Get The App

પ્રજાસત્તાક ભારતના 75 વર્ષ પૂર્ણ થયા

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
પ્રજાસત્તાક ભારતના 75 વર્ષ પૂર્ણ થયા 1 - image


- ડો.બાબા સાહેબ આંબેડકરે જે ભય વ્યક્ત કર્યો હતો તે આજે પણ પ્રસ્તુત છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- 26 જાન્યુઆરી એટલે પરંપરાગત પરેડ કે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ ભાષણ જ નહીં. નેતાઓ દ્વારા સંવિધાન જેટલું  મહત્વ નાગરિકો માટે કેળવાય તે પણ અતિ આવશ્યક છે. નાગરિકો વચ્ચે પણ  પરસ્પર  સમદ્રષ્ટિ, સંવેદના અને સન્માનની ભાવના પ્રવર્તે તો જ એક આદર્શ દેશ નિર્માણ પામી શકશે.

- 80000 શબ્દોના બંધારણને ઘડતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. કમિટીમાં તમામ વર્ગના મહાનુભાવોને સ્થાન અપાયું હતું

ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ પડતાં જ ''બંધારણના ઘડવૈયા'' તેવો ગોખેલ શબ્દ આવી જ જાય. પણ પ્રજાસત્તાક દિન એટલે તેમના પ્રદાનની નીપજ સમાન બંધારણ અને પ્રજાસત્તાક એટલે શું, તેમાં સમાવિષ્ટ બાબતો, દ્રષ્ટિની જાણકારી અંગે દેશના નાગરિકો ખાસ જાગ્રત નથી.

આપણને પાયાના હક્કો આપીને રાજકીય પક્ષો મત માગે છે. નાગરિકોને મૂળભૂત હક્કો પ્રાપ્ત થાય તો પણ જાણે ઉપકાર કર્યો હોય તેમ જશ લેવાતો હોય છે. ખરેખર તો બંધારણ અન્વયે આ હક્કો તો નાગરિકને મળવા જ જોઇએ. સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા, કોલેજો, હોસ્પિટલની ગુણવત્તા પશ્ચિમના દેશોની જેમ તમામ આર્થિક વર્ગના નાગરિકો તેની સેવા લઇ શકે તેવી માનવ ગૌરવને શોભે તેવી આપણા દેશમાં છે ખરી ? જાહેર સાહસો અને સેવાઓ પણ અમાનવીય રીતે ઈરાદાપૂર્વક ખાડે લઇ જવાઇ છે, જેથી કોર્પોરેટ જાયન્ટ્સ અને ખાનગી કંપનીઓ તમામ સ્તરે ધંધો કરી શકે. બંધારણ અંતર્ગત આપણી ફરજો પણ છે.

આપણા દેશમાં પશ્ચિમના દેશો જેવી સિસ્ટમ નથી. તેનું કારણ જ નાગરિકોને આત્મગૌરવ જળવાય તેવા હક્કો કે ફરજોની સભાનતા નથી તે છે. નાગરિકોના હક્કનું કડક અમલીકરણ પણ નથી થતું કેમ કે ભ્રષ્ટાચાર થકી કે શ્રીમંતો  અને રાજકારણીઓની વગથી જ નોકરી, ધંધા અને તમામ કામો આસાનીથી શક્ય બને છે. સામાન્ય નાગરિકોને તો હાલાકી અને જાકારો કે હડધૂત વર્તુણકનો જ સામનો કરવો પડે છે. એકંદરે એમ કહી શકાય કે નાગરિકોનું આત્મસન્માન જળવાતું નથી અને એજન્ટ કે કટકી  પ્રથા હજુ નાબૂદ નથી થઈ.

પ્રત્યેક ચૂંટણીમાં અપાતા વચનો અને ઢંઢેરા તો આપણા મૂળભૂત અધિકારો છે. 

હવે બંધારણની ઘડતર પ્રક્રિયા વિશે થોડી માહિતી જાણીએ.  ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયા તે પછી પણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધી આપણા દેશનો વહીવટ ૧૯૩૫માં ઘડવામાં આવેલા ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ અંતર્ગત ચાલતો રહ્યો.

