Get The App

શાંત રૂપે સૃષ્ટિનું પાલન અને ઉગ્ર રૂપથી અસુરોનો સંહાર!

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
શાંત રૂપે સૃષ્ટિનું પાલન અને ઉગ્ર રૂપથી અસુરોનો સંહાર! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- નવ રાત્રિ-દિવસ પૃથ્વી પર અને સ્વર્ગમાં માનવો અને દેવો નાચ્યા. ગાયા. હૃદયમાં પ્રગટેલા દૈવી શક્તિના પ્રતીક દીપને ઘડામાં પૂજ્યો. પૃથ્વી સુજલા સુફલા બની

- નવરાત્રિએ આસુરિ શક્તિને પરાજિત કરવા માટેની દૈવીશક્તિની નવ-નવ દિવસની આરાધના છે

એ કવાર મહિષાસુર નામના અસુરે ત્રણે લોક પર પોતાનો અધિકાર જમાવ્યો. દેવોને ચરણકિંકર બનાવ્યા. ભૂલોકનો તો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો.

હજી ય બાકી હોય તેમ આ અસુરપતિએ પોતાની સામે થઈ તેવા દેવોને ખંડિયા બનાવ્યા. તેમનામાંથી તેજલક્ષ્મી હણી લીધી. અસ્મિતા વિનાના દેવો સાવ લાચાર હાલતમાં ભટકવા લાગ્યા. સૂર્યમાંથી તેજાંશ ગયો. ઇંદ્રનું વજ્ર લાકડીથી પણ નિઃસત્વ બન્યું. અગ્નિમાંથી પૌરૂષ ગયું. પવનમાંથી વેગ ગયો. ચંદ્રમાંથી કૌમુદી ગઈ. યમમાંથી અધિકાર ગયો. વરૂણનો પાશ માછીમારની જર્જરિત જાળ બન્યો. 

બધા અધિકાર અને તમામ સત્તા મહિષાસૂરે પોતાને હાથ કરી. એનો શબ્દ સૃષ્ટિનો કર્તા-હર્તા બન્યો. અનેક અસુરો ભાતભાતના ત્રાસ ગુજારતા એની સુબાગીરી કરવા લાગ્યા. દેવોનું તો આવી બન્યું! ભૂલોકનો ભાંગીનો ભૂક્કો થશે! શોધ્યો નહીં જડે દેવોનો અંશ! નહીં મળે માનવતાનો ખંડ! ભાવનાનાં અને ભલાઈનાં વાવેતર સર્વથા નષ્ટ થશે. દિશાઓ મરણપોકથી અને આકાશ રૂદનસ્વરોથી કાળું બની ગયું. વિવિધ પ્રકારના અત્યાચારોના સમાચાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે પહોંચ્યા. પણ રાજા દશરથ જેમ રાવણનો નાશ કરી શકતા નહોતા, એ માટે રામ જન્મની જરૂર હતી. એમ આ ત્રણ મહાદેવોએ એકત્ર થઈ પોતાની આંતરશક્તિઓને આવાહ્ન આપ્યું! ભયંકર પુણ્યપ્રકોપ જગાડીને દૈવી શક્તિને જન્મ આપ્યો.

આ દેવી એક વર્ષનાં થયાં ત્યારે દેવોએ સંધ્યારૂપે પૂજા કરી. આ દેવી બે વર્ષનાં થયાં ત્યારે સરસ્વતીરૂપે સહુએ ચર્ચા કરી. આ દેવી સાત વર્ષનાં થયાં ત્યારે ચૌડકા તરીકે, નવ વર્ષનાં થયા ત્યારે દુર્ગા અથવા બાળા તરીકે દસ વર્ષનાં થયાં ત્યારે ગૌરી તરીકે, તેર વર્ષનાં થયાં ત્યારે મહાલક્ષ્મી અને સોળ વર્ષનાં થયાં ત્યારે લલિતા તરીકે વિખ્યાત થયા.

આ દેવીએ ત્રણે લોકને આશ્વાસન આપ્યું અને ખાતરી આપી કે પરા શક્તિમાંથી અવતાર પામેલી હું મહાશક્તિ છું. મારા અનેક નામો અને સ્વરૂપો છે. મહિષાસુરને હું મારીશ અને ત્રિલોકને શાંતિ પમાડીશ. એટલું જ નહીં, પણ દ્વાપર યુગના અંતે અને કૌલયુગા આરંભમાં થનારા શુભ અને અશુભને પણ હું હણીશ.

વળી દ્વાપરનાં અંતમાં વિપ્રચિંત કુળમાં જન્મેલા વિવિધતાના અસુરોનું પણ હું જ ભક્ષણ કરીશ. રક્તથી રંગાયેલા મારાં અંગોને લીધે મને સહુ રક્ત ચામુંડા કહેશે.

