Get The App

સુચા સિંઘ : ભારતીય એથ્લેટિક્સના વીસરાયેલા હીરો

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
સુચા સિંઘ : ભારતીય એથ્લેટિક્સના વીસરાયેલા હીરો 1 - image


- Sports  ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ભારતીય સૈન્યના જવાન સુચા સિંઘે 1970 અને 1974ની એશિયન ગેમ્સમાં બે રજત અને એક કાંસ્ય જીતવાની સાથે એશિયન એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો 

ને કી કર ઔર દરિયા મેં ડાલ - જિંદગીમાં કરેલા દરેક સારા કામનો બદલો કે પ્રતિભાવ તત્કાળ મળી જ રહે તેવું જરુરી નથી. સફળતાની સાથે સાથે પ્રસિદ્ધિની પ્રાપ્તિ હાલના યુગમાં સહજ લાગે, પણ ભારતીય રમત જગતના ઈતિહાસમાં એવા ઘણા વિસરાયેલા ધુરંધરો છે, કે જેમને તેમના સીમાચિહ્નરુપ ચંદ્રકોની ચમકની અડધા ભાગની પ્રસિદ્ધિ કે લોકમાન્યતા મળી શકી નથી. વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતુ કરવા માટે લોહી અને પરસેવો એક કરી દેનારા ધુરંધરો પણ તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓની રાષ્ટ્રીય ઉજવણી માટે અડધી સદીથી વધુનો ઈંતજાર કરવો પડે - એ ભારતીય રમતજગતની કરુણતા છે પણ તેની સાથે સાથે આશાનું એક કિરણ એ પણ છે કે, કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. વહેલા કે મોડા એ ચંદ્રકોની ચમકની નોંધ લેવા માટે બધાએ મજબૂર થવું પડે છે.

ભારતીય એથ્લેટિક્સ જગતમાં ૭૪ વર્ષના સુચા સિંઘ આગવું સ્થાન ધરાવે છે. એક જમાનામાં ૪૦૦ મીટરની દોડમાં વૈશ્વિક સ્તરે આગવું પ્રભુત્વ જમાવનારા મિલ્ખા સિંઘના અનુગામી તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભરેલા સુચા સિંઘે ૧૯૭૦ની બેંગકોક એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટરની દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને આ જ ગેમ્સમાં ૪ બાય ૪૦૦ મીટરની રિલે રેસમાં ભારતને રજત સફળતા અપાવવામાં પણ પાયાની ભૂમિકા ભજવી હતી. આ સફળતાના ચાર વર્ષ બાદ ૧૯૭૪મા ઈરાનના તહેરાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ સુચા સિંઘ ભારતની ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં રજત ચંદ્રક જીતનારી ટીમમાં સામેલ હતા. તેમણે ૧૯૭૫માં સાઉથ કોરિયાના સેઉલમાં યોજાયેલી બીજી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં સુવર્ણચંદ્રક જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

૧૯૭૦ના દશકના પ્રારંભિક તબક્કામાં દુનિયાના શ્રેષ્ઠ ૪૦૦ મીટરના દોડવીરોમાં સ્થાન ધરાવતા સુચા સિંઘની કારકિર્દી તેમને છેક ઓલિમ્પિકના દરવાજા સુધી લઈ ગઈ હતી. તેમણે ૧૯૭૨માં જર્મનીના મ્યુનિચ શહેરમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવની તૈયારીઓને ચકાસવા માટેની પ્રિ-ગેમ્સમાં ભાગ લીધો હતો. જોકે, સ્નાયુ ખેંચાઈ જવાના કારણે તેઓની કારકિર્દી ઓલિમ્પિયન તરીકેના ગૌરવથી વંચિત રહી ગઈ હતી અને કદાચ આ જ કારણે તેમની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં અડધી સદીથી વધુ સમયનો પ્રવાહ વહી ગયો હતો. 

ભારતીય સૈન્યના જાંબાઝ જવાન રહી ચૂકેલા સુચા સિંઘનો જન્મ પંજાબના લુધિયાણાના એક નાનકડા ગામમાં સાધારણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ ખેલકૂદમાં રસ ધરાવતા સુચા સિઘ ગામમાં જ કબડ્ડી અને ફૂટબોલ સહિતની લગભગ બધી જ રમતો રમતા. ગ્રામ્ય જીવનની હાડમારી અને રમતોને કારણે તેમનું શરીર બરોબર કસાયું. શાળામાં ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા ન હોવાના કારણે તેમને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના અભ્યાસ માટે નજીક આવેલા કન્ના શહેરની શાળામા દાખલો લેવો પડયો. અહીંથી તેમની એથ્લીટ તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. 

