ગર્ભાવસ્થા અને ડાયાબિટીસ - કારણો અને નિદાન
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
ત મે જાણો છો એમ આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે પણ એના કરતાં પણ ગંભીર બાબત એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને જે ડાયાબિટીસ થાય છે તેનું પ્રમાણ પણ કુદકે ને ભુસકે વધતું જ જાય છે. આવું થવા પાછળના જવાબદાર પરિબળોમાં વારસાગત કારણો ઉપરાંત, લગ્ન બાબતે સ્ત્રીઓની મોટી ઉંમર અને ખાસ કરીને ગર્ભાવસ્થા રહે ત્યારની ઉંમર પણ ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થશે કે નહીં તે માટે મહત્વનો ભાગ ભજવે છે. વધુમાં, આજના જમાનામાં, ગર્ભાવસ્થા રહે ત્યારે ખોરાક અને અયોગ્ય જીવનશૈલીના લીધે મોટાભાગની સ્ત્રીઓનું વજન વધારે હોય છે અને તે કારણસર પણ ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી જ વધી જાય છે. આપણા દેશની વાત કરીએ તો તાજેતરમાં થયેલા સંશોધનો પ્રમાણે શહેરોમાં ૧૫ થી ૨૦ % સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી છે.
ગર્ભાવસ્થા દરમિયાન કેટલા પ્રકારના ડાયાબિટીસ થઈ શકે ?
મુખ્યત્વે બે પ્રકારના ડાયાબિટીસ થઈ શકે
૧) સુવાવડ રહેતા પહેલાનો ડાયાબિટીસ એટલે કે પ્રીગેસ્ટેશનલ ડાયાબિટીસ- એટલે કે જે સ્ત્રીને સુવાવડ રહેતા પહેલેથી ડાયાબિટીસ હોય (Type-1 અથવા Type-2)
૨) સુવાવડ દરમિયાન થતો ડાયાબિટીસ એટલે કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ.
ગેસ્ટેશનલ ડાયાબિટીસ
એટલે શું?
ડાયાબિટીસ છે એવું નિદાન પ્રેગ્નન્સી દરમિયાન પહેલીવાર થાય તો એને ગેસ્ટેશનલ ડાયાબિટીસના નામે ઓળખવામાં આવે છે.
ગર્ભાવસ્થામાં કઈ સ્ત્રીઓને ડાયાબિટીસ થવાની શક્યતા
વધારે છે?
જે સ્ત્રીને વારસામાં ડાયાબિટીસ હોય તેને
જે સ્ત્રીઓનું વજન વધુ હોય તેને
પ્રેગ્નન્સી રહે ત્યારે જે સ્ત્રીની ઉંમર ૩૦ વર્ષ અથવા એનાથી વધારે હોય તેને
આના પહેલાની પ્રેગ્નન્સીમાં જે સ્ત્રીને ડાયાબિટીસ થયો હોય અથવા બ્લડપ્રેશર વધારે રહ્યું હોય તેને
જે સ્ત્રીને બેથી વધારે બાળકો હોય તેને
જે સ્ત્રીને પાછલી પ્રેગ્નન્સી દરમિયાન ૩.૫ ણય્ અથવા તેનાથી વધારે વજનવાળું બાળક જન્મ્યું
ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે ?
આપણા દેશમાં ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવાની સંભાવના બીજા દેશો કરતા ઘણી વધારે છે. તેથી પ્રેગ્નન્સીનું નિદાન થયા પછી બને એટલી વહેલી બ્લડસુગરની તપાસ કરાવવી અનિવાર્ય છે. જો એ વખતે રિપોર્ટ નોર્મલ હોય તો પ્રેગ્નન્સીના ૨૪ થી ૨૮ અઠવાડિયા દરમિયાન એટલે કે પાંચમા કે છઠ્ઠા મહિના દરમિયાન ફરીથી એકવાર તપાસ કરાવવી જોઈએ. એ વખતે પણ જો રિપોર્ટ નોર્મલ હોય તો ગર્ભાવસ્થાના છેલ્લા છ અઠવાડિયા દરમિયાન ફરીથી એકવાર બ્લડસુગરની તપાસ કરાવવી જરૂરી હોય છે.
ગર્ભાવસ્થામાં ડાયાબિટીસની તપાસ કેવી રીતે કરવામાં આવે છે ?
જો સ્ત્રીને ડાયાબિટીસ છે એવી જાણ ન હોય તો કોઈ પણ સમયે ભૂખ્યા ના હોય પણ ૭૫ ગ્રામ ગ્લુકોઝ
એક ગ્લાસ પાણીમાં નાખીને પીવડાવવામાં આવે છે અને ONE STEP GLUCOSE TOLERANCE TEST તરીકે ઓળખવામાં આવે છે. જો ગ્લુકોઝ પીધા પછી બ્લડ ગ્લુકોઝની માત્રા ૧૪૦ કરતા વધારે આવે તો તેને ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ (ગેસ્ટેશનલ ડાયાબિટીસ) કહેવામાં આવે છે. જો રિપોર્ટ ૧૨૦ કરતા ઓછો હોય તો તેને નોર્મલ ગણી શકાય અને ૧૨૦ અને ૧૪૦ ની વચ્ચે હોય તો આવી સ્ત્રીને ડાયાબિટીસ થવાની સંભાવના ઘણી વધારે છે. એનું માની શકાય અને ફરીથી તપાસ કરાવવી જરૂરી છે.