Get The App

સ્વસ્તિક ચિહ્નને લઈને વિશ્વમાં અકારણ વિવાદો સર્જાતા રહે છે

Updated: Mar 27th, 2022


Google NewsGoogle News
સ્વસ્તિક ચિહ્નને લઈને વિશ્વમાં અકારણ વિવાદો સર્જાતા રહે છે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- સ્વસ્તિક એ વિશ્વનું સૌથી પ્રાચીન પ્રતીક છે. છેલ્લા પાંચ હજાર કરતાં વધુ વર્ષોથી તે સનાતન હિન્દુ ધર્મનું પણ એક પ્રતીક છે. સંસ્કૃત શબ્દ 'સ્વેસ્તિકા' ઉપરથી સ્વસ્તિક નામ પડયું છે.

- સંસ્કૃત વ્યાકરણ અનુસાર સ્વસ્તિક શબ્દની સંઘી થાય  સુ+અસતી = સ્વસ્તિક  સુ શબ્દનો અર્થ શુભ થાય છે અને અસતી શબ્દનો અર્થ અસ્તિત્વ એવો થાય છે. 

સ્વ સ્તિક હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતિક છે.  પરંતુ કેનેડામાં  નાહક વિવાદનો મૂદ્દો બન્યો છે.  કેનેડામાં એક બિલમાં આખા દેશમાં સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. આ બિલમાં જર્મન નાઝીઓના પ્રતિક હુક્ડ ક્રોસના બદલે સ્વસ્તિક શબ્દનો ઉપયોગ કરાતા ભારતીય સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ બિલ સામે હિન્દુ ફેડરેશન સંગઠને પણ દેખાવો કર્યા હતા.

સ્વસ્તિક મુદ્દે આખા કેનેડામાં ભારતીયોના ભારે વિરોધ પછી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ પીટર જુલિયને કહ્યું, હું સૂચિત બિલ સી-૨૨૯ની ભાષામાં ફેરફાર કરવા તૈયાર છું. બિલમાં સ્વસ્તિકની જગ્યાએ હવે હું હુક્ડ ક્રોસ શબ્દનો ઉપયોગ કરીશ. નાઝીઓ પણ તેને હૂક્ડ ક્રોસ જ ગણાવતા હતા. વાત જાણે એમ છે કે થોડા સમય પૂર્વે કેનેડાની રાજધાની ઓટાવામાં થયેલા ટ્રક આંદોલનમાં નાઝીઓના પ્રતિકનો ઉપયોગ કરાયો હતો. ત્યાર પછી આ બિલ તૈયાર થયું હતું.  સ્વસ્તિક અથવા કનફેડરેટના ઝંડાનું કેનેડામાં કોઈ સ્થાન નથી. આ સમય છે કેનેડામાં હેટ સિમ્બોલ્સ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ એવી માગણી સૌ કરી રહ્યાં છે. 

અમેરિકામાં હમણાં એક નવો વિવાદ શરૂ થયો છે. સ્વસ્તિકના ચિહ્ન ધરાવતા ટીશર્ટ, જ્વેલરી કે બીજું કોઈ વસ્ત્ર વેંચો અથવા પહેરીને ફરો તો પોલીસના ભંવા ઊંચા ચઢી જાય છે. થોડા સમય પૂર્વે અમેરિકામાં આવી એક ઘટના બની તેથી હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. બન્યું એવું કે બુ્રકલિનના એક સ્ટોરમાં સ્વસ્તિકના પ્રતિક જેવી ઇયરિંગ્સ વેંચાતી હતી તેની સામે સ્થાનિક સત્તાવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો. 

આ ઇયરિંગ્સ નાઝીઓનું પ્રતીક નથી પરંતુ પ્રાચીન ભારતીય પવિત્ર ચિહ્ન છે એવી સ્પષ્ટતા છતાં સ્થાનિક સત્તાવાળાઓએ ન્યૂયોર્કના આ સ્ટોરને સ્વસ્તિકવાળા ઇયરિંગ્સ નહીં વેચવાની તાકીદ કરી હતી.

આ સંદર્ભમાં ન્યૂયોર્કના પોલિટિશિયન અને ધારાશાસ્ત્રીઓએ ફોક્સન્યૂઝ ડૉટ કોમને કહ્યું હતું કે આ ઇયરિંગ્સ એન્ટિ-સેમિટિઝમ યહૂદી વિરોધી છે   માટે આ ઇયરિંગ્સનું વેચાણ ચાલુ રહે તો એ 'હેટ ક્રાઇમ' (ધિક્કારની લાગણી ફેલાવવાનો ગુનો ) ગણાશે.