આપણા નવરચિત બંધારણને દેશના પ્રતિનિધિઓએ (વિધાન પરિષદ) ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ મંજૂરી આપી દીધી હતી. આમ છતાં ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસે આઝાદીના લડવૈયાઓએ પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞાા લીધી હતી.આ તારીખ કાયમ માટે યાદ રહે તેથી પ્રજાસતાક દિન ૨૬ જાન્યુઆરીએ જાહેર થાય તેની રાહ જોવાઇ હતી.

બંધારણમાં ન્યાય, સમાનતા અને વૈચારિક સ્વાતંત્ર્ય જેવી ત્રણ બાબતોને પાયામાં રાખવામાં આવી છે. ભારત દેશને બંધારણની દ્રષ્ટિએ સાર્વભૌમ અને લોકશાહી - ગણતંત્ર તરીકેના દાયરામાં મૂકવામાં આવ્યો હતો. પણ ૧૯૭૬ના સુધારા અંતર્ગત તેમાં બિનસાંપ્રદાયિક અને સમાજવાદી જેવી લાક્ષણિકતાઓ પર સવિશેષ ધ્યાન અપાશે તે ઉમેરાયું.

ભારતનું બંધારણ વિશ્વનું સૌથી દળદાર, ઊંડાણભર્યું અને વિસ્તૃત છે. બંધારણના ૨૨ વિભાગમાં ૩૯૫ આર્ટિકલ્સ અને ૮ શેડયુલ્સ હતા. તેમાં સમયાંતરે ઉમેરા કે સુધારા થતા રહ્યા છે. ૮૦,૦૦૦ શબ્દોના બંધારણને ઘડતા બે વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.

ભારત આઝાદ થયું તે પછી પ્રથમ ચૂંટણી થઇ ત્યાં સુધીના સાડા ત્રણ વર્ષ સુધી ઈન્ડિયન કોંગ્રેસે ૩૦ સભ્યોની ટીમ બનાવી. તેઓએ જવાબદારી વહેંચીને દેશનું શાસન કર્યું અને ભારતના પ્રજાસત્તાક બંધારણ ઘડવા માટેની સમિતિને બહાલી આપી. ભારતની વિધાન પરિષદની યાદી પણ જાણી લો.

નહેરુ, ડો. આંબેડકર, સરદાર પટેલ, સંજય ફક્રે, રાજગોપાલાચારીજી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુન્શી, માવલંકર, સંદિપકુમાર પટેલ (આ મહાનુભાવની વધુ જાણકારી સંશોધકે મેળવવી જોઇએ) મૌલાના આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, નલિની રંજન ઘોષ, બળવંતરાય મહેતા, ક્રિષ્નામૂર્તિ ઐયર, બેનેગલ નારસિંગ, પ્રો. કે.ટી. શાહ જેવા પ્રભાવી નેતાઓ તો હતા જ પણ પ્રત્યેક વર્ગના પ્રતિનિધિને પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ફ્રેન્ક એન્થોની એંગ્લો ઈન્ડિયન જૂથના, એમ.પી. મોદી પારસીઓના, હરેન્દ્રકુમાર મુખર્જી લઘુમતી ખ્રિસ્તીના, અરિ બહાદુર ગુરૃંગ ગુરખાઓના પ્રતિનિધિ તરીકે સામેલ થયા. તે વખતે મહિલાઓના દરજ્જા પર વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું હતું,. સરોજિની નાયડુ, હંસા મહેતા, દુર્ગાબાઇ દેશમુખ, રાજકુમારી અમિત કૌર અને વિજયાલક્ષ્મી પંડિત જેવી વિદુષીઓને ટીમમાં સામેલ કરાઇ હતી.

