હે શ્રીકૃષ્ણ! આ જન્માષ્ટમીએ અમને અમારું છીનવાયેલું બાળપણ પાછું આપો!
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
વ ર્ષોવર્ષથી કૃષ્ણ જન્માષ્ટમી આવે છે અને એની રંગેચંગે ઉજવણી થાય છે. બાળકૃષ્ણના જન્મનો મહિમા કરીએ છીએ, પરંતુ કૃષ્ણ જન્માષ્ટમી અને આજના બાળકની વર્તમાન પરિસ્થિતિ વિશે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? એ કૃષ્ણના જન્મને આપણે મંદિરની દિવાલોમાં બાંધી દીધો છે. કેળવણીએ એને એક દિવસની શિક્ષણમુક્તિ આપે છે. કેટલાકને વેકેશનનો આનંદ આપ્યો છે. કૃષ્ણપ્રેમને ઘરની ચાર દિવાલોમાં કેદ કર્યો છે, પરંતુ ખરેખર એ કૃષ્ણજન્મની વિશેષતા જાણીએ છીએ ખરા ?
જરા મને કહેશો કે કેટલા મહાપુરુષોની બાળલીલાઓ આપણે ગાઈએ છીએ. રામના બાળપણને જાણીએ છીએ, ભગવાન બુદ્ધ અને મહાવીરના બાળપણને પણ ઓળખીએ છીએ, પરંતુ શ્રીકૃષ્ણનું બાળપણ એવું છે કે જે એમના સમગ્ર જીવન પર છવાયેલું છે. બાલ્યકાળ વીતી ગયો અને યુવાની આવી, યુવાની વીતી ગઈ અને વૃદ્ધ થયા, મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ બન્યા, પરંતુ કૃષ્ણની સૌથી મોટી વિશેષતા એ છે કે એમના બાલ્યકાળની નિર્દોષતા એમના સમગ્ર જીવનમાં જોવા મળે છે.
આજનો બાળક એ કૃષ્ણજન્મની ઉજવણી કરે છે, પરંતુ એના જીવનમાંથી એ મોજ-મસ્તી, તોફાન, મજાક સાવ ચાલ્યા ગયા છે. આથી બાળપણ કેવું હોવું જોઈએ એ શીખવા માટે કૃષ્ણજન્મ પાસે જવાની જરૂર છે.
એ કૃષ્ણ આજે કેવા ભાગ્યશાળી ગણાય કે જેમને આંગણાની ધૂળમાં રમવા મળ્યું હતું. કૃષ્ણના બાળપણની અને આજના બાળકની સ્થિતિ વિશે જોઈએ તો, 'સભ્યતામાં માનતા કેટલાક લોકો પોતાના બાળકને આંગણાંની ધૂળમાં રમવા દેતા નથી. આથી તો અમેરિકાથી આવતા નાનાં ભૂલકાંઓ ભારતની ધરતીની ધૂળમાં રમવાનો આનંદ મેળવવા આતુર હોય છે, પણ પરિસ્થિતિ એવી થઈ કે બાળક સાથે આજે એ ધરતીનો સંબંધ સાવ તૂટી ગયો અને એના હાથમાં મોબાઈલ આવતા એ કોઈ માયાવાદી સૃષ્ટિમાં ખેલવા લાગ્યો.'
બાળક એ ધરતીના છોરુ છે અને એ બાળક જ્યારે પોતાના આંગણાની ધૂળમાં રમતો થાય, નાચતો થાય, કૂદતો થાય, ખેલતો થાય, ત્યારે એનો ધરતી સાથેનો પ્રેમ જાગે છે. આજના બાળકનું રમતિયાળ બાળપણ છીનવાઈ ગયું છે. કવિ રસખાન બાળકૃષ્ણની શોભાનું આલેખન કરતા જ્યારે એમ કહે કે, 'એ ધૂળથી ભરાયેલા હોય, એ બાળકૃષ્ણના હાથમાં પૂરી હોય, એ આંગણામાં ફરતો હોય અને ધૂળમાં આળોટતો હોય, ત્યારે એકાએક કાગડો આવીને ઝાપટ મારીને પૂરી લઈ જતો હોય.' આ દ્રશ્યની કલ્પના કરતા મુસલમાન કવિ રસખાને કૃષ્ણની કેવી મનહર બાળલીલાનો વિચાર કર્યો હશે ? અને આવી બાળલીલા પર વારી જઈને તેઓ કહે છે કે, 'જો એમના હાથમાંથી ઝાપટ મારીને માખણ-રોટી લઈ જવાની તક મળતી હોય, તો હું પણ કાગડો થવા તૈયાર છું.'