ખરું કહેવાય! કોઈના ધાર્મિક પ્રતિક સામે આટલો સજ્જડ વિરોધ. યુરોપ-અમેરિકામાં સ્વસ્તિકના ચિહ્નને જુલ્મી હિટલર સાથે સંકળાયેલું પ્રતિક ગણીને તેનો વિરોધ થાય છે એ તો જાણે સમજ્યા. પરંતુ વિશ્વના સૌથી પ્રાચીન, સનાતન, મહાન ધર્મ હિંદુઓમાં સ્વસ્તિકનું મહત્ત્વ ખૂબ ઊંચું છે એ ભૂલાવું ન જોઈએ. 

સ્વસ્તિક એ વિશ્વનું સૌથી પ્રાચીન પ્રતીક છે. છેલ્લા પાંચ હજાર કરતાં વધુ વર્ષોથી તે સનાતન હિન્દુ ધર્મનું પણ એક પ્રતીક છે. સંસ્કૃત શબ્દ 'સ્વેસ્તિકા' ઉપરથી સ્વસ્તિક નામ પડયું છે.

ઓમ સ્વસ્તિન ઈન્દ્રો વૃધ્ધશ્રવાહા:

સ્વસ્તિન : પૂષા વિશ્વવેદા :

સ્વસ્તિનસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ :

સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ.

હિન્દુઓના કોઈપણ શુભ કાર્યના પ્રારંભે આ સ્વસ્તિ મંત્રનું પઠન કરવામાં આવે છે.

આ મંત્રનો અર્થ છે કીર્તિવાન ઈન્દ્રદેવ અમારું  સદા કલ્યાણ કરો, સુવિજ્ઞા સૂર્યનારાયણ અમારું સદાય શ્રેય કરો, સુદર્શન ધારી વિષ્ણુ ભગવાન અને ગરૂડજી અમારું શ્રેય કરો તથા ગુરુદેવ બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો.

સુખ અને સમૃદ્ધિના પ્રતિક સમાન સ્વસ્તિકને ઘરના બારણે, ઉંબરે કે આંગણામાં દોરવામાં આવે છે. તેમજ કોઈ પણ શુભ પ્રસંગ કે મંગળ પ્રસંગમાં પણ સ્વસ્તિક દોરવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે સ્વસ્તિકને મંગળ અને સૌભાગ્યનું પ્રતિક ગણવામાં આવે છે. તેમજ સ્વસ્તિકને સૂર્ય અને વિષ્ણુનું ચિહ્ન પણ માનવામાં આવે છે. ઋગ્વેદમાં શાંતનુનો ઉલ્લેખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાંતનુ સ્વસ્તિકના દેવતા છે. શાસ્ત્રો અનુસાર આ દેવતાને મનોવાંછિત ફળ આપનાર અને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરનાર અને દેવોને અમરત્વ પ્રદાન કરવાવાળા દેવતા ગણવામાં આવે છે. 'સિધ્ધાન્તસાર' પ્રમાણે સ્વસ્તિકને બ્રહ્માંડનું પ્રતિક  માનવામાં આવે છે. સ્વસ્તિકના મધ્ય ભાગને વિષ્ણુ ભગવાનની નાભિ, ચારે રેખાઓને બ્રહ્માજીના ચાર મુખ, ચાર હાથ અને ચાર વેદો સાથે સરખાવવામાં આવે છે. દેવતાઓની આસપાસમાં જે આભામંડળ રચાય છે તે સ્વસ્તિક આકાર હોવાના કારણે સ્વસ્તિકને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. તર્કથી પણ આ વાત સાબિત કરી શકાય છે. શ્રૂતિ, અનુભૂતિ તથા યુક્તિ આ ત્રણેય સ્વસ્તિકનું સમર્થન કરે છે જેનાથી પ્રયાગરાજમાં થતા સંગમ જેવો સંગમ રચાય છે. દિશા મુખ્યત્વે ચાર છે. સ્વસ્તિકની ઊભી અને આડી રેખા દોરીને જે  ઘન (+) કે  વત્તાકાર જેવો બને છે. તે મુખ્ય ચાર દિશાઓ માનવામાં આવે છે, તેથી જ સ્વસ્તિકને મંગળ અને કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ તે દેવતાઓના તેજના રૂપમાં શુભત્વ દેનાર છે તેમ મનાય છે.

