Get The App

પાનખર વચ્ચે ખીલી બસંતી .

Updated: Mar 25th, 2023


Google NewsGoogle News
પાનખર વચ્ચે ખીલી બસંતી                         . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- પર્યાવરણ, જળ સંરક્ષણ અને મહિલા સશક્તીકરણને સમર્પિત બસંતદેવીને ૨૦૧૬માં નારીશક્તિ પુરસ્કાર અને ૨૦૨૨માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે

ઉ ત્તરાખંડના જાણીતા સમાજસેવિકા બસંતીદેવીનો જન્મ પિથોરાગઢના દિગરા ગામમાં થયો હતો. ૧૯૫૮માં જન્મેલા બસંતીદેવી જ્યારે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમના લગ્ન અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતા એક છોકરા સાથે કરવામાં આવ્યા હતા. તે સમયે આ વિસ્તારમાં બાળલગ્ન એ સહજ વાત હતી, બે વર્ષમાં જ તેમના પતિનું અવસાન થયું અને બાર-તેર વર્ષની વયે તેઓ વિધવા થયા. સંસાર શું તેની સમજ હજી વિકસે તે પહેલાં જ વૈધવ્યનો વેશ ધારણ કરવો પડશે. કેટલાક સુધારાવાદી લોકોએ એમના પુનઃલગ્ન કરવા કહ્યું, પરંતુ તેમના પિતાએ બસંતીદેવીને વધુ અભ્યાસ કરાવ્યો. તે સમયે તેમણે ઇન્ટર-મીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો. એક દિવસ તેઓ કૌસાનીમાં આવેલા લક્ષ્મી આશ્રમમાં એક સગાને મળવા ગયા. આ એ કૌસાની કે જ્યાં ૧૯૨૯માં મહાત્મા ગાંધીજી બે અઠવાડિયા રહ્યા હતા અને ગાંધીજીનાં શિષ્યા સરલાબહેને ૧૯૪૬માં આશ્રમની સ્થાપના કરી. કૌસાનીથી થતા હિમાલયદર્શને અને આશ્રમનાં પ્રફુલ્લિત વાતાવરણે બસંતીદેવીનું મન મોહી લીધું. અહીં એમને એક ગાંધીવાદી સમાજસેવિકાનો પરિચય થવાથી તેમણે લક્ષ્મી આશ્રમમાં જ રહેવાનું નક્કી કર્યું.

અહીં એમને સમાજસેવાના પથ પર આગળ ચાલવાની દિશા મળી. એ સમયે લક્ષ્મી આશ્રમ દ્વારા ચાલતી બાલવાડીમાં રસ પડયો અને તેમાં તે ભણાવવા લાગ્યા. અલ્મોડા જિલ્લાના ધૌલા દેવી બ્લોકમાં આયોજિત બાલવાડીના કાર્યક્રમોમાં સક્રિય રસ લઈને સમાજસેવાના શ્રીગણેશ કર્યા. લક્ષ્મી આશ્રમે ધીમે ધીમે સમગ્ર જિલ્લામાં બાલવાડીઓ શરૂ કરી અને બસંતીદેવી ત્યાં ભણાવવા જતા હતા. એમણે થોડો સમય દહેરાદૂન જઈને કામ કર્યું, પરંતુ પર્વતો અને જંગલોના કુદરતી વાતાવરણમાં રહેલા બસંતીદેવીને શહેરીજીવન બહુ પસંદ પડયું નહીં. તેઓ વળી પાછા કૌસાની આવીને રહેવા લાગ્યા. બન્યું એવું કે ૨૦૦૩ના વર્ષમાં બસંતીદેવીએ  અખબારમાં જંગલો કેટલા ઝડપથી ઓછા થઈ રહ્યા છે અને તેને કારણે ભવિષ્યમાં શું નુકસાન થશે તેની વાત વાંચી. એમાં એમ પણ જણાવ્યું હતું કે આગામી દસ વર્ષમાં કોસી નદી સૂકાઈ જશે. બસંતીદેવીએ વિચાર્યું કે ઉત્તરાખંડની કોસી નદી તો હજારો લોકો માટે જીવનદાયિની છે. વધતી વસ્તીની સાથે પાણીની માંગ વધતી જાય છે અને આર્મી કેન્ટોનમેન્ટ તથા શહેેરો સુધી પાણી પહોંચાડવાને કારણે નદીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે. શહેરના લોકોની પાણીની માંગ પૂરી કરવામાં જંગલ અને જંગલની આસપાસનાં ગામોના લોકો તરસ્યા રહેવા લાગ્યા.

