જુલીયન અલ્ફ્રેડ : ગરીબીથી દૂર જવા દોડ લગાવી, હવે પૃથ્વી પરની સૌથી ઝડપી દોડતી મહિલા
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- પૃથ્વી પરના ટપકાં જેવડા દેશની ખેલાડી જુલીયને ભલભલા સુપરપાવર દેશોની એથ્લીટ્સને પછાડીને ખળભળાટ મચાવી દીધો
- 'કશ્તી દેખ કે મુસ્કુુરાનેવાલેે તૂૂફાન, હોંસલો સે ટકરાકર હાર જાતેે હૈ'
પ્રયાસ ભલેે ગમે તેેટલો નાનો હોય, પણ જો તે જીવ રેડીને કરવામાં આવે, તો તેેના થકી એવી વિશિષ્ટ સફળતા હાંસલ થાય છે કે, જેની નોંધ આખી દુનિયાને લેવી જ પડેે છે. શરુઆત હંમેશા એકલતામાં અને ગુમનામીના અંધારામાંથી જ થાય છે. પરિસ્થિતિના બંધનોમાંથી છુટી જવાની ઝંખના અને આગળ નીકળી જવાનો ઈરાદો જ વ્યક્તિને સફળતાના આગવા શિખરો સુધી પહોંચાડી દે છેે, જ્યાં બાકીના તમામ વિજેતાને ભારે આશ્ચર્યની સાથે જોઈ રહે છે. આવી જ સફળતા તાજેતરમાં જ પૂરા થયેેલા પેરિસ ઓલિમ્પિકમાં પૃૃથ્વી પરના ટપકાં જેવડા દેેશ સેંટ લ્યુસિયાની ૨૩ વર્ષની યુવતી જુલીયન અલ્ફ્રેડે મેળવી બતાવી છે.
પૃથ્વી પરના સૌથી મોટા રમતોત્સવ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે કેરેબિયન દેશ સેંટ લ્યુસિયાની જુલીયન અલ્ફ્રેડ પેરિસ પહોંચી, ત્યારે ભાગ્યે જ કોઈએ તેની નોંધ લીધી હતી. ઓલિમ્પિક રમતોત્સવના ઈતિહાસમાં ભૂતકાળમાં ક્યારેય સેંટ લ્યુસિયાનો કોઈ ખેેલાડી સુવર્ણ તો શું, કાંસ્યચંદ્રક પણ જીતી શક્યો નહતો. વળી, જુલીયનની કારકિર્દીમાં પણ કોઈ વિશ્વ ચેમ્પિયનશિપના ચંદ્રકોનો એવો ઝળહળાટ નહતો કે, જેનાથી રમત વિશ્વની નજર તેની નોંધ લેવાની તસ્દી પણ લે. જોકે, બધાના આશ્ચર્ય વચ્ચે જુલીયને મહિલાઓની ૧૦૦ મીટરની દોડ ૧૦.૭૨ સેકન્ડમાં પુરી કરીને સુવર્ણચંદ્રક જીતવાની સાથે આગવો ઈતિહાસ રચી દીધો.
ઓલિમ્પિકમાં ટ્રેેક એન્ડ ફિલ્ડની સ્પર્ધામાં સૌથી મહત્વની ગણાતી મહિલાઓની ૧૦૦ મીટરની દોડમાં વિજેતા બનેલી જુલીયને તેના દેશ સેંટ લ્યુસિયાને રમતોના મહાકુંભના ઈતિહાસનો સૌપ્રથમ ચંદ્રક સુવર્ણના રૂપમાં અપાવ્યો, તેની સાથે સાથે નવો રાષ્ટ્રીય કીર્તિમાન પણ સર્જ્યો. આ સુવર્ણચંદ્રક વિજેતા બનવાની સાથે જ તેણે પૃથ્વી પરની સૌથી ઝડપી મહિલાનો ખિતાબ પણ પોતાના નામે કર્યો અને આખી દુનિયામાં સેંટ લ્યુસિયાનું નામ ગાજતું કરી દીધું. પેરિસ રમતોત્સવમાં જુલીયનની સફળતાનો સિલસિલો માત્ર એક સુવર્ણચંદ્રક પર જ ન અટક્યો. તેણે ૨૦૦ મીટરમાં બીજું સ્થાન હાંસલ કરતાં રજતચંદ્રક પ્રાપ્ત કર્યો. તે આ રેસમાં અમેરિકાની ગેબ્રિએલા થોમ્પસન કરતાં માત્ર ૦.૨૫ સેકન્ડ જ પાછળ રહી હતી.
