Get The App

પર્વોમાં શા માટે અનન્ય છે પર્વાધિરાજ પર્યુષણ!

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
પર્વોમાં શા માટે અનન્ય છે પર્વાધિરાજ પર્યુષણ! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- 'જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તુ શોધી લે.'

પ ર્યુષણ પર્વમાં તો તપ કરવાનું છે, ત્યાગ કરવાનો છે, અહિંસાનું પાલન કરવાનું છે અને સંસારના ધમાલ અને ધાંધલમાંથી સદંતર નિવૃત્તિ લેવાની છે. પ્રભુદર્શન, વંદન અને પૂજનમાં મન, વચન અને કાયાનો મેળ સાધી ભાવપૂર્વક જોડાઈ જવાનું છે.

આટલો બધો ત્યાગ અને વિરાગ હોવા છતાં શા માટે 'પુણ્યનું પોષણ અને પાપનું શોષણ' કરતાં પર્વાધિરાજ પર્યુષણના આગમનને ઉમંગભેર વધાવતા ગીતો ગાવામાં આવે છે. આનું કારણ છે આ પર્વની અનન્યતા. પર્વાધિરાજ પર્યુષણની સાચી આરાધના ત્યારે જ થઈ શકે, જ્યારે આપણા અંતરમાં એની અનન્યતાનો અહેસાસ હોય. સામાન્ય રીતે પર્વોમાં બાહ્ય ઉજવણી થતી હોય છે. દેહને શણગારવામાં આવતો હોય છે. દીવાળીના પર્વમાં આપણે કેટકેટલા બાહ્ય આનંદોનો રંગે ચંગે ઉત્સવ કરીએ છીએ. હોળીમાં અબીલગુલાલ ઉડાડીએ છીએ. જ્યારે પર્યુષણ પર્વએ માનવીના ભીતર સાથે જોડાયેલું પર્વ છે. હૃદયશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિ દ્વારા એ આત્માનંદની દિવાળી ઉજવે છે. જીવનમાં અન્ય પર્વો આવે અને ચાલ્યા જાય, જ્યારે પર્યુષણ પર્વ આત્મસંલગ્ન હોવાથી વ્યક્તિમાં મૂળગામી, આત્મલક્ષી પરિવર્તન સાધે છે. એ વ્યક્તિને અજ્ઞાાનમાંથી સમ્યકજ્ઞાાન તરફ, વિભાવમાંથી સ્વભાવ તરફ, વેરમાંથી મૈત્રી તરફ, પીડામાંથી પ્રેમ તરફ અને બાહ્ય ઉપાધિમાંથી સમાધિ તરફ લઈ જતું પર્વ છે.

પર્યુષણના આ ઉત્સવમાં પ્રકાશનો અનુભવ થતો હોય છે અને પ્રકાશને પરિણામે અજ્ઞાાનરૂપી અંધકાર દૂર થાય છે. અનંતકાળથી આત્મા મિથ્યાત્વ, કષાય અને મોહમાં વસતો રહ્યો. હવે એને ખ્યાલ આવે છે કે મારે મારા આત્માની સમીપ જવાનું છે. લૌકિક પર્વોથી શરીરને પોષણ થાય છે, મનને આનંદ મળે છે, જ્યારે પર્વાધિરાજ પર્યુષણથી આત્માના ઉચ્ચ ભાવોનું પોષણ પામીને વ્યક્તિ ચેતનામય જ્યોતિ સુધી યાત્રા કરે છે.

જરા વિચાર કરીએ આપણો ! આપણા જીવનના મર્ત્ય અને અમર્ત્ય એમ બે અંશો છે. શરીર, ઈન્દ્રિય અને એ મર્ત્ય (મરણ પામનારા) છે, તો એમાં રહેલું ચેતનતત્ત્વ એ આપણો અમર્ત્ય અંશ છે. પર્યુષણ વ્યક્તિના અમર્ત્ય અંશ સુધી પહોંચે છે.