આજનું બાળક આવી મોજ-મસ્તીથી ઘણો દૂર ચાલ્યો ગયો છે. એનું જીવન મોબાઈલની રમતો અને ટેલિવિઝનનાં દ્રશ્યોમાં કેદ થયું છે, ત્યારે કૃષ્ણ જન્માષ્ટમીએ એ બાળપણની મોજને યાદ કરીએ કે જ્યારે સુરદાસ કૃષ્ણની બાળલીલાનું વર્ણન કરતા ભોળા બાળપણની ભીતરી તરકીબનો કેવો પરિચય આપે છે ? ક્યારેક અવકાશે એ બાળકૃષ્ણની કલ્પના કરજો, જેની ભક્તકવિ સુરદાસે કરી હતી. બાળકૃષ્ણએ બચાવ કરતાં યશોદાને કહ્યું, 'મૈયા મોરી, મેં નહીં માખણ ખાયો.'
આમ કહીને બાળકૃષ્ણ કહે છે કે આ સઘળી તો ગોપીઓની બનાવટ છે. એ તો ક્યાંય બહાર ગયા નથી, પોતાની રમતમાં ડૂબેલા છે. પણ એ સમયે બાળકૃષ્ણના મુખ પરનું માખણ એનો મોટામાં મોટો પુરાવો આપે છે. સાબિતી શોધવાની જરૂર નથી. માતા યશોદા એના મુખ પરના માખણ બતાવે છે, તો કહે છે કે, 'આ તો હું કઈ રીતે ખાઈ શકું ? ગોપીઓએ આવીને મારા મુખ પર પરાણે માખણ લગાડયું છે. બાકી મારા હાથ નાનાં છે અને છીકું કેટલું ઉપર બાંધ્યું છે.'
ગોપબાળકોને માખણ ખવડાવીને જીવનના નવનીતરૂપ સદ્દગુણો વહેંચતા હતા. એ રીતે આ માખણચોરે ઘરઘરમાં સાત્વિકતા અને સદ્દગુણોનો ઉત્સવ રચ્યો ! આ બાળક કૃષ્ણ ગોવાળો સાથે નાચ્યા છે અને બંસરીના મધુર સૂર વહાવ્યા છે. આજે બાળકના જીવનમાંથી આવી મસ્તી ચાલ્યા ગયા. આમ કૃષ્ણે શીખવાડયું કે બાળપણ કેવું હોવું જોઈએ.
બાળકની ઉપસ્થિતિ આખું વિશ્વ સર્જતી હોય છે અને શ્રીકૃષ્ણની ઉપસ્થિતિ એ આખુંય ગોકુળ બદલી નાખે છે. જન્માષ્ટમી ગોકુળાષ્ટમી પણ કહેવાય છે. ગોપીઓએ કૃષ્ણને નિર્વ્યાજ પ્રેમ કર્યો. એની પાછળ ન કોઈ એમનો સ્વાર્થ હતો, ન કોઈ પ્રાપ્તિની ઝંખના હતી. એમણે પોતાનું હ્ય્દય કૃષ્ણને આપ્યું હતું. પણ એ હ્ય્દયની પાછળ નકરી પવિત્રતા હતી અને એ અર્થમાં જોઈએ તો બાળકૃષ્ણએ નિસ્વાર્થ પ્રેમની પવિત્રતાનો ખ્યાલ આપીને એક ક્રાંતિ કરી. ગોપીઓને બદલાવીને આખું ગોકુળ બદલાવી નાખ્યું. આમ આપોઆપ પરિવર્તન થયું અને નારીજીવનમાં પરિવર્તન કરીને એમણે ચમત્કાર સર્જ્યો. ગોપીઓ સાથે રાસ રમવાની પાછળ એમની એક ક્રાંતદ્રષ્ટિ હતી અને તે એ કે જો સ્ત્રી બદલાય તો આખું કુટુંબ બદલાય અને એ રીતે સમાજ પરિવર્તન થાય.
