તારણહાર પ્રકરણ - 12 .
- પ્રફુલ્લ કાનાબાર
હા મેડમ, હું જીવતો છું'. વિનાયક સુધાના પગમાં પડી ગયો. વિનાયકને વર્ષો બાદ પરત આવેલો જોઇને સુધાને ખોવાઈ ગયેલો પુત્ર પરત આવી ગયો હોય તેવી લાગણી થઇ રહી હતી
રા હુલ એના ખાસ મિત્ર સ્વપ્નીલને કોઈ પણ ભોગે સુખી જોવા માંગતો હતો. જોકે સ્વપ્નીલ માટે તો પ્રેમ કે મૈત્રી કરતાં વધારે મહત્વના પૈસા જ હતા એ વાત રાહુલને ગઈકાલની નેહા સાથેની ચર્ચા બાદ સમજાઈ ચૂકી હતી. કોઈને પણ જીવનમાં અતિશય મહત્વ આપતા પહેલાં તેના જીવનમાં આપણું મહત્વ કેટલું છે તે જાણી લેવું અત્યંત જરૂરી છે, એ વાત રાહુલને હવે બરોબર સમજાઈ ચૂકી હતી!
રાત્રે રાહુલ પથારીમાં પડખા ઘસી રહ્યો હતો. અચાનક રૂમની બહારના પેસેજમાં કોઈકનો અવાજ સંભળાયો. રાહુલે દરવાજા પાસે જઈને કાન માંડયા. શ્રુતિનો અવાજ હતો. 'સુધા, જો રાહુલ સાથે નેહાના લગ્ન થઇ જાય તો નેહાના જીવનમાં બેઠેલી પાનખર વસંતમાં ફેરવાઈ જાય'.
'શ્રુતિ, તારી વાત સાચી છે. નવી હોસ્પિટલના ઉદ્ઘાટનનો પ્રસંગ પૂરો થઇ જાય પછી તમે દિલ્હી જવાની ઉતાવળ ન કરતા. હું રાહુલને પૂછી જોઇશ.
બીજે દિવસે સવારે હોસ્પિટલના બિલ્ડીંગના પ્રાંગણમાં બાંધવામાં આવેલાં શમિયાણામાં શહેરના પ્રતિષ્ઠિત લોકો ઉમટી પડયા હતા. મંડપની અંદર આમંત્રિત મહેમાનોના સ્ટેટસ પ્રમાણે ખુરશીઓની આગળની લાઈન ગોઠવવામાં આવી હતી. થોડે થોડે અંતરે એરકુલરો મૂકવામાં આવ્યા હતા. ગ્રે કલરના શૂટ અને રેડ કલરની ટાઈમાં સજ્જ રાહુલ પાસે આવીને નેહાએ કહ્યું હતું 'ડોક્ટરની સાથે તું ઇવેન્ટ મેનેજમેન્ટમાં પણ આટલો બધો પાવરધો છે એ તો આજે જ ખબર પડી'.
'નેહા, મેં અને આ મારા ડોક્ટર મિત્રોએ આખા ઇવેન્ટની જવાબદારી લીધી છે'. રાહુલે અમદાવાદના એ ચાર પાંચ સેવાભાવી ડોક્ટર મિત્રો સાથે નેહાનો પરિચય કરાવ્યો હતો.