સુચા સિંઘની ઝડપ જોઈને શાળાના કોચે તેમણે સાંઘિક રમતો છોડીને ટ્રેક એન્ડ ફિલ્ડની સ્પર્ધાઓ તરફ વાળ્યા અને તેમણે ૧૦૦ મીટરની દોડની સાથે લાંબી કૂદની રમતને અપનાવી. આ બંને રમતોમાં તેમને સ્થાનિક સ્તરે તો સફળતા મળી, પણ રાજ્ય સ્તરે તેઓ ખાસ પ્રભાવ પાડી ન શક્યા. આ દરમિયાન ૧૯૬૫માં પાકિસ્તાન સામે યુદ્ધ છેડાયું, ત્યારે તરવરિયા યુવાન સુચા સિંઘ તેમના મિત્રોની સાથે ભારતીય સૈન્યમાં ભરતી થઈ ગયા. જ્યાં ત્રણ મહિનાની સખત તાલીમ બાદ તેમના કંપની કમાન્ડર કે જેઓ ખુદ ભારતીય હોકી ટીમની સાથે ઓલિમ્પિકમાં બે સુવર્ણ અને બે રજત ચંદ્રક જીતી ચૂક્યા હતા, તેમણે નવા ભરતી થયેલા જવાનોને બોલાવીને થોડા મહિના પછી યોજાનારી નવા ભરતી થયેલા સૈનિકોની રમત સ્પર્ધા માટે તૈયારી કરવાની સૂચના આપી. 

સુચા સિંઘે સેનાના નવા જવાનોની રમત સ્પર્ધાની તૈયારી શરુ કરી હતી અને તેની સાથે સાથે તેમણે આર્મીની નિયમિત તાલીમમાં તો ભાગ લેવાનો જ રહેતો. તેમના પ્લેટૂનના કમાન્ડર પરમવીર ચક્ર વિજેતા હતા અને એટલે તેઓ નવા જવાનો તરફ કઠોર હતા, કારણ કે તેઓ  ઈચ્છતા હતા કે, તેમના જવાનોમાં દેશ સેવા માટે જીવની બાજી પણ લગાવતા એક પળનો પણ વિચાર ન કરે. એક તરફ સુચા સિંઘ ભારતીય સૈન્યના માપદંડો અનુસારની કસરતો અને દોડની સાથે સાથે શસ્ત્રો ચલાવવાની તાલીમ પણ મેળવતા અને જ્યારે તેમાં આરામ મળે, ત્યારે તેઓ એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરતાં. તેમના પ્લેટૂન કમાન્ડરે એક સમયે સુચા સિંઘને કહ્યું પણ ખરું કે, તું આ બંને તાલીમ કેવી રીતે પુરી કરીશ ? એથ્લેટિક્સમાં તો નંબર આવી જશે, પણ આર્મીની જવાનની તાલીમ બાદની પરીક્ષા પણ તારે પાસ કરવી પડશે.

સુચા સિંઘે આર્મીની એથ્લેટિક્સની સ્પર્ધામાં સુવર્ણ અને રજતચંદ્રક જીત્યા અને આર્મીની તાલીમમાં પણ તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે જાહેેર થયા. આ કારણે સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ખુબ જ ખુુશ થયા અને સુચાસિંઘની એથ્લીટ તરીકેની કારકિર્દીને આગળ ધપાવવાનો મોકો મળી ગયો. ભારતીય સૈન્ય તરફથી મળેલી તાલીમને કારણે ઘડાયેલા સુચા સિંઘને ૧૯૬૭માં પહેલીવાર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને રિલે ઈવેન્ટમાં સુવર્ણ અને ત્યાર બાદ ૨૦૦ મીટરની દોડમાં કાંસ્ય સફળતા હાંસલ કરી. આ પછી તો રાષ્ટ્રીય સ્તરની સફળતાને પગલે તેમને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું અને એશિયન ગેમ્સના મેડલ્સને કારણે તેમની કારકિર્દીને ઊંચી ઉડાન મળી.

