સ્કિન ટાઇટ જિન્સથી સાવધાન .
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- સંશોધન પ્રમાણે અત્યંત ટાઇટ ફિટિંગ ધરાવતું જિન્સ ત્વચા માટે તેમજ પગના ચેતાતંત્ર માટે અત્યંત જોખમી છે
સ મયની સાથેસાથે ફેશનની દુનિયામાં પણ ફેરફાર થતો રહે છે, પણ સ્કિન ટાઇટ જિન્સની ફેશન સદાબહાર છે. સ્કિન ટાઇટ જિન્સમાં એને પહેરનાર વ્યક્તિનું શરીર સોષ્ઠવ સારી રીતે પ્રદર્શિત થઈ શકતું હોવાને કારણે એ યુવતિઓની સાથેસાથે યુવાનોની પણ પહેલી પસંદગી બની શક્યું છે. જોકે ફેશનની દ્રષ્ટિએ પર્ફેક્ટ લાગતું ટાઇટ જિન્સ કેટલાક સંજોગોમાં ભારે અગવડદાયક અને તંદુરસ્તી માટે તો અત્યંત ભયજનક હોવાનું બહાર આવ્યું છે.
પહેલાં સ્કિન ટાઇટ જિન્સ પહેરવાનો ટ્રેન્ડ માત્ર મુંબઈ અને અમદાવાદ જેવા મહાનગરોમાં જ જોવા મળતો હતો, પણ હવે તો ભાવનગર અને રાજકોટ જેવા શહેરોમાં પણ માનુનીઓ મોજથી ટાઇટ જિન્સ ચડાવીને મહાલતી જોવા મળે છે. હવે તો વડીલો સામે પણ જિન્સ પહેરવાનો કોઈ છોછ નથી રહ્યો એટલે સામાજિક પ્રસંગો અને મેળાવડાઓમાં પણ જિન્સે પગપેસારો કરી દીધો છે. જોકે સામાજિક પ્રસંગોમાં પણ પરંપરાગત વસ્ત્રોને બદલે જિન્સ પહેરીને રૂઆબ છાંટતી યુવતિની સ્થિતિ જ્યારે ભારતીય પરંપરા પ્રમાણે નીચે પંગતમાં બેસીને જમવું પડે ત્યારે ખરાબ થઈ જાય છે. સ્કિન ટાઇટ જિન્સને કારણે તે બે મિનીટ પણ પલાંઠી વાળીને બેસી નથી શકતી અને તેણે કમને ભુખ્યું રહેવું પડે છે. આમ, જિન્સ સુંદરતામાં વધારો કરે છે, પણ દરેક જગ્યાએ માત્ર એ જ પહેરવાનો આગ્રહ ક્યારેક મુસીબતમાં વધારો કરી દે છે.
આ તો થઈ સ્લિમ અને સેક્સી લુક આપતા જિન્સને અયોગ્ય પ્રસંગે પહેરવાથી ઉભી થતી અડચણની વાત, પણ તાજેતરમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે અત્યંત ટાઇટ ફિટિંગ ધરાવતું જિન્સ સ્વાસ્થ્યને બહુ નુકસાન પહોંચાડે છે. ત્વચા નિષ્ણાંતોનું માનવું છે કે લાંબા સમય સુધી સ્કિન ટાઇટ જિન્સ પહેરી રાખવાથી જે પરસેવો થાય છે એ શોષાઈ શકતો નથી અને ત્વચાને લગતી જાતજાતની સમસ્યાઓ ઉભી થઈ જાય છે. ચેતાતંત્ર નિષ્ણાંતોના મત પ્રમાણે સ્કિન ટાઇટ જિન્સ પહેરી રાખવાથી પગની ચેતાઓ બધિર થઈ જાય છે જેની સીધી અસર ત્વચાની સંવેદનશીલતા પર પડે છે. જો સતત ટાઇટ જિન્સ પહેરી રાખવામાં આવે તો એનાથી શું નુકસાન થઈ શકે એ વાતનો પરચો તાજેતરમાં અમદાવાદની ફોરમ પરીખને થઈ ગયો. બે મહિના પહેલાં ફોરમ પોતાના મિત્રો સાથે બહાર જમવા ગઈ. રેસ્ટોરાંમાં તેને એકાએક પગમાં ઝણઝણાટી થવા લાગી. પહેલાં તો તેણે ખાસ ધ્યાન ન આપ્યું, પણ તે જ્યારે જમીને ઉભી થઈ ત્યારે તેને લાગ્યું કે જાણે તેના પગ જ નથી અને તે હવામાં તરી રહી છે. સતત બે દિવસ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી તેણે જ્યારે ડોક્ટરને બતાવ્યું ત્યારે ડોક્ટરે જણાવ્યું કે સતત ટાઇટ જિન્સ પહેરવાને કારણે તેના પગની ચેતાને નુકસાન પહોંચ્યું છે અને તેના પગની સંવેદનશીલતા હણાઈ ગઈ છે. આશરે બે મહિનાની સારવાર પછી હવે તેની હાલત સુધારા પર છે.
