હરગિલા પક્ષીનું બેબી શાવર .

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
હરગિલા પક્ષીનું બેબી શાવર                                     . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- દાદરામાં પચરિયા કુશલ કુંવર હાઈસ્કૂલમાં ભારતના પ્રથમ હરગિલા શિક્ષણ અને સંરક્ષણ કેન્દ્રનો આરંભ થયો છે

આ સામના કામરૂપ પ્રદેશમાં પબ માજીર ગામમાં જન્મેલી પૂર્ણિમા દેવી બર્મને ગૌહાટી યુનિવર્સિટીમાં ઈકોલોજી અને વાઇલ્ડ લાઇફ બાયોલોજી સાથે પ્રાણીશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ૨૦૦૭માં તેમણે પીએચ.ડી.ની શરૂઆત કરી, ત્યારે તેઓ બે જોડિયા પુત્રીના માતા બની ચૂક્યા હતા. બન્યું એવું કે એક દિવસ એક વૃક્ષના માલિકે એનું ઝાડ કાપવાની શરૂઆત કરી તો પૂર્ણિમા બર્મન પર ફોન આવ્યો. તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં તો એ વૃક્ષ કાપી નાખ્યું હતું. ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક નામનું પક્ષી કે જે આસામમાં હરગિલા તરીકે ઓળખાય છે, તેના તે વૃક્ષમાં નવ માળા હતા. તે વૃક્ષ કપાવાથી માળામાં રહેલા તેના બચ્ચામાંથી કેટલાક મૃત્યુ પામ્યા, ઝાડ કાપવાવાળા સાથે બોલાચાલી થઈ. પરંતુ કોઈ પૂર્ણિમા બર્મનની વાત સાંભળવા રાજી નહોતા. આ હરગિલાના બચ્ચાંઓને મરતાં ન જોઈ શક્યા અને તે રાત્રે તેઓ સૂઈ ન શક્યા.

તેમને લાગ્યું કે અત્યારે જો હરગિલાને બચાવવામાં નહીં આવે તો આ પક્ષીની જાતિ લુપ્ત થઈ જશે. એ સમયે સમગ્ર વિશ્વમાં આ પક્ષીની વસ્તી માત્ર બારસોની હતી, તેમાંથી મોટા ભાગની વસ્તી આસામ અને બિહારમાં છે. કમ્બોડિયામાં પણ તે જોવા મળે છે. તેમણે પીએચ.ડી.નો અભ્યાસ અટકાવી દઈને હરગિલાના સંરક્ષણ માટે કામ શરૂ કર્યું અને એ જ એમના જીવનનું લક્ષ્ય બની ગયું. ૨૦૧૯માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પૂર્ણિમા બર્મને જોયું કે લોકો હરગિલાને ગંદુ, અપશુકનિયાળ અને મેલુ સાફ કરનાર પક્ષી તરીકે જોતા હતા અને તેથી એના પ્રત્યે નફરત કરતા હતા. હરગિલા એટલે હાડકાંને ગળી જનાર. પૂર્ણિમા બર્મને અનેક પ્રકારે સંરક્ષણ અભિયાનો ચલાવ્યાં. તેમણે ગ્રામજનોને એકઠાં કર્યા, પરંતુ તેમાં મહિલાઓની હાજરી ઓછી રહેતી. તેમની પ્રાથમિકતા ઘરકામ અને રસોઈ કરવાની હતી, તેથી સ્ત્રીઓ માટે કૂકીંગ ફેસ્ટીવલ અને વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું. તેમાં સ્ત્રીઓ આવવા લાગી અને મિત્રતા કેળવાતી ગઈ. ધાર્મિક કાર્યક્રમો, શેરી નાટકો અને સમૂહ નૃત્યોનાં આયોજન કર્યા તે વખતે હરગિલા સંરક્ષણ અંગે વાત કરતા. સ્થાનિક વનવિભાગનો સંપર્ક કર્યો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને હરગિલાના પારિસ્થિતિક અને પર્યાવરણીય મહત્ત્વ વિશે સમજાવ્યું. જે વૃક્ષ પર હરગિલાનો માળો હોય, તે વૃક્ષ માલિકોનાં બાળકોને સ્કોલરશિપ મળે તેવું આયોજન કર્યું.

