Get The App

60 ‌મિ‌નિટની પરેડ; 600 કલાકનો પ‌રિશ્રમ

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
60 ‌મિ‌નિટની પરેડ; 600 કલાકનો પ‌રિશ્રમ 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

-‌ પ્રજાસત્તાક ‌દિને ‌દિલ્‍લીના કર્તવ્‍ય પથ પર દબદબાભરી પરફેક્ટ પરેડ યોજવા માટે આપણું લશ્‍કર પૂર્વતૈયારી પાછળ કેટકેટલી મહેનત લે છે?

- શરીરમાં શેર લોહી વધારી દેતું, હૃદયને રાષ્‍ટ્રપ્રેમથી ગદગ‌દિત કરી દેતું અને મનમાં શૌર્યનો ભાવ જગાડતું પરેડનું દૃશ્‍ય જોતી વેળા આપણને ભાગ્‍યે જ કલ્‍પના હોય કે દરેક સૈ‌નિકે પ્રે‌ક્ટિસ પાછળ ૬૦૦ કલાક આપ્યા હોય છે.

સુપ્રભાત! આ વાંચી રહ્યો છો ત્‍યારે ઘ‌ડિયાળ જે સમય બતાવતી હોય તે ખરી, પણ કલાક-‌મિ‌નિટના કાંટાને થોડીક વાર પૂરતા મનોમન ‌રિવર્સમાં લઈ જાવ. મધરાત પછી બે વાગ્યા હોવાનું ધારી લો અને આગામી વર્ણન વાંચો ત્‍યારે મનના કેનવાસ પર કલ્‍પનાની પીંછી વડે વન બાય વન દૃશ્‍યોનું ‌ચિત્રણ કરી જુઓ.

જાન્‍યુઆરી ૨૬, ૨૦૨પ. સમય રા‌ત્રિના ૨ઃ૦૦ વાગ્યાનો. ભૂમધ્‍ય સમુદ્રથી વાયા ઈરાન તથા અફઘા‌નિસ્‍તાન ઉત્તર ભારતમાં દાખલ થતા વેસ્‍ટર્ન ‌ડિસ્‍ટર્બન્‍સ નામના વાયુપ્રવાહે ‌દિલ્‍લીને શીતાગારમાં ફેરવી દીધું છે. ન્યૂનતમ તાપમાન ‌સિંગલ ‌ડિ‌જિટમાં છે. આખું ‌દિલ્‍લી ગાઢ ધુમ્‍મસનો ધાબળો ઓઢીને સમા‌ધિ અવસ્‍થામાં સરી ચૂક્યું છે ત્‍યારે ‌દિલ્‍લીવાસીઓ ગરમ ધાબળાની હૂંફમાં મીઠી નીંદર માણી રહ્યા છે. જાહેર માર્ગો પર ક્યાંય કશી ચહલપહલ નથી, પણ ‌દિલ્‍લી કેન્‍ટોન્‍મેન્‍ટ કહેવાતી લશ્‍કરી છાવણીમાં દોડધામ મચી છે. ભારતીય લશ્‍કરની ‌વિ‌વિધ રે‌જિમેન્‍ટના ચુનંદા જવાનો તથા અફસરો ધાબળાની હૂંફ, મીઠી નીંદર અને ‌શિયાળા પૂરતું ક્ષમ્‍ય ગણી શકાય તેવું આળસ પોતપોતાના ‌બિછાનામાં તજીને ઊભા થઈ ગયા છે. પાંચેક અંશ સે‌લ્‍શિઅસની કડકડતી ઠંડીમાં જેમનો સખત કંટાળો આવે તેવાં બ્રશ, શે‌વિંગ, સ્‍નાન જેવાં કાર્યો તેમણે પાર પાડવાનાં છે, જે માટે વળી પૂરતો સમય નથી.