***
આ સમસ્યા ટેમ્પરરી જ હોય છે. જોકે એને સાવ જ ખાલી ચડવા જેટલી નોર્મલ માનીને અવગણી શકાય એમ નથી. આ તકલીફમાં ઘણી વાર અચાનક જ ચાલતાં-ચાલતાં સંવેદના સાવ જતી રહે એવું પણ બની શકે છે. દાદરા ચડતી વખતે, રોડ ક્રોસ કરતી વખતે કે ચઢાણ ચડવાનું આવે ત્યારે અચાનક જ સંવેદના બંધ થઈ જવાથી પડવાના કિસ્સા વધી જાય છે. આવા સમયે હાડકાં નબળાં હોય તો પડવાને કારણે ફ્રેક્ચર જેવું પણ જાય, મચકોડ આવી શકે અને ભરચક વિસ્તારમાં રોડ પર ચાલતા હો તો એક્સિડન્ટનું જોખમ પણ ખરું.
આ પ્રકારની સ્થિતિ પાછળના કારણોની છણાવટ કરતા નિષ્ણાંતો કહે છે કે '' સ્કિન ટાઇટ જિન્સને કારણે ચેતાતંત્ર કામચલાઉ ધોરણે ખોરવાઈ જાય છે. આ સ્થિતિને 'ટિંગલિંગ થાઇ સિન્ડ્રોમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પગની ચેતા પર સ્કિન ટાઇટ જિન્સ પહેરવાને કારણે દબાણ થતું હોય છે અને આ દબાણને કારણે પગમાં ઝણઝણાટી અથવા તો બળતરાનો અનુભવ થાય છે. પગમાંથી પસાર થતી આ ચેતા કોઈ સ્નાયુઓને જોડતી સામાન્ય ચેતા નથી, પણ સંપૂર્ણપણે ચેતાતંત્ર સાથે સંકળાયેલી છે. કેટલાક લોકોમાં આ ચેતા બહુ મજબુત હોય છે, પણ કેટલાક લોકોમાં તે ટાઇટ જિન્સનું દબાણ પણ સહન ન કરી શકે એટલી સંવેદનશીલ હોય છે, આમ, સુંદર દેખાવા માટે ટાઇટ જિન્સ કે ચેતાઓ પર દબાણ કરતા ઉંચી એડીના સેન્ડલ પહેરવાની ગમે તેટલી ઇચ્છા થતી હોય, પણ આમ કરવાથી તંદુરસ્તી માટે મોટો ખતરો ઉભો થતો હોવાથી આ ખતરનાક અખતરાઓથી દૂર રહેવામાં જ સમજદારી છે.''