શહેરના મોટા ભાગના ડોકટરોની હાજરી જોઇને રાહુલ અનહદ ઉત્સાહમાં દેખાતો હતો. ચીફ ગેસ્ટ તરીકે રાજયના મુખ્યમંત્રી આવી પહોંચ્યા ત્યારે પ્રેસ ફોટોગ્રાફરોની ક્લિક વચ્ચે સમગ્ર માહોલમાં ઉત્સાહ ભળ્યો હતો. મહાનુભાવોએ મંચ પર સ્થાન ગ્રહણ કર્યું એટલે સભાનું સંચાલન રાહુલે જ કર્યું હતું. હોસ્પિટલનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સફળ રહ્યો હતો. મંચ પરથી સુધા તથા રાહુલે ગરીબોને સસ્તા ભાવે ઉતમ તબીબી સારવાર આપવાનો તેમનો નેક ઈરાદો જાહેર કર્યો હતો. મંચ પરથી મુખ્યમંત્રીએ પણ રાજ્ય સરકાર તરફથી હોસ્પિટલને શક્ય તેટલી વધારે મદદ કરવાનું વચન આપ્યું હતું. મિડીયાએ સમગ્ર પ્રોગ્રામને ખાસ્સું કવરેજ આપ્યું હતું.
સાંજે મુંબઈની દાદરની ચાલમાં જ રહેતા ભાઉને ભાડું આપવા માટે વિનાયક તેમની ઘરે આવ્યો હતો. ભાડાની રકમ ભાઉના હાથમાં મૂક્યા બાદ વિનાયક ગળગળો થઇ ગયો હતો. 'ભાઉ, બહુ એકલતા લાગે છે.'
'વિનાયક, હું તો તને ઘણા સમયથી કહું છું કે એકવાર અમદાવાદ જઈને દીકરાનું મોઢું જોતો આવ. એ પણ તને જીવતો જોઇને કેટલો ખુશ થઇ જાય..પણ તું માનતો નથી.'
'ભાઉ, હું વચનબધ્ધ છું'.
'હા ભાઈ હા.. એ તો હું જાણું જ છું કે તું ક્યારેય અમદાવાદના તારા ઘરે નહી જાય એવું તેં તારી પત્નીને વચન આપ્યું હતું. તું એમ કેમ નથી વિચારતો કે એ બિચારીનો આશય તો એટલો જ હતો કે તારો દીકરો ભણી ગણીને પગભર થાય.આટલા વર્ષોમાં તો તારો દીકરો પગભર થઇ જ ગયો હોય ને?'
વિનાયક ભાઉને જવાબ આપે એ પહેલાં જ એની આંખ સામેની દીવાલ પર લગાવેલા ટીવીના સ્ક્રીન પર સ્થિર થઇ ગઈ હતી. મંચ પરથી સુધા બોલી રહી હતી. હા..અમદાવાદની જનસેવા હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યાના સમાચાર પ્રસારિત થઇ રહ્યા હતા. સુધાને બોલતી જોઈને વિનાયક ઉભો થઇ ગયો. એ ટીવીની નજીક ગયો. સ્ક્રીન પર સુધા બોલી રહી હતી..હવે હું મારા પૌત્ર ડો. રાહુલને કહીશ કે અમારા આ સેવાકીય પ્રોજેક્ટ બાબતે પ્રકાશ પાડે. રાહુલને થોડીક ક્ષણો માટે મંચ પરથી બોલતો બતાવવામાં આવ્યો. વિનાયક રડતી આંખે ટીવીની સ્ક્રીન પર હાથ ફેરવવા લાગ્યો. ભાઉને તરત ખ્યાલ આવી ગયો કે આ યુવાન જ વિનાયકનો દીકરો છે.
'વિનાયક, સિધ્ધી વિનાયક ભગવાને તારી પ્રાર્થના બરોબર સાંભળી લીધી છે. તારો દીકરો તો મોટો ડોક્ટર થઇ ગયો છે'.
વિનાયક જમીન પર બેસી પડયો. તેના ગળે ડૂમો ભરાઈ ગયો હતો અને આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. આજે તેને લાગી રહ્યું હતું કે એની તપસ્યા ફળીભૂત થઇ છે!