આમ છતાં તીવ્ર ઠંડી સામે ‘શીતયુદ્ધ’ ખેલીને સૌ સૈ‌નિકો સમયસર પરવારી રહ્યા છે. ઇસ્‍ત્રી ટાઇટ યુ‌નિફોર્મ, માથે ટોપી અથવા સાફાવાળી લશ્‍કરી પાઘડી, ચકચકતાં શૂઝ, હાથમાં સફેદ મોજાં, શરીરમાં વીજળીક સ્‍ફૂ‌ર્તિ, મોઢા પર શૌર્યભાવ અને આંખોમાં ચમક સાથે સૌ શૂરવીરો બરાબર ૨ઃ૩૦ વાગ્યે ‌દિલ્‍લી કેન્‍ટોન્‍મેન્‍ટથી રાષ્‍ટ્રપ‌તિ ભવન તરફ કૂચ કરતા નીકળી પડે છે. જાવેદ અખ્‍તર ‌લિ‌ખિત ગીતની પં‌ક્તિ ‘कंधों से मिलते हैं कंधे... क़दमों से क़दम मिलते हैं’ શબ્‍દશઃ યથાયોગ્‍ય ઠરાવીને પરેડ કરતા જવાનોને અત્‍યારે તો જોવાવાળું કોઈ નથી. પરંતુ બરાબર સાત કલાક પછી ‌દિલ્‍લીના પાંચ ‌કિલોમીટર લાંબા કર્તવ્‍ય પથ પર તેમની લયબદ્ધ પરેડ જોવા માટે હજારો લોકોની ભીડ એકઠી થવાની છે.

ભારતીય લશ્‍કરના શાન, શૌર્ય અને શ‌ક્તિનું પ્રતીકાત્‍મક પ્રદર્શન શરૂ થાય એ પહેલાં હજારો જવાનો, અફસરો તથા લશ્‍કરી બેન્‍ડના સા‌જિંદાઓ માટે છેલ્‍લી વારનું ‌રિહર્સલ શરૂ થયું છે. જૂથબંધ કૂચ કરતી વેળા નાનીશી પણ ભૂલને કોઈ અવકાશ નથી. હાથ, પગ, ગરદન, ખભા વગેરેની ‌હિલચાલ એક જ લયમાં થવી અ‌નિવાર્ય છે. ન તેમાં એકાદ સકેન્‍ડનોય ફરક રહેવો જોઈએ કે ન આગળ વધતા પગના તેમજ ઊંચે ઊઠતા હાથના એન્‍ગલમાં અંશભારનો તફાવત હોવો જોઈએ. જવાનો જેમની સૂરાવ‌લિના તાલે જોડાંનો ખાબ..ખાબ..ખાબ.. સમૂહનાદ કરતાં આગળ વધે તે લશ્‍કરી બેન્‍ડના સા‌જિંદાઓ વચ્‍ચે પણ ગજબનો તાલમેળ જળવાય તે જરૂરી છે. સૂરમાં સહેજ પણ કસૂર ભારતની તથા ભારતીય લશ્‍કરની પ્ર‌તિષ્‍ઠા પર ધબ્બો બની શકે, જે કેમેય કરીને ન ચાલે. આથી પ્રજાસત્તાક ‌દિનની આઇસ કોલ્‍ડ વહેલી સવારે ૩ઃ૦૦ વાગ્યાથી તેમની ફાઇનલ ‌રિહર્સલ શરૂ થઈ ચૂકી છે.

■■■

રાષ્‍ટ્રપ‌તિ ભવનની બાજુમાં આવેલા ‌વિજય ચોક ખાતે એક તરફ ઉસ્‍તાદ તરીકે ઓળખાતા પરેડ લીડર તેમની ટુકડીઓને બુલંદ સાદે અમુક તમુક આદેશ આપતા દેખાય છે. થોડેક દૂર અશ્વારોહી તેમજ ઊંટસવાર સૈ‌નિકો તેમનાં ચોપગાં ‘વાહનો’ને ‌શિસ્‍તબદ્ધ ચાલવાની ટ્રેઇ‌નિંગ આપી રહ્યા છે. ત્રીજી તરફ નૌકાદળ તથા વાયુદળ બેન્‍ડના સા‌જિંદાઓ ‘સારે જહાઁ સે અચ્‍છા’, ‘કદમ કદમ બઢાયે જા’, ‘એ મેરે વતન કે લોગોં’, ‘માઁ તૂઝે સલામ’, ‘એ મેરે પ્‍યારે વતન’ જેવાં દેશભ‌ક્તિ ગીતોની ટ્યૂન છેડીને ‌દિલ્‍લીના શીત, શાંત ને શુષ્‍ક વાતાવરણમાં સંગીતનાં પ્રાણ ફૂંકી રહ્યા છે.

