Get The App

અદિતિને પડકાર ગમે! .

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
અદિતિને પડકાર ગમે!                                       . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- ત્રીસ વર્ષની અદિતિ પાટીલે કાયદાનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેને આ કામમાં વધુ રસ છે. તે પોતાના સાથીઓ સાથે મળીને બાળકોને રમતાં રમતાં સીડબૉલ બનાવવાનું શીખવે છે.

વા રંવાર પડતા દુષ્કાળ, અનાવૃષ્ટિ અને પાણીની તીવ્ર અછત માટે મહારાષ્ટ્ર રાજ્યનો મરાઠાવાડ પ્રદેશ જાણીતો છે. લાતૂર જિલ્લાના ઉદગીરમાં રહેતી અદિતિ પાટીલ ૨૦૧૧-૧૨ દરમિયાન અભ્યાસાર્થે પૂણે ગઈ હતી. ત્યાં એક દિવસ 'પૂણે મિરર' અખબારમાં બે વખતને બદલે એક વખત પાણી આપવામાં આવશે એવા સમાચાર વાંચીને પુણેના શાણા નાગરિકોએ વિરોધ દર્શાવ્યો અને કેટલાક રસ્તા પર ઉતરી આવ્યા. આવા સમાચારથી અદિતિ સ્તબ્ધ હતી, કારણ કે તેને આવી કોઈ સિસ્ટમનો ખ્યાલ જ નહોતો, કારણ કે તેમને ત્યાં તો દસ દિવસે એકાદ વખત નળમાં પાણી આવે, તો પણ ઘણું સારું કહેવાય. સદ્ભાગ્ય ગણાય! ક્યારેક વીસ દિવસે તો ક્યારેક ત્રીસ દિવસે પાણી આવતું. આવી પરિસ્થિતિમાં સહુ જીવતા હતા. આના નિવારણ માટે કોઈ કશું કરવા તૈયાર નહોતું તો કેટલાક લોકો એવા પણ હતા કે જેમને સતત ચિંતા સતાવતી હતી, કારણ કે ૨૦૧૬માં લાતૂર જિલ્લામાં ભયાનક દુષ્કાળ પડયો, ત્યારે ટ્રેન દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. એમાંય ઉદગીરની પરિસ્થિતિ તો અત્યંત વિકટ હતી. ઈસરોએ અભ્યાસના આધારે એવી આગાહી પણ કરી છે કે ૨૦૩૦ સુધીમાં મરાઠાવાડનો પ્રદેશ રેતાળ રણમાં ફેરવાઈ જશે. અદિતિ પાટીલ આના ઉકેલ માટે સતત વિચારતી રહી.

અદિતિએ વિચાર્યું કે ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરવું, જેથી પાણીની મુશ્કેલી દૂર થાય, પરંતુ તેની પાછળ ઘણો ખર્ચ થાય તેમ હતું અને સરકારી મદદ મેળવવી એટલી સહેલી નહોતી. એ સમય દરમિયાન એણે સીડબૉલ વિશે વાંચ્યું અને માહિતી મેળવી. જાપાની ખેડૂત, માઈક્રોબાયોલોજિસ્ટ અને ફિલોસોફર માસાનોબૂ ફુકુઓકાએ આપેલી આ ટૅક્નિક છે, જેમાં શાકભાજી, ફળ કે વૃક્ષનાં બીજને માટીમાં નાખીને એના બૉલ બનાવવામાં આવે છે અને પછી આ ઑર્ગેનિક બૉલનેે સંબંધિત વિસ્તારમાં ફેંકવામાં આવે છે. સીડબૉલ વિશે અદિતિએ એના મિત્રોને જણાવ્યું. પિકનિક હોય એ રીતે સહુ ભેગા થયા અને સીડબૉલ બનાવ્યા. એમાંથી કેટલાક ઊગ્યા પણ ખરા. સીડબૉલ બનાવવામાં બે ભાગ માટી અને એક ભાગ ખાતરનું પ્રમાણ લેવામાં આવે છે. એમાં પ્રમાણસર પાણી મેળવવામાં આવે છે. પાણીનું પ્રમાણ વધુ ન હોવું જોઈએ કે જેથી બૉલ વળે નહીં કે ઓછું પણ ન હોવું જોઈએ. આ મિશ્રણમાં અંદર બીજ મૂકીને તેને બૉલ જેવો આકાર આપવામાં આવે છે અને બે દિવસ છાંયડામાં સૂકવવામાં આવે છે. બૉલનો આકાર બીજના આકારની સાથે નાનો-મોટો થતો રહે છે. આ સીડબૉલ સૂકાઈ ગયા બાદ જે જમીન પર ઉગાડવા હોય, તે જમીન પર ફેંકવામાં આવે છે. વરસાદ આવતાં જ સીડબૉલ ખૂલી જાય છે અને બીજને પાણી મળે છે. આ રીતે છોડને વાવ્યા વિના જ તે ઊગી નીકળે છે. સીડબૉલની સૌથી સારી વાત એ છે કે તેમાં નાખેલું બીજ સુરક્ષિત રહે છે, પક્ષીઓ ખાઈ શકતા નથી અને ખર્ચ પણ કેટલો ઓછો - એક સીડબૉલ બનાવવામાં વધુમાં વધુ દસ રૂપિયાનો ખર્ચ થાય છે!