***
ઉદ્ઘાટન સમારોહ પૂરો થયા બાદ બીજે દિવસે શ્રુતિ અને નેહા દિલ્હી જવા માટે તૈયારી કરી રહ્યા હતા. સુધાએ બંનેને રોકાઈ જવાનો આગ્રહ કર્યો. શ્રુતિ તો રોકાવા માટે તૈયાર થઇ ગઈ પણ નેહા જવા માટે ઉતાવળી થઇ હતી. છેવટે નેહાએ સાંજની દિલ્હીની ફ્લાઈટમાં પોતાની એક ટિકિટ બૂક કરાવી લીધી હતી. બપોરે જમ્યા બાદ રાહુલ તેના રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે સુધા અને શ્રુતિ બંને એકસાથે પ્રવેશ્યા હતા.
'રાહુલ, અમારી ઈચ્છા છે કે તું નેહા સાથે લગ્ન કરી લે'. સુધાએ કોઈ પણ જાતની પૂર્વભૂમિકા બાંધ્યા વગર જ કહી દીધું.
'બા, તમે તો જાણો જ છો કે મારો ધ્યેય માત્ર સમાજ સેવાનો જ છે અને તે કારણસર હું કોઈ બંધનમાં પડવા માંગતો જ નથી'. રાહુલે શાલીનતાથી કહ્યું.
'રાહુલ, તને હું સુધા જેટલા હક્કથી તો ન કહી શકું તેમ છતાં કહી રહી છું.. તું અને નેહા બંને ડોક્ટર ભેગા થઇને સેવાની ધૂણી ધખાવશો તો સોનામાં સુગંધ ભળી જશે. વળી તમે બંને તો સારા મિત્રો પણ છો'. શ્રુતિએ વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું હતું.
રાહુલ થોડી વાર વિચારીને બોલ્યો 'નેહાને પૂછયું?'
'નેહા હા પાડે તો તને વાંધો નથી ને?'
' જો નેહાની હા હોય તો મને વાંધો નથી' આખરે રાહુલે ગ્રીન સિગ્નલ આપી દીધું હતું.
સુધા અને શ્રુતિ રાહુલની હા સાંભળીને ઉત્સાહમાં આવી ગયા હતા. થોડી વાર બાદ બંનેએ નેહાને તેના રૂમમાં જઈને વાત કરી. નેહાએ એક ઝાટકે ના પાડી દીધી. 'દાદી, હું હવે બીજા લગ્ન કરવા માંગતી જ નથી'.
ખાસ્સી વાર સુધી શ્રુતિ અને સુધા નેહાને રાહુલને અપનાવી લેવા માટે સમજાવતા રહ્યા પણ નેહા ટસની મસ ન થઇ. આખરે થાકીને શ્રુતિએ સુધાને ઈશારો કરીને રૂમની બહાર આવવા જણાવ્યું. બહાર આવ્યા બાદ શ્રુતિ બોલી 'સુધા, સોરી.. મને લાગે છે કે આપણે રાહુલને પૂછવામાં ઉતાવળ કરી નાખી'.
સાંજે રાહુલ નેહાને કારમાં એરપોર્ટ પર મૂકવા જઈ રહ્યો હતો ત્યારે સુધા અને શ્રુતિ બંગલાના મુખ્ય દરવાજા સુધી આવ્યા. રાહુલે કાર બહાર કાઢી. નેહાએ શ્રુતિ અને સુધાના ચરણસ્પર્શ કર્યા. રાહુલે કારમાં બેઠા બેઠા જ આગલો દરવાજો ખોલ્યો. નેહા હેન્ડબેગ પાછળની સીટ પર મૂકીને રાહુલની બાજુની સીટમાં જ બેસી ગઈ. શ્રુતિ અને સુધા કારને જતી જોઈ રહ્યા. શ્રુતિએ નિસાસો નાખીને કહ્યું 'નેહા માની ગઈ હોત તો કેટલું સારું હતું?'
'આપણે તો સાચા દિલથી પ્રયાસ કર્યા, હવે જેવી ભગવાનની મરજી.' સુધાના અવાજમાં પણ નિરાશાનો સૂર હતો.