બસંતીદેવીએ સૌથી પહેલાં તો મહિલાઓને સમજાવવા માટે મહિલા સંગઠનની સ્થાપના કરી. કોસી ઘાટીના ગામોમાં મહિલાઓને સંગઠિત કરી. કૌસાનીની આસપાસની ઘાટી અને કૌસાનીથી કંતલી સુધીના બસો ગામોમાં મહિલાઓના સમૂહ બનાવ્યા. વૃક્ષોને કાપી રહેલી મહિલાઓ પાસે જઈને એમણે અખબારમાં આવેલો લેખ બતાવ્યો અને જંગલની સુરક્ષા આપણી આજીવિકા અને અસ્તિત્વ માટે આવશ્યક હોવાનું સમજાવ્યું. તેમને સમજાવ્યું કે તમારે તો વૃક્ષો કાપવાનાં નથી, પરંતુ બહારથી આવીને કોઈ વૃક્ષો ન કાપે, તેનું ધ્યાન રાખવાનું છે. તેમણે ઑક ટ્રીના કેટલા ફાયદા છે તે સમજાવ્યું. સ્થાનિક લોકો વૃક્ષો ન કાપવા માટે સંમત થયા. આ કામ કરવામાં પહેલાં તો એમને ઘણી મુશ્કેલી સહન કરવી પડી. પ્રારંભે નિરાશા પણ થઈ, પરંતુ ત્યારબાદ એમને સ્ત્રીઓને સમજાવવામાં સફળતા મળી.

ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવવા લાગી. 'કોસી બચાઓ અભિયાન' અંતર્ગત ઘણા કાર્યક્રમો કર્યા. પદયાત્રા પણ કરી. બસંતીદેવીએ કોસી નદીને બચાવવા દસ વર્ષ સુધી અથાક પરિશ્રમ કર્યો. આજે એ વિસ્તારમાં હર્યાભર્યાં વૃક્ષો છે. કૌસાની, દન્યા અને સોમેશ્વર વિસ્તારના લોકો આજે કેટલાક વિસ્તારમાં ચોખાનો પાક પણ લે છે. પર્યાવરણની સાથે સાથે એમણે મહિલા સશક્તીકરણના ક્ષેત્રમાં મહત્ત્વનું કાર્ય કર્યું. થોડા દાયકાઓ પહેલાં આ વિસ્તારમાં દીકરી પંદર વર્ષની થાય એટલે માતા-પિતા તેના લગ્ન કરી દેતા હતા. બાળવિવાહના દુષ્પ્રભાવ અને પરિણામોની તેમનાથી વિશેષ કોને ખબર હોય? સ્વાનુભવને કારણે અન્યની વેદનાને તેઓ આત્મસાત કરી શકતા હતા. ઘરે ઘરે જઈને નાની ઉંમરમાં દીકરીના લગ્ન ન કરવા માટે માતા-પિતાને સમજાવતા હતા. છોકરીઓને સ્કૂલ-કૉલેજમાં મોકલી શિક્ષિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેમણે મહિલા સંગઠન દ્વારા મહિલા સશક્તીકરણનું કામ પણ કર્યું. 

૨૦૦૮માં પંચાયતોમાં મહિલાઓની સ્થિતિ મજબૂત કરવાનું શક્ય બન્યું. પંચાયતોમાં મહિલાઓને અનામત મળી તો એમણે ઘરેલુ હિંસા સામે અવાજ ઊઠાવ્યો. પુરુષોનો માર ખાતી સ્ત્રીઓની મુક્તિ માટે અભિયાન ચલાવ્યું. ૨૦૧૪માં આશરે પચાસ ગામોની દોઢસો-બસો મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરી. આજે પણ મહિલા સમૂહો પર્યાવરણ સંરક્ષણનું કામ કરી રહ્યાં છે. કોસી બચાવો અભિયાન સહિત મહિલાઓ અને પંચાયતોના સશક્તીકરણ માટે બસંતીદેવીએ અભૂતપૂર્વ કામ કર્યું છે. પર્યાવરણ, જળ સંરક્ષણ અને મહિલા સશક્તીકરણને સમર્પિત બસંતદેવીને ૨૦૧૬માં નારીશક્તિ પુરસ્કાર અને ૨૦૨૨માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. છેલ્લાં બે વર્ષથી પિથોરાગઢમાં રહીને આજે પણ ઘરેલુ હિંસા અને મહિલા ઉત્પીડનને રોકવા માટે તેઓ કામ કરી રહ્યા છે.