અદિતિ પાટીલને સફળતા મળતાં તેઓ તેમના પરિચિતોનો સંપર્ક કરી સ્કૂલમાં ગયા. અહીં વર્કશોપનું આયોજન કર્યું. અત્યાર સુધીમાં એકસોથી વધુ સ્કૂલમાં વર્કશોપ કરી છે અને પંદર હજાર બાળકોને સીડબૉલ બનાવતા શીખવ્યું છે. ધીમે ધીમે આમાં એના મિત્રો જોડાતા ગયા અને ઉદગીરમાં ૨૦૧૮માં કારવાં ફાઉન્ડેશનની સ્થાપના કરી. પોતાના સાથીઓના સાથથી એણે બે નાના જંગલ બનાવ્યાં છે. એમાં અત્યારે બારસોથી વધારે વૃક્ષો છે. અદિતિના કહેવા પ્રમાણે એક કલાકમાં એકસો સીડબૉલ બનાવી શકાય છે. અદિતિ અને એનાં મિત્રો અત્યાર સુધીમાં સાઠ હજારથી વધુ સીડબૉલ તૈયાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ પાંચ સીડ બેંક તૈયાર કરી છે. જેમાં ફળો અને શાકભાજીનાં બીજનો સંગ્રહ કરવામાં આવે છે. તેઓએ બે લાખથી વધુ બીજનો સંગ્રહ કર્યો છે.

ત્રીસ વર્ષની અદિતિ પાટીલે કાયદાનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેને આ કામમાં વધુ રસ છે. તે પોતાના સાથીઓ સાથે મળીને બાળકોને રમતાં રમતાં સીડબૉલ બનાવવાનું શીખવે છે. બાળકોને આ અભિયાન સાથે જોડવાનું કારણ એ છે કે નાનપણથી જ તેઓ પર્યાવરણ પ્રત્યે જાગ્રત બને અને તેના સંરક્ષણમાં સક્રિય રસ દાખવે. એ ઑનલાઇન વર્કશોપ પણ ચલાવે છે. કોરોનાના કપરા કાળમાં ઑનલાઇન દ્વારા જ લોકોને સીડબૉલ પ્રત્યે જાગ્રત કર્યા. કારવાં ફાઉન્ડેશને ૭૨૫ કિમી. કરતાં પણ વધારે સાઈકલયાત્રાનું આયોજન કર્યું, જેથી આમજનતા સીડબૉલ અભિયાનમાં જોડાય. અદિતિ પાટીલ આટલેથી અટકતી નથી. કારવાં ફાઉન્ડેશન દ્વારા ગણપતિ પંડાલમાં દાનપેટીની સાથે જ્ઞાાનપેટી મૂકવામાં આવે છે. લક્ષ્મી સાથે સરસ્વતીને જોડવાના પ્રયાસમાં તેમને જ્ઞાાનપેટીમાં બસો વિદ્યાર્થીઓ માટે નોટબુક, પેન, પેન્સિલ મળ્યા, જે એક નાની સ્કૂલ માટે પૂરતા હતા. આ સફળતાથી પ્રેરાઈને અનેક ગણપતિ પંડાલમાં જ્ઞાાનપેટી મૂકી. આની સાથે સાથે તેઓ 'વાચનકટ્ટા'ની પ્રવૃત્તિ કરે છે. જે બાળકો પૈસાના અભાવે પુસ્તકાલય સુધી ન જઈ શકતા હોય અથવા માતા-પિતા બંને મજૂરી કરતા હોય તેવાં બાળકો માટે આ વાચનકટ્ટાની પ્રવૃત્તિ કરે છે. જેમાં મંદિર, કૉલેજ, હોસ્પિટલની બહાર બોક્ષ મૂકવામાં આવે છે. જેમાં કોઈ પણ પુસ્તક નાખો અને કોઈ પણ પુસ્તક લઈ જાઓ એવી વ્યવસ્થા હોય છે. તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. મસ્જિદમાં નમાજ પઢતા પહેલાં વજુ કરવામાં આવે છે તે પાણીનો પણ બોરવેલની બાજુમાં સંગ્રહ કરે છે. પર્યાવરણના દરેક પાસાંનો ઊંડો અભ્યાસ કરીને તેની જાળવણી માટે અત્યંત જાગૃત અદિતિ પાટીલનું માનવું છે ક ેપર્યાવરણ બચશે, તો જ આપણે બચીશું ને?

