દેવકી અને યશોદા બંને થવાનું સુખ .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- મને આનંદ એ વાતનો છે કે, મારા મુરલીધર ભગવાને, મારા રણછોડે મારા નસીબમાં દેવકી અને યશોદા બંનેનું સુખ લખ્યું હતું અને હું તે બંને ભોગવી રહી છું...
'કા નન મારા મનમાં કાયમ એક વાત ખુંચ્યા કરે છે. હું જ્યારે પણ તારા બંને દીકરા આરુષ અને અમોઘને જોઉં છું ત્યારે મને જરાય એવું લાગતું નથી કે તેમનામાં તારા જીન્સ હોય. તેમના ફેસ-ફિચર્સ થોડા અલગ છે. તે ઉપરાંત તારા અને અખિલ જેવી બુદ્ધિ ક્ષમતા પણ તેમનામાં દેખાતી નથી. ખબર નહીં કેમ પણ મને આ વાત જરાય પચતી નથી.' - અંકિતાએ હાથમાં ચાનો કપ પકડતા કહ્યું.
'તને જરાય શરમ આવે છે, તું મારા જ ઘરમાં બેસીને મારા જ સંતાનો વિશે બોલે છે. એ લોકો ભણવામાં થોડા નબળા છે તેનો અર્થ એવો નથી કે તેમના વિશે તું ગમે તે બોલે. અરે યાર એ લોકો હજી નાના છે. પાંચમા ધોરણમાં ભણતું છોકરું કેટલું હોંશિયાર હોય. તું મારી બેસ્ટ ફ્રેન્ડ થઈને મારા ઘર વિશે આવી વાતો કરે છે.' - કાનને જરા સોફા ઉપર લંબાવતા છણકો કર્યો.
'કાનુડી એવી વાત નથી યાર.. તારા છોકરાઓ મારા માટે પણ મારા સંતાનો જેવા જ છે. તેમ છતાં ખબર નહીં પણ મને એ છોકરાઓમાં તારા એકેય લક્ષણ દેખાતા નથી.' - અંકિતાએ ફરી કહ્યું ત્યાં જ એક નાનકડી છોકરી નાસ્તાની પ્લેટ લઈને આવી.
'માસી આ ગરમા ગરમ પુડલા છે ખાઈ લો. વધારે જોઈતા હોય તો મને બુમ મારજો... હું રસોડામાં જ બેઠી છું. મામી પાછળની તરફ થોડું કામ કરે છે તો કદાચ તેમને ના સંભળાય તો હું કહી દઈશ.' - અનાદીએ ડિશ મુકતા મુકતા કહ્યું.
'કાનુડી આ છોકરી કોણ છે. બે યાર બહુ જ ચાર્મિંગ છે. મને તો વ્હાલ કરવાનું મન થઈ ગયું.' - અંકિતા બોલી.
'એ અમારી અનુ છે. તેનું નામ અનાદી છે. આ ત્રણેય છોકરાઓનો જન્મ સાથે જ થયો હતો. અમારા બંનેની ડિલિવરી સાથે જ થઈ હતી. અમારે ત્યાં બે દીકરા જ્યારે રાધાને ત્યાં આ દીકરીનો જન્મ થયો હતો. શકુંતલા ફોઈએ જ આ ત્રણેય છોકરાઓના નામ રાખ્યા હતા. તે દિવસે જન્માષ્ટમી હતી તેથી આરુષ અને અમોઘ એમ બે છોકરા અને અનાદી એક છોકરી એવું નામકરણ કરવામાં આવ્યું હતું.' - કાનને પુડલાની ડીશ હાથમાં લેતા કહ્યું.
'અનુ, બેટા તું પણ નાસ્તો કરી લેજે. પેલા બંને ડફોળોને પણ નાસ્તો કરવાનું કહેજે. રમવાની લ્હાયમાં ખાતા-પીતા પણ નથી. તારે ભણવાનું કેવું ચાલે છે. આ બંને છોકરાઓ ક્લાસમાં ધ્યાન આપે છે કે બસ ફરી ખાય છે. મને સાચું કહેતી રહેજે.' - કાનને કહ્યું અનાદી હકારમાં માથું હલાવીને આછકલું સ્મિત કરીને જતી રહી.