રાષ્‍ટ્રપ‌તિ ભવનના કલાત્‍મક મુખ્‍ય દરવાજાની પેલી તરફ ‌વિજય ચોકમાં આવું બધું ચાલી રહ્યું છે ત્‍યારે ગેટની ભીતરી બાજુ ભવન સંકુલમાં પણ કંઈ સાવ સોપો નથી. પ્રે‌સિડે‌ન્‍શિયલ બોડીગાર્ડ્સ કહેવાતા રાષ્‍ટ્રપ‌તિના છ-સવા છ ફૂ‌ટિયા અંગરક્ષકો પોતાનું ‌બિછાનું ક્યારનું છોડી ચૂક્યા છે. વ્‍યાયામ અને ચા-નાસ્‍તો પતાવીને તેઓ પોતપોતાના ‌જિગરજાન ‌મિત્રને ગૂડ મો‌ર્નિંગ કરવા માટે પહોંચી ગયા છે. ‘‌વિરાટ’, ‘વિક્રાંત’, ‘પ્રતાપ’, ‘પારસ’, ‘ભીમ’, ‘અ‌ભિમન્‍યુ’ જેવાં નામોવાળાં એ ચોપગાં ‌મિત્રો એટલે જર્મન નસલના જાતવાન અશ્વો, જેમનો તબેલો રાષ્‍ટ્રપ‌તિ ભવન સંકુલમાં આવેલો છે. દરેક અંગરક્ષક તેના ચોપગાં ‌મિત્રને મસ્‍તક પર, ગરદન પર તથા પીઠ પર હેતપૂર્વક હાથ ફેરવીને પંપાળે છે અને પછી તબેલામાંથી બહાર લાવી ગોળાકાર ‌રિંકમાં ચલાવે/દોડાવે છે. ઘોડારમાં રાતભર ઊભા રહીને જકડાઈ ગયેલા અશ્વોના સ્‍નાયુઓમાં ત્‍યારે ‘હોર્સપાવર’નો પુનઃ સંચાર થાય છે.

આ રીતે અડધા-પોણા કલાકના વ્‍યાયામ પશ્ચાત્ હવે વારો છે અશ્વોના સાજ-શણગારનો! મસ્‍તક તથા ગરદન ઉપરના તેમજ પૂંછડીના વાળ ઓળવા, શરીરને દાંતેદાર બ્રશ વડે સાફ કરવું, પીઠે ચારજામો યાને પલાણ જમાવવું, તેના પર સરસ મજાની ગાદી મૂકવી અને રાષ્‍ટ્રપ‌તિની મુદ્રાવાળું ખાસ કપડું મૂકવું, પગની ખરી સાફ કરવી વગેરે કાર્યોમાં એકાદ કલાક નીકળી ગયો છે. આ સમયગાળા દરમ્‍યાન પ્રત્‍યેક ઘોડાની દેહધા‌ર્મિક ‌‌‌ક્રિયાઓ પણ સંપન્‍ન થઈ જવી જોઈએ. પ્રજાસત્તાક ‌દિનની ભવ્‍યા‌તિભવ્‍ય પરેડ ચાલતી હોય એ વખતે કોઈ ઘોડો કર્તવ્‍ય પથને દૂ‌ષિત કરે તે ‌બિલકુલ ન ચાલે! ખરું પૂછો તો તાલીમબદ્ધ ઘોડા ચાલુ પરેડે એવી બેડ મેનર્સ બતાવતા પણ નથી. આ કમાલ તેમને દૈ‌નિક ધોરણે અપાતી ‌શિસ્‍તની ટ્રેઇ‌નિંગનો છે.