પેરિસમાં મહિલાઓની ૧૦૦ મીટરની રેસમાં જુલીયનની સફળતા એટલા માટેે પણ ઐતિહાસિક છે, કારણ કે આ એલિટ સ્પર્ધામાં અમેરિકા અને જમૈકાનો દબદબો રહ્યો છે. છેલ્લા ૧૬ વર્ષથી આ સ્પર્ધામાં ત્રણેય ચંદ્રકો જમૈકા કે અમેરિકાની ખેલાડી જ જીતતી આવી હતી. અગાઉ વર્ષ ૨૦૦૪માં એથેન્સમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે બેલારુસની એથ્લીટ યુલીયા નાસત્સૈરેન્કા મહિલાઓની ૧૦૦ મીટરની દોડમાં વિજેતા બની હતી. જે પછી જુલીયન એવી પહેેલી નોન-જમૈકન અને નોન-અમેરિકન એથ્લીટ છે કે, જે આ સ્પર્ધામાં ચંદ્રક (અને એ પણ સુવર્ણ) જીતી શકી છે. આ સિદ્ધિ તેને ઓલિમ્પિકના એથ્લેટિક્સ જગતના વિક્રમોની યાદીમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે.
આંતરરાષ્ટ્રીય જગતમાં સેંટ લ્યુસિયાની ખેેલાડી તરીકેે આગવી નામના મેળવનારી જુલીયનની સફળતાની પાછળ પરિસ્થિતિ સામેનો જબરજસ્ત સંઘર્ષ અને મક્કમ ઈરાદો રહેલા છે. સેંટ લ્યુસિયાની રાજધાની ક્રિસ્ટીસમાં આવેલા સિસેરોનમાં જન્મેલી જુલીયનનું બાળપણ ભારે સંઘર્ષથી ભરેલું રહ્યું છે. તેના પિતા જુલિયન હેમિલ્ટન અને માતા યોએન્ના અત્યંંત સાધારણ પરિવારના હતા. જુલીયન અને તેના ત્રણ ભાઈ-બહેનોનું ભરણ-પોષણ કરવા માટે તેના માતા-પિતાને સખત મજૂરી કરવી પડી. જુુલીયન માત્ર ૧૨ વર્ષની હતી, ત્યારે તેના પિતાનું અવસાન થયું હતુ. આ પછી યોએન્નાએ એકલપંડે તેના બાળકોને ઉછેરીને મોટા કર્યા.
બાળપણમાં સ્થાનિક શાળામાં અભ્યાસ કરતી જુલીયનની પાસે પહેરવા માટે શૂૂઝ પણ નહતા. તે ઊઘાડા પગે જ દોડતી અને શાળાની વિવિધ સ્પર્ધાઓમાં પહેેલા નંબરે રહેતી. તેની દોડવીર તરીકેની પ્રતિભા પર સૌથી પહેલી નજર તેની શાળાના ગ્રંથપાલની પડી, જે રમતોની સાથે સાથે ગરીબ બાળકોના ઉત્થાન માટે પ્રયત્નશીલ હતા. તેમણેે જુલીયને એથ્લીટ બનાવવાનું બીડું ઝડપ્યું અને સ્થાનિક કોચ ક્યુથબેર્ટ મોડેેસ્ટેની પાસે તાલીમમાં મુકી. ક્યુથબેર્ટને પણ જુલીયનની ઝડપ અને કટિબદ્ધતા જોઈને આશા જન્મી કે આ છોકરી એક દિવસ મોટું નામ કાઢશે.
તેની એથ્લીટ તરીકેની કારકિર્દી હજુ તો શરુ થઈ જ રહી હતી, ત્યાં પિતાના અણધારી વિદાયને કારણે તેે ભાંગી પડી. માતાની અને ભાઈ-બહેનોને મદદ કરવા માટે જુલીયને દોડવાનું છોડી દીધું અને નાના-મોટા કામ કરવા લાગી, જેથી પરિવારને આર્થિક રીતે મદદરુપ બની શકાય. જુલીયન જેવી પ્રતિભાશાળી ખેલાડીની ગેરહાજરી કોચ ક્યુથબેર્ટ માટે પરેશાનીરૂપ બની. તેઓ તેને શોધતાં-શોધતાં તેના ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે પુનરાગમન કરવા માટે જુલીયન તેમજ તેની માતાને સમજાવ્યા. કોચનો ભરોસો જોતાં તેની માતાએ તેને ફરી એથ્લેટિક્સમાં પાછા ફરવાની છૂટ આપી.