આઝાદીના કાઉન્ટ ડાઉનનું વાતાવરણ સર્જાયું તે સાથે જ આ પરિષદની રચના ડિસેમ્બર, ૧૯૪૬થી આકાર પામતી હતી. મહાત્મા ગાંધીને આઝાદીમાં જ અને ત્યાં સુધીની યોજનામાં જ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં રસ હતો. આથી જ તેઓ વિધાન પરિષદ (કોન્સ્ટિટયુન્ટ એસેમ્બલી)માં રસ કે સ્થાન નહોતા ધરાવતા.

બે દિવસ માટે પરિષદ મળી તે પૂરતા પ્રમુખ તરીકે ડો. સિંહા જાહેર થયા. તે પછીથી ડો. રાજેન્દ્રપ્રસાદની નિમણૂક થઈ. આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ તેઓ જ બન્યા આઝાદીના આગલા દિવસથી એટલે કે ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશના વહીવટ અને સુશાસન માટે જુદી જુદી કમિટીઓ બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ હતી. ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટેની કમિટીની રચનાને આખરી સ્વરૂપ અપાયું હતું. તેના ચેરમેન તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર નિયુક્ત કરાયા હતા. તેમની સાથે છ સભ્યો ફાળવવામાં આવ્યા.

જેમાં પંડિત ગોવિંદ વલ્લભ પંત, કનૈયાલાલ મુન્શી (ભૂતપૂર્વ ગૃહપ્રધાન બોમ્બે), આલાદી ક્રિષ્નાસ્વામી ઐયર (ભૂતપૂર્વ એડવોકેટ જનરલ - મદ્રાસ), એન ગોપાલસ્વામી આયંગર (કાશ્મીરના ભૂતપૂર્વ વડાપ્રધાન), બી.એલ. મિત્તર (ભૂતપૂર્વ એડવોકેટ જનરલ - બ્રિટિશ શાસિત ભારત), એમ.ડી. સાદુલ્લાહ (આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મુસ્લિમ લીગના સભ્ય) અને ડી.પી. ખેતાને (ઉદ્યોગપતિ અને ધારાશાસ્ત્રી) જોરદાર ટીમવર્કની ભાવના બતાવી મેરેથોન, લાજવાબ બંધારણ ઘડી કાઢયું. બંધારણની ટીમના સલાહકાર તરીકે સર બેનેગલ નારસિંગ રાઉ હતા. તેઓ ૧૯૫૦થી ૧૯૫૪ દરમ્યાન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય જજ તરીકે નિયુક્ત થયા હતા.તેના પરથી તેમની દ્રષ્ટિનો કેવો લાભ મળ્યો હશે તે સમજી શકાય તેમ છે. મહારાજા ઓફ વડોદરાના કાયદાકીય સલાહકાર માધવરાવ, ટી.ટી. ક્રિષ્નાચારીએ પણ યોગદાન આપ્યું. બે વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસના સમયગાળામાં ૧૬૬ દિવસ દરમ્યાન તેઓ અને વિધાન પરિષદના સભ્યો બંધારણ માટે રોજ મળતા. જુદા જુદા ૨૦૦૦ સુધારા-સૂચનો થતા રહ્યા. નાગરિકો પણ તેમની રીતે મંતવ્યો આપી શકયા હતાં.

બંધારણની મુખ્ય કલમો ખૂબ જ મરોડદાર કલાત્મક હાથ વડે લખાયેલા અક્ષરોની બનાવાઈ. જે માટે કલકત્તાના શાંતિનિકેતનથી ખાસ લહિયાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર વિધાન પરિષદનો આઝાદીની પ્રથમ ચૂંટણી સુધીનો વહીવટી તેમજ પગાર વગેરેનો કુલ ખર્ચ રૃા. એક કરોડ થયો હતો. 

બ્રિટિશ, અમેરિકન, કેનેડા, આઈલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના બંધારણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ભારતનું બંધારણ ઘડાયું છે.

આમ, ભારતનું બંધારણ અને ન્યાયીક કલમો તો બુલંદ છે પણ તેના અમલીકરણની દાનત વર્ષોત્તર રાજકારણીઓમાં જોવા નથી મળતી. નાગરિકો ફરજ કે હક્કો અંગે જાગ્રત નથી અથવા તો તેઓ લાચાર છે.