કેટલાક પર્વો ભય (શીતળા સાતમ)થી થતાં હોય છે. કેટલાક પર્વો પ્રાપ્તિની ઈચ્છાથી થતા હોય છે. વડ સાવિત્રી, કડવા ચોથા, ગૌરીપૂજન, લક્ષ્મીપૂજન જેવાં વ્રતોમાં પ્રાપ્તિનો ભાવ હોય છે, જ્યારે સૂર્યપૂજા કે અગ્નિપૂજાના પ્રારંભમાં વિસ્મયનું તત્ત્વ હોય છે. પર્વોની આ સૃષ્ટિમાં પર્વાધિરાજ પર્યુષણ એ રીતે જૂદું પડે છે કે એમાં કોઈ ભૌતિક પ્રાપ્તિનો ભાવ હોતો નથી. કોઈ ભયથી એની આરાધના થતી નથી અને બાહ્યાનંદને બદલે એનો સઘળો સંબંધ આંતરપ્રસન્નતા હોય છે.

કેટલાક પર્વો વિજયસૂચક હોય છે. વિજયાદશમી જેવાં પર્વોનો મહિમા એમાં મેળવેલા વિજય પર હોય છે. જ્યારે પર્યુષણ એ બહારના જય-પરાજયને બદલે આત્મવિજયની વાત કરે છે, આથી આ પર્વની અનન્યતાને કારણે એ પ્રત્યેક વ્યક્તિને માટે અંગત, આગવું અને અલાયદો અનુભવ કરાવનારું બની રહે છે. એ દેહ અને મનને વટાવીને આત્મા પાસે પહોંચી જાય છે અને પછી વ્યક્તિ આત્મરત, આત્મપ્રિય અને આત્મસંલગ્ન બને છે. આમ પર્યુષણ પર્વ એ ભીતરનું પર્વ હોવાથી આત્માના એકાંતમાં પ્રકાશ પ્રાપ્તિની ઝંખનાનું પર્વ છે.

પર્વાધિરાજ પવર્યુષણનો બાહ્યમાંથી ભીતરમાં જવાનો સંદેશ સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિના જીવનમાં જોવા મળે છે. જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવનાર અને ઈરાન અને અરબસ્તાન જેવાં અનેક દેશોમાં વિજય મેળવનાર સમ્રાટ સંપ્રતિ વિજયી બનીને પાછા આવ્યા, ત્યારે એમની માતાના ચહેરા પર ઘોર વિષાદ હતો. મહારાજ સંપ્રતિએ માતાના આવા દુ:ખનું કારણ પૂછતાં એમની માતાએ કહ્યું કે સામ્રાજય વિસ્તારના લોભમાં તેં કેટલો બધો સંહાર કર્યો. જરા બાહ્યદ્રષ્ટિ છોડીને ભીતરમાં જો. જો એને બદલે તેં ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત, નવી પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું હોત, મંદિરોનાં જિર્ણોદ્ધાર કરાવ્યાં હોત, તો મારું હૃદય અપાર પ્રસન્નતાનો અનુભવ કરત. અને માતાની ભાવનાને અનુરૂપ સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યા અને સવા કરોડ જિનબિંબ ભરાવી માતાની ભાવનાને સાર્થક કરી. આમ ભીતરની ભાળ મેળવીને ચિરકાળ સુધી ટકનારા આનંદની પ્રાપ્તિ કરવાની છે.

આવો, પર્યુષણની ઉપાસનાનો અર્થ પામીએ. 'પર્યુપાસના' શબ્દની પ્રાકૃત ભાષામાં 'પજ્જોસણા' શબ્દથી રૂપાંતર બને છે. એનો અર્થ છે 'પરિ સમન્તાત ઉપાસના.' એટલે કે સર્વથા આત્માની અથવા પરમાત્માની ઉપાસના કરવી. પોતાના અંતરમાં ડૂબકી મારીને આત્માનું અંત:નિરીક્ષણ કરવું અને તેને પરમાત્માની સમીપ લઈ જવાનો પ્રયત્ન કરવો. આનો અર્થ એ કે પર્યુષણમાં માણસે સર્વ પ્રકારે આત્માની એવી આરાધના કરવી જોઈએ કે જેથી તે પરમાત્માની નજીક પહોંચી શકે.