ભારતીય એથ્લેટિક્સના ટોચના એથ્લીટ્સની સાથે સુચા સિંઘની કારકિર્દીને નિખાર આપવાનું કામ ભારતના ઓલિમ્પિયન જગમોહન સિંઘે કર્યું હતુ. જગમોહન સિંઘને જ ભારતીય એથ્લેટિક્સમાં વૈજ્ઞાનિક ઢબની પદ્ધતિસરની તાલીમના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના સીધા માર્ગદર્શનમાં તૈયાર થયેલા સુચાસિંઘની રમતમાં જબરજસ્ત સુધારો જોવા મળ્યો અને તેમણે નેશનલ ચેમ્પિયનશિપમાં વધુને વધુ પ્રભાવશાળી દેખાવ સાથે દેેશના એલિટ એથ્લીટ્સમાં સ્થાનન હાંસલ કરી લીધું.

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડનારા સુચા સિંઘનો ઘરઆંગણાનો સૌથી યાદગાર દેખાવ અમદાવાદની ભૂમિ પર નોંધાયલો છે. તેમણે ખુદ ઓલ ઈન્ડિયા રનર્સ મોટીવેશન સાથેની વાતચીતમાં ભારે ખુશી અને ગૌરવ સાથે અમદાવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમદાવાદમાં રમાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં મેં ૨૦૦ અને ૪૦૦ મીટરની વ્યક્તિગત સ્પર્ધામાં અને ૪ બાય ૧૦૦ અને ૪ બાય ૪૦૦ મીટર રિલે એમ કુલ મળીને ચાર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. તે જ ચેમ્પિયનશિપમાં મેં ૧૦૦ મીટરની રેસમાંં રજતચંદ્રક પણ હાંસલ કર્યો અને આ સાથે હું દેશનો શ્રે એથ્લીટ બની ગયો હતો.  આ દરમિયાન મેં રાષ્ટ્રીય વિક્રમ પણ સર્જ્યો હતો. 

થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલી એશિયન ગેમ્સની ૪૦૦ મીટરની દોડમાં જીતેલા કાંસ્યને કારણે ત્યા આવેલા જર્મન ઓફિશિઅલે અમને ૧૯૭૨ના મ્યુનિચ ઓલિમ્પિક અગાઉની પ્રિ-ગેમ્સ ટેસ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યું હતુ અને મેં મ્યુનિચમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો. જોકે સ્નાયુ ખેંચાઈ જવાના કારણે હું ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવાથી વંચિત રહી ગયો હતો, જે મારી કારકિર્દીનો સૌથી મોટો વસવસો છે. 

ભારતીય એથ્લેટિક્સમાં નવા ખેલાડીઓના આગમનને પગલે સુચા સિંઘે કારકિર્દી પર પૂર્ણવિરામ મુકી દીધું. જોકે નિવૃત્તિ બાદ પણ તેઓ એથ્લેટિક્સની સાથે જોડાયેલા રહ્યા. સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 

પંજાબ પોલીસની ટીમના એથ્લેટિક્સ કોચ તરીકે ચાર વર્ષ સુધી એક પણ રુપિયો લીધા વિના સેવા આપી અને પંજાબને રાષ્ટ્રીય એથ્લેટિક્સમાં આગવું સ્થાન અપાવ્યું. 

આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની સફળતા બાદ તેમણે ૧૯૮૦થી લઈને એક દશક સુધી લગાતાર રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર મેળવવા માટે પ્રયાસ કર્યા, પણ કોઈને કોઈ કારણોસર તેમને આ ગૌરવથી વંચિત રહેવું પડયું. આખરે ૧૯૯૦ પછી તો તેમણે કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ મળશે તેવી આશા જ છોડી દીધી અને અરજી કરવાનું પણ બંધ કરી દીધું. જોકે તેની તપશ્ચર્યા અડધી સદી બાદ આખરે ફળી અને તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ અર્જુન એવોર્ડથી સ્માનિત કરવામાં આવ્યા છે. 

સુચા સિંઘ કહે છે કે, ખેલાડીએ આગળ વધવા માટે પોતાની જાતે ખુુદની જવાબદારી ઉઠાવતા શીખવું જોઈએ. જ્યાં સુધી ખેલાડીના જીવનમાં શિસ્ત નહીં આવે, ત્યાં સુધી સફળતા તેનાથી અંતર રાખશે. ખેલાડીએ પોતાના ભોજનથી લઈને દિનચર્યામાં શિસ્તનું પાલન કરવું જરુરી છે, તે જ સફળતા સુધી પહોંચાડનારો રસ્તો છે. 


Google NewsGoogle News