પ્રેમરોગી, હત્યારી મેરી બ્લાન્ડીનું ભૂત બ્રિટનમાં અનેક સ્થળે ભટકતું જોવા મળે છે
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- 'તમને ઇસ્ટર સોમવાર, ૬ એપ્રિલ ૧૭૫૨ના રોજ ઓક્સફર્ડ કેસલ જેલની બહાર તમને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. તે પછી તમે ભૂત બનેલા છો.'
ભૂ ત પ્રેતના પરચાની ઘટનાઓ દિલચસ્પ અને વિસ્મયકારી હોય છે. ઇ.સ. ૧૯૬૯માં ગ્રેટ બ્રિટનના ઓક્ષફર્ડશાયરમાં આવેલા કાલ્ટન થિયેટરમાં વિખ્યાત લેખક જોન મોર્ગનનું નાટક હેન્ગિંગ વુડ ભજવવાની તૈયારીઓ થઇ રહી હતી. એનું રિહર્સલ થોડા દિવસ પહેલાં શરૂ થઇ ગયું હતું. મેરી બ્લાન્ડી (Mary Blandy) નામની ૩૨ વર્ષની ધનવાન બનવાના ખ્વાબ જોતી, ગરીબ પ્રેમરોગી છોકરી (Poor lovesick girl) એ તેના પિતા ફ્રાન્સિસ બ્લાન્ડીને આર્સેનિક જેવું ઝેર ખવડાવીને મારી નાંખ્યાહતા. તેણે એવું જણાવ્યું હતું કે એને લાગ્યું કે આર્સેનિક એક પ્રેમ ઔષધિ છે જે ખવડાવવાથી તેના પિતા તેના લગ્ન વિલિયમ હેનરી ક્રેન્સટોન સાથે કરાવી દેશે. પોતાની મુરાદ પૂરી કરવાના હેતુથી મેરીએ તેના પિતાને સ્લો પોઇઝન આપવાનું ચાલુ કર્યું તું. પાછળથી તેનો અપરાધ પકડાતાં તેને ૬ એપ્રિલ ૧૭૫૨ના રોજ ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવી હતી. અઢારમી સદીની આ વિખ્યાત સત્ય ઘટનાના આધારે એ નાટક લખવામાં આવ્યું હતું.
નાટકનું રિહર્સલ ચાલુ થયું એ સાથે તે સ્થળે ચિત્રવિચિત્ર ઘટનાઓ બનવા માંડી. કૉલની છતના એક ખૂણે લટકાવવામાં આવેલું એક મોટું દર્પણ અકારણ નીચે પછડાયું અને તેના અનેક ટુકડા થઇ ગયા. હોલની લાઇટ પણ સતત ચાલુ બંધ, ચાલુ બંધ થવા લાગી. એ રીતે તેના બારી બારણાં પણ આપમેળે ઉઘાડવાસ થવા લાગ્યા. આવી વિચિત્ર ઘટનાઓથી નાટકના કલાકારો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું વિચારી રહ્યા હતા. તેમણે ફરી રિહર્સલ ચાલુ કર્યું. જ્યાં મેરી બ્લાન્ડીની વાત આવી ત્યાં પડદાની પાછળથી કંઇક અવાજ આવ્યો. બધાનું ધ્યાન ત્યાં ગયું તો તેમણે જોયું કે પડદાની પાછળથી નહીં પણ પડદામાંથી આરપાર બહાર નીકળીને એક પાતળી કાયાવાળી સુંદર યુવતી તેમની તરફ આવી રહી છે. તેણે નજીક આવીને કહ્યું - 'તમે મારું નાટક ભજવી રહ્યા છો એટલે હું એ જોવા આવી છું. હું મેરી બ્લાન્ડી છું. મેં મારા પિતાને પ્રેમ-ઔષધિ માની ઝેર ખવડાવ્યું એ વાતની તમને કેવી રીતે ખબર પડી ? ગણી બાબતો એવી છે જે મારે તમને જણાવવાની છે. તમને તેની ખબર નહીં હોય.' આ પ્રમાણે બોલીને તેણે પોતાનો વૃત્તાંત કહેવા માંડયો...
૧૭૪૬માં મારી મુલાકાત કેપ્ટન વિલિયમ હેનરી ક્રેનસ્ટોન સાથે થઇ. ૧૭૫૧માં અમે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. મારા પિતાને શક પડયો કે કેનસ્ટોને (Cranstoun) સ્કોટલેન્ડની કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા છે અને તેના થકી તેને એક સંતાન પણ છે. જો કે ક્રેનસ્ટોન એનો વિરોધ કરતો રહ્યો કે તે અવિવાહિત છે. ક્રેનસ્ટોને એક પ્રેમ ઔષધિ મોકલી મને કહ્યું કે તારા પિતાના ભોજનમાં આ રોજ થોડી થોડી નાંખજે જેથી તેમના હૃદયમાં મારા માટે પ્રેમ જાગે અને તે આપણા લગ્ન માટે મંજૂરી આપી દે. હું ક્રેનસ્ટોનના પ્રેમમાં એટલી પાગલ હતી કે તે જે કહે તે પ્રમાણે જ હું કરતી હતી. તે ઔષધિ આપ્યા પછી મારા પિતાની તબિયત રોજ રોજ ખરાબ થવા લાગી પણ મેંકોઈ ધ્યાન ના આપ્યું. તેમની હાલત અતિશય ખરાબ થઇ ગઇ ત્યારે એક દિવસ તેમને ડૉક્ટર પાસે લઇ ગઇ પણ તે વખતે બહુ મોડું થઇ ગયું હતું. ડૉક્ટરનું કહેવું હતું કે તે ઔષધિ આર્સેનિક પ્રકારનું ધીમું ઝેર હતું.