પ્રાણી મારો પહેલો પ્રેમ!

'જ્યારે તમે કંઈક સારું કામ કરો છો ત્યારે તમારી આસપાસ એક પ્રકારની સુરક્ષા અનુભવો છો. સૌથી મુશ્કેલ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ એમને એમની ચારેબાજુ એક શક્તિની અનુભૂતિ થાય છે.'

અદિતિને પડકાર ગમે!                                       . 2 - imageચે ન્નાઈના અલવરપેટ વિસ્તારમાં દાદીના ઘરે રહેતો નાનો એન્ટની રુબિન બારીમાંથી ઊડતા પક્ષીઓ અને હરતા-ફરતા પશુઓને જોયા કરતો. નાનપણથી જ પશુ-પક્ષી પ્રત્યે પ્રેમ અને કરુણા ધરાવતો એન્ટની સત્તર વર્ષની ઉંમરે પશુકલ્યાણનું કામ કરતા સંગઠનમાં સ્વયંસેવક તરીકે જોડાયો. વેબ ડેવલપમેન્ટ કંપની ચલાવતા ૩૭ વર્ષના એન્ટની રુબિન કહે છે કે નાનપણથી જ તેઓ કોઈ પશુ-પક્ષીને દુઃખી થતાં જોઈ નહોતા શકતા. તેને તેમાંથી બચાવે કે તેની સારવાર કરે ત્યારે તેમને સંતોષ થતો. આજે તો એમના જીવનનો ઉદ્દેશ જ એ છે કે પશુ-પક્ષીઓની મદદ કરવી.

નાનપણથી જ પશુ-પક્ષીઓ પ્રત્યે કરુણા દર્શાવનાર એન્ટની રુબિન એક દિવસ ચેન્નાઈના મરીના બીચ પર ગયા હતા. અહીં આવનારા લોકો ઘોડેસવારીનો આનંદ માણી રહ્યા હતા. એન્ટનીએ જોયું કે એક ઘોડો બરાબર ચાલી શકતો નથી અને એનો પગ સૂજી ગયો છે. એન્ટનીએ એને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બુલન્સની વ્યવસ્થા કરી, પરંતુ કમનસીબે એ ઘોડો રસ્તામાં જ મૃત્યુ પામ્યો. આ ઘટનાએ એના હૃદય પર એવો આઘાત કર્યો કે એણે મોટા પાયે પશુ બચાવનું કાર્ય શરૂ કર્યું. ત્યારથી તે કૂતરા, ઘોડા, ચિમ્પાન્ઝી અને હિંસક પશુઓને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે.

એન્ટની રુબિને અત્યાર સુધીમાં કેટલાં પ્રાણીઓને બચાવ્યાં છે તે યાદ નથી, પરંતુ કેટલાક પ્રસંગોની વાત કરતા તેઓ કહે છે કે તમિળનાડુમાં સરકસમાં ચાર ચિમ્પાન્ઝી પાસે કામ કરાવવામાં આવતું હતું. એમાંની લક્ષ્મી એક પાતળા દોરડા પરથી પડી ગઈ અને તેને લકવા થઈ ગયો. એન્ટનીએ જોયું કે એને એટલા નાના પિંજરામાં રાખવામાં આવી હતી કે તે હરીફરી શકતી નહોતી અને તેના શરીર પર ચકામા પડી ગયા હતા. એન્ટનીએ આ જોઈને પોલીસને જાણ કરી. એને બચાવવાનું કે સુરક્ષિત સ્થાન પર લઈ જવાનું એટલું સહેલું નહોતું. એક સાથે બે ચિમ્પાન્ઝીને લઈ જઈ શકાય તેવું વાહન હોવાથી લક્ષ્મીની મા અને ભાઈને પહેલાં લઈ જવા અને પાછા આવીને એના દીકરાને લઈ જવો તેવું નક્કી થયું, પરંતુ એનો દીકરો પરિવાર વિના આક્રમક બની ગયો હતો. તેથી તે બંનેને પાછા સરકસમાં લાવીને ત્રણેયને સાથે લઈ જવા પડયા. આ આખીય ઘટના ત્રણસો પોલીસના સાથથી બોતેર કલાકે પૂર્ણ થઈ. એક મહિના પછી એન્ટની સેન્ટર પર ગયા, કારણ કે તે દિવસે લક્ષ્મીનો જન્મદિવસ હતો. તેના ગળામાં પહેરાવેલી સાંકળ કાઢવાનો નિર્ણય કર્યો, ત્યારે એન્ટનીએ બે બાબતની સંભાવના વિચારી. એક તો તે કદાચ આક્રમક બની જાય અથવા તે સ્વતંત્રતાનો આનંદ અનુભવે. એન્ટનીએ સાંકળ ખોલી અને એને મળ્યા ત્યારે લક્ષ્મીએ સ્મિત કરીને એન્ટની સામે પોતાનો હાથ લંબાવ્યો!