આપણે આપણી આઝાદી અને ભાગલા વિશે જાણીએ છીએ તેટલી ૨૬મી જાન્યુઆરીની મહત્તા પરત્વે ઉત્સુક નથી.

.. અને ડો.બાબાસાહેબે બંધારણના ઘડતર બાદ આજે પણ જે પ્રસ્તુત છે તેવી  ચિંતા અને ચેતવણી આપી હતી તે અંગે જાણીએ. તેમણે સંબોધન કર્યું હતું કે ''હું માનું છું કે અમે બનાવેલું બંધારણ વ્યવહારૂ, સમતોલ અને દિર્ઘકાલીન અસરકારક રીતે અમલમાં રહી જ શકે તેવું છે. આ બંધારણ પરિવર્તનશીલ પણ છે અને દેશને શાંતિ કે યુધ્ધ બંને સમયમાં ટટ્ટાર રાખી શકવા સક્ષમ છે. હા, હું એટલું કહી શકીશ કે નવુ બંધારણ નિષ્ફળ નીવડે તો તેનું કારણ એ નહીં હોય કે આપણું બંધારણ બરાબર રીતે નહતું ઘડાયું પણ દેશના નાગરિકોમાં ( રાજકરણીઓ અને જુદી જુદી ફરજ નિભાવતા આખરે તો નાગરિકો જ હોય છે ને)  તેને પાલન કરવાની વૃત્તિ ન્હોતી. તેનામાં છળ કપટ રહેલું હશે.તેમ માનવાનું રહેશે.''

''ભલે આ ભારત દેશનું બંધારણ કહેવાતુ હોય પણ વિશ્વમાં ભારતીયોનો કોઈ દેશ હોય તેમ હું નથી માનતો. હજુ તેવા ભારતનું નિર્માણ કરવાનું આપણે બાકી છે. જો આપણે એવું માનતા હોઈએ કે આપણે એક રાષ્ટ્ર છીએ તો તે આપણો ભ્રમ હોઈ શકે. જે દેશ હજારો જાતિઓમાં વહેંચાયેલો હોય તેને એક રાષ્ટ્ર કઇ રીતે કહી શકાય ? જેટલું આપણે ઝડપથી સમજીશું કે આપણે સામાજિક કે માનસિક રીતે એક રાષ્ટ્ર નથી તેટલું આપણા માટે સારૂ રહેશે.''

''ભારતને આઝાદી મળી તે અભૂતપૂર્વ આનંદની વાત છે. પણ એ ન ભૂલવું જોઇએ કે આઝાદી મળ્યા પછી આપણા પર બહુ મોટી જવાબદારી આવી પડી છે. હવે દેશમાં જે પણ કંઇક ખરાબ થઇ રહ્યું છે તે માટે બ્રિટિશરોને જવાબદાર નહીં ઠેરવી શકાય. આપણે જ તે માટે જવાબદારી લેવી પડશે. સમય જે ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે તે જોતા કંઇક ખોટુ થવાનો ભય વધતો જ જવાનો.''

૨૬ જાન્યુઆરી એટલે પરંપરાગત પરેડ કે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ ભાષણ જ નહીં. નેતાઓ દ્વારા સંવિધાન જેટલું  મહત્વ નાગરિકો માટે કેળવાય તે પણ અતિ આવશ્યક છે. નાગરિકો વચ્ચે પણ  પરસ્પર  સમદ્રષ્ટિ, સંવેદના અને સન્માનની ભાવના પ્રવર્તે તો જ એક આદર્શ દેશ નિર્માણ પામી શકશે. જોગાનુજોગ બંધારણના ૭૫ વર્ષ પણ આ સાથે પૂર્ણ થાય છે.અને આ જ અરસાની ચુંટણીઓ દરમ્યાન બંધારણ ખુદ ચુનાવી મુદ્દો બન્યું હતું. 


Google NewsGoogle News