એક હત્યા, ચાર ચહેરા પ્રકરણ - 04 .
- મહેશ યાજ્ઞિક
- 'લગ્નની પાર્ટીનો જમણવાર હોય એમાં કાયમ જમી લેવાની વિનોદની કુટેવ છે. એ રાત્રે દસેક વાગ્યે જમણવારમાં પણ એ દેખાયેલો. બસ, નવમી તારીખની સવારથી એનો કોઈ પત્તો નથી!'
'દે સાઈસર! મુંબઈથી આવેલા રસિક રાઠોડે છઠ્ઠી તારીખે સવારે દસ વાગ્યે હોટલમાં એન્ટ્રી લીધેલી. રજીસ્ટરમાં એને વીસ નંબરનો રૂમ એલોટ થયેલો છે, તો પછી નવમી તારીખે બપોરે બે વાગ્યે એની લાશ રૂમ નંબર ઓગણીસમાંથી કઈ રીતે મળી?'
અવિનાશનો આ સવાલ સાંભળીને ઈન્સ્પેક્ટર દેસાઈ ચમક્યો. 'હોય નહીં!' એણે જાડેજા અને અવિનાશ સામે જોઈને ખુલાસો કર્યો. 'સોરી, સર! હું ત્રીજે માળ લાશની આસપાસ જ વ્યસ્ત હતો, એ ઉપરાંત પાર્ટીપ્લોટમાં કોઈના લગ્નની ધમાલ હતી, એટલે નીચે રિસેપ્શન ડેસ્કનો કારોબાર અમારા હેડ કોન્સ્ટેબલે સંભાળ્યો હતો. આપ કહો તો એને બોલાવું.'
'એમની જરૂર નથી.' પોતાની નારાજી વ્યક્ત કર્યા વગર જાડેજાએ દેસાઈ સામે જોઈને સવાલ પૂછયો. 'આ ખૂન થયું, એ પછી હોટલનો તમામ સ્ટાફ હાજર હતો કે એમાંથી કોઈ માણસ ગૂમ થઈ ગયો હોય કે એવું કંઈ ધ્યાનમાં છે?'
'એ લોકોએ હજુ સુધી એવું કંઈ જણાવ્યું નથી.' દેસાઈએ જવાબ આપ્યો એટલે જાડેજાએ હસીને ટકોર કરી. 'એ આપણે પૂછવાનું હોય, એ લોકો જણાવે એની રાહ જોવાની ના હોય. એની વે, છેલ્લો સવાલ. મૃતક રસિક રાઠોડનું સરનામું મુંબઈનું છે, પોસ્ટમોર્ટમ પછી એની લાશને લેવા માટે એના પરિવારમાંથી કોણ આવેલું? એને ભાઈઓ કે માતા-પિતા તો હશેને?'
'રસિક રહેતો હતો મુંબઈ, પણ મૂળ તો એ ધંધૂકાનો જ વતની હતો. એના બહેન અને બનેવી ધંધૂકા જ રહે છે એટલે એ બંને જ આવી ગયા હતા અને પીએમ પછી લાશનો કબજો એમને જ આપી દીધો હતો.' દેસાઈએ જાણકારી આપી. 'ફાઈલમાં એના બહેન-બનેવીનું નામ-સરનામું અને રસીદ પણ છે.'
જાડેજાએ અવિનાશ સામે જોયું. 'એ નામ-સરનામું નોટ કરી લે.' અવિનાશે ફાઈલમાંથી એ વિગત પોતાની નાનકડી ડાયરીમાં નોંધી લીધી.