પૂર્ણિમા બર્મને જૈવ વિવિધતા સંરક્ષણ માટે આરણ્યક નામની એન.જી.ઓ.માં એવિફૌના રીસર્ચ એન્ડ કન્ઝર્વેશન વિભાગમાં કો-ઓર્ડિનેટર તરીકે કામ કર્યું. તેમણે વિચાર્યું કે મહિલાઓ સમાજની નિર્માતા છે અને તેમનામાં સમાજને બદલવાની ક્ષમતા અને શક્તિ છે, તેથી તેમણે હરગિલા આર્મીની સ્થાપના કરી. આજે હરગિલા આર્મીમાં ગામડાંઓની દસ હજાર મહિલા છે અને ચારસો મહિલા સક્રિય છે જેઓ દરરોજ હરગિલાને બચાવવાનું કામ કરે છે. હરગિલા સંરક્ષિત જગ્યાએ માળો બનાવતા નથી, પરંતુ માનવવસ્તીની નજીક આવેલા વૃક્ષમાં માળો બનાવે છે. તેની ગંદી ટેવોને કારણે ઝાડના માલિકો ઝાડ કાપી નાખે છે. તેમણે બધાને સમજાવ્યું કે કોઈ પણ ચીજ અશુદ્ધ નથી. આપણી પ્રકૃતિમાં દરેક પ્રાણી, તે નાનું હોય કે મોટું આપણી ધરતીને - પર્યાવરણને સંતુલિત કરે છે અને તેથી એકબીજા વગર રહી શકાય નહીં. 

પૂર્ણિમા બર્મનના અનેક પ્રયાસોમાંનો એક પ્રયાસ તે હરગિલા બેબી શાવરનો રહ્યો. જેમ સ્ત્રીઓ સીમંતનો પ્રસંગ ઉજવે છે, તેમ હરગિલાના પ્રજનનની ઋતુમાં તેનો પ્રસંગ ઉજવવાની શરૂઆત કરી. તેમાં સ્ત્રીઓને આમંત્રિત કરી. ઘણા પૂર્ણિમા બર્મનના વિચાર પર હસવા લાગ્યા, પરંતુ ધીમે ધીમે સ્ત્રીઓ એકત્રિત થઈ અને આનંદ કરવા લાગ્યા. હરગિલા આર્મી ઘાયલ બચ્ચાંઓનું ધ્યાન રાખીને તેનું પુનર્વસન કરે છે. પૂર્ણિમા બર્મને ૨૦૧૯માં કૃત્રિમ પ્રજનન પ્લેટફોર્મ ઉભું કર્યું છે. જેમાં એક બચ્ચાંનું પાલન કરવામાં સફળતા મળી છે. ૨૦૦૭માં તેમણે સંરક્ષણનું કામ શરૂ કર્યું ત્યારે કામરૂપ જિલ્લાની કોલોનીમાં માત્ર અઠ્ઠાવીસ માળા હતા તે આજે ૨૫૦થી વધુ માળા છે, જે વિશ્વની મોટી કોલોની બની ગઈ છે. ૨૦૧૦ પછી જેના પર હરગિલાના માળા હોય તેવું એક પણ ઝાડ કપાયું નથી.

આની સાથે સાથે પૂર્ણિમા બર્મને સ્ત્રીઓને રોજગારી મળે તે અંગે કામ કર્યું. તેઓ વણાટકામ કરે છે અને જેકેટ, સ્ટોલ, કુશન કવર, સાડી - બધામાં હરગિલાના મોટિફ જોવા મળે છે. હરગિલાના મોટિફવાળા માસ્ક બનાવડાવ્યા હતા. હરગિલા માટે આ ઉત્પાદનો કરીને વેચાણ કરે છે. ગામમાં તેના ચિત્રો જોવા મળે તો સ્ત્રીઓ હાથમાં હરગિલાના ચિત્રોવાળી મહેંદી મૂકે છે. હરગિલાના સ્ટેચ્યૂ જોવા મળે છે અને મોટી ચાંચવાળા મહોરા પહેરીને ીઓ નૃત્ય કરે છે. દાદરામાં પચરિયા કુશલ કુંવર હાઈસ્કૂલમાં ભારતના પ્રથમ હરગિલા શિક્ષણ અને સંરક્ષણ કેન્દ્રનો આરંભ થયો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક પ્રતિષ્ઠિત અવાર્ડ મેળવનાર ડૉ. પૂર્ણિમા દેવી બર્મન હરગિલાને બાળપણના મિત્રો માને છે અને ૨૦૩૦ સુધીમાં તેની વસ્તી પાંચ હજાર સુધીની થશે તેવી તેમને આશા છે. તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી આ કાર્ય કરવા માગે છે.

