Get The App

ભારતની રાષ્ટ્રીય ચેતના અનન્ય અને અપૂર્વ છે

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
ભારતની રાષ્ટ્રીય ચેતના અનન્ય અને અપૂર્વ છે 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

અન્ય દેશોમાં હું કદાચ પ્રવાસી તરીકે જાઉં પણ ભારતમાં હું યાત્રી તરીકે આવીશ.

- માર્ટીન લ્યુથર કિંગ જુ.

અ ન્ય દેશોનો પ્રવાસી ભારતમાં યાત્રી શી રીતે બની જાય છે? તો તેનો જવાબ છે; ભારતની પ્રગાઢ અંતરંગતા, ઊંડાઈ અને આધ્યાત્મિકતા. પ્રજાસત્તાક દિવસે આ વાતને સમજવી અનિવાર્ય છે. આપણી રાષ્ટ્રીય ચેતના અપૂર્વ છે અને તેની પ્રાચીનતા અનન્ય છે. તેના હૃદયમાં અખંડ જ્યોત છે, શાશ્વત ઉજાસ છે. તેથી ભારત એક દર્શન છે, જીવન શૈલી છે અને શાશ્વત એવી જીવનના આચાર-વિચારની પ્રયોગશાળા છે. યાસ્કાચાર્ય તેથી જ 'સનાતનો નિત્યનૂતન' કહે છે. અર્થાત, સનાતન ધર્મ એ છે જે નિત્ય નવું રૂપ ધારણ કરી શકે તે. ભારત એટલે પળે પળે  નૂતન પ્રાણ અને પગલું; ઉજાસ અને ઉલ્લાસ, સુર અને સ્વર... તેથી જ ભારત અનવરત અદ્યતન બની રહ્યું છે- મ્યુઝિઅમ નથી બન્યું.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર એમ કહેતા, 'ભારતેર મહામાનવેર સાગરતીરે!' એટલે ભારત એક મહાસાગર છે. જેમાં દશે દિશાની નદીઓ આવીને સમર્પિત થાય છે તેમ જ  દેશ-દેશની પ્રજા અહીં આવીને માનવીય સાગરમાં સમાઈ  ગયા છે. આ નદીઓ એટલે ભાષા, વિચાર, ધર્મ, રિવાજ, વગેરે. ભારત એટલે સર્વેને આવકાર અને સ્વીકાર. ભારતીય આસ્થામાં માનવીય સંવેદનશીલતાનો સ્વીકાર છે અને જીવનના હકારવાળી આસ્તિકતાને આવકારે છે.  કવિવર ટાગોર તેથી જ તો કહે છે 'આ રાષ્ટ્રમાં જન્મ લેવાથી મારો જન્મ ધન્ય થયો છે.' વિશ્વભરમાં આપણું આ અલૌકિક વર્ચસ્વ અને સ્થાન જાળવી રાખવા માટે આપણે તે વિરાસતને પામવી પડશે. તે વિરાસત કઈ ? તો કવિવર રવીન્દ્રનાથ કહે છે, 'સરળ જીવનનો આદર્શ, આધ્યાત્મિક દ્રષ્ટિકોણમાં સ્પષ્ટતા, હૃદયની પવિત્રતા, બ્રહ્માંડની સાથે સામંજસ્ય અને દરેક રચનાઓમાં તે, અનંત વ્યક્તિત્વની ઉપસ્થિતિની ચેતના.' 

પરમ જીવન મરમી વિનોબાજી તો કહે છે કે કૃતિમાંથી સંસ્કૃતિ પાંગરે છે. આપણી પ્રાચીન-સનાતન જીવનધારાઓએ (ચિંતન-મનન-દર્શન) માનવીને પ્રાકૃતિકમાંથી સાંસ્કૃતિક બનાવ્યો. સહજ સ્વભાવમાંથી ઉર્ધ્વ બનાવ્યો. વિલીઅમ બટલર યેટ્સ નામના નોબેલ પ્રાઇઝ વિનર આઈરીશ સર્જક આમ લખે છે, 'ભારતીય તત્વદર્શનનો અભ્યાસ કરવાથી મારા કેટલાક અસ્પષ્ટ વિચારોને સંપૂર્ણ સમજણ મળી. તેથી તે વધુ તાકક અને મુક્ત બન્યા. તેનાથી આનંદિત થઈને મને પ્રતિતી થઈ કે આ દર્શનશાસ્ત્ર દ્વારા જો આધ્યાત્મના માર્ગે જઈએ તો;

આત્મજ્યોત ઝળહળે છે,  ચૈતન્યનો ઉજાસ અનુભવાય છે,  જીવન જાગી ઉઠે છે,  અમરત્વ ખીલી ઊઠે છે... 

ચાલો, પ્રજાસત્તાકના રાષ્ટ્રોત્સવ નિમિત્તે  આપણે આપણને જ આપેલા વચનો-ખાતરીને સ્મરીએ. તેમાં ખરા ઉતરીએ. ભારત તો હજારો વરસોથી ચાલતો અનંત આયામી યજ્ઞા છે. આજે, અહીં, આ પળે તેને આપણી પ્રતિબધ્ધતા બનાવીએ. આજે આપણે આત્મવાન-ચૈતન્યવાન નિસબતની તાતી જરૂરિયાત છે. જેમાં;  સક્રિય આશા, અખંડ આસ્થા, જીવંત ભાગીદારી હોય. 


Google NewsGoogle News