'દેસાઈસાહેબ, હવે મુદ્દાની વાત.' જાડેજાએ ઈન્સ્પેક્ટરની સામે જોઈને ગંભીરતાથી કહ્યું. 'આપે પૂરી નિષ્ઠાથી આ કેસની તપાસ કરીને પુરાવા સાથે લાલજીને પકડયો હશે, એમાં મને કોઈ શંકા નથી. એ છતાં, મેં આ કેસ હાથમાં લીધો છે, એટલે હું મારી રીતે તપાસ કરું એમાં આપને કોઈ વાંધો ના હોવો જોઈએ. આપણા બંનેનો ધ્યેય તો એક જ છે. સચ્ચાઈને ઉજાગર કરીને જેણે ખરેખર ગુનો કર્યો છે, એ ગુનેગારને સજા અપાવવાની જ આપણી ફરજ છે. ક્યારેક આંખને દેખાય એ દ્રશ્ય પણ ભ્રામક હોઈ શકે છે અને પુરાવા પણ નિરાધાર નીવડી શકે છે -એ તો આપણી તાલીમમાં પણ વારંવાર કહેવામાં આવેલું છે.'
લગીર અટકીને જાડેજાએ આગળ કહ્યું. 'અમારી આ ડિટેક્ટિવ એજન્સીનું ઉદઘાટન કરવા માટે અમદાવાદના કમિશનરસાહેબ ખુદ આવ્યા હતા. બધાની હાજરીમાં મેં એમને વચન આપેલું કે પોલીસની તપાસમાં અમારા દ્વારા ક્યારેય કોઈ સંઘર્ષ નહીં થાય. મેં એ પણ કહેલું કે કોઈ ટિપિકલ કેસમાં ડિપાર્ટમેન્ટને મારી જરૂર હશે, તો એવા કેસમાં મદદ કરવા હું તૈયાર છું. આ લાલજીનો કેસ રાજસ્થાનના એક ધારાસભ્યે અમને સોંપ્યો છે. એમને દ્રઢ વિશ્વાસ છે કે લાલજી નિર્દોષ છે.'
એ દરમ્યાન કોન્સ્ટેબલ ચાવાળાને લઈને અંદર આવ્યો. આ ટૂકડીને વીઆઈપી મહેમાન સમજીને એ ચાની સાથે બિસ્કિટ પણ લાવ્યો હતો. ચા પીતી વખતે જાડેજાએ દેસાઈને એના પરિવાર વિશે, બાળકોના અભ્યાસ વિષે પૂછયું. એ વાતચીત દરમ્યાન ચા-નાસ્તાનો કાર્યક્રમ પતી ગયો અને કોન્સ્ટેબલ બહાર નીકળી ગયો.
'દેસાઈસાહેબ, અમારા આ કેસમાં આપે નાનકડી મદદ કરવાની છે. આમ પણ રૂમ નંબર ઓગણીસ-વીસની ગૂંચ ઉકેલવા આપે હોટલ પર તો જવું જ પડશે. અમે સીધા ત્યાં જઈએ તો શક્ય છે કે એ લોકો પૂરતો સહકાર ના પણ આપે. મારે મારી ટીમ સાથે ત્યાં જઈને મારી રીતે પૂછપરછ કરવાની છે. આપની સાથે સંઘર્ષનો કોઈ સવાલ નથી, સવાલ તો સચ્ચાઈ શોધવાનો છે અને એમાં આપે મદદ કરવાની છે. આપ અમારી સાથે આવો અને હોટલના માલિક અંજલિમેડમ અને એમના પતિદેવ પંકજકુમારને આપણી પોલીસની ભાષામાં જ આદેશ આપો કે આ ટીમને પૂરેપૂરો સહકાર આપવાનો છે. બોલો, આટલી સેવા તો કરશોને?'
'માય પ્લેઝર.' દેસાઈએ નિખાલસતાથી સંમતિ આપીને પૂછયું. 'ક્યારે જવું છે?' જાડેજાએ ઘડિયાળ સામે જોઈને કહ્યું. 'અત્યારે ત્રણ વાગ્યા છે. અમે સાડા ચાર વાગ્યે આવીશું ત્યાં સુધીમાં આપ અહીંનું કામ નિપટાવી લો.' 'જી.' દેસાઈએ સંમતિ આપી. ખુરસી પરથી ઊભા થઈને વિદાય આપવા એ બારણાં સુધી પણ આવ્યો.