બીજી બાજુ ક્રૂર કંસ જેવા સરમુખત્યારનો એમણે નાશ કર્યો. બાળપણથી જ એ અન્યાય અને આતંક સામે માત્ર અવાજ ઊઠાવતા નથી, બલ્કે એને દૂર કરવા પ્રયત્ન કરે છે. એ સમયનું ગોકુળ કોઈ સુખ-સમૃદ્ધિથી ભરેલું નહોતું, પ્રજા ભારે ત્રાસ અને દમન સહન કરતી હતી, જુલ્મી જરાસંઘનો ત્રાસ અને શિશુપાલની ઉચ્છુંખલતાની પીડાથી પ્રજા પીડાતી હતી. કંસનો ક્યાં પોતાની બહેનના પુત્રોની ક્રુરતાથી હત્યા કરવા જતો હાથ એકેય વાર થંભ્યો હતો.
શ્રાવણની મેઘભરી અંધારી આઠમે કૃષ્ણનો જન્મ એ આતંકના નાશ માટેનો જન્મ છે. કલ્પના કરીએ કે કેવું આતંકીઓનું સામ્રાજ્ય જામ્યું હશે? અને એવે સમયે કારાવાસની કાળી કોટડીમાં જન્મેલા કૃષ્ણ કેવું પરિવર્તન આણે છે. ગોકુળમાં વસતા એ કૃષ્ણ બાળરમત તો ખેલ્યા, પણ એની સાથોસાથ એમણે જુલમ સામે પણ દાવપેચ ખેલવા પડયા. હજી તો શ્રીકૃષ્ણ ગોકુળમાં નંદગોપને ત્યાં આવ્યા હતા. સ્તનપાન કરતા બાળક હતા અને ત્યારે કંસે રાક્ષસી પૂતનાને મોકલીને કૃષ્ણને મારી નાખવાનો વિચાર કર્યો. પૂતનાએ શ્રીકૃષ્ણના મુખમાં પોતાનું વિષયુક્ત સ્તન મૂક્યું કૃષ્ણ તેના સ્તન્યને તેના પ્રાણ સાથે પી ગયા. અન્યાય અને અનાચારના વાતાવરણમાં શ્રીકૃષ્ણને બાળ ખેલ ખેલવાના આવ્યા. અન્યાય એના બધા દાવપેચ અજમાવે છે અને દમન કરવામાં કશું બાકી છોડતા નથી, એ રીતે બાળક કૃષ્ણએ તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, અઘાસુર, વ્યોમાસુર, અરિષ્ટાસુર, કેશી જેવા દુષ્ટોનો વધ કર્યો. અરે ! હજી ઓછું હોય તેમ યમુનાના પાણીને વિષયુક્ત બનાવનારા કાલિય નાગનું દમન કર્યું. પાણીને ઝેરી બનાવવાના પ્રયાસ થતા હોય ત્યારે પ્રજા કેટલી લાચાર બની ગઈ હશે એની કલ્પના કરીએ ! અને શ્રીકૃષ્ણે આવા અન્યાય અને દમન સામે કેવો પ્રતિકાર કર્યો એનો વિચાર કરીએ !
એમણે ગોકુળની પ્રજાશક્તિનો આત્મવિશ્વાસ દ્રઢ કર્યો, અન્યાય પર જીત મેળવવા માટે જીવન અર્પણ કરવાની શક્તિ પ્રગટાવી અને સાવ દીન-હીન લાચાર બનેલી ગોકુળની પ્રજામાં નવી ચેતના જગાવી. બાળકૃષ્ણના તોફાન-મસ્તી તો જુઓ. ગેડી દડે ખેલતા બાળકૃષ્ણ કે ગાયોના ધણને ચરાવતા કૃષ્ણનું ચિત્ર બાળપણની કેવી સ્ફૂર્તિ, શક્તિ અને ચેતના દર્શાવે છે. માતૃસ્નેહનાં કેવાં મધુર દ્રશ્યો જોવા મળે છે. યશોદાએ તેમને ઊખળ સાથે દામણાથી બાંધ્યા અને મહાયોગીઓથી ન બંધાનારા કૃષ્ણ આવી પરિસ્થિતિમાં પણ પારાવાર સ્નેહ ધરાવનાર શ્રીકૃષ્ણ માતાના સ્નેહના બંધને બંધાયા. ખાંડણિયા સાથે ઘસડાઈને ચાલ્યા. આ બધા તોફાનમસ્તી જેના જીવનમાં હોય, એ જ હસતા-રમતાં અન્યાયનો સામનો કરી શકે.