દાદીમાના પાકશાસ્ત્રનો ચમત્કાર

ક ર્ણાટકનું મૈસૂર શહેર તેના સમૃદ્ધ ઇતિહાસ અને ભૌગોલિક સ્થિતિને કારણે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ શહેરમાં આજથી ત્રીસ વર્ષ પહેલાં મુરલી ગુંડન્નાનો જન્મ થયો. માતા યુ. સુધા અને પિતા જી.એસ. ગુંડન્ના બંને નોકરી કરતા હતા, તેથી મુરલીનો ઉછેર સુખ-સગવડ સાથે થયો. મૈસૂરના સિધ્ધાર્થનગરમાં આવેલી જે. એસ.એસ. પબ્લિક સ્કૂલમાં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી ૨૦૧૦ મૈસૂરની એન.આઈ.ઈ. ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં પ્રવેશ મેળવીને ૨૦૧૪માં કમ્પ્યૂટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. સ્કૂલ અને કૉલેજમાં મુરલી માત્ર અભ્યાસ પૂરતી કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં પોતાની જાતને સીમિત રાખતો નહોતો, પણ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતો. એક બાજુ ફૂટબૉલ રમવામાં જેટલો રસ હતો, એટલો જ રંગભૂમિ પર તે સક્રિય હતો. 

અત્યંત તરવરાટ અને આનંદમસ્તી ધરાવતા મુરલીને સ્નાતક થતાંની સાથે જ પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મળી ગઈ. પોતાના જીવનનું આયોજન કરે કે કંઈ વિચારે તે પહેલાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી મળી.  બેલ્લારીમાં કામ કરતા કરતા તેને હવે પોતાની મનગમતી પ્રવૃત્તિઓ અને ખાસ કરીને થિયેટર યાદ આવવા લાગ્યા. ક્યારેક એ પોતાના જીવન વિશે વિચારતો અને એને થતું કે તે આવું કંઈ કરવા ઇચ્છતો નહોતો. એવામાં એને એક ટૅક્નૉલૉજી ઇવેન્ટ માટે ત્રણ મહિના બઁંગાલુરુમાં રહેવાનું બન્યું. આ એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ હતી. એનું સારામાં સારું આયોજન કઈ રીતે થાય તે માટે એણે ખૂબ મહેનત કરી અને એમાં એને સફળતા મળી.

મુરલી ગુંડન્ના જ્યારે બેલ્લારી પહોંચ્યો, ત્યારે ત્યાં એક ઈ-મેલ વાંચીને તે આશ્ચર્યમાં પડી ગયો. એ ઈ-મેલ એના પ્રમોશન માટેનો હતો અને તેની નિમણૂક સેલ્સ તેમજ માર્કેટિંગ વિભાગમાં કરવામાં આવી હતી. તેથી તાત્કાલિક બઁગાલુરુ પહોંચવાનો એમાં આદેશ હતો. મુરલી હોંશે હોંશે બઁગાલુરુ પહોંચી ગયો. સિનિયર અધિકારીઓ પાસેથી ઘણું શીખવા મળ્યું, પરંતુ થોડા વખતમાં જ ભીતરનો ખાલીપો ખટકવા લાગ્યો. બઁગાલુરુમાં તે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકશે એવી એને આશા હતી, પરંતુ કામ અને અતિશય ટ્રાફિકને કારણે ઑફિસ આવવા-જવાના સમયમાં જ દિવસ પૂરો થઈ જતો હતો. થિયેટર માટે તેની પાસે સમય નહોતો રહેતો. મનમાં અવઢવ થવા લાગી. મહાનગરની જિંદગીથી થોડા સમયમાં જ કંટાળી ગયો એટલે એક દિવસ મુરલી કંપનીના મેનેજર પાસે પહોંચી ગયો અને કંઈ પણ આડીઅવળી વાત કર્યા વિના સીધું જ કહી દીધું, 'સર, હું થિયેટરને બહુ 'મિસ' કરું છું. તેથી નોકરી છોડી રહ્યો છું.' મેનેજરની ઇચ્છા નહોતી કે મુરલી પોતાની કંપની છોડીને જાય. મેનેજરે મુરલીને કહ્યું, 'તારું રાજીનામું સ્વીકારતા પહેલાં ત્રણ મહિના ચાલુ પગારે રજા આપું છું. આ સમય દરમિયાન તારી જે ઇચ્છા હોય તે કરજે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેજે.'