'કાનુડી તું ગમે તે કહે પણ આ છોકરીમાં તારા જેવા લક્ષણો દેખાય છે. કદાચ તારા ઘરમાં રહેવાના કારણે તેના વર્તનમાં તારી અસર દેખાતી હોય. સારું એ બધું જવા દે હવે તારા આરુષ અને અમોઘનો જન્મદિવસ આ વખતે જન્માષ્ટમીના બીજા જ દિવસે આવે છે. બંને દસ વર્ષના થવાના છે. આ વખતે કેવી પાર્ટી આપવાની છે.' - અંકિતાએ પણ નાસ્તાની ડિશ હાથમાં લીધી અને પૂછયું.
'આ વખતે એક સરપ્રાઈઝ પાર્ટી છે. ખાસ કરીને મારા સાસુ-સસરાની લાગણીઓને ધ્યાનમાં રાખી છે. આ વખતે અમે ઘરના લોકો જ સેલિબ્રેશન કરવાના છીએ. બહારના લોકોમાંથી માત્ર તું અને માધવી છો જ્યારે અખિલનો એક ચાઈલ્ડહુડ ફ્રેન્ડ મનોહર આવવાનો છે. આ વખતે જન્માષ્ટમી ઉજવવા કોઈને બોલાવ્યા નથી.' - કાનને કહ્યું અને અંકિતાના ચહેરા ઉપરનો ઉત્સાહ બેવડાઈ ગયો.
કાનન અને અંકિતા વચ્ચે આવી થોડી વાતો થઈ અને તેઓ છુટા પડયા. અંકિતા પોતાના ઘરે જવા રવાના થઈ ગઈ અને મહિનો એમ જ પસાર થઈ ગયો. જન્માષ્ટમીના બે દિવસ પહેલાં કાનનનો ફોન આવ્યો. તેણે આમંત્રણ આપ્યું અને સમયસર આવવા કહી દીધું. અંકિતા અને માધવી તે દિવસે સાંજે કાનનના ઘરે પહોંચી ગયા. સાંજે પૂજા-પાઠ ચાલ્યા. ત્યારબાદ બધાએ ફરાળ કર્યું અને અંતે દસ વાગ્યે બધા ભજન-કીર્તન કરવા જોડાઈ ગયા. બરાબર રાત્રે બાર વાગ્યા સુધી ભજન ચાલ્યા અને પછી ઘરનાએ કૃષ્ણ જન્મ કરાવ્યો અને જયજયકાર બોલાવ્યો. આરતી થઈ અને પ્રસાદ વહેંચાયો.
'પ્લીઝ બધા થોડા સમય માટે બેસજો. મારે આજે એક વાત કરવી છે. મને આશા છે કે, તમે બધા મને સાથ આપશો અને મને કોઈ સવાલ નહીં કરો.' - કાનને કહ્યું અને બધા તેની સામે જોવા લાગ્યા. બધા પ્રસાદના પડીયા લઈને ડ્રોઈંગરૂમમાં સોફા અને ખુરશીઓમાં ગોઠવાઈ ગયા.
'મમ્મીજી, સૌથી પહેલાં તો મારે તમને એક વાત કરવી છે. મમ્મી, મેં અને અખિલે નક્કી કર્યું છે કે, આપણા બંને દીકરાઓની જેમ અનાદી પણ જેટલું ભણવું હશે તેટલું અમે ભણાવીશું. તેનો તમામ ખર્ચ અમે કરીશું. તે આપણા પરિવારનું અભિન્ન અંગ છે. તેની મમ્મી આપણે ત્યાં કામ કરતી હતી અને હવે તેની મામી અને તે બંને આપણે ત્યાં જ કામ કરે છે. છોકરી હોંશિયાર છે તો આપણી ફરજ છે કે તેને સાથ આપીએ. અમને લાગે છે કે તમને આમાં વાંધો નહીં હોય.' - કાનને બોમ્બો ફોડયો.
'ના વહુબેટા. તમે જાણો અને તમારો વર જાણે અને તમારું ઘર જાણે. અમારે તો હવે કાનાના ભજનો ગાવાના અને દિવસો પસાર કરવાના છે. ઘરનો બધો વહીવટ તમે જ કરો છો તો નિર્ણય પણ તમારા જ રહેવાના ને. અમને જાણ કરો છો એટલું ઈશ્વરકૃપા છે.' - કાનનની સાસુએ પણ સામો બોમ્બો ફેંક્યો.
