તમારા મનની કિતાબ તમે સ્વયં વાંચી છે ખરી? .
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- માણસ મોટેભાગે પોતાના મનની આંખથી બીજાને જોતો હોય છે, બીજાની ચિંતા, નિંદા, ટીકા કે ફિકર કરતો હોય છે. એ પોતાના મનને જોતો નથી
મન ક્યારેક રાગ કે દ્વેષથી સંચાલિત થતું હોય છે. એ રાગનાં મૂળને યથાર્થ રીતે મૂલવવા જોઈએ
જી વનમાં સૌથી મોટી બાબત સમતોલન છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બાબતોનું સંતુલન સધાય તો જ વ્યક્તિનું જીવન કાર્યસાધક બને. શારીરિક સ્વાસ્થ્ય વિશે આપણે વિચાર કર્યો, હવે માનસિક સ્વાસ્થ્ય વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે પહેલું કયું કામ કરીશું ?
અહીં મને ગાયક મન્ના ડે ના એ ભજનની પંક્તિ 'મન કી આંખે ખોલ બાબા'એ અત્યંત હૃદયસ્પર્શી એ માટે લાગે છે કે માણસ મોટેભાગે પોતાના મનની આંખથી બીજાને જોતો હોય છે, બીજાની ચિંતા, નિંદા, ટીકા કે ફિકર કરતો હોય છે. એ પોતાના મનને જોતો નથી. જો એ પોતાના મનની આંખને ખોલે તો એને એના વર્તમાનજીવનની વ્યથા, કથા, ઉમંગ કે વિષાદની ઘણી ઘટનાઓ જોવા મળશે અને એમાંથી મુક્ત થવાનો માર્ગ શોધી શકશે.
આપણે બીજાનાં મનની ખૂબ ચિંતા કરીએ છીએ, સામેની વ્યક્તિને આપણો વ્યવહાર કેવો લાગશે ? આપણાં વચનો ગમશે કે નહીં ગમે ? એના મનમાં આપણા વિશે કેવો ખ્યાલ છે ? આવું બધું ઘણું-ઘણું વિચારતા હોઈએ છીએ. ક્યારેક તો માનવી એનું મોટાભાગનું જીવન પોતાનો વિચાર કરવાને બદલે 'બીજાને હું કેવો લાગીશ' એની ચિંતામાં પસાર કરતો હોય છે અને આને પરિણામે એને એના પોતાના મનનો કશો ખ્યાલ આવતો નથી. એની સાચી પરિસ્થિતિ અજ્ઞાાત રહે છે.
પોતાની નજરે બીજાના જગતને જોવા જતાં એનું પોતાનું જગત ખોવાઈ જાય છે. આવે સમયે આપણે પહેલું કામ એ કરવું પડે કે બહારની બધી ઘટનાઓ પળોજણ, પરિસ્થિતિઓ અને સંજોગોને ભૂલીને આપણા મનની કિતાબને ખોલવી પડે. એમાં પડેલી ઇચ્છાઓને જોવી અને સમજવી પડે. એ ઇચ્છાઓ અમાપ હોય તો એને વિવેકપૂર્વક વિચારવી પડે.
મન ક્યારેક રાગ કે દ્વેષથી સંચાલિત થતું હોય છે. એ રાગનાં મૂળને યથાર્થ રીતે મૂલવવા જોઈએ. કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ જાગે એટલે પછી એવો અનુરાગ પેદા થાય કે એની પ્રત્યેક બાબત વિશિષ્ટ લાગે. એનું પ્રત્યેક કા ર્ય પ્રશંસનીય લાગે. એની ભૂલ હોય તો પણ એને એ નજરઅંદાજ કરે. જ્યારે કોઈની સામે દ્વેષ જાગે, ત્યારે સામેની વ્યક્તિની નાનામાં નાની બાબત પણ કઠવા લાગે. મનમાં તિરસ્કાર કે ધિક્કારની લાગણી જાગે. એને પરિણામે તમારું મન સતત વિશાળ દરિયામાં ડોલતી નૌકાની માફક ડોલતું જ રહેશે. એ ક્યાંય નિરાંતનો શ્વાસ લેશે નહીં અને ક્યાંક આનંદની અનુભૂતિ કરશે નહીં.