સ્વસ્તિક એટલે કે 'સ્વેસ્તિકા'નો અર્થ શુભ થાય અને લાભ પામો. વિશ્વભરના અનેક દેશોએ પણ પોતાના એક પ્રતીક તરીકે ઘણા વર્ષોેથી સ્વસ્તિકની પસંદગી કરી છે. આ ઉપરાંત એક આભૂષણ અને ટ્રેડ માર્ક તરીકે પણ ઘણા વર્ષોથી સ્વસ્તિકનો ઉપયોગ થાય છે અનેક દેશોના ચલણી સિક્કાઓ ઉપર પણ સ્વસ્તિકનું  પ્રતીક મૂકવામાં આવ્યું છે.

ગ્રેટ બ્રિટનમાં 'સ્વસ્તિક'ને ફિલફોટ કહેવામાં આવે છે. ત્યાં આ ફિલફોટનો અર્થ ચાર પગવાળું (ચાર પાંખિયા) એવો કરવામાં આવે છે. સ્કેન્ડીનેવિયામાં 'સ્વસ્તિક'ને ઈશ્વરના હથોડાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જપાનમાં તેને મનજી તરીકે ઓળખવામાં આવે છે તથા તે બુધ્ધની પ્રતિમાઓ ઉપર જોવા મળે છે. જ્યારે બૌધ્ધ યાત્રાળુઓ જપાનના પવિત્ર મનાંતા ફ્યૂજીયામા ખાતેના પર્વત પર જાય છે.  ત્યારે યાત્રાળુઓને ત્યાં તેમની ધાર્મિક વિધિ અનુસાર એક કપમાં પાણી આપવામાં આવે છે.  આ કપ ઉપર 'સ્વસ્તિક'નું ચિહ્ન હોય છે ત્યાં સ્વસ્તિકના પ્રતીકને જીવનના જળ તરીકે માનવામાં  આવે છે. ચીનમાં સ્વસ્તિકને સમુદ્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે.

આ ઉપરાંત  સ્વસ્તિકના  ઘણા નમુનાઓ ઈજીપ્ત,   પર્શિયા, યુરોપના કેટલાક  દેશો, ફ્રાન્સ, જર્મની સ્કેન્ડીનેવિયા, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ તથા અન્ય કેટલાક દેશોમાં મળી આવ્યા છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ઘણા સ્થળો એ તે પથ્થર પર કોતરાયેલી સ્થિતિમાં પણ મળી આવે છે. જો કે અહીંના પથ્થરો પર તેને કયા યુગમાં પાષાણ પર કોતરવામાં આવ્યા હશે તે અંગે કંઈ જ જાણવા મળતું નથી. જો કે એમ કહેવાય છે કે પથ્થરો પર કોતરાયેલા સ્વસ્તિકના પ્રતીક કોલંબસ પૂર્વે ઘણી સદી અગાઉના હોવાની શક્યતા છે. પણ છતાં ચોક્કસ સમયગાળા અંગે હજી રહસ્ય જ પ્રવર્તે છે.

ગોરાઓએ જ્યારે અમેરિકામાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો તે દરમ્યાન માટીના ઢગલામાંથી ગોરાઓને સ્વસ્તિકનું પ્રતીક મળી આવ્યું હતું. આ સાથે જ ભગવાન બુધ્ધની એક મૂર્તિ પણ મળી આવી હતી. આ બાબત  એવું સ્પષ્ટ સૂચવે છે કે બૌદ્ધ મીશનરીઓ કોલંબસ કરતાં પહેલા અમેરિકી ભૂમિ પર પહોંચ્યા હશે.

વિશ્વનાં કેટલાક દેશોમાં ગોળાકારમાં સ્વસ્તિકના પ્રતીકને સૂર્યના ચિહ્ન તરીકે સૂચવવામાં આવે છે. જ્યારે અન્યો તેને અગ્નિના પ્રતીક તરીકે પણ ઓળખાવે છે. જ્યારે અન્ય કેટલાકોના અભિપ્રાય મુજબ સ્વસ્તિક વાયુ દેવતાની આભાનું પ્રતિનિધિત્વ કરે છે.