અમદાવાદના ટ્રાફિકને ચીરતી રાહુલની કાર એરપોર્ટ તરફ જઈ રહી હતી. શાહીબાગ સ્વામીનારાયણ મંદિર પાસે ટ્રાફિકમાં કાર ઉભી રહી. રાહુલે મંદિર તરફ ભાવપૂર્વક નજર કર્યા બાદ નેહાની સામે જોયું. નેહાનો મૂડ ડાઉન જ હતો.
'નેહા, બા અને દાદીની ઈચ્છા છે કે આપણા લગ્ન થઇ જાય'.
'તેં શું કહ્યું ?'
'મેં કહ્યું કે હું તો તૈયાર છું. નેહાને પૂછી જુઓ'.
'એ બંને મારી પાસે પણ આવ્યા હતા. મેં તેમને સ્પષ્ટ ના પાડી દીધી'.
'કેમ ?'
'કારણકે મને તારા પ્રત્યે એ પ્રકારની ફીલિંગ જ નથી આવતી'. નેહાએ ત્રાંસી આંખે રાહુલની સામે જોઇને કહ્યું. રાહુલને યાદ આવી ગયું કે જયારે નેહાએ તેને પ્રપોઝ કર્યું હતું ત્યારે તેણે આવો જ જવાબ આપ્યો હતો.. હકીકતમાં ત્યારે તે સ્વપ્નીલ માટે થઇને જ ખોટું બોલ્યો હતો, જે નેહાએ પકડી પણ પાડયું હતું. રાહુલને યાદ આવ્યું કે એ વખતે તેણે નેહાની લાગણીનો જરા સરખો પણ વિચાર કર્યો નહોતો.
'નેહા, આપણે બંને ક્યાં સુધી આપણી જાતને છેતર્યા કરીશું?' રાહુલે ડાબો હાથ સ્ટીયરીંગ પરથી હટાવીને નેહાનો જમણો હાથ પકડીને કહ્યું.
'રાહુલ, દરેક સ્ત્રીને સ્વમાન હોય છે. મને તો આશા હતી કે તે દિવસે રીવરફ્રન્ટની પાળે બેઠા હતા ત્યારે મારી કહાની સાંભળ્યા પછી તું તરત જ મને પ્રપોઝ કરીશ. પણ મારી આશા ત્યારે પણ ઠગારી જ નીવડી હતી. મારો તો તને એક જ સવાલ છે કે બા અને દાદીને શા માટે આપણને બંનેને ભેગા કરવા માટે કવાયત કરવી પડે?' નેહાના અવાજમાં દર્દ હતું અને આંખમાં આંસુ હતા.
થોડી વાર માટે બંને વચ્ચે ભારે મૌન પથરાઈ ગયું. ટ્રાફિક હળવો થયો એટલે કાર શાહીબાગના અન્ડરબ્રીજની બહાર નીકળી. હવે રસ્તા પર નહિવત ટ્રાફિક હતો. એરપોર્ટ જેટલું મોડું આવે તેટલી નેહાની કંપની વધારે માણી શકાય એ હેતુથી જ રાહુલે કારની ગતિ ધીમી કરી દીધી હતી. 'નેહા, મારામાં શું ખામી છે?'
'રાહુલ, તું બધી રીતે પરફેક્ટ છો. મારી પ્રથમ પસંદ પણ તું જ હતો પણ ...'
'પણ શું ?'
'તું એક સ્ત્રીની લાગણી સમજવા માટે કાચો છે.'