જૈન ધર્મના સર્વપ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, 'જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તુ શોધી લે.'

જીતે તે જિન. જિનને પૂજે તે જૈન. જીતે એટલે વિષયોને નમાવે. અહમ્નો અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. પર્યુષણ પર્વના  દિવસો એ આત્માના શુદ્ધ ભાવો તરફ પ્રયાણ કરવાના દિવસો છે, કારણ કે જૈન ધર્મ એ આત્મધર્મ છે. સંયમ એની લિપિ છે. અહિંસા એની પરિપાટી છે ને અનેકાંત એની પરિભાષા છે. આત્માને જાણવો ને ઓળખવો અને એને માટે અહર્નિસ પ્રયત્ન કરવો એ એના સિદ્ધાંતનું મૂળ છે. દેહ અને આત્મા એટલા એકાકાર થઈ ગયેલા છે કે ઘણીવાર દેહને જ મહત્ત્વ આપી દેવામાં આવે છે. દેહના સુખ માટે રાતદિવસ પ્રયત્ન કરવામાં આવે છે. દેહના ઈન્દ્રિયમનને બહેકાવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને આત્માની ઉપેક્ષા થાય છે.

આમ પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણ શબ્દનો બીજો અર્થ છે સમસ્ત પ્રકારે વસવું. એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિર વાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે, પરંતુ પર્યુષણાનો લાક્ષણિક અર્થ છે આત્માની સમીપ વસવું. આત્મવિજય માટે આત્મઓળખ અનિવાર્ય છે. એ આત્મતત્ત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઈએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્લેષણની આંતરપ્રવૃત્તિ જોઈએ.

પર્યુષણનો અર્થ છે પાસે બેસવું. અથવા ગુરુની નિકટ રહેવું. સ્વાધ્યાય, સંયમ અને તપને અપનાવીને ચિત્તશુદ્ધિ કરી ગુરુ આશ્રયે પ્રાયશ્ચિત્ત કરી, ક્ષમાપના આચરી, જીવનશુદ્ધિ સાધીને આત્માની સમીપે જઈને વસવું. જે ઉપનિષદનો અર્થ છે, તે પર્યુષણાનો છે.

માનવીના જીવનમાં પ્રેય અને શ્રેયનો, નશ્વર અને વિનશ્વરનો વિવેક હોવો જોઈએ. પર્વાધિરાજ પર્યુષણ સમયે મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો પ્રયત્ન હોય છે. નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી.

શાસ્ત્રો કહે છે કે ભોજન, ઔષધ અને અધ્યયનમાં પુનરુક્તિનો દોષ હોતો નથી, એ જ રીતે પ્રતિવર્ષ આવતું પર્વાધિરાજ પર્યુષણ એ તો આત્મશુદ્ધિનું પર્વ છે અને આત્મશુદ્ધિ માટે સતત જાગૃત્તિ જોઈએ અને એ સતત જાગૃતિ માટે પ્રતિવર્ષ પર્વાધિરાજ પર્યુષણ આપણા ભીતરમાં રહેલા આત્માને જગાડે છે અને સવિશેષ તો એ પર્વાધિરાજ પર્યુષણ વખતે વ્યક્તિ આત્મલક્ષી, આત્માલક્ષી અને આત્મસ્થ બને છે.

લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે. જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે, તપ, જપ, મૈત્રી અને ક્ષમા દ્વારા એ પોતાની ભીતરની ચેતનામય જ્યોતિ સુધી પહોંચે છે. અનંતકાળથી જે આત્મા મિથ્યાત્વ, કષાય, મોહ અને અજ્ઞાાનમાં વસતો રહ્યો છે. માનવીને એનું જીવન કેવું છે અને એનો આત્મા ક્યાં છે એની પણ જાણ નથી. આવે સમયે પર્યુષણ પર્વ એ માનવીને આત્મરત્, આત્મસંલગ્ન અને આત્મપ્રિય બનાવતું પર્વ છે.


Google NewsGoogle News