■■■

ઘડિયાળ હવે સવારના સાડા પાંચ વાગ્યાનો સમય બતાવી રહી છે. રાષ્‍ટ્રપ‌તિ ભવનના સંકુલમાં સોએક જેટલા પ્રે‌સિડે‌ન્‍શિયલ બોડીગાર્ડ્સ પોતપોતાના અશ્વો પર સવાર થઈ ચૂક્યા છે. દરેક અંગરક્ષકે લાલ રંગનો શેરવાની જેવો યુ‌નિફોર્મ પહેર્યો છે. પગમાં લાંબા, કાળા ગમબૂટ છે. માથે ભૂરા રંગનો સાફો શોભે છે. સફેદ મોજાં ધારણ કરેલા હાથમાં લાલ-સફેદ ધ્‍વજવાળો લાંબો ભાલો પકડ્યો છે. બીજા હાથમાં ઘોડાની લગામ ધરેલી છે. ‌રિસાલદાર મેજર તરીકે ઓળખાતા ટુકડીના આગેવાન સમક્ષ બધા અશ્વારોહીઓ કતાર બનાવીને ઊભા રહી સલામી આપે છેઃ ‘ભારત માતા કી જય!’ 

વારાફરતી ત્રણ પોકારો પછી સૌએ સંકુલના મેદાનમાં અશ્વકૂચની છેલ્‍લી છેલ્‍લી વારની ‌રિહર્સલ શરૂ કરી છે. થોડા કલાકો પછી તેમણે ભારતના ફર્સ્ટ-સિટીઝન મહામ‌હિમ રાષ્‍ટ્રપ‌તિને તેમના આ‌લિશાન ભવનથી ઇ‌ન્‍ડિયા ગેટ દોરી જવાના છે.

હવે ફરી પાછા રાષ્‍ટ્રપ‌તિ ભવન સંકુલના ઝાંપાની પેલી તરફ ‌વિજય ચોક ચાલો કે જ્યાં લશ્‍કરી કૂચની તેમજ લશ્‍કરી બેન્‍ડની ‌રિહર્સલ પૂરજોશમાં ચાલુ છે. ભારતીય ખુશ્‍કીદળની ટેન્‍ક્સ, બખ્‍ત‌રિયાં વાહનો, અ‌ગ્‍નિ, પૃથ્‍વી, બ્રહ્મોસ જેવાં ‌મિસાઇલોના લોન્‍ચર ખટારા વગેરે જેવાં શસ્‍ત્રોનું પણ આસ્‍તે આસ્‍તે આગમન થવા લાગ્યું છે. પ્રજાસત્તાક ‌દિનની પરેડમાં એ સૌએ પણ ભાગ લેવાનો છે—અને તે બહાને ભારતીય સેનાનો મસલ પાવર જગતને બતાવવાનો છે.

■■■

બળપ્રદર્શનની આવી પ્રથા જગતના દરેક લશ્‍કરે અપનાવી છે. જો કે, પ્રથાનો આરંભ તો છેક મેસોપોટે‌મિયા (પ્રાચીન ઇરાક) સામ્રાજ્યના યુગમાં થયો હતો. રાજ્યના સૈ‌નિકો એકાદ યુદ્ધમાં ‌વિજય મેળવીને બેબીલોન નગરમાં પાછા ફરતા ત્‍યારે તેમના સન્‍માન/સત્‍કારમાં હજારો લોકો એકઠા થતા. સશસ્‍ત્ર સૈ‌નિકો જનમેદની વચ્‍ચેથી કતારબંધ પસાર થતા નીકળે ત્‍યારે તેમનો પ્રભાવ જોનારના ‌દિલ-‌દિમાગ પર ઊંડે સુધી અં‌કિત થઈ જતો. વર્ષો પછી રોમન સામ્રાજ્યએ પણ લશ્‍કરી કૂચની મેસોપો‌ટે‌મિયન પ્રથાનું અનુકરણ કર્યું. પ્રાચીનને બદલે સહેજ નજીકના અર્વાચીન યુગની વાત કરો તો લશ્‍કરી પરેડ વડે બળપ્રદર્શનની પ્રથા અપનાવનાર પહેલો યુરોપી દેશ પ્ર‌શિયા (આજનું જર્મની) હતો.