અવિનાશ અને નંદિની કારમાં બેઠા એ પછી જાડેજાએ કાર સ્ટાર્ટ કરી. પોલીસસ્ટેશનની બહાર નીકળીને એમણે કારને સીધી જ દરબાર સોસાયટી તરફ લીધી. બંગલામાં અંદર ગયા પછી ત્રણેય સોફા પર બેઠા. ઈન્સ્પેક્ટર દેસાઈની મુલાકાત પછી હવે તખુભા જાડેજા શું કહે છે એ જાણવા માટે નંદિની અને અવિનાશ ઉત્સુક હતા. 'આ દેસાઈસરની સ્ટાઈલ એકદમ ઈઝીગોઈંગ લાગે છે.' નંદિનીએ તખુભા સામે જોઈને કહ્યું. 'તમે વ્યંગમાં બોલતા હતા, એ ઉપરાંત સીધી ટકોર પણ કરતા હતા. એ છતાં, એ કોઈ પ્રતિભાવ નહોતા આપતા.'
'હું જે બોલતો હતો, એ બધું એને સમજાતું હતું. પોતાની ભૂલનો એને અહેસાસ થતો હતો એટલે એ ચૂપચાપ સાંભળી રહ્યો હતો.' તખુભાએ સમજાવ્યું. 'હત્યાનો ફોન આવ્યો, એ પછી એ હોટલ પર ગયો. ત્યાં પંકજ અને અંજલિએ નામ આપ્યું એટલે લાલજીની ઓરડીમાં તપાસ કરી. રેડીમેડ પુરાવા મળી ગયા એટલે લાલજીને પકડીને પૂરી દીધો. ઈન્વેસ્ટિગેશનની માથાકૂટમાં પડયા વગર ખૂનકેસ સરળતાથી ઉકેલી નાખ્યાના સંતોષ સાથે એ રાજી છે.'
આટલું બોલ્યા પછી લગીર અટકીને એમણે અવિનાશ સામે જોયું. 'રૂમ નંબરના લોચા ઉપરાંત બીજો પણ એક સવાલ છે. મૃતક રસિક રાઠોડ રહેતો હતો મુંબઈ, પણ એના બહેન-બનેવી તો અહીં ધંધૂકામાં રહે છે. રસિક પણ ધંધૂકામાં જ ઉછરીને મોટો થયેલો છે. સવાલ એ છે કે ગામમાં સગી બહેનનું ઘર હોવા છતાં રસિક મોંઘીદાટ હોટલમાં કેમ રહ્યો? આપણી પાસે અત્યારે સવા કલાકનો સમય છે, પરંતુ તારે જે કામ કરવાનું છે એ આટલા સમયમાં નહીં પતે. રસિકના બહેન-બનેવીના નામ અને સરનામું તારી પાસે છે. આવતી કાલે તારે ગાંડાબાપુને મળીને આ ત્રણેય પાત્રો વિશે પૂરેપૂરી જાણકારી મેળવવાની છે. ફાવશેને?'
'મને તો ફાવશે, પણ બધો આધાર ગાંડાબાપુના મૂડ ઉપર રહેશે. એમને પટાવીને ખોતરી શકાય એટલું ખોતરીશ.' અવિનાશે જવાબ આપ્યો એટલે તખુભાએ હસીને કહ્યું. 'એમના મૂડની ચિંતા ના કર. એ જ્યાં કહે એ હોટલમાં લઈ જઈને એમને જેટલું ખાવું હોય એટલું ખવડાવજે. પેટ ભરાશે એ પછી એમનું મોઢું ખૂલશે.'
