્રણ હજાર જેટલા આશા વર્કરને પણ તાલીમ આપી. સર્પદંશ થાય ત્યારે શું કરવું અને શું ન કરવું તેની તેઓ સમજ આપે છે. સર્પદંશ થાય તો સૌપ્રથમ હોસ્પિટલમાં ફોન કરીને જાણી લેવું કે ડૉક્ટર હાજર છે કે નહીં. તાંત્રિકો પાસે લઈ જવામાં સમય બગાડવો નહીં અને જ્યાં સાપે દંશ માર્યો છે તે જગ્યાએ કોઈ પણ પ્રકારની કાપકૂપ ન કરવી કે દંશની જગ્યાને કપડાંથી બાંધવી નહીં. તે દર્દી ચાલે કે દોડે નહીં તેનું ધ્યાન રાખવું. ભયભીત થયા વિના તેને આશ્વાસન આપવું કે સારવારથી તે બચી જશે નહીંતર તેનું બ્લડપ્રેશર વધી જતું હોય છે.

ડૉ. સદાનંદ રાઉત કહે છે કે આજે વિશ્વમાં વર્ષે ૫૪ લાખ સર્પદંશના કેસ થાય છે, તેમાંથી ભારતમાં જ ૨૮ લાખ કેસ છે. ભારતમાં વર્ષે સાઠ હજાર લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે. ભારતમાં સાપની ૨૭૦ જેટલી જાતિ છે, પરંતુ તેમાંથી મુખ્ય ચાર જાતિથી જ મૃત્યુ થાય છે તે છે,  તે છે કોબ્રા, કોમન ક્રેટ અર્થાત્ કાળોતરો, રસેલ્સ વાઈપર અને સો સ્કેલ્ડ વાઈપર. કોબ્રા અને કાળોતરો વ્યક્તિની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. એને જોવામાં કે વાત કરવામાં તકલીફ પડે, મસલ્સ પર અસર કરે છે. જ્યારે વાઈપર વાસક્યુલર સિસ્ટમ પર અસર કરે છે. તે દંશ આપે ત્યારે કોઈ દુઃખાવો થતો નથી. ઘણી વાર વ્યક્તિને એમ લાગે કે કીડી કે ઉંદર કરડી ગયા છે, પરંતુ ધીમે ધીમે તેની અસર થાય છે તેથી ચોવીસ કલાક હોસ્પિટલમાં ડૉક્ટરના નિરીક્ષણમાં રહેવું હિતાવહ છે.

 વાઈપરના દંશથી લોહી પાતળું થઈ જાય છે અને શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી વહેવા લાગે છે. ડૉ. સદાનંદ ખેતરમાં કામ કરનારને ગમબૂટ પહેરવાની સલાહ આપે છે. બીજી એમની સલાહ એ છે કે ભોંય પર સૂવાને બદલે ખાટલા પર નેટ બાંધીને સૂવું જોઈએ. સર્પદંશથી મોત ન થાય તે માટે રાઉત દંપતીએ ઑસ્ટ્રેલિયા જઈને ટોક્સિનોલોજીનો કોર્સ કર્યો છે. આવો કોર્સ કરનાર તે ભારતનું પ્રથમ દંપતી છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો. નેશનલ અને ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેઓ આ અંગે વક્તવ્ય આપવા જાય છે. એમની ઇચ્છા છે કે વિશ્વમાં અમારા જેવું કામ અન્ય ડૉક્ટરો પણ કરે. તેઓ ઑક્સફર્ડ, ઑસ્ટ્રેલિયા, નેપાળ, અબુધાબી જઈને પોતાના અનુભવોની વાત કરે છે. છેલ્લાં પચીસ વર્ષમાં આશરે છ હજાર વ્યક્તિઓને તેમણે બચાવી છે. ગત વર્ષે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને આરોગ્ય રત્ન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. પૂણે, સતારા, કોલ્હાપુર જેવા અનેક જિલ્લાઓમાં હજારો લોકોમાં આ અંગે જાગૃતિ લાવનાર ડૉ. રાઉત દંપતીને સંતોષ એ વાતનો છે કે આજે આ વિસ્તારમાં સર્પદંશ થતાં તેઓ અન્ય કોઈ અંધશ્રદ્ધામાં ન ફસાતાં હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે, કારણ કે તેમની સફળતાની ટકાવારી ઘણી ઊંચી છે.