કંસ અને અનેક રાક્ષસોને હણનાર એવા બાળકૃષ્ણ સાંદિપનિ ઋષિના આશ્રમમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવે છે, ત્યારે બધાં બાળકો સાથે કેવા હળીભળી જાય છે. એ મિત્રો સાથે લાકડાં કાપવા પણ જાય છે, સુદામા સાથે ગાઢ સખ્ય પણ ધરાવે છે. આવા બાળપણની થોડીક છટા પણ આજના બાળકોને મળશે ખરી?
ક્ષણનો સાક્ષાત્કાર
ઓસ્ટ્રેલિયાના આક્રમક ડાબોડી ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ લોરેન્સ હેડને સચિન તેંડૂલકરને જોઈને આશ્ચર્ય પ્રગટ કર્યું કે, 'આખાય રાષ્ટ્ર પર કોઈ એક ખેલાડી છવાઈ જાય તેવું સચિન તેંડૂલકરની બાબતમાં બન્યું છે. ભારતના લોકો એને ઈશ્વર માને છે અને કહે છે કે એના હાથમાં નસીબ ચળકે છે.' સચિન તેંડૂલકર વિશેના આ અભિપ્રાયમાં એની પ્રશંસા છે તે સાચું, પરંતુ સચિનની ખરી સિદ્ધિ તો જુદાં જુદાં દેશોની પીચ પર અને અત્યંત પ્રતિકુળ પરિસ્થિતિમાં એણે બતાવેલી ભવ્ય બેટિંગ છે અને ખરો ચેમ્પિયન ખેલાડી જ એ કહેવાય કે જે તદ્દન વિપરીત પરિસ્થિતિમાં આબાદ રમત બતાવે. પીચ ઝડપી ગોલંદાજને યારી આપતી હોય અથવા તો સાવ 'ટર્નર' હોય કે પછી 'ફેધરબેડ' હોય, પણ એ તમામ પીચ પર સચિને એની કાબેલિયત બતાવી છે. એની ફિટનેસ પણ ભુલાય નહીં અને આ બધાને કારણે જ પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે સચિન દેશનો દીર્ઘકાલીન ખેલાડી બની રહ્યો. આ બાબત જ ઝઝૂમતા ખેલાડી અને ચેમ્પિયન ખેલાડી વચ્ચેનો ભેદ બતાવે છે. પ્રતિકુળ પરિસ્થિતિમાં સામાન્ય ખેલાડીને ઝઝૂમવું પડે છે, જ્યારે સચિન તેંડૂલકર કોઈ પણ પ્રકારની પીચ પર પોતાની રમત બતાવતો રહ્યો. ખરો કામયાબ ખેલાડી તો એ જ કહેવાય કે જે બેટિંગ માટેની અત્યંત કપરી પરિસ્થિતિમાં પોતાની કાબેલિયત બતાવે. આથી તો આપણે મેરેથોન દોડવીર સદાય સન્માન અને આદર પ્રગટ કરીએ છીએ. કારણ કે એ જુદા જુદા દેશોમાં મેરેથોન દોડ લગાવે છે. ક્યારેક સપાટ જમીન હોય તો ક્યારેક ખાડા-ટેકરા હોય. ક્યારેક વાતાવરણ સાવ ઠંડુ હોય કે ક્યારેક અત્યંત ગરમી હોય. ક્યારેક સાવ વેરાન રસ્તો હોય તો ક્યારેક કોઈ ઊંચી ટેકરીઓ પરથી પસાર થવાનું હોય. આનો અર્થ જ એ કે જે ભિન્ન ભિન્ન પરિસ્થિતિ વચ્ચે પોતાનું ખમીર દાખવી શકે છે, એ જ ખરો ચેમ્પિયન. પરિસ્થિતિ અનુકૂળ હોય અને ખેલાડી સફળતા મેળવે તે તો સામાન્ય વાત, પરંતુ ભારતની સપાટ કે સ્પીનને મદદ કરતી પીચ પર કે પછી ઈગ્લેન્ડની ઝડપી ગોલંદાજીને યારી આપતી પીચ પર સમાન સામર્થ્ય બતાવી શકે એનું નામ સચિન તેંડૂલકર અને એથી જ દુનિયા આજે એની કામયાબીને યાદ કરે છે.