આમ સ્વસ્તિકને જીવન પ્રકાશ, સૂર્ય, આકાશ, વાયુ,  અગ્નિ અને પાણીના પ્રતીક તરીકે નિરખવામાં આવે છે. આ ઉપરાંત આ શુભ પ્રતીક બ્રહ્મા સારંગપાણિ વિષ્ણુ અને પીનાકપાણી ભગવાન શિવનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તથા ભગવાન બુધ્ધનું પણ પ્રતિનિધિત્વ કરે છે. બૌદ્ધ ધર્મના લોકો 'સ્વસ્તિક'ને બુદ્ધ ભગવાનના હૃદયની મુદ્રા તરીકે ઓળખાવે છે. બૌદ્ધ ધર્માે જણાવે છે કે સમ્રાટ અશોેકે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો અને તેના પથ્થરના શિલાલેખમાં તેને એક માત્ર સ્વસ્તિકના પ્રતીકને મહત્તા આપી હતી. એવા પણ પૂરાવાઓ મળ્યા છે કે  ભૂતકાળમાં  ખ્રીસ્તી ધર્મના લોકો સ્વસ્તિકે તેના ધર્મના વિશેષ પ્રતીક તરીકે  ઉપયોગ કરતા હતા.  ખ્રીસ્તીઓના ચર્ચમાં વિવિધ ચીજો પર સ્વસ્તિકનું પ્રતીક જોવા મળે છે. ખાસ કરીને ચર્ચની બહારના બેલ ઉપર આ પ્રતિક અંકિત થયેલું હોય છે.ખ્રીસ્તીઓ માને  છે કે સ્વસ્તિક એ આત્માની ચાર તબક્કાની પ્રગતિનું પ્રતિક છે. ધર્મની સ્થાપનાના શરૂઆતના સમયમાં ખ્રીસ્તી સ્વસ્તિકના સામાન્ય સ્વરૂપને ઈશ્વર તરફની ગતિ તરીકે માનતા હતા જ્યારે ઊંધા સ્વસ્તિકને ઈશ્વરથી દૂર થવાની ગતિ તરીકે તેઓ મનાતા હતા.

જર્મનીના એક સમયના સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરે તેની નેશનલ સોસ્યાલિસ્ટ પાર્ટી માટે ૧૯૧૯માં એક બેનર તૈયાર કરાવ્યું હતું. આ બેનરમાં તેમણે સ્વસ્તિકને ઉંધા સ્વરૂપમાં મૂકાવ્યો હતો. તેણે તેના લશ્કરના જવાનો અને અધિકારીઓના લશ્કરી પોશાક ઉપર પણ સફેદ વર્તુળમાં કાળા સ્વસ્તિકના ઉંધા સ્વરૂપને લોગોની જેમ મૂકાવ્યો હતો. તેના લશ્કરના ધ્વજમાં પણ સફેદ વર્તુળમાં ઉંધો કાળો સ્વસ્તિક તેણે ચિતરાવ્યો હતો. નાઝીઓએ સ્વસ્તિકના પ્રતીકને આમ ઉલ્ટા સ્વરૂપમાં મૂક્યું તે તેમના માટે કાયમી ધોરણે અશુભ સાબિત થયું હતું.

બે દાયકા પૂર્વે બ્રિટનના યુવાન પ્રિન્સ હેરીએ ફેન્સી ડ્રેસની પાર્ટીમાં એવો પોશાક પહેર્યો હતો કે જેની બાંય પર ભારતીય સંસ્કૃતિના પ્રતિક સ્વસ્તિકને અંકિત કરવામાં આવ્યો હતો. પણ સ્વસ્તિક ધરાવતા પ્રિન્સના પોશાકને જોતાં જ બ્રિટનની પ્રજાને હિટલરના અત્યાચાર યાદ આવ્યા. આ પાર્ટીના અહેવાલ અને પોશાકમાં સ્વસ્તિકના ચિહ્નની બાબતને બ્રિટનનાં અખબારોએ પહેલે પાને ચગાવી. સમગ્ર બ્રિટનમાં સારા એવા પ્રમાણમાં ્સ્વસ્તિક વિશે વિવાદ જાગ્યો અને યુરોપના દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવા સુધીની વાતો થવા લાગી. ત્યારે બ્રિટનમાં વસેલા હિન્દુઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું મહત્ત્વ કેટલું છે તે વિશેની જનજાગૃતિ માટેના પ્રયાસ કર્યા હતા.

ભારતીય માન્યતા અનુસાર સ્વસ્તિકનો ઉદ્ભવ સૌપ્રથમ ક્યાં થયો એ ખરેખર કોઈ જ જાણતું નથી. કદાચ તે ભારતમાંથી અથવા ભારત નજીકના એશિયાના કોઈ ભાગમાંથી મળ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાય છે? એક માન્યતા એવી પણ છે કે બુદ્ધના જન્મના ઘણા સમય અગાઉ સ્વસ્તિકનો ઉદ્ભવ થયો હોવો જોઈએ. અને ત્યાર બાદ તે સમગ્ર વિશ્વમાં જુદી જુદી રીતે પ્રચલિત થયો હોવો જોઈએ.