એન્ટની કહે છે કે પશુઓના બચાવકાર્યમાં ઊંડા ઉતરીએ ત્યારે ઘણા અવનવા અનુભવો થાય છે. એક વખત મલાબાર ખિસકોલીને જોઈને તેને આશ્ચર્ય થયું કે આ એનું રહેણાંક હોઈ શકે નહીં તેની તપાસ કરતાં તેના માલિક સુધી એન્ટની પહોંચ્યા તો જાણ થઈ કે તેણે એક વ્યક્તિ પાસેથી એ ખરીદી હતી. ગ્રાહક બનીને એન્ટની એ શિકારીને મળ્યો. તેની પાસે પ્રાણીઓનું મેનુકાર્ડ હતું અને બાવીસ હજારમાં દીપડો લાવી આપશે એવી વાત પણ કરી. એન્ટનીએ પોલીસને જાણ કરીને એની ધરપકડ કરાવી.

એક વખત એન્ટનીને સમાચાર મળ્યા કે સરકસમાં સિંહનો ઉપયોગ થાય છે. ભારત સરકારે સરકસમાં સિંહના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે તેની એન્ટનીને ખબર હતી. તેથી તે તપાસ કરતાં તમિળનાડુના એક જિલ્લામાં પહોંચ્યા. એને મળેલી માહિતી મુજબ એ કપડાં ધોવાની દુકાન સુધી પહોંચ્યા. આસપાસ અનેક દુકાનો હતી. આવા ભરચક વિસ્તારમાં સિંહ કેવી રીતે હોઈ શકે? પરંતુ થોડા મીટર દૂર પાંજરામાં ચાર જંગલી જાનવર હતા. લોખંડના કટાઈ ગયેલા પાંજરામાં એને રાખવામાં આવ્યા હતા અને એને દાળ-ભાત ખવડાવવામાં આવતા હતા. આ જોઈને એન્ટની પોલીસ પાસે ગયા, પરંતુ આ તો અદાલતી કાર્યવાહીનો કેસ છે એમ કહીને પોલીસ નિષ્ક્રિય રહી. એન્ટની ફોટા પાડીને ચેન્નાઈ પાછા ફર્યા. તે ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા. રહેણાંક વિસ્તારમાં આ રીતે રખાયેલા સિંહના સમાચારથી નાગરિકો અને સરકાર જાગૃત બની અને તેમને તાત્કાલિક બચાવ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. જ્યારે એન્ટની તે સિંહોની પરિસ્થિતિની તપાસ કરવા બચાવ કેન્દ્ર પર ગયા, ત્યારે તેઓ જાળીમાં મોં નાખીને એન્ટનીને સૂંઘી રહ્યા હતા. નાનકડી બિલ્લી જેવું વર્તન કરતા હતા. 

પ્રાણી સુરક્ષા અને બચાવનું કાર્ય કરતાં એન્ટની રુબિનને વિરોધી તત્ત્વો તરફથી ઘણી ધમકીઓ મળે છે. એન્ટનીને પૂછીએ કે તમને હિંસક પ્રાણીઓનો કે આવી ધમકીઓનો ડર નથી લાગતો, ત્યારે તેઓ કહે છે કે જ્યારે તમે કંઈક સારું કામ કરો છો ત્યારે તમારી આસપાસ એક પ્રકારની સુરક્ષા અનુભવો છો. સૌથી મુશ્કેલ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ એમને એમની ચારેબાજુ એક શક્તિની અનુભૂતિ થાય છે. તેઓને ૨૦૨૨ના મે મહિનામાં તમિળનાડુ રાજ્યના વન્યજીવ બોર્ડના સભ્ય બનાવ્યા છે. તેઓ કહે છે કે આપણે એ સમજવાની જરૂર છે કે પશુઓ ક્યારેય આપણને નુકસાન નથી પહોંચાડતા, પરંતુ આપણે એમના પ્રાકૃતિક રહેઠાણ પર કબજો કરીએ છીએ, ત્યારે તેઓ આક્રમક બને છે. આપણે પરિવર્તન તરફ ડગ માંડવાની જરૂર છે. 


Google NewsGoogle News