તખુભાએ બંનેની સામે જોઈને આગળની યોજના સમજાવી. 'આજે દેસાઈની સાથે આપણે હોટલમાં જઈશું અને દેસાઈ એ લોકોને આપણો પરિચય કરાવશે. એ પછી આજે તો માત્ર હોટલના રૂમ્સ અને સમગ્ર પરિસરનું નિરીક્ષણ જ કરવાનું છે. એનાથી પણ વિશેષ તો સ્ટાફના બધા માણસોના વર્તનનું પણ નિરીક્ષણ કરવાનું છે. દેસાઈ પરિચય આપીને આપણા કામ વિશે કહેશે એ પછી કોના ચહેરાના રંગ બદલાય છે એ ખાસ જોવાનું છે.'
બીજી આડીઅવળી વાતો પછી નંદિનીએ રસોડામાં તપાસ કરી લીધી. ચાની પત્તી અને ખાંડનો પૂરતો સ્ટોક હતો. એણે અવિનાશને કહ્યું કે સાંજે પાછા આવતી વખતે દૂધની થેલીઓ લાવવાનું યાદ રાખજે, એટલે સવારે હું અહીં જ ચા બનાવીશ.
સવા ચાર વાગ્યે બંગલામાંથી નીકળતી વખતે તખુભાએ અવિનાશને સૂચના આપી. 'તું બાઈક લઈને સીધો હોટલ પર આવ. ત્યાં જો આપણું કામ વહેલું પતે તો તારે ગાંડાબાપુને શોધવા જવું પડશે.'
તખુભા અને નંદિની પોલીસસ્ટેશન તરફ રવાના થયા એ પછી થોડી વારે અવિનાશે બાઈક સ્ટાર્ટ કરી.
દેસાઈને લઈને તખુભા આવે ત્યાં સુધી અવિનાશ હોટલની બહાર રોડ પર જ ઊભો રહ્યો. એમની કાર આવી એ પછી બધાએ એક સાથે હોટલમાં પ્રવેશ કર્યો. અહીં આવતા અગાઉ દેસાઈએ પંકજને ફોન કરી દીધો હતો, એટલે એ લોકો પણ સ્વાગત માટે તૈયાર હતા.
વહેતા સમયનો માર ખમીને પણ હોટલનું પ્રાચીન બિલ્ડીંગ માવજતને લીધે હજુ અડીખમ હતું. આગળ કમ્પાઉન્ડમાં એક સાથે પચાસ કાર પાર્ક થઈ શકે એટલી જગ્યા હતી. બિલ્ડીંગની પાછળ તો ચાર એકરનો વિશાળ પાર્ટી પ્લોટ હતો. એના છેડે ઘટાદાર વૃક્ષ હતા. એ પછી અંજલિ અને પંકજ રહેતા હતા એ નવો બનાવેલો બંગલો હતો. એની જમણી તરફ ચાર ઓરડીઓ સર્વન્ટ ક્વાર્ટર્સ તરીકે વપરાતી હતી.
ત્રણ માળના હોટલના બિલ્ડીંગમાં પ્રવાસીઓ માટે વીસ રૂમ હતા. નીચે રિસેપ્શન ડેસ્કની સામે બેઠા ઘાટના સંખેડાના ચાર સોફા અને આઠ ખુરસીઓ ગોઠવાયેલી હતી. રિસેપ્શનની જમણી તરફ કિચન હતું. આ રસોડાનો ઉપયોગ હોટલમાં ઊતરેલા પ્રવાસીઓ માટે થતો હતો. પાર્ટીપ્લોટમાં યોજાતી પાર્ટીઓ માટે ત્યાં અલગ કિચનની વ્યવસ્થા હતી. રિસેપ્શન ડેસ્કની ડાબી તરફ પંકજની ઑફિસની પાસે કોન્ફરન્સ રૂમ હતો.