એકવાર સો વર્ષનો દુકાળ પડશે. એ વખતે લોકોના રક્ષણ માટે હું જન્મીશ. મને સો આંખો હશે. લોકો મને શતાક્ષી કહેશે.

વૈયસ્વત મન્વતરના ચાલીસમા યુગમાં હું લોકોનું વનસ્પતિથી પોષણ કરીશ. લોકો મને 'શાકંભરી'ના નામથી શતાક્ષી કહેશે. દુર્ગમા નામના અસુરને કે જેણે બ્રહ્મદેવ પાસેથી તપ દ્વારા વેદ મેળવ્યો હશે અને જેના લીધે બ્રાહ્મણમાત્ર વેદ ભૂલી બેઠા હશે, યજ્ઞાાદિ કર્મો નષ્ટ થયા હશે, દેવો પણ હવિભાગ ન મળવાથી હતપ્રભ હશે, પૃથ્વી પર વરસાદ વરસતો નહીં હોય, એ વખતે હું દુર્ગમનો નાશ કરીશ અને દુર્ગા નામે પ્રસિદ્ધ થઈશ.

આવાં એક નહીં પણ અનેક રૂપો કાળે કાળે હું ધારણ કરીશ.

શક્તિનાં બે રૂપ છે, શાંત અને ઉગ્ર. શાંતરૂપથી સૃષ્ટિનું પાલન કરું છું. ઉગ્રરૂપથી અસુરોનો સંહાર કરું છું. મારાં અનેક નામ છે. અનેક વર્ણ છે. આ મેઘગર્જના સમી વાણીથી દેવોને હૈયે ધરપત થઈ અને માનવ લોકનાં ફફડતાં હૃદય કંઈક શાંત થયાં. મહા દેવો અને અન્ય દેવોએ વિચાર્યું કે આપણે આ મહાશક્તિને આપણા આયુધો ભેટ ધરવામાં ઘટે. ભગવાન શિવે ત્રિશૂળ આપ્યું. શ્રી વિષ્ણુએ ચક્ર આપ્યું. વરૂણે પોતાનો શંખ આપ્યો. અગ્નિએ હાથે ફેંકવાનું તીર આપ્યું. યમે પોતાનો દંડ આપ્યો.

વાયુએ ધનુષ, ઇંદ્રે વજ્ર, કુબેરે છડી અને બ્રહ્માએ માળા અને કમંડળ આપ્યાં. મહાકાલે ઢાલ અને તલવાર ભેટ ધર્યા. વિશ્વકર્માએ કુહાડી આપી અને હિમવાને સિંહ આપ્યો. અન્ય દેવોએ પણ જાત જાતનાં આયુધ અને ભાતભાતનાં અલંકારો આપ્યાં. માનવલોકો જ્વારા વાવીને જલમાં વિસર્જન કરીને સૂચવ્યું કે અમે પણ શક્તિ સૌચત કરીએ છીએ. આપ કહેશો ત્યારે જનકલ્યાણે સમર્પણ કરી દઈશું. આ પછી દેવી સુંદર વસ્ત્રાલંકાર સજી વિધ્યાચલ તરફ ચાલ્યાં. મહિષાસુર અહીં સપ્તભૂમિ પ્રાસાદ બાંધીને રહેતો હતો. અપ્સરાઓ, કિન્નરીઓ ગાતી હતી અને ગાંધર્વો બજાવતા હતા. વિંધ્યાચલની સુંદર ઉપત્યકાઓમાં એક પરમ સુંદરીને ફરતી જોઈ ચંડ અને મુંડ નામના મહિષાસુરના સેવકો રાજી થયા. ને પોતાના રાજાને ખુશખબર આપવા દોડી ગયા.

મહિષાસુરના મોંમાં સુંદરીનું નામ સાંભળી પાણી આવી ગયું. એણે માયાપુત્ર દુંદુભિને એ સુંદરીને તેડી લાવવા મોકલ્યા. દુંદુભિ સ્ત્રીઓને લલચાવવામાં કુશળ હતો. એણે આવીને દેવીને ઘણી ઉક્તિઓથી રીઝવી અને પોતાના સ્વામીનો સંદેશ કહ્યો.

હું ત્રિલોકપતિ છું. ત્રણ લોક, ત્રણ દેવ મારે વશ છે. દેવો નિરાધાર ને નિઃસત્વ થઈને ભૂ-લોક ઉપર ભટકે છે. મને જ રૂદ્ર માની લે . મને જ સૂર્ય માની લે. મને જ ઇંદ્ર માની લે. હે સુંદરી, તારો પતિ થવાને યોગ્ય છું. તું મારી સહચરી થવાને લાયક છે.

મહિષાસુરનો સંદેશો સાંભળીને સુંદરીએ જવાબ પાઠવ્યો,

'મારું નામ કાત્યાયની છે. હું જાણું છું કે તેં ત્રણલોક જીત્યા છે અને દેવોને દાસ કર્યાં છે. પણ હું જુદા મિજાજની દેવી છું. મારી ફૂલપરંપરા વળી વિચિત્ર છે. લગ્ન કરનારે અમારી સાથે યુદ્ધ ઘટે અને મને જીતવી ઘટે.'