અચાનક રાહુલે સર્કિટ હાઉસની બાજુની એક સુમસામ ગલીમાં કાર ઘુમાવીને જોરદાર બ્રેક મારી. કાર આંચકા સાથે ઉભી રહી ગઈ. રાહુલે એકદમ નજીક આવીને નેહાની આંખમાં જોઇને કહ્યું 'નેહા, આઈ લવ યુ'. નાઉ, આઈ ડોન્ટ વોન્ટ ટૂ મિસ યુ'
નેહાની આંખમાં ચમક આવી ગઈ. પહેલી જ વાર રાહુલને આટલો બધો નજીક આવેલો જોઇને એનો મૂડ બદલાઈ ગયો. એ રોમાંચિત થઇ ગઈ. એ બોલી ઉઠી.. 'રાહુલ, આઈ ઓલ્સો ડોન્ટ વોન્ટ ટૂ મિસ યુ'
કેટલીક વાર સ્ત્રી પુરુષના પ્રેમના એકરારમાં શબ્દો કરતાં પણ વધારે મહત્વ પ્રેમની નિશાનીની આપ લે નું હોય છે! થોડી ક્ષણો માટે એસી કારનું ઠંડુ વાતાવરણ પણ રાહુલ અને નેહાની ઉત્કટ નિકટતાથી હુંફાળું બની ગયું હતું!
નેહાને એરપોર્ટ પર મૂકીને રાહુલ ઘરે આવ્યો ત્યારે શ્રુતિએ કહ્યું 'રાહુલ, મેં તને નેહા સાથે લગ્ન માટે પૂછવામાં ઉતાવળ કરી નાખી. નેહાના વર્તન માટે દિલગીર છું'.
'અરે દાદી, તમે તો મારા વડીલ છો. તમારી સમજાવટથી જ નેહા મારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ છે. હવે મુહૂર્ત કઢાવો'. રાહુલની વાત સાંભળીને શ્રુતિ અને સુધાની આંખમાં ખુશીના આંસુ વહી રહ્યા. બંને સમજી ગયા કે માત્ર તેમની સમજાવટને કારણે જ નહી બલ્કે લગ્ન માટે રાહુલ અને નેહાની પરસ્પરની સમજાવટ પણ કામ કરી ગઈ છે!
રાત્રે નેહા દિલ્હી એરપોર્ટ પરથી ટેક્સી કરીને ઘરે જઈ રહી હતી ત્યારે એનું મન રાહુલના વિચારોમાં જ ખોવાયેલું હતું. ઘરે પહોંચ્યા બાદ એણે જોયું કે ડ્રોઈંગ હોલમાં ડો. સુહાસ એની રાહ જોઇને જ બેઠા હતા. 'પપ્પા.. પપ્પા બોલતી નેહા દોડીને તેમને વળગી પડી. 'નેહા, અમદાવાદના પ્રોગ્રામમાં બહુ મજા આવી લાગે છે'.
'હા પપ્પા, ખરેખર ખૂબ મજા પડી. એક વાત પૂછું? તમારી દીકરી ફરીથી લગ્ન કરીને તમારાથી દૂર જાય તો તમને વાંધો નથી ને?'
'નેહા, અમદાવાદ સુધી બિલકુલ વાંધો નથી.'
નેહા ચમકી 'પપ્પા તમને કેવી રીતે ખબર પડી ગઈ?'
'બેટા તારા ચહેરાની ચમક જ ઘણું બધું કહી જાય છે'.
નેહા પપ્પાને ફરીથી વળગી પડી.
'બેટા દુનિયાનો કોઈ બાપ તેની દીકરીને સ્હેજ પણ દુ:ખી જોઈ શકતો નથી. .. તારા ડિવોર્સ એ મારી જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. બટ..એની વે, જે થયું તે સારું થયું. આપણે જલ્દીથી સ્વપ્નીલથી છૂટકારો મેળવી લીધો. રાહુલ જેવો જમાઈ તો દીવો લઈને શોધવા જઈએ તો પણ ન મળે' ડો. સુહાસે નેહાના માથામાં હાથ પસવારતાં કહ્યું હતું.