આમ તો છેલ્લા અનેક વર્ષથી મહિલાઓ તેમ જ પુરુષોમાં ચુસ્ત જિન્સ પહેરવાની ફેશન અકબંધ રહી છે. કવચિત ખુલતી ડેનિમ પહેરવાનો ટ્રેન્ડ આવે તોય તે ઝાઝો ટકતો નથી. ફેશન નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે ત્વચાને ચોંટી જાય એવી ટાઈટ ફિટિંગ ધરાવતી ડેનિમની ફેશન ક્યારેય પુરાણી નથી થવાની.
નિયમિત રીતે ચુસ્ત ડેનિમ પહેરવાથી થતાં નુકસાન વિશે નિષ્ણાતો કહે છે કે તેને કારણે વેરિકોઝ વેન્સથી લઈને બ્લડ ક્લોટ થવા સુધીની સંખ્યાબંધ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેમાંય આવી જિન્સ મહિલાઓના સ્વાસ્થ્યને વધુ હાનિ પહોંચાડે છે. દિવસભર ચુસ્ત ડેનિમ પહેરી રાખવાથી કમર અને પગમાં રક્ત પરિભ્રમણ ધીમું પડે છે. પરિણામે નસોને મળતો રક્ત પૂરવઠો રુંધાવાથી તેની કામગીરીમાં ખલેલ પડે છે. અને વળી ટાઈટ- ફિટ જિન્સ પગની આસાન હલનચલનને પણ અવરોધે છે. જે છેવટે સાંધાની પીડામાં પરિણમે છે. તદુપરાંત ડેનિમ સતત ત્વચા પર ચુસ્તપણે ચોંટેલી હોવાથી ત્વચાને પૂરતા પ્રમાણમાં હવા (ઓક્સિજન) નથી મળતી. બહેતર છે કે તમે ખુલતી જિન્સ પહેરો. અને તે પણ બહારથી ઘરે પરત ફર્યા પછી તરત જ બદલી લો. બાકી વારંવાર લાંબા કલાકો સુધી આવી ડેનિમ પહેરી રાખવાથી સાથળમાં દુખાવો થવો કે ઝણઝણાટી થવી સ્વાભાવિક છે. તબીબો તેને 'સ્કીની પેન્ટ સિન્ડ્રોમ' કહે છે.
તબીબો ચુસ્ત ડેનિમ સામે સૌથી મોટી ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે તેને કારણે ચેપ લાગવાનું જોખમ વધે છે. આવા ચેપમાંનો એક છે વોલ્વો ડેનિયા. આ પ્રકારના સંક્રમણમાં મહિલાઓના જનનાંગોમાં દર્દ થાય છે અને તેમની પ્રજનન ક્ષમતામાં પણ અવરોધ આવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ જે મહિલાઓ અઠવાડિયામાં ચારથી વધુ વખત ચુસ્ત જિન્સ પહેરે તેમનામાં વોલ્વોડેનિયા થવાનું જોખમ બમણાંથી પણ વધુ રહે છે.
તેઓ વધુમાં કહે છે કે વાત અહીં જ નથી અટકતી. ટાઈટ ફિટ જિન્સ કલાકો સુધી પહેરી રાખવામાં આવે ત્યારે શરીરના નીચેના ભાગમાં રક્ત પરિભ્રમણ રુંધાય છે. જેને પગલે બ્લડ ક્લોટ થવાની સંભાવના રહે છે. છેવટે તેને કારણે કમર અને સાથળની આસપાસ દુખાવો થાય છે. નિષ્ણાતો પુરૂષોને પણ ચુસ્ત ડેનિમ પહેરવા સબબ ચેતવણી આપતાં કહે છે કે આવી જિન્સ તેમની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. તેને કારણે સ્વાસ્થ્ય વિષયક અન્ય સમસ્યાઓ સાથે યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન (યુટીઆઈ) ની તકલીફ પેદા થાય છે. એટલું જ નહીં, નિયમિત રીતે ચુસ્ત ડેનિમ પહેરતાં પુરૂષોને કેન્સર થવાનું અને જનનાંગોને નુકસાન પહોંચવાનું જોખમ પણ રહે છે.