જુલીયનને પણ લાગ્યું કે, આ ગરીબીની જંજાળમાંથી નીકળવાનો એકમાત્ર માર્ગ એથ્લેટિક્સનો ટ્રેક જ છે. કેરેબિયન ચેમ્પિયન તરીકેનો દબદબો માત્ર ૧૫ વર્ષની ઉંમરે મેળવનારી જુલીયન વધુ તાલીમ માટે જમૈકા પહોંચી. માત્ર ૧૪ વર્ષની વયે પોતાનું વતન છોડીને તેણે એથ્લેેટિક્સની ઈવેન્ટની નર્સરી તરીકે ઓળખાતા જમૈકામાં તાલીમ મેળવી. તેના માટે આ તબક્કો એટલા માટે મહત્વનો હતો કારણ કે તે તેના પ્રેેરણાસ્રોત એવા લેજન્ડ એથ્લીટ યુસૈન બોલ્ટની જન્મભૂમિ હતી. જમૈકામાં મળેલી તાલીમથી તેની પ્રતિભામાં નિખાર આવ્યો અને આ પછી તેણે ૨૦૧૭માં બહમાસમાં યોજાયેલી યુથ કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦૦ મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીતી બતાવ્યો અને તેની આંતરરરાષ્ટ્રીય સફળતાની સફરનો પ્રારંભ થયો. તેણે યુથ ઓલિમ્પિકમાં પણ રજતચંદ્રક હાંસલ કર્યો હતો.
કેરેબિયનની આ પ્રતિભાશાળી એથ્લીટને કરારબદ્ધ કરવા માટે અમેરિકાની યુનિવર્સિટીઓએ લાલ જાજમ બીછાવી હતી. તેેણે આખરે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ પર પસંદગી ઉતારી, કારણ કે તે કેનેડિયન કોચ એડરિક ફ્લોરિયલના માર્ગદર્શનમાં તેની પ્રતિભાને નિખારવા માંગતી હતી. ફ્લોરિયલ અગાઉ સીડની મેક્લોગ્લીન-લેવ્રોન તેમજ કેની હરિસન જેવી ધુરંધર એથ્લીટસની સાથેે કામ કરી ચૂક્યા હતા. આ જ કારણે જુલીયને તેમના પર પસંદગી ઉતારી અને તેમના માર્ગદર્શન હેઠળ તેેણે અમેરિકન કોલેજની એમેેચ્યોર એથ્લેટિક્સ સ્પર્ધા કે જે એનસીએએ તરીકે ઓળખાય છે તેમાં ટાઈટલ જીતવાની સાથે ભારે નામના મેળવી અને તેની આ સફળતાએ તેને જંગી રકમનો કોન્ટ્રાક્ટ પણ અપાવ્યો.
નવા કોચના માર્ગદર્શનમાં તૈયારી કરી રહેલી જુલીયનની પહેલી કસોટી ૨૦૨૩ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં થઈ. જોકે તેનો પહેલો અનુભવ કડવો રહ્યો અને તે ૧૦૦ મીટરની રેસમાં મેડલથી વંચિત રહી ગઈ. આ નિષ્ફળતાએ તેના પર ઘેરી અસર પાડી. તે માનસિક રીતે પડી ભાંગી. આ મુશ્કેલ પળોમાં તેને તેની માતા અને કોચે સહારો આપ્યો અને તેનામાં પેરિસ ઓલિમ્પિકમાં સુવર્ણ જીતવાનું સ્વપ્ન રોપી દીધું. આ પછી તેણે ચાલુ વર્ષે જ વર્લ્ડ ઈન્ડોર ચેમ્પિયનશિપમાં
૬૦ મીટરની દોડમાં સફળતા મેળવી, પણ ૧૦૦ મીટરની ઈવેન્ટમાં એક પણ ચંદ્રક ન હોવાના કારણે તેને પેરિસ ગેમ્સમાં ચંદ્રકની દાવેદાર મનાતી નહતી.
પેરિસમાં મહિલાઓની ૧૦૦મીટરની ફાઈનલમાં તેની સાથે દોડવામાં વર્લ્ડ ચેમ્પિયન અમેરિકાની શકૅરી રિચાર્ડસન પણ હતી. જુલીયને ફાઈનલના દિવસે વહેલી પરોઢે ઉઠીને તેની ડાયરીમાં પોતાના નામની નીચે ઓલિમ્પિક ચેમ્પિયન લખ્યું અને ત્યાર બાદ તેના આદર્શ સમા યુસૈન બોલ્ટના કેટલાક વિડિયો પર નજર નાંખી. તેણે કલ્પનામાં વિજયરેખા પાર કરીને સુવર્ણચંદ્રક જીતવાનું માનસિક રિહર્સલ કરી લીધું અને યોગાનુંયોગ સાંજે યોજાયેલી ફાઈનલમાં તેની કલ્પનાએ હકીકતનું સ્વરુપ ધારણ કરી લીધું.
એક સાવ સાધારણ પરિવારમાં જન્મેલી જુલીયને પરિસ્થિતિ અને ગરીબીને પાછળ રાખી દેવા માટેે લગાવેલી દોડ તેને છેક ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક સુધી લઈ ગઈ. તેની ડ્રીમ રન હજુુ શરુ થઈ છે. ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા બાદ હવે તેને વર્લ્ડ ચેમ્પિયનના તાજની તલાશ છે.