વીકએન્ડમાં નેહા તેના પપ્પા સાથે અમદાવાદ આવી પહોંચી હતી.બીજે દિવસે નજીકના જ એક ગણપતિના મંદિરમાં તદ્દન સાદગીપૂર્વક નેહા અને રાહુલ લગ્નગ્રંથીથી જોડાયા હતા. ગોર મહારાજની સૂચનાથી બંને એકબીજાને હાર પહેરાવી રહ્યા હતા ત્યારે અચાનક એક અજાણી વ્યક્તિ મંદિરમાં આવી પહોંચી હતી. સુધા તેને જોઇને ચમકી હતી 'અરે વિનાયક તું ?' વિનાયકને જોઇને સુધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ હતી.'
'હા મેડમ, હું જીવતો છું'. વિનાયક સુધાના પગમાં પડી ગયો. વિનાયકને વર્ષો બાદ પરત આવેલો જોઇને સુધાને ખોવાઈ ગયેલો પુત્ર પરત આવી ગયો હોય તેવી લાગણી થઇ રહી હતી. રાહુલનું ધ્યાન એ તરફ પડયું કે તરત તે રડતી આંખે 'પપ્પા..પપ્પા' બોલતો વિનાયકને ચરણસ્પર્શ કરવા માટે નમ્યો. વિનાયક એના દીકરા રાહુલને ભેટી પડયો. આટલા વર્ષો બાદ મૃત માની લીધેલા પિતાને હયાત જોઇને રાહુલની આંખોમાં ખુશીનાં આંસુ વહી રહ્યા હતા. સૌ કોઈ સજળનેત્રે વર્ષો બાદ થયેલા પિતા પુત્રના મિલનનાં સાક્ષી બની રહ્યા. પૂજારીના શંખનાદ વચ્ચે વાતાવરણ વધારે પવિત્ર અને મનભાવન બની ગયું હતું! શ્રુતિ અને તેનો પરિવાર પણ સુધાની અને રાહુલની ખુશીમાં સામેલ થયો હતો. નિયત પ્રોગ્રામ મુજબ મંદિરેથી સૌ કોઈ સીધા હોટેલમાં જમવા પહોંચી ગયા હતા.
બપોરે ઘરે પરત આવ્યા બાદ બધાની હાજરીમાં સુધાએ પૂછયું
હતું 'વિનાયક, આટલા વર્ષો સુધી તું અમારી પાસે કેમ ન આવ્યો?'
'મેડમ, મેં કાજલને વચન આપ્યું હતું'. વિનાયકે કોરોના કાળના એ કપરા દિવસની આખી ઘટના અને ત્યાર બાદની તેની મુંબઈની આટલાં વર્ષોની વિતક કથા ટૂંકમાં કહી સંભળાવી.
'વિનાયક, તારે હવે અહીં જ રહેવાનું છે.' સુધાએ લાગણીસભર અવાજે કહ્યું હતું. બધાની હાજરીમાં વિનાયક સજળ નેત્રે ફરીથી સુધાના પગમાં પડી ગયો હતો.
રાત્રે સુધા શ્રુતિને કહી રહી હતી 'કાજલને આપેલા વચનપાલન માટે વિનાયક આટલાં વર્ષો સુધી રાહુલના ભવિષ્ય માટે દૂર રહ્યો..પણ મારે તેને એ પણ કઈ રીતે સમજાવવું કે વિનાયકને કારણે જ મને રાહુલ પ્રત્યે અંતરની લાગણી હતી.. નહી કે કાજલને કારણે..વિનાયકનો ભ્રમ હું દૂર પણ કઈ રીતે કરી શકું ?'
અધખુલ્લા દરવાજા પાસેથી પસાર થઇ રહેલા રાહુલના કાને અનાયાસે જ સુધાના બોલેલા શબ્દો અથડાયા હતા. વિનાયકે પોતાના રૂમમાં જઈને તરત જ એક પત્ર લખ્યો.