એ પછી મનમાં પૂર્વગ્રહોની જાળનો વિચાર કરો. કેટલા બધા પૂર્વગ્રહના જાળાં આપણા મનની આસપાસ બાઝી ગયા હોય છે. અમુક કોમનો વ્યક્તિ તો લુચ્ચો જ હોય અથવા તો અમુક બાબત અપશુકનિયાળ જ હોય છે. કોઈ વ્યક્તિ વિશે, કોઈ કાર્ય વિશે, જગતની કોઈ પરિસ્થિતિ વિશે મનમાં પૂર્વગ્રહોની ગાંઠ એવી આગ્રહપૂર્વક કાર્યરત હોય છે કે એણે એના પોતાનાં મનનાં પૂર્વગ્રહોની જાળને ભેદવા માટે તર્ક અને બુદ્ધિથી પ્રચંડ પુરૂષાર્થ કરવો પડે.
કેટલીક વ્યક્તિઓ સશક્ત હોવા છતાં મનથી હારી જાય છે. એના જીવનનાં પરાજયનું કારણ એનું પોતાનું મન હોય છે. કોઈ ઇચ્છા પાર પડે નહીં એટલે તરત જ એ પ્રયત્નો છોડીને હાથ-પગ વાળીને બેસી જાય છે. ક્યારેક મન ભવિષ્યની અગમ્યતાને કારણે અકળાયેલું રહે છે. પોતાના સ્વજન પ્રવાસે નીકળ્યા હોય અને એમને કોઈ અકસ્માત તો નહીં થાય ને ? એવી ચિંતાથી મન સતત ક્ષુબ્ધ રહે છે અને મોબાઈલ ફોનથી ખબર-અંતર પૂછવાનો મારો ચલાવે છે. વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતાવાશે અથવા તો સંતાનો ભવિષ્યમાં કેટલી સાર-સંભાળ લેશે, એ બધી બાબતો મનને પજવતી હોય છે. ભવિષ્ય આપણા કે કોઈના ય હાથમાં નહીં હોવાથી એ સતત પજવતી રહે છે.
પરિણામે તમારી ચેતનાને તમારી શારીરિક સ્થિતિ નહીં, પણ માનસિક પરિસ્થિતિ નિર્બળ કરી નાખે છે. તમારી ક્રિયાત્મકતા ક્યાં તો ઘટાડી નાખે છે અથવા તો એને અવળે માર્ગે વાળી દે છે. હું સાવ નિષ્ફળ ગયો છું. માટે સઘળું છોડી દઉં એવો વિચાર કરીને એ જીવનથી પરવારી જાય છે.
વિખ્યાત સંગીતકાર બિથોવનને કાને એવી બહેરાશ આવી ગઈ કે એણે એક વાર વિચાર્યું કે હવે વાયોલિનવાદનનો શો અર્થ ? જગત આખામાં વાયોલિનવાદક તરીકે એની કીર્તિ ફેલાયેલી હતી. આમ છતાં નિરાશા અળગી કરીને એણે વાયોલિન વાદન ચાલુ રાખ્યું. પોતે ભલે એના સૂર પોતે સાંભળી શક્યો નહીં, પણ જગતને એના સૂરથી મોહિત કર્યું. આમ વ્યક્તિ ઘણીવાર નિષ્ફળતા ઓઢી લેતી હોય છે અને એ નિષ્ફળતા ઓઢી લે, ત્યારે એ નિષ્ક્રિય બની જાય છે અને નિષ્ક્રિયતા એ માનવજીવનના અકાળ અંતનું કારણ બને છે.
હકીકતમાં તો વ્યક્તિએ પોતાના મનમાં એવો દ્રઢ ખ્યાલ કેળવવો જોઈએ કે તમે જ તમારા જીવનનાં શિલ્પી છો. આપણી મોટાભાગની નિષ્ફળતાનું કારણ એ છે કે આપણે આપણા જીવનનો દોર બીજાના હાથમાં સોંપી દઈએ છીએ. ક્યારેક આપણી નિષ્ફળતા આપણને લાચાર બનાવે છે. તો ક્યારેક વ્યક્તિ નેગેટિવ વિચારોથી ઘેરાઈ જાય છે. આવી નિષ્ફળતાના સમયે પોઝિટિવ વલણ રાખીને ચાલવું જોઈએ.
રોમન સમ્રાટ માર્ક્સ ઓરેલિયસ કહે છે કે, 'માણસ જેવા વિચાર સેવે છે, એવું એનું જીવન બને છે.' આનો અર્થ જ એ કે તમારે સફળતાના વિચારની સાથોસાથ નિષ્ફળતાને પચાવવાની તૈયારી રાખવી જોઈએ. જો એ નિષ્ફળતાથી પરાજિત થઈને બેસી જઈશું તો એ પછી આવનારી સફળતા આપણને જીવનમાં ક્યારેય જોવા નહીં મળે. આનો અર્થ એ છે કે મનને પોઝિટીવ વિચાર કરતું રાખીએ તે જરૂરી છે.