બીજા જ દિવસે મુરલી મૈસૂર આવી ગયો. જાણે ખુલ્લા આકાશમાં ઉડ્ડયન કરવાનો અહેસાસ થવા લાગ્યો. ૨૦૧૫નો ઑગસ્ટ મહિનો હતો. એક મહિનામાં તો એણે અનેક નાટકોમાં ભાગ લીધો. ત્યારબાદ 'મૈસૂર મૈસૂર' નામથી એક ફેસબુક અભિયાન શરૂ કર્યું. તેમાં એને ઘણી સફળતા મળી, પરંતુ આવક માટે શું કરવું તેનો કોઈ વિચાર કર્યો નહોતો. ત્રણ મહિના પૂરા થવામાં હતા, એવામાં વળી એના મનમાં એક વિચાર આવ્યો. માતા તો કેન્દ્ર સરકારની નોકરીમાં વ્યસ્ત હતી, તેથી એને કંઈ કહી શકે તેમ નહોતો. આથી દાદી ઇંદિરામ્મા અને બે અન્ય કુટુંબની સ્ત્રીઓને પોતાના દિલની વાત કહી અને બધાએ એને સાથ આપ્યો અને એક ટૅક્નૉલૉજીની લાઇનની વ્યક્તિ ફૂડપ્રેન્યૉર બની ગઈ ! એક દિવસ એણે ચાલીસેક વ્યક્તિના નામની સૂચિ બનાવી જેમાં થિયેટર, મીડિયા, આઈ.ટી.કંપની અને સ્કૂલ-કૉલેજના મિત્રોનાં નામ હતા. દાદી પાસે પુલાવ, ખીર અને દહીં-ભાત બનાવડાવ્યા. મિત્રોએ આ ફૂડ પેકેડ જુદા જુદા વિસ્તારમાં રહેતી ચાલીસ વ્યક્તિને પહોંચાડયા અને તેમાં જણાવ્યું, 'આજથી હું આ કામ કરવાનો છું તમને યોગ્ય લાગે તો તમે તમારી આસપાસના લોકોને મારું નામ સૂચવશો, ઑર્ડર આપીને મને મદદ કરશો.'

૨૦૧૫ના ડિસેમ્બરથી ઘરના નાના ગરાજમાંથી 'ફૂડ બૉક્સ'નો પ્રારંભ થયો. ઘરમાં દાદાના સમયના બે સ્ટવ હતા તે વપરાશમાં લીધા અને દાદી ઇંદિરામ્માની પાકશાસ્ત્રની નિપુણતાનો લાભ મળ્યો. 'ફૂડ બૉક્સ' ગુણવત્તાયુક્ત અને પોષણયુક્ત ભોજન પોષાય તેવી કિંમતે આપે છે. શરૂઆતમાં પહેલાં છ મહિના કોઈ મૂડીરોકાણ નહીં અને કોઈ નફો નહીં તે રીતે કામ ચાલ્યું. શરૂઆતમાં પંદરથી વીસ ફૂડ બૉક્સ જતા હતા, તે ધીમે ધીમે વધતા અઠવાડિયે બેથી ત્રણ હજારે પહોંચ્યા. મૈસૂરમાં ઑનલાઇન ફૂડ બૉક્સ આપનાર મુરલી પ્રથમ હતો. ૨૦૧૯થી તેણે શરૂઆત કરી અને કોરોનાકાળમાં પણ તે ચાલુ રાખ્યું. આજે તે સવારનો નાસ્તો અને સવાર-સાંજનું ભોજન આપે છે. તેના રજિસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા ઘણી મોટી છે, એમાં ત્રીસ ટકા નિયમિત ગ્રાહકો છે, જેમાં મોટાભાગના ડૉક્ટરો છે. ફૂડ બૉક્સ મેળવવા માટે અગાઉથી જણાવી દેવાનું હોય છે. સિનિયર સીટીઝનને ઑનલાઇન બુકિંગ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેમના માટે વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે, તેના દ્વારા ઑર્ડર લખાવવાનો હોય છે. ચામુંડીપુરમમાં  મોટું આઉટલેટ પણ છે. મુરલી ગુંડન્નાએ ફૂડ બૉક્સની શરૂઆત કરી તેના એકાદ-બે મહિનામાં જ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ એક પ્રસંગે મૈસૂર આવેલા ત્યારે તેમણે ફૂડબૉક્સની પ્રશંસા કરીને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ જ્યારે જ્યારે મૈસૂર આવે, ત્યારે તેઓ ફૂડ બૉક્સનું ભોજન કરે છે. ૨૦૨૦ના માર્ચ મહિનામાં દાદીમાનું અવસાન થયું, પરંતુ આજે મૈસૂરમાં શહેરીજનો એમણે શીખવેલી વાનગી ખાઈને તેમને યાદ કરે છે. ઝીરો મૂડીરોકાણ સાથે શરૂ થયેલ ફૂડબૉક્સ આજે વર્ષે દોઢ કરોડ રૂપિયાની કમાણી કરે છે.


Google NewsGoogle News