અસુર રાજને યુદ્ધનો શોખ શિકાર જેવો હતો. મસ્તકોના દડાથી રમવાનું એને ખૂબ ગમતું. મહિષાસુર પોતાના લશ્કર સાથે મેદાને પડયો. દેવીએ પણ ખડગ તાણ્યું.

આ વખતે દેવો આગળ આવ્યા અને બખ્તર ધરીને કહ્યું, ''આ કવચ ધારણ કરો.'' દેવી કહે, 'તુચ્છ અસુરને હણવામાં કવચની શી જરૂર છે?' તેમણે કવચ ફગાવી દીધું.

આ સમયે ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા અને દેવીને સમજાવ્યું કે શિવ પાસેથી આ અસુર વરદાન મેળવીને આવ્યો છે, માટે કવચ જરૂરી છે. દેવીએ કવચ સજ્યું અને બાણોથી લડાઈનો પ્રારંભ કર્યો. બાણ ખૂટયાં એટલે તલવાર ચલાવી. તલવાર સાથે બીજાં શસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો. દેવી સિંહ પર બેઠા હતા અને સિંહ મેદાનમાં ઘૂમતો હતો. એ અસુરોને મોંથી ઊંચકી ઊંચકીને નીચે પટકવા લાગ્યો. અસુરોના મૃતદેહોથી મેદાન છવાઈ ગયું. દેવીએ ડમરૂ અને વીણા વગાડી હર્ષસૂચક સ્વરો કાઢ્યા.

પણ હજી મુખ્ય દુશ્મન બાકી હતો. મહિષાસુર પૂરી તાકાત સાથે સામે આવ્યો. પળમાં પોતાની યુદ્ધકળા અને ઝનૂનથી ભલભલાના છક્કા છોડાવી દીધા. દેવી કાત્યાયની એ સિંહને આગળ હાંક્યો. વિવિધ  જાતનાં આયુધોથી લડવા માંડયું. બંનેના પગના પડઘાથી પૃથ્વી ચીરાઈ. આકાશ ગાજ્યાં. હવા ધુ્રજી સાગર ઉછળી રહ્યા.

મહિષાસુર હવે વ્યૂહ અને પ્રપંચ રમવા લાગ્યો. મહાદેવીએ વરૂણના પાશ વડે તેને બાંધ્યો, તો તે સૂક્ષ્મરૂપ ધારણ કરીને છટકી ગયો. મહાદેવીએ ઇંદ્રના વ્રજનો ઘા કર્યો તો તેણે હવાના જેવું રૂપ લઈ, ઘા નિષ્ફળ કર્યો. મહાદેવી દુર્ગા હવે ખરા સ્વરૂપમાં આવ્યા. એમનો આખો દેહ ક્રોધથી વિકસ્વર થઈ ગયો. તેઓએ પરાવલંબન નજ્યાં. શસ્ત્ર અળગાં કર્યાં. સિંહ પરથી નીચે ઠેકડો માર્યો. ને અસુરને હાથથી પકડયો. પગથી લાત મારીને જમીન પર પટક્યો. અસુર મૂર્છા ખાઈને નીચે પડયો. મહાદેવીએ ખડગ ખેંચીને મસ્તક લણી લીધું.

આસો સુદ દસમે વિજય હાંસલ થયો. નવ રાત્રિ-દિવસ પૃથ્વી પર અને સ્વર્ગમાં માનવો અને દેવો નાચ્યા. ગાયા. હૃદયમાં પ્રગટેલા દૈવી શક્તિના પ્રતીક દીપને ઘડામાં પૂજ્યો. તે દિવસે વરસાદ વરસ્યો. પૃથ્વી સુજલા સુફલા બની. પવન અનુકૂળ બનીને વહેવા લાગ્યો. દિશાઓ દર્પણ જેવી સ્વચ્છ બની. દૈવી શક્તિના વિજયનો ઉત્સવ નવરાત્રિ ત્યારથી પ્રચલિત બન્યો.

આમ, નવરાત્રિએ આસુરીશક્તિને પરાજિત કરવા માટેની દૈવીશક્તિની નવ-નવ દિવસની આરાધના છે. સમાજમાં સાત્વિક બળો એકત્રિત થાય તો જ તામસી અને રાક્ષસી બળો પરાજિત થઈ શકે. શક્તિ વિનાની નિર્બળતા વ્યક્તિને પરાજિત કરે છે. જ્યારે આસુરીવૃત્તિનો પરાભવ કરવા માટે નવરાત્રિ દ્વારા સાધનાની સાથોસાથ સાત્વિક શક્તિનું મહિમાગાન છે. 


Google NewsGoogle News