લિવિંગ રૂમ માટે શ્રેષ્ઠ ઇન્ડોર પ્લાન્ટ્સ..!
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- અનેક ઘરોમાં મની પ્લાન્ટ જોવા મળે છે. તે ઓક્સીજન હવામાં ફેંકે છે અને ઝેરી વાયુઓ શોષી લે છે.
કો રોના જેવા રોગોએ આપણને ઓક્સીજનનું મહત્વ સમજાવ્યું છે. મોટા પ્રમાણમાં ઓક્સીજન માટે સીલિન્ડર જોઇએ પરંતુ ઘરેલું ઉપયોગ માટે ઇન્ડોર પ્લાન્ટ્સ સારૂ કામ આપે છે. કેટલીક વનસ્પતિ દિવસે અને રાતે પણ ઓક્સીજન હવામાં ફેંકે છે.
હવે ઘરે ઘરે પ્રાણાયામ સામાન્ય બની ગયો છે ત્યારે ઘરની હવા શુદ્ધ હોવી જરૂરી છે. અહીં છ પ્લાન્ટ્સ કયા છે જે શ્રેષ્ઠ ઇન્ડોર પ્લાન્ટ્સ છે અને ઘરની હવામાં ઓક્સીજન વધારે છે.
(૧) એરીકા પામ્સ :
એરીકા પામ્સ એક સરસ ઇન્ડોર પ્લાન્ટ છે જે હવામાં રહેલાં ઝેરી તત્ત્વો ચૂસે છે અને ઓક્સીજન બહાર ફેંકે છે. ઘરમાં આ પ્લાન્ટની બે-ત્રણ જોડી રાખવાથી પુરતો ઓક્સીજન ઉત્પન્ન થાય છે. એરીકા પામ્સની શ્રેષ્ઠ જગા લિવિંગ રૂમ છે. તેને વારંવાર પાણી આપવું જરૂરી છે. ઘરમાં જેટલા સભ્યો હોય એટલા પ્લાન્ટ્સ ગોઠવવા.
(૨) સ્નેક પ્લાન્ટ :
સાપ જેવો દેખાતો આ પ્લાન્ટ ઇન્ડોર પ્લાન્ટ તરીકે શ્રેષ્ઠ છે તે ભરપુર ઓક્સીજન બહાર ફેંકે છે અને હવામાના ઝેરી વાયુઓ શોષે છે. નાસાએ પણ આ છોડને અનુમતિ આપેલ છે. કારણ કે તે હવાને શુદ્ધ કરે છે. હવામાંથી ઝેરી તત્ત્વો જેવાં કે બેન્ઝીન, નાઇટ્રોજન ઓક્સાઇડ, ઝાયલીન, ફોમોલીહાઈડ અને ટ્રાયક્લોરોઇથીલીન વગેરેને શોષી લે છે. આ છોડ હવામાં ઓક્સીજન ફેંકે છે અને હવામાનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે.
(૩) એલોવેરા :
ઊગવામાં સરળ એવો આ છોડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, બેન્ઝીન, ફોમોલીહાઇડ શોષી લે છે અને ઓક્સીજનને બહાર ફેંકે છે. ઓછો તડકો અને ભેજવાળી જમીનમાં તે સરળતાથી ઊગે છે. તેની અંદરની માંસલ પટ્ટી, એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીઇન્ફ્લામેટરી છે. એટલે ચામડીની સારવારમાં તે ખાસ વપરાય છે.
(૪) મની પ્લાન્ટ :
અનેક ઘરોમાં મની પ્લાન્ટ જોવા મળે છે. તે ઓક્સીજન હવામાં ફેંકે છે અને ઝેરી વાયુઓ શોષી લે છે. બોટલ કે પોટમાં સરળતાથી ઊગે છે. તે સરસ ઊગે તો પૈસા વધે એવી માન્યતા પણ લોકોમાં ઘર કરી ગઈ છે.
(૫) પીસ લીલી
સફેદ પુષ્પો ધરાવતો આ છોડ નાસાની સંમતિ મેળવી ચુક્યો છે. તે એક શ્રેષ્ઠ સફાઈ કરનાર પ્લાન્ટ છે. ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને બીજા સાધનોમાંથી નીકળતા ઝેરી વાયુને તે શોષી લઇ હવા શુદ્ધ કરે છે. તે એક સુપર હવાઈ શુદ્ધીકરણ કરનાર પ્લાન્ટ છે.
(૬) ગ્રીની સ્પાઇડર પ્લાન્ટ :
બાળકો અને પાલતુ પ્રાણીઓ માટે સલામત અને બીનઝેરી ગણાતો ગ્રીન સ્પાઇડર પ્લાન્ટ કરોળિયાના પગો જેવો દેખાય છે. એક જ પ્લાન્ટ લગભગ ૨૦૦ ચો.મી. વિસ્તારની હવા શુદ્ધ કરે છે. આ એર શુદ્ધીકરણ પ્લાન્ટ હવામાં ના (ઇન્ડોર) ઝાયલીન, ફોમોલીહાઇડ શોષી લે છે. આપણાં ઘરના નવા ફર્નીચર, ગાદીઓ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે સતત ઝેરી તત્વો હવામાં ફેંકતા હોય છે. એટલે તે દૂર થવા જરૂરી છે.