કેટલીક વ્યક્તિઓએ પોતાના મન પર પોતાના વિશે કેટલાંક ખ્યાલો લાદી દીધાં હોય છે. એ એમ માને છે કે મારા જેવો કોઈ મહાપંડિત નથી. હકીકતમાં કશુંય જ્ઞાાન ન હોય તેમ છતાં આવો ગર્વ લઈને એ ઘૂમતા હોય છે અને જીવનભર એ ગર્વને પંપાળતા રહે છે. તત્ત્વની કશી સમજ પામ્યા ન હોય છતાં તત્ત્વજ્ઞાાની થવાની પાઘડી પહેરે છે.
આ સંદર્ભમાં જગતને આત્મનિર્ભરતાનો આદર્શ આપનાર ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસના જીવનનું એક દ્રષ્ટાંત મર્મસ્પર્શી છે. એક વાર એથેન્સના વિદ્વાનોની એક સભામાં એવી ચર્ચા જાગી કે 'જગતનાં પ્રાણીઓમાં સૌથી ભયંકર પ્રાણી કયું ?' તત્ત્વચિંતક ડાયોજિનિસ પણ ત્યાં ઉપસ્થિત હતા. આ ચર્ચાસભામાં પ્રત્યેક વિદ્વાન અને વિચારક પુષ્કળ દાખલા-દલીલો સાથે પોતાના અભિપ્રાય પ્રગટ કરતા હતા. એક અનુભવીએ કહ્યું,
''આ જગતમાં સૌથી ભયંકર પ્રાણી તો સિંહ છે, કારણ કે એના જીવલેણ પંજામાંથી ક્યારેય કોઈ ઊગરી શકતું નથી.''
બીજા વિદ્વાને આ અંગે અસંમતિ દાખવતાં કહ્યું, ''સિંહ ભયંકર ખરો, પરંતુ સર્પ જેવો ભયાનક નહીં. સર્પ તો એક દંશ આપે અને તરત જ વ્યક્તિ મૃત્યુ પામે.''
''તમારી વાત સહેજે બરાબર નથી.'' એમ કહીને ત્રીજા વિદ્વાને અસંમતિ દર્શાવતાં કહ્યું કે - ''અનેક માણસોને રહેંસી નાખનારા જલ્લાદથી વધુ ભયંકર પ્રાણી કોઈ ન હોઈ શકે.''
બસ, પછી તો વાત ચર્ચાની એરણે ચડી. સહુએ ઉગ્ર રીતે પોતપોતાનો મત દર્શાવ્યો અને અંતે પોતાની વાત સાચી ઠેરવવા માટે હાથ ઉગામીને એકબીજા સામે દલીલ કરવા લાગ્યા. ચર્ચાસભામાં અત્યાર સુધી શાંત બેઠેલા ડાયોજિનિસ તરફ સહુની નજર ગઈ અને બધાએ એમને પૂછ્યું, ''અરે, આ વિષયમાં આપનું શું મંતવ્ય છે?''
ડાયોજિનિસે ગંભીર અવાજે કહ્યું, ''જુઓ મિત્રો, માઠું ન લગાડશો. આજ સુધી હું જંગલી પ્રાણીના ગુણવાળા નિંદાખોર માણસને અને સુધરેલા પ્રાણીના ગુણવાળા ખુશામતખોરને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનતો હતો, પણ આજ મારો મત બદલાઈ ગયો છે. હવે હું ત્તત્વનો પૂરો પાર પામ્યા વગરનું, અર્ધજ્ઞાાની અને અર્ધઅજ્ઞાાની એવા મતાગ્રહી 'વિદ્વાન નામના પ્રાણી'ને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનું છું. એ પ્રાણી પોતાના મતને સત્ય ઠરાવવા હઠાગ્રહી બને અને મમતે ચડે ત્યારે સમાજના નૈતિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને માટે જેટલું હાનિકારક અને ભયાવહ બને છે તેટલું ભયંકર દુનિયામાં અન્ય કોઈ પ્રાણી હોઈ શકે નહીં.
આ રીતે ઘણીવાર અર્ધજ્ઞાાની અને અર્ધઅજ્ઞાાની વ્યક્તિ અંધ મતાગ્રહી હોય છે. એ કેટલીય ભ્રાંત ભ્રમણાઓ સાથે જીવતો હોય છે અને આસપાસના લોકોની ઉપેક્ષા કરતો હોય છે. આવે સમયે ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત આપનાર આઈઝેક ન્યૂટનને યાદ કરીએ. તેઓ નમ્ર રીતે કહેતાં કે, ''આમાં મેં કશું કર્યું નથી.''
મનની ચંચળ આંખોની વાત કરી. હવે પછી આપણા મનની પોતાની ભાષા વિશે વિચારીશું.