ઉજ્જડ જમીનમાંથી રોજગારી મેળવીને લોકોની સુખાકારી વધારી શકાય
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- આપણા નેશનલ હાઇવે, રાષ્ટ્રીય હાઇવે, ડીસ્ટ્રીક્ટ હાઇવે, સ્થાનિક રસ્તાઓની બંને બાજુ અમાપ જમીનનો ઉપયોગ લાભાર્થીઓના હિત માટે કરી શકાય છે
ભા રતમાં તથા ગુજરાતમાં તથા અન્ય દેશોમાં લાખો એકર્સ જમીન ઉજ્જડ પડી રહી છે અને તે બીનઉત્પાદક છે. આ જમીનને કેવી રીતે ફળદ્રુપ અને ઉપજાઉં બનાવવી તે અંગેનો એક રીપોર્ટના સૂચનો લાખો લોકોને રોજી આપી શકે છે. આ અભ્યાસપૂર્ણ તેમજ વ્યવહારમાં મૂકી શકાય તેવો રીસર્ચ રીપોર્ટ આર. પી. પટેલ અને તેમના બે સહયોગીઓએ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ રિપોર્ટના મુખ્ય લેખક આર.પી. પટેલે સુરત મ્યુનિસપલ કોર્પોરેશનમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે સફળ કામગીરી બજાવી છે તેમના બે સહલેખકોમાં કેલ્વી પટેલ કન્સલ્ટીંગ આર્કિટેક્ટ છે અને સાકેત વનાની બી.ઇ. સિવિલ એન્જીનિયરીંગની ડિગ્રી સાથે આ ક્ષેત્રમાં ઉંડો પ્રેક્ટીકલ અનુભવ ધરાવે છે. દુનિયાના દરેક દેશમાં ઉજ્જડ અને બીનઉપજાઉ જમીન હોય છે તેનો ઉપયોગ લાખો લોકોને રોજી આપવા માટે જ નહી પરંતુ પોષણક્ષમ અનાજ અને શાકભાજીના ઉત્પાદન માટે તેમજ પશુપાલન માટે કેવી રીતે થઈ શકે તેનું પથપ્રદર્શક એવું મોડેલ ઉભું કર્યું છે. આ મોડેલનો અભ્યાસ કરતા જણાશે કે તેનો અમલ લાખો લોકોનું જીવન બદલી શકે છે. વળી આ રિપોર્ટ અને આર્કિટેક્ટ તથા ભોંય પર કામ કરનાર એન્જિનિયરની ત્રિપૂટીએ બનાવ્યો હોવાથી તે સમૃદ્ધ બન્યો છે.
ઉત્પાદક રોજગારી કેવી રીતે ઊભી કરવી ?
એક કુટુંબ પાસે બે હેક્ટર્સ એટલે કે ૨૦,૦૦ ચોરસ મીટરની જમીન અને પાંચ પશુઓ હોય તો તે કુટુંબ પોતાનો જીવનનિર્વાહ સંતોષજનક રીતે કરી શકે છે. ૨૦,૦૦૦ ચોરસમીટર જમીનનો ઉપયોગ તેના લાભાર્થીઓ નીચે મુજબ કરી શકે.
(૧) પ્રથમ પાંચ હજાર ચોરસમીટર પર જંગલ ઉગાડવામાં આવે જેમાં સુખડ, આંબલી, લીમડો, બાબુલ, સીસમ, સાગ ઉગાડી શકાય. લાભાર્થીઓને ૨૦,૦૦૦ ચોરસમીટર જમીન ૫૦ કે ૬૦ વર્ષ માટે લીઝ આપવામાં આવે તો જંગલમાં વૃક્ષોના ઉછેરનો લાભ તેને લાંબા ગાળે મળી શકે છે.
(૨) બીજી પાંચ હજાર ચોરસમીટર જમીન પર ફળાઉ વૃક્ષો કે છોડો ઉગાડી શકાય જેમાં ચીકુ, કેળા, પ્લમ, જામફળ તથા અન્ય ફળોનું વાવેતર થઈ શકે. આ માટે ચારથી પાંચ વર્ષનો સમય લાગી શકે જે બાદ લાભાર્થીને આ ફળોના વેચાણમાંથી નિયમિત આવક ઉભી થાય.
