ભક્તિમાર્ગ અને તંત્રમાર્ગ : એક સિક્કાની બે બાજુ!

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ભક્તિમાર્ગ અને તંત્રમાર્ગ : એક સિક્કાની બે બાજુ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- ભક્તિમાર્ગનું મૂળ છે મૃત્યુ પશ્ચાત્ ઈશ્વરની પ્રાપ્તિ! અને તંત્રમાર્ગનું મૂળ છે જીવતેજીવ ઈશ્વરની પ્રાપ્તિ! 

એ ક સનાતની હિંદુ તરીકે મોટાભાગના શ્રદ્ધાળુઓના મનમાં એવી ભ્રમણા છે કે ભક્તિમાર્ગ અને તંત્રમાર્ગ અલગ અલગ છે. શાસ્ત્રોનું ઓછું (નહીંવત્) અધ્યયન અને ઈન્ટરનેટ પરથી બધું સરળતાપૂર્વક પ્રાપ્ત કરી લેવાની વૃત્તિને કારણે હિંદુ માનસિકતા નબળી પડતી જાય છે. મૂળિયાં ખોખલાં થઈ ગયાં છે! આધ્યાત્મિક ગ્રંથોને લાલ ચુંદડીમાં વીંટીને અગરબત્તી કરવાની ટેવ આપણાં પતનનું કારણ છે! માત્ર ઝંડા લઈને નીકળી પડવાથી કે પછી 'જય શ્રીરામ'નાં નારાથી સનાતન ધર્મ નહીં બચે. હૃદય ઉપર હાથ રાખીને સ્વયંને પૂછો કે મહાભારત-રામાયણ હાથમાં લઈને છેલ્લે ક્યારે વાંચ્યાં હતાં? શ્રીમદ્ ભગવદ્ગીતાનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યાને કેટલો સમય થયો? કે પછી શિવપુરાણ-બ્રહ્માંડપુરાણ-માર્કંડેય પુરાણ વગેરેમાંથી એકાદ અધ્યાય વાંચવાનો ઉત્સાહ છેલ્લે ક્યારે દાખવ્યો હતો?

તંત્રમાર્ગને સમજ્યા વગર માત્ર છીછરી સમજ અને અલ્પાધ્યયનનાં જોરે ઉછળકૂદ કરીને 'સાધના' ન કરવાનું ઠાલું બહાનું પોતાની જાતને આપવામાં આપણી પ્રજા હોંશિયાર બની ગઈ છે! બંનેમાંથી એકપણ માર્ગનો પૂરતો અનુભવ અને અધ્યયન કર્યા વગર સાંભળેલી (રૂઢિગત) વાતો કરવામાં જ સૌને વધુ રસ છે. 

ભક્તિમાર્ગનું મૂળ છે મૃત્યુ પશ્ચાત્ ઈશ્વરની પ્રાપ્તિ! અને તંત્રમાર્ગનું મૂળ છે જીવતેજીવ ઈશ્વરની પ્રાપ્તિ! એક શ્રદ્ધાળુ ભક્તિમાર્ગ પર એટલે આગળ વધે છે કે જેથી મૃત્યુ પછી તે હંમેશા માટે પરમ-તત્ત્વમાં વિલીન થઈ શકે. તંત્રમાર્ગ પર આગળ વધી રહેલો શ્રદ્ધાળુ એવું ઈચ્છે છે કે જ્યાં સુધી પંચમહાભૂત - જળ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી - થી બનેલાં શરીરમાં તે જીવી રહ્યો છે એ સમય દરમિયાન જ તે નિરંતર ઈશ્વરના ભાવમાં લીન રહીને એમનો સાક્ષાત્કાર કરી શકે.

ભક્તિમાર્ગ પર નિત્યપૂજા અને કર્મકાંડનું મહત્ત્વ અત્યાધિક છે. ચૈતન્ય મહાપ્રભુજી દ્વારા જે ભક્તિ ચળવળ શરૂ થઈ અને બાદમાં શ્રીલા પ્રભુપાદજી દ્વારા 'કૃષ્ણ કોન્શિયસનેસ'ના માધ્યમથી એને વેગ મળ્યો, એનું ઉદાહરણ લઈને સમજૂતી મેળવીએ. ભગવાન કૃષ્ણનો મહામંત્ર (હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે) સર્વવિદિત છે. ભક્તિમાર્ગ પર આગળ વધી રહેલાં સાધકને તેના નિરંતર જાપ કરતાં રહેવાનો ઉપદેશ આપવામાં આવશે. બીજી બાજુ, કૃષ્ણની નિત્યભક્તિ, સેવા, આરતી, ભોગ વગેરે પણ અગત્યની બાબતો બની જાય છે. ટૂંકમાં કહેવું હોય તો, આખો દિવસ શ્રીકૃષ્ણના ભાવમાં સ્થિત રહેવું એ પ્રાથમિકતા હોવી જોઈએ. આ જ નિયમ લાગુ પડે અન્ય દેવી-દેવતાઓની ભક્તિ માટે!