અંગ્રેજો મારફત તે પ્રથા ભારતને મળી, જેને જાન્‍યુઆરી ૨૬, ૧૯પ૦થી શરૂ કરીને આજ સુધી ‌નિભાવવામાં આવી રહી છે. ફરક એટલો કે ભૂતકાળમાં આપણું લશ્‍કરી બેન્‍ડ અંગ્રેજી શૌર્યગીતો વગાડતું, જ્યારે આજે ગીતોનું લગભગ સંપૂર્ણતઃ ભારતીયકરણ થઈ ચૂક્યું છે. પરેડમાં સૈ‌નિકો, શસ્‍ત્રો, આયુધો, અશ્વો, ઊંટ ઉપરાંત વધુ એક આકર્ષણ ઉમેરાયું છેઃ tableau/ ટેબ્‍લો/ શોભાયાત્રા.

ભાષા, સંસ્‍કૃ‌તિ, ખાનપાન, પહેરવેશ, કળા, સ્‍થાપત્‍ય, કુદરતી સંપદા જેવી બાબતોએ ભારતનાં તમામ રાજ્યો એકમેકથી નોખાં છે. ટેબ્‍લો જે તે રાજ્યની આવી ‌વિશેષતાની ઝાંખી કરાવતી શોભાયાત્રા છે. કેંદ્ર સરકારનું સંરક્ષણ ખાતું તેનું આયોજન કરે છે, જે માટે કેટલાંક ચુસ્‍ત ધારાધોરણો નક્કી થયાં છે. જેમ કે, ટેબ્‍લોનું કદ ૪પ ફીટ બાય ૧૪ ફીટ બાય ૧૬ ફીટ કરતાં વધુ હોવું ન જોઈએ. આ માળખું ઊભું કરવા માટે સંરક્ષણ ખાતું દરેક રાજ્યને એક ટ્રેક્ટર વત્તા તેની સાથે જોડેલું ટ્રેલર ‌વિના મૂલ્‍યે ભાડે આપે છે.

ટેબ્‍લોની ‌ડિઝાઇન જે તે રાજ્ય પોતપોતાની રીતે નક્કી કરી શકે, પણ તેને પાસ યા નાપાસનો શેરો મારવાની સત્તા સંરક્ષણ ખાતાના હાથમાં છે. આથી રાજ્યોએ સપ્‍ટેમ્‍બર મ‌હિનામાં ટેબ્‍લોની સૂ‌ચિત ‌ડિઝાઇનનો પરફેક્ટ સ્‍કેચ સંરક્ષણ ખાતાને મોકલી દેવો રહ્યો. ‌ડિઝાઇનમાં રાજ્યની સંસ્‍કૃ‌તિ, પરંપરા, કલા, પ્રખ્‍યાત સ્‍થળો, મહાનુભાવોની ઝાંખી થતી હોય અને કોઈ પણ પ્રકારના લખાણ ‌વિના પ્રેક્ષક તેને સમજી શકે તેવી સંભાવના હોય તો જ સ્‍કેચને લીલી ઝંડી મળી શકે. સ્‍કેચને માન્‍યતા મળ્યા બાદ રાજ્ય સરકારે તદનુસાર મોડલ બનાવીને નવી ‌દિલ્‍લી મોકલવું પડે.

ત્રીજી વાત, ટેબ્‍લોનું ‌નિર્માણ એવી રીતે કરવું પડે કે જેથી ટ્રેક્ટર વત્તા ટ્રેલર ‌ડિઝાઇનની અંદર ઓતપ્રોત થઈ જાય. ટેબ્‍લોની શોભાયાત્રા આગળ વધે તેમ તેની ચારેય તરફ રાજ્યના પારંપ‌રિક પ‌રિધાન ધારણ કરેલાં નૃત્‍યકારો-સંગીતકારો પોતાની કળાનું પ્રદર્શન કરે તે જરૂરી છે. આ માટે રાજ્ય સરકારે ઉમદા કલાકારો પસંદ કરી તેમના નૃત્‍ય-સંગીતનો ‌વિ‌ડિઓ બનાવીને સંરક્ષણ ખાતાને પહેલેથી મોકલી દેવો પડે, કેમ કે આવા પ્રદર્શનમાં દેશની સાંસ્કૃતિક ગરિમા જળવાય તે અ‌નિવાર્ય છે. આ બધાં અને આવાં તો બીજાં ઘણાં બધાં ચાળણાંમાંથી પસાર થયા પછી જ રાજ્યો તેમનાં ટેબ્‍લોને પ્રજાસત્તાક ‌દિનની પરેડમાં ઉતારી શકે છે.