તે પછી થોડા દિવસ બાદ મારા પિતાનું મરણ થઇ ગયું. ક્રેનસ્ટોનને પામવા પ્રેમાંધ થઇને મેં જાણી જોઇને મારા પિતાને એ ઝેર ઔષધિ તરીકે આપ્યું હતું એટલે હું ઘર છોડીને ભાગી ગઈ. હું લિટલ એન્જલ પબમાં રહેવા લાગી. પણ ત્યાં મારી ઓળખ થઇ ગઈ. મેન ૬ એપ્રિલ ૧૯૫૨ના રોજ ફાંસી આપવાનું ફરમાન થયું હતું. હું ફાંસીના માંચડા પાસે ઊભી હતી એટલું મને યાદ છે. પછીનું મને યાદ કંઇ નથી. પણ હું એવું અનુભવી રહી છું કે જીવતી છું. અત્યારે તમે મને જોઈ જ શકો છો ને ! ક્રેનસ્ટોને છેતરપિંડી કરી અને દગો કર્યો એનું પરિણામ એને તરત જ ભોગવવું પડયું. આ ઘટના બની એના ૯ મહિના પછી તેને આંતરડાનો કોઈ રોગ વિચિત્ર રીતે ઉત્પન્ન થયો અને મારા પિતા ફ્રાન્સિસની જેમ તેનું પણ મરણ થઇ ગયું.
મેરી બ્લાન્ડી તે બધાને કહેવા લાગી - તમે મારી સામે આમ વિચિત્ર નજરે કેમ જોઈ રહ્ય છો ? તેમણે કોઈ જવાબ ના આપ્યો. પછી તેણે કહ્યું - 'હું અહીં ઊભી રહીને આ નાટક પૂરું જોઇં તો તમને વાંધો નથી ને ?' કોઇએ તેનો વિરોધ ના કર્યો.
જ્યારે તેને ફાંસી આપવાની વાત આવી ત્યારે તેણે કહ્યું - 'ના, હું નથી માનતી કે મારું મરણ થયું હોય. મને છોડી દેવાઈ હશે. હું જીવતી છું. એટલે જ તો તમારી સામે ઊભી છું !' એક કલાકારે હિંમત કરીને કહ્યું - 'તમે જીવતા નથી. તમે તો મેરીનું ભૂત છો.' તેણે કહ્યું - 'ના, ના, હું તો મરી જ નથી. જીવતી જ છું.' પેલા કલાકારે કહ્યું - 'કેમ, એટલીયે ખબર નહીં હોય ? અત્યારે ૧૭૫૨ની સાલ ચાલી રહી છે.' પેલા કલાકારે કહ્યું 'ના, તમારી ભૂલ થાય છે. અત્યારે તો ૧૯૬૯ની સાલ ચાલી રહી છે. તમને ઇસ્ટર સોમવાર, ૬ એપ્રિલ ૧૭૫૨ના રોજ ઓક્સફર્ડ કેસલ જેલની બહાર તમને ફાંસીએ લટકાવી દેવામાં આ હતા. તે પછી તમે ભૂત બનેલા છો.' મેરી અવિશ્વાસની દ્રષ્ટિએ તેની સામે જોતી રહી. નાટકના અન્ય કલાકારોએ એની વાતને અનુમોદન આપ્યું કે એની વાત સાચી છે. તમે જીવતી વ્યક્તિ નથી, મેરીનું ભૂત જ છો. મેરી ઉદાસ બની ગઈ. તે કોઈ ઊંડા વિચારમાં સરી પડી હોય તેવું લાગ્યું. પછી તે ત્યાંથી અદ્રશ્ય થઇ ગઈ.
મેરી બ્લાન્ડીને તેના માતા-પિતાની કબરો વચ્ચે હેન્લે પેરિશ ચર્ચના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. જો કે અત્યારે તેની કબર જોવા મળતી નથી. જો કે તેનું ભૂત લિટલ એન્જલ પબ જ્યાં તે તેના જીવનના છેલ્લા દિવસો દરમિયાન રહી હતી ત્યાં અને તેને ફાંસી અપાઈ તે ઓક્ષ્ફર્ડ કેસલ જેલની આસપાસના વિસ્તારમાં ભટકતું જોવા મળે છે. ઓક્ષ્ફર્ડ કેસલ જેલની જગ્યાએ અત્યારે વેસ્ટફોર્ડ શોપિંગ સેન્ટર બનેલું છે.
સ્કોટિશ કાયદાશાસ્ત્રી અને સાચા ક્રાઈમ કિસ્સાઓના લેખક વિલિયમ રફહેડ (William Roughead) દ્વારા મેરીના કિસ્સનું પરીક્ષણ 'ધ ટ્રાયલ ઑફ મેરી બ્લાન્ડી' નામથી ૧૯૧૪માં કરાયું હતું. તેમાં વિલિયમે એવો નિષ્કર્ષ આપ્યો હતો કે મેરીએ જાણી જોઇને, સમજી વિચારીને (Delibarately) તેના પિતાની હત્યા કરી હતી. ૧૯૫૦માં જોન મોર્ગન (Joan Morgan) દ્વારા ‘‘The Hanging Wood’’ નામની નવલકથા લખાઈ હતી જેનું નાટય રૂપાંતરણ પણ થયું હતું. તેની એક ભજવણીના રિહર્સલ વખતે મેરી બ્લાન્ડીનું ભૂત પ્રગટ થયું હતું.