પાંત્રીસેક વર્ષની અંજલિ પાતળી અને ઊંચી હતી. લાલ સાડીમાં એ ફિલ્મી હિરોઈન જેવી રૂપાળી લાગતી હતી. એના પતિ પંકજે બ્રાન્ડેડ શર્ટ-પેન્ટ પર સ્વેટર પહેર્યું હતું. એ બંનેએ હાથ જોડીને બધાનું સ્વાગત કર્યું. એમની આજુબાજુમાં સ્ટાફના બીજા માણસો પણ જિજ્ઞાાસાથી આવીને આ ત્રણેય નવા મહેમાનો સામે જોઈ રહ્યા હતા. ઈન્સ્પેક્ટર દેસાઈએ તખુભા, અવિનાશ અને નંદિનીનો પરિચય કરાવીને અંજલિ અને પંકજને સૂચના આપી. 'આ સાહેબો અમદાવાદથી ખાસ આ કેસની તપાસ કરવા જ આવ્યા છે. અહીં રોકાશે એટલા દિવસ એ રોજ અહીં આવીને તમારી અને તમારા સ્ટાફના એકેએક માણસની પૂછપરછ કરશે. એમને તમારે પૂરેપૂરો સહકાર આપવાનો છે.'
'શ્યૉર. એમને તમામ જવાબ આપીશું.' આટલું કહીને પંકજે તખુભાને કહ્યું. 'તમે અમદાવાદથી આવ્યા છો, તો ધંધૂકામાં ક્યાં ઊતર્યા છો, સાહેબ? તમે ત્રણેય અહીંયા જ આવી જાવ. આ હોટલ તમારી જ છે એમ માનો.'
'થેંક્યુ, પંકજભાઈ, પણ અહીં મારા મિત્રના બંગલામાં બધી ગોઠવણ થઈ ગઈ છે.' તખુભાએ હસીને કહ્યું. 'એ પણ સ્પષ્ટતા કરી દઉં કે અહીં રોજ પૂછપરછ માટે આવીશું, ત્યારે નાસ્તાનો કે જમવાનો આગ્રહ ના કરતા. તમારે ત્યાં માત્ર ચા પીવાની અમે છૂટ રાખીશું.'
અંજલિ અને પંકજની સાથે ઊભેલા કર્મચારીઓ ઉપર નજર ફેરવ્યા પછી પંકજ સામે જોઈને તખુભાએ કહ્યું. 'પૂછપરછનો કાર્યક્રમ તો આવતી કાલથી શરૂ કરીશું, પરંતુ આજે માત્ર આ બધાનો પરિચય કરાવીને કોણ શું કામ કરે છે એટલી માહિતીની જ જરૂર છે.'
અવિનાશે ખિસ્સામાંથી પોકેટ ડાયરી બહાર કાઢી. એમાં સૌથી પહેલા અંજલિ અને પંકજના નામ લખી નાખ્યા.
'આ હેરિટેજ હોટલમાં બહુ કમાણી નથી, સાહેબ!' પંકજે ખુલાસો કર્યો. 'અગાઉ પ્રવાસીઓ વધારે આવતા હતા, પરંતુ અમદાવાદ અને મુંબઈથી ભાવનગર કે પાલીતાણા જનારા માણસો હવે પીંપળીવાળો રોડ જ પકડી લે છે. વેળાવદર જઈને કાળિયાર જોવામાં રસ હોય એવા દેશી-વિદેશી મહેમાનો આવે છે. એને લીધે હોટલનો સ્ટાફ સાવ ઓછો રાખવાનું જ પરવડે છે. પાર્ટીપ્લોટની કમાણી સારી છે. નાના મોટા ફંક્શન માટે ગામના લોકો પાર્ટીપ્લોટનો લાભ લે છે. એવા ફંક્શન માટે કેટરર, ડેકોરેટર સહિત પૂરો સ્ટાફ ટેમ્પરરી ધોરણે ગામમાંથી જ લાવીએ છીએ.'
