કૃષ્ણ : હજારો વર્ષોથી ભારતીય ચૈતન્યનું કેન્દ્ર
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- શ્રીકૃષ્ણ પ્રેમની વિશ્વ ભાષા બોલે છે તેથી તેઓ શાશ્વત વર્તમાનમાં વસે છે : સૌ માટે તેઓ સ્વીકાર્ય, આવકાર્ય અને અનિવાર્ય છે.
પલક ઓટ નહીં હોત કન્હાઈ
શ્રી સુરદાસજી
(અનુરાગ-પદાવલી)
શ્રી સુરદાસજી એટલે જેમના પર માધવ ચૈતન્ય અનરાધાર વરસ્યું છે. તેમના અર્ધો- અર્ધ પદો તો ગોપીઓની આંખોથી માધવને નિરખવા ઉપર છે. અહીં ગોપી એવો ભાવ વ્યક્ત કરે છે કે પળભર કે પલકભર માટે પણ કાન્હો આંખો સામેથી ઓઝલ નથી થતો. તે નિરંતર સાથે અને સામે, અંદર અને બહાર, બસ તે જ હોય છે. કદાચ આ મીઠી ફરીઆદ માત્ર ગોપીઓની જ નથી સમગ્ર ભારતીય હૃદય-લોકની છે. છેલ્લા હજારો વરસોથી ભારતીય ચિત્ત અને ચૈતન્યનું કેન્દ્ર : શ્રીકૃષ્ણ છે. ભારતીય જન-માનસનું વર્તુળ શ્રીકૃષ્ણના :
સ્પર્શ, સંવાદ, સુગંધથી છલકાય છે,
શ્વાસ, સહવાસ, વિશ્વાસથી ઉભરાય છે,
સખ્ય, સામિપ્ય, સાયુજ્યથી ઝળહળે છે.
આ બધા શબ્દો શ્રીકૃષ્ણના પાવક પ્રેમ-કોશના છે. ભારતીય ધર્મ અને ભક્તિમાં ભાષા કરતા ભાવ મૂલ્યવાન છે. વ્યક્તિમાં બુદ્ધિ હોય છે પણ સમાજમાં ભાવ મુલ્યવાન છે. માત્ર તર્ક-બુદ્ધિમાં શાંતિ નથી. તેથી જ બૌદ્ધીક ધરાતલ પર સમગ્ર સમૂહ સાથે સ્નેહ, સમજ અને ઐક્ય ન રચી શકાય. હા, પ્રેમ અ-સીમ અને અ-ખંડ છે તેથી સૌને જોડે છે. શ્રીકૃષ્ણ પ્રેમની વિશ્વ ભાષા બોલે છે તેથી તેઓ શાશ્વત વર્તમાનમાં વસે છે : સૌ માટે તેઓ સ્વીકાર્ય, આવકાર્ય અને અનિવાર્ય છે. તેમની સર્વતોમુખી વ્યાપકતા, સર્વમત સહિષ્ણુતા અને માનવાકારે સાક્ષાત ઐશ્વર્ય સૌ માટે વંદનીય છે. તેથી જ જન્માષ્ટમી પ્રેમ, સર્જન અને આનંદનો માનવોત્સવ બની જાય છે. કદાચ તેથી જ મહાભારતના શ્રીકૃષ્ણ આદરણીય છે તો શ્રીમદ ભાગવતના આત્મીય અને અનુકરણીય છે. તેમાં સંયમ-નિયમથી વિશેષ લોકગ્રાહી એવો સહજ પ્રેમ જ ધર્મ બની જાય છે. એવો પ્રેમ જે અસીમ, અનંત, અવિરત છે. જેને કાંઈ જોઈતું નથી. જે ન્યોછાવર થવામાં માને છે. વ્રજની ગોપીઓ તો દૂધ, દહીં, માખણ સાથે સ્વયં ન્યોછાવર થઈને ધન્યતા અનુભવે છે. આ ગોપીઓ વાસ્તવમાં પુરુષોત્તમની શક્તિઓનું પ્રાગટય છે. તેથી આ વ્યક્તિવાચક ગોપી ક્યારે જાતિવાચક નામ કે સર્વનામ બની જાય છે તેનો ખ્યાલ જ નથી રહેતો. આ વિલક્ષણ ગોપીપ્રેમને લીધે જ જીવન નિત્ય રાસલીલા બની રહે છે. શ્રીકૃષ્ણની બાલ ગોપાલ અને ગોપીજન વલ્લભ અવસ્થાઓમાં જ જાણે માનવીય સંવેદનાની આખી બારખડી સમાય જાય છે. તેમાં જ દરેક માનવીય સૂર-સ્વર, લય-તાલ, રસ-રંગ પ્રગટે છે. કદાચ માનવ્ય સ્વરૂપે ધબકતી અને ઝળહળતી પરમ દિવ્યતા જ માધવને વિશ્વ ચૈતન્યનું કેન્દ્ર બનાવે છે. પ્રિય કબીરદાસજી કહે છે :
લાલી મેરે લાલકી, જિત દેખું તિત લાલ;
લાલી દેખન જબ ચલી, મૈ ભી હો ગઈ લાલ
વિશુધ્ધ, ઉજ્વલ અને નિ:સ્વાર્થ પ્રેમમાં પ્રેમી બચતો નથી, તે તો ન્યોછાવર થઈ જાય છે. તેમાં જ તેનો આનંદ છે, મુક્તિ છે. ઉપાસક બચી જાય તો તે ઉપાસના જ શેની? કવિ ભગવતીકુમાર શર્માની અરજમાં આપણે પણ જોડાઈએ :
વિરાટનો હિંડોળ ચાલતો
એજ તમારો રાસ,
નરસૈયાના સ્વામી મુજને
દેજો વ્રજમાં વાસ....