તંત્રમાર્ગ પર કર્મકાંડ ઉપરાંત સાધનાનું વિધાન મહત્ત્વપૂર્ણ બની જાય છે. દાખલા તરીકે, શ્રીકૃષ્ણની તંત્રમાર્ગેથી આરાધના કરવી હોય તો તાંત્રિક મંત્ર (ક્લીં કૃષ્ણાય નમ:) સાથે સંપૂર્ણ તંત્રોક્ત વિધિ-વિધાનો - ન્યાસ, મુદ્રા, વિનિયોગ, તર્પણ, માર્જન વગેરેને સાંકળીને જ થઈ શકે. ભક્તિમાર્ગ એ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે, પરંતુ તંત્રમાર્ગ એ ઈશ્વરને સ્વયં સાથે એકાકાર કરવાનો માર્ગ છે. શ્રીરામ, મા દુર્ગા, હનુમાન, મહાદેવ, શ્રીહરિ વિષ્ણુ, વેદમાતા ગાયત્રી સહિત પ્રત્યેક દેવી-દેવતાની તાંત્રિક સાધનાઓ મનુષ્યને પ્રાપ્ત છે. સતયુગની સરખામણીમાં કળિયુગમાં લોકો પાસે સમય અને ધીરજની ઓછપ હોવાની છે, એ વાતને ધ્યાનમાં રાખીને જ મહાદેવ દ્વારા તંત્રમાર્ગ પર આગળ વધવાની સલાહ આપવામાં આવી. પ્રત્યેક યુગમાં કર્મયોગનું મહત્ત્વ સૌએ સમજ્યું છે, પરંતુ સતયુગ - ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં ઋષિ-મુનિઓ પાસે એ સવલત હતી કે રાજા-મહારાજાઓ દ્વારા એમનું ગુજરાન ચલાવવાની વ્યવસ્થા કરી દેવામાં આવતી, જેના કારણે તેઓ આખો દિવસ સાધનામાં લીન રહીને ઈશ્વરપ્રાપ્તિ તરફ આગળ વધી શકતાં; પરંતુ કળિયુગમાં એ શક્ય નથી. સતત પ્રભુભક્તિમાં લીન રહેવા માગતાં મનુષ્યને પણ કર્મ (વાંચો - નોકરી કે ધંધો) તો કરવું જ પડે છે. દિવસના બાકી બચેલાં સમયમાં જે ગણતરીના કલાકો તેની પાસે શેષ રહે, એમાં જો સાધનાનો માર્ગ અપનાવવામાં આવે, તો એ અચૂક ફળદાયી રહે અને લક્ષ્ય સુધી પહોંચવામાં વેગવંતો માર્ગ બની રહે, એ હેતુ સાથે તંત્રનું મહત્ત્વ કળિયુગમાં અત્યાધિક છે.

ભક્તિમાર્ગ અને તંત્રમાર્ગ એક સિક્કાની બે બાજુ કેવી રીતે થઈ? કારણ કે, તંત્રમાર્ગ પર આગળ વધી રહેલાં સાધક માટે પણ ભક્તિ-તત્ત્વ નિતાંત આવશ્યક છે. હૃદયમાં ભક્તિ નહીં હોય, તો તાંત્રિક મંત્રના એક કરોડ જાપ કરવાથી પણ કોઈ લાભ નહીં થાય. પ્રત્યેક સાધના દરમિયાન અંતરમનમાં જ્યાં સુધી ભક્તિ, સમર્પણ અને શ્રદ્ધા પ્રગટ ન થાય, ત્યાં સુધી સાધનાનો વિશેષ લાભ મળતો નથી. ભક્તિ-તત્ત્વની આવશ્યકતા તંત્રમાર્ગ અને ભક્તિમાર્ગ એમ બંને માર્ગનાં પથિકોને છે! સિક્કાની એક બાજુ ભક્તિમાર્ગ છે અને બીજી બાજુ તંત્રમાર્ગ છે, પરંતુ એ સિક્કો જે ધાતુનો બનેલો છે, એ ધાતુ છે ભક્તિત્ત્વ! એના વગર સઘળું વ્યર્થ છે. જો એવું ન હોત તો, વિચાર કરો, ભારતમાં આજની તારીખે લાખો સંન્યાસી સંતો છે એ દરેકને ભગવદ્પ્રાપ્તિ થઈ ચૂકી હોત!

આથી, ભવિષ્યમાં ભક્તિમાર્ગ પર પણ આગળ વધવા માગતાં હો તો નિ:શંક થઈને વધો, પરંતુ સ્મરણ રહે કે નરસિંહ મહેતા, મીરા, સંત તુકારામ, શ્રીલા પ્રભુપાદ, ચૈતન્ય પ્રભુપાદ સહિત એ દરેક મહાન ચેતનાઓએ આખું જીવન ભક્તિને પ્રાથમિકતા આપી હતી. સવારે ધૂપબત્તી કરવી, અઠવાડિયામાં એક વખત મંદિરે જઈ આવવું, ઑફિસે જતાં પહેલાં દીવો કરવો એ સાધક કે ભક્ત હોવાની નિશાની નથી. ભક્તિનો માર્ગ પણ બિલ્કુલ સરળ નથી અને એનાં અસંખ્ય ઉદાહરણો આપણી પાસે છે. સાધના શીખવાની આળસ આવે છે, એટલે ભક્તિ જ આપણાં માટે યોગ્ય છે એવું માનવું એ મૂર્ખામી છે. ભક્તિ એ ક્યારેય સાધના ન કરવા માટેનું બહાનું ન બનવી જોઈએ!


Google NewsGoogle News