આટલી પૂર્વ ભૂમિકા બાંધીને એણે બધા કર્મચારીઓને એક લાઈનમાં ઊભા રહેવાનો ઈશારો કર્યો. અઠ્ઠ્યાવીસેક વર્ષની યુવતી સૌથી પહેલા આગળ આવી. એની સામે આંગળી ચીંધીને પંકજે કહ્યું. 'આ રેખા તલાટી. એ અહીં રિસેપ્શનિસ્ટ તરીકે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરે છે. સવારે આઠથી રાત્રે આઠ સુધી એ અહીં જ રોકાય છે.'
'રાત્રે રિસેપ્શન કોણ સંભાળે છે?' તખુભાએ પૂછયું.
'એ ભાઈ રાત્રે આઠથી સવારે આઠ સુધી ડેસ્ક સંભાળે છે.' અંજલિએ જવાબ આપ્યો. 'એ પરેશ પાઠક રોજ પોલારપુર- ભીમનાથથી અપડાઉન કરે છે. આજે રાત્રે એ આવશે ત્યારે એને કહી દઈશ એટલે કાલે દિવસે પણ એ અહીં હાજર રહેશે.' 'વાંધો નહીં.' તખુભાએ માથું હલાવીને સંમતિ આપી.
'આ લક્ષ્મણ અને એની પત્ની. એ બંને રસોડું સંભાળે છે. મહેમાનો માટે સરસ રસોઈ બનાવે છે અને રસોડામાં જ રહે છે.' એક યુગલ સામે આંગળી ચીંધીને એમનો પરિચય આપીને પંકજે ઉમેર્યું. 'જાડેજાસાહેબ! તમે કહો એ આઈટમ આ મારવાડી માસ્ટર બનાવી આપશે. આજે સાંજે અમને સેવાનો લાભ આપો.'
નકારમાં માથું ધૂણાવીને તખુભાએ કહ્યું. 'આપને ત્યાં માત્ર ચાની જ છૂટ રાખી છે, એ મેં પહેલાં જ જણાવી દીધું છે. નો ફોર્માલિટી, પ્લીઝ. નેક્સ્ટ?'
પંકજના ચહેરા પર લગીર નિરાશા પથરાઈ. નંદિની સામે ઊભેલા તમામના ચહેરાઓનો અભ્યાસ કરી રહી હતી. અવિનાશ પણ ડાયરીમાં નોંધ કરી રહ્યો હતો.
'આ યોગેશ કોઠારી. એ અમારે ત્યાં ગાદલાં-ગોદડાંથી માંડીને દાળ-ચોખાના સ્ટોકની કાળજી રાખે છે.' ચાલીસેક વર્ષના દૂબળાપાતળા યુવાનનો પરિચય આપ્યા પછી પંકજે યોગેશની બાજુમાં ઊભેલા ચશ્માંધારી યુવાનનો પરિચય આપ્યો. 'આ મુકેશ શાહ-અમારા કેશિયર- કમ- એવરીથીંગ. ગમે તે કામ હોય એ એમને સોંપીને અમે નિશ્ચિંત થઈ જઈએ છીએ.'
છેલ્લે ઊભેલી યુવતીની ઊંચાઈ લગભગ અંજલિ જેટલી જ હતી. સાદી સાડીમાં પણ એ રૂપાળી લાગતી હતી. 'આ લીલા. વધુ પ્રવાસીઓ આવતા નથી એટલે વીસે વીસ રૂમની અને આખા પરિસરની સફાઈની જવાબદારી એ સંભાળે છે.' આટલું કહીને પંકજે ઉમેર્યું. 'રસિક રાઠોડની લાશ પણ સૌથી પહેલા એણે જ જોઈ હતી, એ દિવસથી એ થોડી ડિસ્ટર્બ્ડ રહે છે!' બે હાથ જોડીને લીલા તખુભાને પગે લાગી.