(૩) બીજા પાંચ હજાર સ્કવેર મીટર પર કઠોળનું ઉત્પાદન કરતા દાણાવાળા શાકભાજી તેમજ પશુઓ માટે નીરણ અને ઘાસચારા માટે ઉગાડી શકાય. આ ઘાસચારો પાંચ પશુનું પાલન કરવા માટે પૂરતો હોય છે તેના દૂધાળા ઢોર અને બળદનો નિભાવ થઈ શકે. આ પાંચ ઢોરોમાંથી બે કે ત્રણ ગાયો કે ભેંસો પણ હોઈ શકે જેથી લાભાર્થી કુટુંબને દૂધ વેચાણમાંથી પણ આવક થાય.
(૪) ૪૭૦૦ ચો.મીટર જમીન પર ઘઉં, મકાઈ, જવ, મગફળી વગેરે પાકો લઈ શકાય.
(૫) બાકી રહેલી ૩૦૦ ચો.મી. જમીન પર કુટુંબીજનના ઘર માટે કે બાયોગેસ પ્લાન્ટ માટે કે અનાજ કઠોળના સંગ્રહ માટેના સ્ટોરેજ માટે ઉપયોગી થાય તેમ છે.
ઉપરના પ્રોજેક્ટ માટે જમીન ક્યાંથી મેળવવી તેના પર ઉંડો વિચાર કર્યો છે. આપણા નેશનલ હાઇવે, રાષ્ટ્રીય હાઇવે, ડીસ્ટ્રીક્ટ હાઇવે, સ્થાનિક રસ્તાઓની બંને બાજુ અમાપ જમીનનો ઉપયોગ લાભાર્થીઓના હિત માટે કરી શકાય છે. આપણી રેલ્વે લાઇનની બંને બાજુએ પણ અફાટ જમીન વણવપરાયેલી પડી રહી છે તેનો પણ સમાવેશ બીનઉપજાઉ જમીનની યાદીમાં થઈ શકે. વળી આ પ્રોજેક્ટ રિપોર્ટમાં જળાશયોમાં કે છીછરી કાદવીય ેજળાશયોમાં મત્સ્ય કે ઝીંગાના ઉત્પાદનની સવલતો ઉભી કરવાની ભલામણ કરવામાં આવી છે. આ રિપોર્ટને કેવી રીતે કાર્યાન્વિત કરી શકાય અને તેને માટે કેવા પ્રકારનું મેનેજમેન્ટ જોઈએ અને કેટલું બજેટ જોઈએ તેના પર સરકારે વિચાર કરવો જોઈએ.
હાઇડ્રોપાવર દ્વારા વીજળીના ઉત્પાદન
આર.પી. પટેલ સ્ટ્રક્ચરલ એન્જિનિયરીંગ નિષ્ણાત અને એમ.ટેક.ડીગ્રી ધરાવતા રવિ વાધાની અને બીબીએની ડીગ્રી ધરાવતા યુવાન ભાર્ગવ રવાની સાથે મળીને જુદા જુદા વીજ ઉત્પાદનને સંબંધિત મહત્ત્વકાંક્ષી કહી શકાય તેવો રિપોર્ટ તૈયાર કર્યો છે. આરિપોર્ટ મહત્ત્વકાંક્ષી એટલા માટે છે કે તેમાં હીમાલયનો પ્રદેશ, આલ્પસ અને કીલીમાન્ઝારો જેવા દૂર દૂરના હાઇડ્રોપાવરને સંબંધિત જળવિદ્યુત ઉત્પાદનની સંભવિતતા પર આ રિપોર્ટના લેખકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. તેઓ જણાવે છે કે, હાલના જગતમાં ૯૪ કરોડ લોકો વીજળીની સવલત વિના જીવે છે. ચીનમાં વ્યક્તિદીઠ સરાસરી વીજળીનું ઉત્પાદન ઇ.સ. ૨૦૦૦ પછી ૨૫૦ ટકા, ભારતનું ૫૦ ટકા અને ૨૦૨૧માં બ્રાઝિલનું ૩૮ ટકા વધ્યું છે. ભારતમાં સસ્તી વીજળીની અછતને જળવિદ્યુતની યોજનાઓ દ્વારા પૂરી કરી શકાય તેવી જળશક્તિ ભારતની નદીઓમાં છે.