ભારતમાં હિન્દુઓ ઉપરાંત જૈનો અને બૌદ્ધોમાં સ્વસ્તિકને અત્યંત શુભ અને પવિત્રતાનું પ્રતિક ગણવામાં આવે છે.  જ્યારે હસ્તપ્રતો લખવાનો યુગ હતો એ જમાનામાં હસ્તપ્રતોનું લખાણ પૂર્ણ થાય તેની નીચેના ભાગમાં સ્વસ્તિકને અંકિત કરવામાં આવતો હતો. આ ઉપરાંત મંદિરો, બજારોના પ્રવેશ દ્વારો અને વેપારીઓના ધંધા વેપારના સ્થળોએ પણ સ્વસ્તિક અંકિત થયેલો જોવા મળતો.

સંસ્કૃત વ્યાકરણ અનુસાર સ્વસ્તિક શબ્દની સંઘી થાય  સુ+અસતી = સ્વસ્તિક  સુ શબ્દનો અર્થ શુભ થાય છે અને અસતી શબ્દનો અર્થ અસ્તિત્વ એવો થાય છે.  સ્વસ્તિકના સ્વરૂપમાં ઘણા ચિહ્નો તૈયાર કરવામાં આવે છે. જો કે તેના બે માન્ય સ્વરૂપો અત્યંત પ્રચલિત છે. એક જમણા મુખનો સ્વસ્તિક અને બીજો ડાબા મુખનો સ્વસ્તિક. સ્વસ્તિકના આ બે સ્વરૂપ સ્ત્રી અને પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે. આ બન્નેનું સ્વરૂપના મિશ્રણ સમું સ્વસ્તિકનું પણ એક સ્વરૂપ તૈયાર થાય છે.

કેટલાક વિદ્ધાનોના મતાનુસાર પ્રાચીનકાળમાં સ્વસ્તિકના આકારમાં કિલ્લા બાંધવામાં આવતા હતા. આમ સ્વસ્તિક એ સંરક્ષણનુ પણ  પ્રતીક છે. આ પ્રકારના કિલ્લાઓ જીતી લેવાનું દુશ્મનો માટે મુશ્કેલ બનતું. કારણ કે આ સ્વસ્તિક આકારના કિલ્લાના ચાર પૈકીનો એક દરવાજો દુશ્મન તોડે તો પણ અન્ય ત્રણ દરવાજા એટલે કે કિલ્લાનો ત્રણ ચર્તુથાંશ ભાગ સલામત રહે છે.

સ્વસ્તિકના જુદા જુદા સ્વરૂપ હોય છે તે અનુસાર મહાભારત કાળમાં કુરુક્ષેત્રના યુધ્ધ દરમ્યાન વિરોધી સેનાની સામે ઘડવામાં આવતા વિવિધ વ્યૂહો એ પણ સ્વસ્તિકના જ સ્વરૂપો હતા. આમાનો એક વ્યૂહ અત્યંત પ્રચલિત છે જે પાંડવ સેના સામે કૌરવ સેના- પતિ આચાર્ય દ્રોણે અમલમાં મૂક્યો હતો. જે ચક્રવ્યૂહના નામે આજે પણ પ્રચલિત છે. આ  ચક્રવ્યૂહના ચક્રવાકમાં અર્જુન પુત્ર અભિમન્યુ અટવાઈ ગયો હતો. એકંદરે કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વસ્તિક સુરક્ષાનું પણ પ્રતિક છે. 

સ્વસ્તિક અંગે વિશ્વમાં આજે એક વિપરિત માન્યતા પ્રવર્તતી હોવાનું પણ જણાવાય છે. જર્મનીના એક સમયના સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરે તેની નેશનલ સોસ્યાલિસ્ટ પાર્ટી અને તેના નાઝી સૈન્ય માટે સ્વસ્તિકનો ઉલ્ટા સ્વરૂપમાં ઉપયોગ કર્યો ત્યારથી વિશ્વના અનેક દેશોમાં સ્વસ્તિક  ચિહ્નને  ધિક્કારનારો વર્ગ ઊભો થયો છે. તેમજ અનેક દેશો તેને માત્ર નાઝી સૈન્યના પ્રતિક તરીકે જ  જુવે છે. આમ છતાં ભારતમાં  સ્વસ્તિકનું ધાર્મિક મહત્ત્વ આજે પણ યથાવત્ છે. યુરોપ અને અમેરિકાના સત્તાવાળાઓએ હિટલરના સ્વસ્તિક તથા હિંદુઓના સાથિયા વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ. છેવટે તો  સ્વસ્તિક મહાન હિન્દુ ધર્મની ઉજ્જવળ  પરંપરા-સંસ્કૃતિનું  પ્રતીક છે.


Google NewsGoogle News