Get The App

મેનેજમેન્ટનું શિક્ષણ એટલે માત્ર મેનેજમેન્ટ નહીં!

Updated: May 25th, 2024


Google NewsGoogle News
મેનેજમેન્ટનું શિક્ષણ એટલે માત્ર મેનેજમેન્ટ નહીં! 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- મેનેજમેન્ટના સ્ટૂડન્ટ્સને અસહમત થવાની કળા પણ શીખવવી જરૂરી બની છે. ટોપ મેનેજમેન્ટની દરેક વાતમાં હામાં હા કરવાથી સરવાળે કંપનીને જ નુકસાન થાય છે

દ રેક સંસ્થામા અમુક નિર્ણયો વિવાદાસ્પદ બને છે તો પણ ના છૂટકે લેવા પડે છે. મેનેજરની નીચે કામ કરનારી વ્યક્તિઓ તેના નિર્ણયો સાથે મોટાભાગે સહમત હોય છે પરંતુ ઘણી વખત અસહમત પણ હોય છે. અમુક નિર્ણોય તો એવા હોય છે કે કંપનીના ટોપ મેનેજમેન્ટમાં પણ વિખવાદ કે વિસંવાદ થાય છે. એવી સ્થિતિમાં અસહમતી કેવી રીતે પ્રગટ કરવી તેને વિશે પણ જ્ઞાાન મેળવવું જરૂરી છે.

અસહમતી પ્રગટ કરવા પાછળ જુદા જુદા નીચે રજૂ કરેલા કારણો હોઈ શકે છે. (૧) કેટલાક સભાસદો અસહમતી પ્રગટ કરે છે. તેની પાછળ પોતાની જીત મેળવીને પોતાની વાહ વાહ સાંભળવાની ઇચ્છા ધરાવતા હોય છે. (૨) કેટલાક સભાસદો અસહમતી દર્શાવી પોતે પોતાના ઉપરી અધિકારી કરતા પણ વધુ હોશિયાર છે તે સાબિત કરવા પ્રયત્નશીલ રહે છે. (૩) કેટલાક સભ્યસદો સામાને પજવવા માટે કે હેરાન કરવા માટે અસહમતી પ્રગટ કરતા હોય છે. (૪) કેટલાક સભાસદો બોસની સામે વેરની વસૂલાત માટે અસહમતી દર્શાવવા માગે છે. (૫) કેટલાક સભાસદો મૂળથી જ લડાકુ મિજાજના હોય છે અને તેમને લડયા વગર ખાવાનું પચતુ નથી. (૬) ઘણી વ્યક્તિઓ અસહમતી પ્રગટ કરવામા ઉધ્ધત ભાષા અને બીનજરૂરી આક્રમકતાનો ઉપયોગ કરે છે. 

અમેરીકામાં કર્મચારીઓ અસહમતી નીચેના વાક્યોમાં રજૂ કરતા (૧) હું આ બાબતને કાંઈક જુદી રીતે જોઉં છું (૨) તમે આ બાબતમાં જે નિર્ણય લેવા માંગો છો તે અંગે મારો સંદેહ (ડાઉટ) પ્રગટ કરવા માંગું છું. (૩) આપના દ્રષ્ટિબીંદુમા થોડોક સુધારો કરીને હું મારૂ દ્રષ્ટિબિંદુ રજૂ કરવા માગુ છું. કદાચ મારા દ્રષ્ટિબિંદુમા કોઈ વજૂદ ના હોય તેમ પણ બની શકે. (૪) તમે જે કાંઈ નિર્ણય લેવા માંગો છો તેનો એક વધારાનો વિકલ્પ મને સૂઝ્યો છે તેને રજૂ કરવાની મને છૂટ આપો. (૫) તમે જે શક્યતાઓ રજૂ કરી તેમા હું કેટલીક અન્ય શક્યતાઓનો ઉમેરો કરવાની પરવાનગી માગું છું. (૬) આપે આ પ્રશ્નને હલ કરવા મેનેજમેન્ટનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું પરંતુ શું હું તે જ પ્રશ્ન સારી રીતે અને સસ્તી રીતે હલ કરવા આપણા ગ્રાહકોનું દ્રષ્ટિબીંદુ રજૂ કરી શકું?

સાચા નિર્ણયો સેવાની આડે આવતા પરિબળો

(૧) તદ્દન ખોટુ જનરલાઇઝેશન

આપણી આ પ્રોડક્ટ કોઈપણ મધ્યમવર્ગની શહેરી પ્રજા ખરીદશે નહીં. તે માત્ર ગામડાઓમાં જ ચાલશે અથવા આપણી પ્રોડક્ટ કોઈપણ બાળકને પસંદ નહી આવે કે આપણે ડીઝાઈન કરેલો આ ડ્રેસ કોઈપણ સ્ત્રી ખરીદશે નહીં - આ પ્રકારના જનરલાઇઝેશન મોટે ભાગે ખોટા સાબીત થતા હોય છે. અંગ્રેજીમાં આને 'સ્વીપીંગ જનરલાઇઝેશન્સ' કહેવામાં આવે છે.

(૨) કેટલાક લોકો લાગણીઓના પૂરમા તણાઈ જઇને ખોટો ખોટો વિરોધ રજૂ કરે છે.

(૩) કેટલાક લોકોનું લોજીક એટલુ ક્ષતિપૂર્ણ હોય છે કે તેમનુ ખોટુ લોજીક તેમને વિરોધ કરવા પ્રેરે છે.

(૪) મનપસંદ માહીતીની રજૂઆત : કેટલાક લોકો અગણિત માહિતીસ્ત્રોતમાંથી પોતાને પસંદ આવે તેવી જ મનપસંદગીવાળી માહિતી રજૂ કરે છે. માત્ર એક નાનકડી ભૂલ કરી હોય તેનુ વારંવાર રટણ સામોપક્ષ કરે છે પરંતુ હજારો વાર ભૂલો વગર નવું કામ સફળતાપૂર્વક કર્યું હોય તે માહિતીને છુપાવી દેવામા આવે છે. 

કોઈપણ પ્રશ્ન જ્યારે ભવિષ્યને લગતો હોય તો તેનો ૧૦૦ ટકા સાચો જવાબ આપવાનું મુશ્કેલ છે. ભવિષ્યની કોઈપણ બાબતમા નિર્ણય લેવાના હોય અને ખાસ પરિસ્થિતિ એકદમ વોલેટાઇલ હોય તો તે માટે નીચેના 'ઓપ્શન્સ'ની હારમાળાની જાણકારી ઉપયોગી સાબીત થઇ શકે.

(૧) આ બાબત તદ્દન શક્ય છે.

(૨) આ બાબત લગભગ શક્ય છે અથવા કદાચ શક્ય છે.

(૩) અશક્ય નથી પરંતુ શક્યતાના દાયરામાં છે.

(૪) પુષ્કળ શક્યતાના દાયરામાં આવે છે.

(૫) નક્કી છે. 

(૬) તદ્દન અશક્ય છે.

સહમતી અને અસહમતીમાં આ બધા જ પરિબળો કામ કરે છે. તેથી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ટીમવર્કમા સફળતા પ્રાપ્ત કરવા સામા સામે કેવી રીતે અસહમતી પ્રગતિ  કરવી તેનુ શિક્ષણ મેળવવું જરૂરી છે. દરેક વાતમાં હામાં હા મિલાવવાથી ઘણી વખત કંપનીને જ નુકસાન થાય છે. અસહમત થવાની કળા શીખી લેવાથી કારકિર્દીમાં ઘણી ઉપયોગી થઈ પડે છે.


Google NewsGoogle News