'મમ્મી, તમારે ટોણા મારવાની જરૂર નથી. આ નિર્ણય કાનન કરતા વધારે મારો પોતાનો છે. તમને તો અમારા નિર્ણયોમાં વાંધો આવતો જ હોય છે. પપ્પાના ગયા બાદ તો તમારા વાણી-વર્તન સાવ બદલાઈ ગયા છે.' - અખિલ બચાવમાં ઉતરી આવ્યો.
'બસ દીકરા. તમારી આ તકલીફ પણ હું દૂર કરું છું. મારે શકુંતલા બેન સાથે વાત થઈ ગઈ છે. અગિયારસના દિવસે હું તેમની સાથે મથુરા જવાની છું અને આજીવન તેમની સાથે જ રહેવાની છું. મારે હવે આ ઘરમાં રહેવું નથી.' - મમ્મીજી બોલ્યા.
'મમ્મી, તમારી ઈચ્છા. તમને યોગ્ય લાગે તે કરો.' - અખિલ બોલ્યો.
'મમ્મીજી, તમારે જે કરવું હોય તે તમે કરજો. અમે તમને રોકવા પણ માગતા નથી અને જવા દેવા પણ માગતા નથી. તમારો નિર્ણય અમે માત્ર સ્વીકારવા બંધાયેલા છીએ. તમે જવાનો જ નિર્ણય કર્યો છે તો મારે તમને આજે બીજી પણ વાત કરવી છે.' - કાનન બોલી.
'વહુબેટા બોલી નાખો. આજે બધું પૂરું કરીને જ જવું છે. હવે ખાલી શરીર પાછું આવશે અને તે પણ પંચમહાભૂતમાં વિલિન થવા.' - મમ્મીજીના અવાજમાં ભારોભાર રોષ હતો.
'મમ્મી, અમોઘ અને આરુષ મારા સંતાનો નથી. તે તમારા દીકરાના સંતાનો છે. તે દિવસે હોસ્પિટલમાં મારા કુખે અનાદી જન્મી હતી અને રાધાની કુખે આ બે દીકરા જન્મ્યા હતા. આ ત્રણેય સંતાનોનો પિતા તમારો દીકરો જ છે. તમને દીકરીઓ પસંદ નહોતી એટલે તે દિવસે રાત્રે અખિલે દીકરીને રાધાની પાસે મુકી દીધી અને બંને દીકરા લાવીને મારી પાસે મુકી દીધા. સવારે તમે લોકો આવ્યા ત્યારે જન્માષ્ટમીનો આનંદ કરતા હતા પણ અખિલે એક પાપને સંતાડવા બીજું પાપ કરી જ લીધું હતું. તેને રાધા સાથે સંબંધ હતા અને તેના પરિણામે જ આ બે બાળકો આવ્યા હતા. અખિલ રાધાનું શોષણ કરતો હતો અને તેમાં પોતે જ ફસાઈ ગયો.'
'અનાદીના જન્મ બાદ રાધાનું અવસાન થયું ત્યારે અખિલે મારી સમક્ષ અને પપ્પાજી સમક્ષ આ ભુલનો સ્વીકાર કર્યો હતો પણ ત્યારે અમારા ત્રણેયની ઈચ્છા નહોતી કે આ સત્ય તમને જણાવીએ. હવે તમે આ પરિવારથી દૂર જઈ રહ્યા છો ત્યારે મને લાગ્યું કે, જીવનનું છેલ્લું સત્ય તમારે જાણવું જોઈએ. હું તમારા પુત્રના સત્યથી તમને વેગળા રાખી શકું નહીં. મારી કુખે તો દીકરી જન્મી કે મને દીકરા મળ્યા. મારે મન તો દરરોજ જન્માષ્ટમી જ છે. મને આનંદ એ વાતનો છે કે, મારા મુરલીધર ભગવાને, મારા રણછોડે મારા નસીબમાં દેવકી અને યશોદા બંનેનું સુખ લખ્યું હતું અને હું તે બંને ભોગવી રહી છું.' - કાનને કહ્યું અને મમ્મીજી રડતી આંખે પારણામાં ઝુલતા પોતાના લાલજી સામે જોતા રહ્યા.