અમારાં બાળપણને બચાવો

 'હું એક યુદ્ધ બાળક છું. હું માનું છું કે એક કારણસર બચી ગયો છું. મારી વાર્તા કહેવા માટે, જીવનને સ્પર્શવા માટે.'

કો ઈ પણ દેશમાં થતું યુદ્ધ કે ગૃહયુદ્ધ અનેક માનવીઓનાં સ્વપ્નાંને વેરવિખેર કરી નાખે છે. નિર્દોષ બાળકોનું રમતિયાળ બચપણ પણ! મનોવૈજ્ઞાાનિકો માને છે કે જે બાળકોનું બાળપણ સ્વસ્થ અને પ્રેમના અભાવ વચ્ચે વીતે છે તેની  તેમના વ્યક્તિત્વ પર જીવનભર અસર રહેતી હોય છે, પરંતુ દક્ષિણ સુદાનમાં ૧૯૮૦માં જન્મેલા ઇમેન્યુઅલ જાલની વાત જુદી છે. આજથી ૪૦-૪૨ વર્ષ પહેલાં દક્ષિણ સુદાનના વોરાપ રાજ્યના ટોંજ ગામમાં નુઅર પરિવારમાં ઇમેન્યુઅલનો જન્મ થયો હતો. તે એક એવા સમાજમાંથી આવે છે કે તેનો જન્મ ક્યારે થયો તેની કોઈને ખબર નથી, પરંતુ તેણે તેની જન્મતારીખ પહેલી જાન્યુઆરી નક્કી કરી છે. ઇમેન્યુઅલ જ્યારે પાંચ વર્ષના હતા, ત્યારે સુદાનમાં બીજું ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. તેણે પોતાના ગામમાં લૂંટફાટ, આગ અને નજીકના સગાંઓ પર થતા બળાત્કાર જોયા. દરરોજ લોકોની હત્યા થતી. અનેક લોકો મૃત્યુ પામ્યા. દર બીજા-ત્રીજા દિવસે નજીકના સગાંનું મૃત્યુ થવાથી માતા આંસુ સારતી. આવી પરિસ્થિતિમાં હિંસાનો કોઈ અંત દેખાતો નહોતો. તેના પિતા સુદાન પીપલ્સ લિબરેશન આર્મીમાં જોડાયા હતા. ઇમેન્યુઅલ સાત વર્ષના હતા, ત્યારે સુદાનના સૈનિકો દ્વારા તેમની માતાની હત્યા કરવામાં આવી હતી. પછી ઇમેન્યુઅલ જાલનો પિતા સાથે ખાસ કોઈ સંબંધ રહ્યો નહીં. સહુ પોતપોતાનો જીવ બચાવવાની કોશિશ કરતા હતા. જાલને ખબર પડી કે હજારો બાળકો ઈથિયોપિયા જઈ રહ્યા છે કે જેથી ત્યાં શાંતિની જિંદગી જીવી શકાય, પરંતુ તે પહેલાં બધાં બાળકોને સરકારી ફોજમાં સામેલ કરવા માટે તાલીમ શિબિરમાં લઈ જવામાં આવ્યા. તે સમયે જાલની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. ત્રણ વર્ષ સુધી આ બાળકો હથિયાર ચલાવતા રહ્યા, પરંતુ ધીમે ધીમે તેમને સમજાયું કે તેમને મારનારા કોઈ ધર્મ કે સંપ્રદાયના માણસો નથી, પરંતુ તેમના દેશના તેલ, હીરા, સોના અને જમીન માટે એમના જેવા લોકોનો ઉપયોગ કરનારી વ્યક્તિઓ છે, જે દૂર રહીને આનું સંચાલન કરે છે. 