બધાની પરિચય વિધિ જાણે પૂરી થઈ ગઈ હોય એમ પંકજે સહેજ પાછળ ઝૂકીને બંને હાથ ઊંચા કરીને આળસ મરડી. એ જોઈને અવિનાશે પંકજ અને અંજલિ સામે જોઈને પૂછયું. 'આ બિલ્ડીંગની પાછળના ભાગમાં -પાર્ટીપ્લોટની બરાબર સામે જે ઓરડી આગળ પડતી ખેંચેલી છે, ત્યાં બ્યુટી સલૂનનું બૉર્ડ મેં જોયું. એ સલૂન કોણ સંભાળે છે?'
આ વખતે પણ પંકજને બદલે અંજલિએ જવાબ આપ્યો. 'અવિનાશસાહેબ, ત્યાં માણસ તો રાખ્યો છે, એ ત્યાં એકલો રહે છે, પણ એ અમારો પગારદાર નથી. પ્રવાસીઓમાંથી કોઈ શેવિંગ કે હજામત કરાવે, એના એને પૈસા મળે છે. પાર્ટી હોય ત્યારે એની મિસિસ પણ સવારથી આવી જાય છે. એ બહેને બ્યુટીપાર્લરનો કોર્સ કરેલો છે એટલે મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે બહેનોને શણગારવામાં એમને સારી કમાણી થાય છે.
'એનું નામ? એ અત્યારે કેમ નથી?' અવિનાશે પૂછયું. એનો સવાલ સાંભળીને પંકજ ગૂંચવાયો છે, એની નંદિનીએ નોંધ લીધી.
'એ ઘણા દિવસથી આવ્યો નથી અને એનો મોબાઈલ પણ બંધ આવે છે. વળી, એ ધંધૂકામાં નથી રહેતો.' પંકજે કંટાળા સાથે કહ્યું. 'મેં અને અંજલિએ નક્કી કર્યું છે કે હવે એ આવે ત્યારે ઓરડી ખાલી કરાવીને એને ભગાડી જ મૂકવાનો છે.'
'એ એક્ઝેટ ક્યારથી ગૂમ થઈ ગયો છે?' પંકજ અટક્યો એટલે નંદિનીએ તરત પૂછયું. 'એનું નામ? અતોપતો તો તમારી પાસે હશેને?'
'એનું નામ વિનોદ. વિનોદ શર્મા. વાળંદ છે, પણ એની અટક શર્મા છે. ધંધૂકાથી પચીસેક કિલોમીટર દૂર બરવાળા ગામમાં એ રહે છે.' અંજલિએ જાણકારી આપી. 'ત્યાં તુરખાના ગેટ પાસે એના બાપાનું હેરકટિંગ સલૂન છે.'
'એ છેલ્લે ક્યાં સુધી અહીં હતો?' અંજલિ અને પંકજની સામે જોઈને અવિનાશે પૂછયું.
'આઠમી તારીખે મેરેજની પાર્ટી હતી, એટલે એ અને એની મિસિસ આખો દિવસ અહીં જ હતા. એની મિસિસ મોડી સાંજે જતી રહેલી.' પંકજે માહિતી આપી. 'લગ્નની પાર્ટીનો જમણવાર હોય એમાં કાયમ જમી લેવાની વિનોદની કુટેવ છે. એ રાત્રે દસેક વાગ્યે જમણવારમાં પણ એ દેખાયેલો. બસ, નવમી તારીખની સવારથી એનો કોઈ પત્તો નથી!'
'ધેટ મિન્સ, આઠમી તારીખે રાત્રે રસિક રાઠોડનું ખૂન થયું અને એ પછી વિનોદ શર્મા ગૂમ છે, એનો મોબાઈલ પણ બંધ છે! રાઈટ?' નંદિનીએ પૂછયું. પંકજ અને અંજલિએ હકારમાં માથું હલાવ્યું. તખુભા, અવિનાશ અને નંદિની-ત્રણેયના મગજમાં એક જ વિચાર રમતો હતો. રૂમ નંબર ઓગણીસ-વીસનો ભેદ હજુ ખૂલ્યો નહોતો અને એમાં આ ભાગેડુ વિનોદનું રહસ્ય ઉમેરાયું. (ક્રમશ :)