■■■

વળી પાછા આવી જાવ ‌વિજય ચોકમાં કે જ્યાં આયુધોના ખટારા સાથે અવનવાં ટેબ્‍લો પણ આવી ચૂક્યાં છે. દબદબાભરી પરેડ શરૂ થવામાં ઝાઝી વાર નથી, એટલે ‌કર્તવ્‍ય પથની બેઉ તરફ હજારો પ્રેક્ષકોએ સ્‍થાન ગ્રહણ કરી લીધું છે. ‌શિયાળાની કડકડતી ઠંડી વચ્‍ચે પણ શરીરમાં રાષ્‍ટ્રપ્રેમની ઉષ્‍મા ભરી દેનાર લશ્‍કરી પરેડ ક્યારે શરૂ થાય તેની આતુરતામાં સૌની નજર ‌રાષ્‍ટ્રપ‌તિ ભવન તરફ મંડાયેલી છે. સાંભળો! સાંભળો! રાય‌સિના ‌હિલ નામની ટેકરી પાછળથી બાસ ડ્રમ, સ્‍નેર ડ્રમ, ટ્રમ્‍પેટ, ટ્રોમ્‍બોન, ફ્રેન્‍ચ હોર્ન, બ્યૂગલ, બેગપાઇપર જેવાં વા‌જિંત્રોની મધુર સૂરાવ‌લિ શરૂ થઈ ચૂકી છે. ખુશ્‍કીદળ, નૌકાદળ, હવાઈદળ, સીમા સુરક્ષા દળ તથા પુ‌લિસ દળનાં બેન્‍ડ છેલ્‍લી છેલ્‍લી વારનું ‌રિહર્સલ કરી રહ્યા છે.

આ તરફ, રાષ્‍ટ્રપ‌તિ ભવનના પ્રાંગણમાં અશ્વારોહી અંગરક્ષકો બે સમાંતર હરોળ રચીને તૈયાર છે. રાષ્‍ટ્રપ‌તિએ તેમની ઐ‌તિહા‌સિક બગીમાં સ્‍થાન ગ્રહણ કરી લીધું છે, એટલે હવે તેમની શાહી સવારી ઇ‌ન્‍ડિયા ગેટ તરફ નીકળી ચૂકી છે. રાષ્‍ટ્રગીત સાથે ધ્‍વજવંદનની ‌વિ‌ધિ સંપન્‍ન થાય એટલી જ વાર! ભારતીય લશ્‍કરના, સીમા સુરક્ષા દળના તથા પુ‌લિસ ફોર્સના શૂરવીરો કર્તવ્‍ય પથ પર રોફભેર કૂચ શરૂ કરી દેશે. શરીરમાં શેર લોહી વધારી દેતું, હૃદયને રાષ્‍ટ્રપ્રેમથી ગદગ‌દિત કરી દેતું અને મનમાં શૌર્યનો ભાવ જગાડતું એ દૃશ્‍ય જોતી વેળા આપણને ભાગ્‍યે જ કલ્‍પના હોય કે ૧૦૦ ટકા પરફેક્ટ પરેડ કરવા પાછળ દરેક સૈ‌નિકે પ્રે‌ક્ટિસ માટે વીતાવેલો કુલ સમય ૬૦૦ કલાકથી ઓછો હોતો નથી. અહીં તેમના પ‌રિશ્રમનું જે વર્ણન કર્યું તે દૈ‌નિક ધોરણે લાગુ પડે છે.

આ છે પ્રજાસત્તાક પરેડની સફળતાના પાછળની વાસ્‍ત‌વિકતા, જેના પ્રત્‍યે આપણું ધ્‍યાન જતું નથી. ન જવાનું કારણ એ શૂરવીરોની ‌ફિલસૂફી છે, જે કહે છે કે मेहनत इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे.■


Google NewsGoogle News