આ સત્ય સમજાતા જાલ પોતાની ઉંમરના સાથીઓ સાથે ત્યાંથી ભાગી જવા તૈયાર થઈ ગયા. ચારસો જેટલા બાળ સૈનિકો ભાગ્યા અને ત્રણ મહિના સુધી સતત ભાગતા રહ્યા. અનેક જગ્યાએ મોતનો સામનો કરવો પડયો. છેવટે તેઓ વાત શહેર પહોંચ્યા, ત્યારે માત્ર સોળ બાળકો બચ્યા હતા. આ ઘટનાએ જાલને વિચારતો કરી મૂક્યો કે અગિયાર-બાર વર્ષના આ બાળકો કોના ગુનાની સજા ભોગવી રહ્યા છે? અને દુનિયાને તો આનાથી કંઈ ફેર પડતો નથી. આ ઘટનાની તેના મન પર ખૂબ ઊંડી અસર પડી તેવામાં એની મુલાકાત બ્રિટિશ રાહતકર્મી એમ્મા મેકકયૂન સાથે થઈ. તેણે કહ્યું કે, 'તારી ઉંમર માત્ર અગિયાર વર્ષની છે અને તે સૈનિક બનવાની નથી.' તે એને કેન્યા લઈ આવી. નૈરોબીમાં બ્રુકહાઉસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેનો અભ્યાસ શરૂ થયો, પરંતુ એમ્માનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું. એમ્માના પતિએ જાલને રાખવાની ના પાડી, તેથી જાલને ઝૂંપડપટ્ટીમાં રહેવું પડયું, પરંતુ એમ્માના બે મિત્રોએ તેને શિક્ષણ મેળવવામાં ખૂબ મદદ કરી.

કૉલેજમાં અભ્યાસ કરતાં ઇમેન્યુઅલ જાલે પોતાના જીવનની વ્યથાને કાગળ પર ઉતારી. ક્યારેક તે ગીતો ગાવા લાગતો. તેણે જોયું કે હિપ-હોપ શૈલીમાં ગજબની તાકાત છે. તેનું પ્રથમ ગીત 'ઑલ વી નીડ ઇઝ જિસસ' કેન્યા ઉપરાંત યુ.કે.માં પણ ખૂબ લોકપ્રિય બન્યું. તેનું પ્રથમ આલ્બમ 'ગુઆ'માં અરબી, અંગ્રેજી, સ્વાહિલી, ડિન્કા અને નુઅર ભાષામાં રેપ સંગીતનું મિશ્રણ બનાવ્યું. ગુઆનો અર્થ નુઅરમાં 'શાંતિ' અને સુદાનીઝ અરેબિકમાં 'શક્તિ' થાય છે. તે તેના 'વૉર ચાઇલ્ડ' ગીતમાં વાર્તા કહે છે, 'હું એક યુદ્ધ બાળક છું. હું માનું છું કે એક કારણસર બચી ગયો છું. મારી વાર્તા કહેવા માટે, જીવનને સ્પર્શવા માટે.' આ ગીતમાં તેના જીવન વિશે અને તેણે ભોગવેલી પીડા વિશે વાત કરે છે. ત્યારબાદ જાલનું બીજું આલ્બમ 'સીઝફાયર', ત્રીજું આલ્બમ 'વૉર ચાઈલ્ડ' અને એ પછી 'સી મી મામા' 'નાથ' જેવાં અત્યાર સુધીમાં પંદરેક આલ્બમ બહાર પાડી ચૂક્યા છે. નેલ્સન મંડેલાના નેવુંમા જન્મદિવસની કોન્સર્ટમાં ગીતો રજૂ કર્યા હતા. ઇમેન્યુઅલ જાલ પોતાના સંગીત દ્વારા અનાથ બાળકો માટે ફંડ એકત્રિત કરે છે. તે બાળકોના બાળપણનંા રક્ષણ કરવા માગે છે. તે માને છે કે સંગીત શક્તિશાળી માધ્યમ છે તે એકમાત્ર એવી વસ્તુ છે જે તમારી પરવાનગી વિના તમારા મન, તમારા હૃદય અને તમારા આત્મામાં બોલી શકે છે. તેમની આત્મકથા 'વૉર ચાઈલ્ડ' દ્વારા તેઓ વિશ્વમાં માનવ અધિકારો તેમજ બાળ અધિકારોના સ્વરૂપમાં પ્રસ્થાપિત થયા. તેમણે ફિલ્મોમાં કામ કર્યું છે. સુદાનમાં એમ્મા મેકક્યૂનના નામની સ્કૂલ બંધાવી છે. ઇમેન્યુઅલ બાળ સૈનિકોના ઉપયોગને રોકવા માટેના ગઠબંધન, કંટ્રોલ આર્મ્સ તેમજ મેક પોવર્ટી હિસ્ટ્રી અભિયાન ચલાવે છે. સ્કૂલો બંધાવવા ઉપરાંત શરણાર્થી શિબિરોમાં સુદાનના યુદ્ધમાં બચી ગયેલા લોકોને સ્કોલરશિપ આપે છે. તેમજ નૈરોબીના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરે છે. તેઓ આફ્રિકાના દેશોમાં બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું અને શિક્ષણનું અવિરત કામ કરી રહ્યા છે.


Google NewsGoogle News