દાનમાં શ્રેષ્ઠ શિક્ષાદાન

શિક્ષાદાનનો હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો છે. તેના દ્વારા સારી નોકરી મળે અને આર્થિક સલામતી પ્રાપ્ત થાય

શિ ક્ષણનું મહત્ત્વ દરેક ક્ષેત્રે છે. એ એક એવું સાધન છે જે વ્યક્તિની આવશ્યકતાઓને તો સંતોષે છે, પણ તેને આત્મનિર્ભર બનાવે છે. વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અને ભવિષ્ય માટે પણ શિક્ષણનું મહત્ત્વ અનેરું છે, પરંતુ જ્યારે શિક્ષિત પરિવારમાં જ આપત્તિ આવી પડે અને એમાંથી નીકળવાનો માર્ગ શિક્ષણ દ્વારા મળે ત્યારે એનું મૂલ્ય વિશિષ્ટ રીતે સમજાય છે. વાત છે બિંદુમાલિની અને તેમના પતિ વી.જી. ક્રિશ્નનની. વી.જી. ક્રિશ્નનના પિતા કુટુંબમાં સૌથી મોટા હતા. કુટુંબની જવાબદારી સાથે અભ્યાસ કર્યો અને શિક્ષક બન્યા. તેમણે ચેન્નાઈમાં ચિન્મય સ્કૂલ ઊભી કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. તો સામે પક્ષે બિંદુમાલિનીના પિતા પણ કુટુંબમાં સૌથી મોટા હતા અને પંદર વર્ષની ઉંમરથી પોતે કામ કરીને અભ્યાસ કરતા ગયા. આમ બંને કુટુંબો સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ હોય તો તેની પાછળનું મુખ્ય પરિબળ શિક્ષણ હતું.

બિંદુમાલિની અને વી.જી. ક્રિશ્નનના જીવનમાં ૧૯૯૬માં વળાંક આવ્યો. કોઈ કારણસર તેઓ દેવામાં ડૂબી ગયા. પરિસ્થિતિ ઘણી વિકટ બનવાથી ૧૯૯૭ના ઑગસ્ટ મહિનામાં તેઓ દિલ્હી આવ્યા. તેમના જાણીતા અને તેમને જાણતા ન હોય તેવી વ્યક્તિઓની મદદથી દિલ્હીમાં સ્થાયી થયા. ભાડાનું ઘર લીધું. તેમને બહુ પરિચિત નહોતી તેવી વ્યક્તિએ જામીન તરીકે સહી કરી આપી અને મકાનમાલિક કે જેમને તેમની આર્થિક પરિસ્થિતિનો પૂરો ખ્યાલ હતો, તેમ છતાં તેમણે આગોતરું ભાડું લીધા વગર રહેવા માટે ઘર આપ્યું. આ સમયે ક્રિશ્નન દંપતીએ વિચાર્યું કે એક વખત આર્થિક મુશ્કેલીનો અંત આવે પછી સમાજને કોઈક સ્વરૂપે પાછું આપીને ઋણ ચૂકવવું છે. આ સમયગાળા દરમિયાન ૧૯૯૯માં આઈ.આઈ.એમ., અમદાવાદમાં એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ મળી અને ધીમે ધીમે તેમને દેવામાંથી મુક્તિ મળવા લાગી. પોતાના જીવનની આ ઘટનાએ શિક્ષણનું વિશેષ મૂલ્ય સમજાવ્યું અને તેમને સ્કોલરશિપ મેળવીને અનેક વ્યક્તિઓ અભ્યાસ કરી શકે એવો વિચાર આવવા લાગ્યો. ૧૯૯૭થી ૨૦૦૨ના સમયગાળામાં જ એમના મનમાં શિક્ષાદાન ફાઉન્ડેશનનું વિચારબીજ રોપાયું અને ૨૦૧૨માં શિક્ષાદાન ફાઉન્ડેશનની સ્થાપના કરી. જેમણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તેવા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહન આપે છે, કારણ કે એક સંશોધન પ્રમાણે દસમા ધોરણ પછી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરતા નથી. સૌથી વધારે વિદ્યાર્થીઓ આ તબક્કે જ અભ્યાસ છોડી દે છે. શિક્ષાદાન ફાઉન્ડેશન અગિયાર અને બારમા ધોરણ માટે અને યોગ્ય જણાય તો કૉલેજ માટે કે આઈ.ટી.આઈ.ના વોકેશનલ પ્રોગ્રામ માટે સ્કોલરશિપ આપે છે.