બીજે દિવસે સવારે પૂજાના રૂમમાં જયારે સુધા એકલી હતી ત્યારે વિનાયકે એ પત્ર એને હાથોહાથ આપ્યો. સુધાએ વાંચવાની શરૂઆત કરી
પૂજ્ય મેડમ,
હું તો જાણતો જ હતો કે મારે કારણે જ તમને મારા પરિવાર પ્રત્યે અંતરની લાગણી હતી. તમે પેરેન્ટસ ડે ના રોજ અમારી સાથે રાહુલની સ્કૂલના પ્રિન્સીપાલ સાહેબ પાસે આવ્યા હતા. જતી વખતે તમે ત્યાં પર્સ ભૂલી ગયા હતા. તમે અને કાજલ રાહુલની સાથે સ્કૂલના દરવાજાની બહાર નીકળીને કારમાં બેસી ગયા હતા. પ્રિન્સીપાલ સાહેબે મને પરત બોલાવીને એ પર્સ આપ્યું હતું. ખુલ્લા પર્સમાં મારું ધ્યાન એક ફોટા પર પડયું હતું. સ્કૂલની બહાર આવીને તમને એ પર્સ પરત આપતા પહેલાં જિજ્ઞાાસાવશ થઈને એ ફોટો મેં ધ્યાનપૂર્વક જોયો હતો. એ તમારો બહુ જુનો ફોટો હતો. કોઈ હિલ સ્ટેશનમાં તમારા ગળે પાછળથી હાથ વીંટાળીને ઉભેલા એ ઉંચા યુવાનને જોઇને હું ચમક્યો હતો. એ તમારો પ્રેમી હોય કે પતિ એ મારા માટે મહત્વની વાત નહોતી પણ એ યુવાનની ઉંચાઈ અને એનો ચહેરો આબેહૂબ મારી જ પ્રતિકૃતિ હતી. મને ભારે અચરજ થયું હતું. બસ એ જ દિવસે મારા જેવા તદ્દન અજાણ્યા ગરીબ યુવક પ્રત્યેની તમારી હમદર્દી અને વાત્સલ્યભાવનું કારણ હું સમજી ગયો હતો. મેં એ વાત કાજલને પણ નહોતી કરી. કાજલ તો જીવનના અંત સુધી એમ જ માનતી રહી હતી કે એ તમારા બંગલે કામ કરે છે, તેથી તમને મારા અને રાહુલ પ્રત્યે કૂણી લાગણી છે. આમ ભ્રમમાં હું નહોતો પણ કાજલ હતી! જોકે કાજલનો એ ભ્રમ મને ત્યારે ભારે પડી ગયો, જયારે કાજલે મરતી વખતે મારી પાસે રાહુલના ભવિષ્ય માટે થઇને અમદાવાદ છોડી દેવાનું વચન માગ્યું હતું. કાજલની નાજૂક તબિયત જોતાં તે સમયે કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવાનું મને મુનાસીબ લાગ્યું નહોતું. મેં પણ મન, વચન અને કર્મથી કાજલને જ ચાહી હતી. કાજલને આપેલા વચનનું પાલન મારા માટે પતિ તરીકેનું મારું પ્રથમ કર્તવ્ય હતું.
લિ. આપનો પુત્ર સમાન વિનાયક.
પત્ર વાંચી લીધા બાદ સુધાએ અમી નજરે વિનાયકની સામે જોયું. 'વિનાયક, આટલા વર્ષો સુધી તારા દીકરા રાહુલથી દૂર રહીને તેં ઘણો મોટો ભોગ આપ્યો છે'
'તમે મારા પરિવાર માટે અને ખાસ કરીને રાહુલના તારણહાર બનીને જે કાંઈ કર્યું છે, તેની સામે મેં આપેલો ભોગ તો કોઈ વિસાતમાં નથી!' વિનાયકની આંખમાં ખુશીના આંસુ હતા.
(સમાપ્ત)