ભારતમાં પણ નર્મદા, સતલજ, નાગાર્જુન સાગર જેવી નદીઓ તથા હીમાલયના આસપાસના પ્રદેશોમાં જળવિદ્યુત ઉત્પાદન ઘણું વધ્યું છે અને હજી વધી શકે તેમ છે. રીપોર્ટમાં જળવિદ્યુત ઉત્પાદનની ત્રણ અગત્યની પદ્ધતિઓની ટૂંકી ચર્ચા કરવામાં આવી છે. (૧) સ્ટેટીક હેડ વત્તા વર્ટિકલ હેડની પદ્ધતિ જે માટે જળધોધ હોવો જરૂરી છે. (૨) સ્ટેટીક હેડ વત્તા ગ્રેડીઅન્ટ હેડની પદ્ધતિ જે માટે નદી પર ઢાળ હોવો જરૂરી છે. (૩) જળવિદ્યુત ઉત્પાદનની ત્રીજી પદ્ધતિમાં સ્ટેટીક હેડ + ગ્રેડીયન્ટ હેડ + વર્ટિલકલ હેડનીપદ્ધતિનો ઉપયોગ જરૂરી છે. ભારતમાં હીમાલય પર્વતની પૂર્વ- પશ્ચિમની હારમાળા, ૩૦૦૦ કીલોમીટર લાંબી છે અને ઉત્તર- દક્ષિણની હારમાળા ૭૦૦ કિલોમીટર લાંબી છે. હિમાલયની પર્વતની અધધધ લાંબી હારમાળઓ એ ભારતમાં સમૃદ્ધિ ત્યારે જ ઉભી કરે જ્યારે આ હારમાળાઓ ઉપર હાઇડ્રોપાવરના ઉત્પાદન માટે ઠેરઠેર વીજ મથકો ઉભા થાય. આ હારમાળા પર વીજ ઉત્પાદનની ઉપર જણાવેલી પદ્ધતિઓનો જુદે જુદે ઠેકાણે ઉપયોગ કરીને વીજ ઉત્પાદન કરી શકાય તેમ છે. આ સાથે સાથે વાતાવરણને પણ સ્વચ્છ રાખી શકાય તેમ છે. હાઇડ્રો ઇલેક્ટ્રિસીટીના ઉત્પાદનમાં વાતાવરણનું પ્રદૂષણ થતું નથી તે સૌ કોઈ જાણે છે. આવી જ શક્યતાઓ આલ્પસ અને કીલીમાન્ઝારો હારમાળા માટે પણ છે. આ રિપોર્ટસને કાર્યશીલ બનાવવા માટે અન્ય તૈયારીની જરૂર છે. સૌ પ્રથમ ફિઝિબિલીટી અને વોયોબીલીટી રીપોર્ટ તેમજ કોસ્ટ બેનીફીટ રિપોર્ટ માટે અનેક ક્ષેત્રે નિષ્ણાતો જોઈએ પ્રોજેક્ટ ફીઝીબલ હોય અને વાયેબલ હોય તો તે નાણાંકીય રીતે વાયેબલ છે કે નહીં તેની તપાસ નાણાંકીય નિષ્ણાતો દ્વારા થવી જોઈએ વળી આ પ્રોજેક્ટ લાંબા ગાળાના હોય છે અને તેઓ પચાસ, સાઇઠ કે સો વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે તેથી તેમનું કેપિટલ બજેટીંગ તૈયાર કરવાનું કામ મુશ્કેલ હોય છે.