મુંબઈના એક જાણીતા સેક્સોલોજિસ્ટ કહે છે કે સ્કિન-ટાઈટ જીન્સ આજકાલ ફેશન-સ્ટેટમેન્ટ ગણાય છે. જોકે આ ફેશન-પ્રોડક્ટ તમારી સેક્સલાઈફ પર પણ આડકતરી રીતે અસર કરે છે. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં જીન્સ પહેરતા લોકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ટાઈટ જીન્સ ભલે દેખાવમાં રૂડાં લાગે, પરંતુ એ પુરુષોની ફર્ટિલિટી માટે નુકસાનકારક હોય છે. કમસે કમ ગરમીની સીઝનમાં કોટનનાં અને ઢીલાં કપડાં પહેરવાં જ વધારે હિતાવહ છે.
શરીરચના અનુસાર સ્ત્રીઓમાં અંડબીજ શરીરની અંદર આવેલા અવયવોમાં પેદા થાય છે, જ્યારે પુરુષોમાં શુક્રાણુંનું ઉત્પાદન શરીરની બહાર આવેલા વૃષણમાં થાય છે. શુક્રાણુઓ વધુ ગરમીમાં નાશ પામે છે એટલે જ વૃષણનું ટેમ્પરેચર શરીરના નોર્મલ ટેમ્પરેચર કરતાં એકથી બે ડિગ્રી જેટલું ઓછું હોય છે. જીન્સ કે સ્કિન-ટાઈટ જાડાં કપડાં પહેરવાથી વૃષણનું બાહ્ય તાપમાન વધી જાય છે અને એને કારણે શુક્રાણુના ઉત્પાદનમાં પણ કમી આવે છે. આ વાત વૈજ્ઞાાનિક રીતે પુરવાર થઈ ચૂકી છે.
એક અભ્યાસ પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં ભારતીય પુરુષોના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. એ ઉપરાંત આશરે ૨૫ થી ૪૦ વર્ષના ૧૦૦ પુરુષોનો અભ્યાસ કરીને તારવ્યું છે કે શુક્રાણુઓની ઓછી સંખ્યા ધરાવતા ૩૫ ટકા પુરુષોને ટાઈટ જીન્સ પહેરવાની આદત હતી.
જીન્સ ન પહેરવા માટેનું બીજું સૌથી કોમન કારણ પરસેવાનું ગણી શકાય. અન્ય સીઝનની સરખામણીમાં ઉનાળામાં પસીનાનું પ્રમાણ વધારે રહે છે. કૉટન કપડાં પહેરેલાં હોય ત્યારે પરસેવો સરળતાથી ઊડી જાય છે, પરંતુ જ્યારે જીન્સ જેવાં જાડાં અને ટાઈટ કપડાં પહેરેલાં હોય ત્યારે પરસેવો સુકાઈ નથી શકતો. વળી જીન્સની આરપાર હવાની અવરજવર થઈ શકતી ન હોવાથી શરીરની ગરમી પણ બહાર નીકળી નથી શકતી. તમે જીન્સ જેવાં જાડાં અને ટાઈટ કપડાં પહેર્યાં હોય ત્યારે શરીરમાં વધારે ગરમાવો રહે છે. જીન્સ કાઢો ત્યારે સાથળ અને પ્રાઈવેટ પાર્ટ્સ પાસે હાથ ફેરવીને જોશો તો આ વાતની ખાતરી થઈ જશે.