આઈ.એસ.બી., હૈદરાબાદમાં અભ્યાસ કરનાર બિંદુમાલિની ત્રેવીસ વર્ષની સમૃદ્ધ અને વૈવિધ્યસભર કારકિર્દી ધરાવે છે. એઓન હેવિટમાં સાડા અગિયાર વર્ષ કામ કરનાર બિંદુમાલિની એપીએસી ક્ષેત્રમાં સર્વિસ ડિલીવરીનું નેતૃત્વ કરતી હતી. આ ઉપરાંત તેણે એઓનમાં કોર્પોરેટ સામાજિક જવાબદારીનું નેતૃત્વ પણ કર્યું છે. ગ્રાહક સેવાસંગઠનોનું મેનેજમેન્ટ અને પરિવર્તનનું મેનેજમેન્ટના નેતૃત્વનો બહોળો અને ઊંડો અનુભવ ધરાવે છે. એઓનમાં 'ડેસ્ટિની' નામની શ્રેણી અંતર્ગત ત્રણ ભાગ, ત્રણ વર્ષનું નેતૃત્વ કર્યું હતું. જેના ઉત્કૃષ્ટ વ્યવસાયિક પરિણામો પ્રાપ્ત થયા હતા. બિંદુએ પિત્ઝા કોર્નર, વિપ્રો સ્પેક્ટ્રામાઇન્ડ અને એઓન હેવિટમાં કામ કરતા કરતા અનેક વરિષ્ઠ નેતાઓને શિક્ષણ આપ્યું હતું. આજે તે સ્વતંત્ર રીતે અનેક લોકોને શિક્ષિત કરી રહી છે. એક્ઝીક્યુટીવ કોચિંગ, લીડરશિપ ડેવલપમેન્ટ, સીએસઆર અને વિમેન એમ્પાવરમેન્ટ બિંદુમાલિનીના કાર્યક્ષેત્રો છે. તો તેમના પતિ વી.જી. ક્રિશ્નન પણ કોચિંગ, સ્ટાર્ટઅપ સ્ટ્રેટેજીના નિષ્ણાત છે.

વી.જી. ક્રિશ્નને ૧૯૯૧માં દક્ષિણ ભારતમાં લોરિયલનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. ફ્યુચર ગ્રૂપ ઇન્ટરનેશનલના બે પ્રોગ્રામ માટે એમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અવાર્ડ મળેલા છે. હેલ્થકેર, રીયલ ઍસ્ટેટ અને સામાજિક વિકાસના ક્ષેત્રે કાર્યરત છે. ત્રીસ વર્ષનો અનુભવ ધરાવતા વી.જી. ક્રિશ્નને જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો અને તેમાંથી ક્રિશ્નન દંપતીએ સમાજનું ઋણ ચૂકવવા શિક્ષાદાન ફાઉન્ડેશનનો પ્રારંભ કર્યો. શિક્ષાદાનનો હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો છે. તેના દ્વારા સારી નોકરી મળે અને આર્થિક સલામતી પ્રાપ્ત થાય. 

રોજગારી મળે અને આર્થિક ફંડ મેળવીને ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માગે છે. આના માટે એમણે 'શિક્ષાદાન યાત્રા'નું આયોજન કર્યું અને ૨૦૧૫ની ૧૦મી એપ્રિલે હિમાચલ પ્રદેશથી તેનો પ્રારંભ કર્યો. આ યાત્રા સમગ્ર ભારતના જિલ્લામાં કરવાની તેમની ઇચ્છા છે. તેના દ્વારા એક નેટવર્ક ઉભું થાય અને અન્ય લોકોની ભાગીદારી વધતી જાય. શિક્ષાદાન દ્વારા અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે, પરંતુ તેમનું લક્ષ્ય પચીસ વર્ષમાં સવા કરોડ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીને આત્મનિર્ભર બનાવવાની છે.


Google NewsGoogle News