ઉનાળામાં પસીનાની ભીનાશ અને ગરમાવો રહેવાથી જનનાંગો પાસે ફંગલ ઈન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. ઈન્ફેક્શનને કારણે ખણી નાખવાથી એ ભાગની ત્વચા કાળી અને સંવેદનશીલ થઈ જાય છે. પુરુષોમાં ફંગલ ઈન્ફેક્શન હોય તો મોટા ભાગે એનાથી ખંજવાળ સિવાય ખાસ કોઈ લક્ષણો નથી દેખાતાં. સ્ત્રીઓમાં ફંગલ ઈન્ફેક્શનને કારણે વાઈટ ડિસ્ચાર્જની તકલીફ થાય છે. જ્યાં સુધી આ ઈન્ફેક્શન બાહ્ય જનનાંગો સુધી જ સીમિત રહે છે ત્યાં સુધી વાંધો નથી આવતો. ઈન્ફેક્શનની શરૂઆત જ હોય તો એન્ટિ-ફંગલ પાઉડર કે ક્રીમથી એ કાબૂમાં આવી જાય છે, પરંતુ લાંબા સમય સુધી સફેદ પાણી પડવાની તકલીફ રહે તો ઈન્ફેક્શન યોનિમાર્ગની અંદર ગર્ભાશય સુધી પણ પહોંચી શકે છે અને એ ક્યારે ફર્ટિલિટી પર પણ અસર કરે છે.
આ એવું ઈન્ફેક્શન છે જે સેક્સ દરમ્યાન એકબીજા પાર્ટનરને લાગુ પડી શકે છે. એટલે જો યુગલમાંથી એકને ઈન્ફેક્શન થયું હોય તો તેના પાર્ટનરની પણ સાથે જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી હિતાવહ રહે છે.
એક યુરોલોજિસ્ટના જણાવ્યા મુજબ થોડા દિવસ સુધી ધોયા વગરનું ટાઈટ ફિટિંગનું જીન્સ પહેરવાને લીધે તથા અસ્વચ્છ વૉશરૂમ વાપરવાને લીધે મહિલાઓમાં યુરિનરી ટ્રેક્ટ ઈનફેક્શન (યુટીઆઈ)નું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને કોલેજિયન કન્યાઓ યુટીઆઈનો ભોગ બની રહી હોવાનું જાણવા મળ્યુંછે. જો આ અંગે જાગૃતિ લાવવામાં નહીં આવે અને મહિલાઓ આ જ રીતે વર્તતી રહેશે તો કિડની ફેલ્યોરના કેસ વધવાની શંકા શહેરના ગાયનેકૉલૉજિસ્ટો વ્યક્ત કરે છે.
એક તબીબ જણાવે છે કે પુરુષોની તુલનાએ મહિલાઓનો મૂત્રમાર્ગ સાંકડો હોય છે. આથી બેક્ટેરિયા ઝડપથી પ્રસરે છે. વારંવાર યુટીઆઈ થવાને લીધે કિડની ફેઈલ થવાનું જોખમ વધી જાય છે. આથી સમયસર સારવાર કરાવવી જરૂરી છે.
ટાઇટ જીન્સ પહેરીને બેસવા-ઉઠવા અને ચાલવામાં પણ તકલીફ પડતી હોવા છતાં સ્ટાઇલ સ્ટેટમેન્ટના નામે લોકો સ્કિન-ટાઇટ જીન્સ પહેરે છે. જીન્સનું કાપડ પણ ઘણું જાડું, રફ અને ખૂબ ઓછું સ્ટ્રેચેબલ હોવાથી તકલીફો વધે છે. ટાઈટ જિન્સ પહેરવાના જોખમો વિશે જાણ્યું. પરંતુ ડેનિમનો મોહ ઓછો થતો ન હોય તો શું કરવું? આ સવાલનો જવાબ એ છે કે જાડા જીન્સમાં થોડુંક લાયેક્રા મટીરિયલ મિક્સ કરીને તૈયાર કરેલું સ્ટ્રેચેબલ ફેબ્રિક વાપરવું. એનાથી પેઢું અને નિતંબના ભાગ પર ઓછું પ્રેશર આવે છે. બેલ્ટ થોડોક ઢીલો બાંધવો. વજન વધારે હોય તો જીન્સને બદલે જેગિંગ્સ વાપરવું. ચપોચપ જીન્સ દિવસમાં વધુમાં વધુ બેથી ત્રણ કલાક માટે જ પહેરવું.
આટલી કાળજી રાખશો તો જિન્સનું જોખમ ટળી જશે અને ફેશનની મજા માણી શકાશે.