Get The App

આધુનિક સાયન્સ ફિક્શન કઈ દિશામાં જઈ રહ્યું છે?

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
આધુનિક સાયન્સ ફિક્શન કઈ દિશામાં જઈ રહ્યું છે? 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ગુ જરાતીમાં સાયન્સ ફિક્શનની વાત નીકળે ત્યારે, શરૂઆત જુલ્સ વર્ન,જ્યોર્જ ઓરવેલ, એલ્ડસ હક્સલી અને મેરી શેલીથી થાય છે. પૂર્ણાહુતિ આઇઝેક અસિમોવ, આર્થર સી ક્લાર્ક, રોબર્ટ એ. હેનલીન કે રે બ્રેડબરીનાં સાહિત્યથી પૂરી થાય. વિજ્ઞાન કથાઓની ચર્ચા કરનારે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે '૧૯૭૦ પછી પણ સારું વિજ્ઞાન સાહિત્ય લખાતું રહ્યું છે. છેલ્લા બે દાયકામાં મહિલા સાયન્સ ફિક્શન લેખિકાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.' હાલના કોઈ સાહિત્યકાર કે વિજ્ઞાન લેખક, છેલ્લા બે ત્રણ દાયકામાં લખાયેલ, સાયન્સ ફિક્શનની ચર્ચા કરતા નથી. સાયન્સ ફિક્શનનાં દુકાળના માહોલમાં, અહીં છેલ્લા એકાદ દાયકામાં લોકપ્રિય નિવડેલ સાયન્સ ફિક્શનની વાત કરી છે. જેના ઉપરથી આધુનિક સાયન્સ ફિક્શન કઈ દિશામાં જઈ રહ્યું છે? તેનો સ્પષ્ટ ખ્યાલ આવે. આંતરરાષ્ટ્રીય લેવલે જેની નોંધ લેવાયેલ છે, તેવાં  છેલ્લા દાયકાના ટોપ ટેન જેવાં સાયન્સ ફિક્શન રાઇટરની દુનિયામાં એંટ્રી  મારીએ.

ઓલ્ડ મેન્સ, ન્યૂ સાયન્સ ફિક્શન 

૭૦ વર્ષની ઉમર ધરાવતાં કિમ સ્ટેનલી રોબિન્સન ખૂબ જ જાણીતા વિજ્ઞાન સાહિત્યના અમેરિકન લેખક છે. તેમણે ૨૨ નવલકથાઓ અને અસંખ્ય ટૂંકી વાર્તાઓ પ્રકાશિત કરી છે. તેઓ તેમની 'માર્સ ટ્રાયોલોજી' માટે જાણીતા છે. તેમના સાયન્સ ફિક્શનનો દુનિયામાં ૨૪ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમની ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓનો વિષય, પર્યાવરણ, સાંસ્કૃતિક અને રાજકીય સમસ્યાનો રહેલ છે. તેઓ સામાન્ય રીતે વિજ્ઞાનીને હીરો તરીકે દર્શાવતા આવ્યા છે. રોબિન્સને અસંખ્ય પુરસ્કારો જીત્યા છે, જેમાં શ્રેષ્ઠ નવલકથા માટેનો હ્યુગો એવોર્ડ, શ્રેષ્ઠ નવલકથા માટેનો નેબ્યુલા પુરસ્કાર અને વર્લ્ડ ફૅન્ટેસી એવોર્ડનો સમાવેશ થાય છે.  

૫૭ વર્ષનાં ટેડ ચિયાંગએ ચાઈનીઝ મૂળ ધરાવતાં,અમેરિકન વિજ્ઞાન સાહિત્ય લેખક છે. એમણે અત્યાર સુધી ચાર નેબ્યુલા એવોર્ડ, ચાર હ્યુગો એવોર્ડ, શ્રેષ્ઠ નવા લેખક માટે જ્હોન ડબલ્યુ. કેમ્પબેલ પુરસ્કાર અને છ લોકલ પુરસ્કારો જીત્યા છે. તેમની ટૂંકી વાર્તા 'સ્ટોરી ઑફ યોર લાઇફ' ફિલ્મ 'અરાઇવલ' (૨૦૧૬)નો આધાર બની હતી. ચિયાંગ ન્યૂ યોર્કર મેગેઝિનમાં અવારનવાર નોન-ફિક્શન ઉપર પણ લેખન કાર્ય કરતા રહે છે. તાજેતરમાં જ કોમ્પ્યુટર ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાયન્સ ફિક્શન લખ્યું છે. ૨૦૧૯માં Exhalation નામની ટૂંકી વાર્તાઓના સંગ્રહ દ્વારા તેઓ પ્રસિદ્ધ બન્યા હતા. તેમના સાયન્સ ફિક્શનમાં, આધુનિક ટેકનોલોજીની સમસ્યાની ફિલોસોફીકલ ચર્ચા કરવા માટે પણ તેઓ જાણીતા છે.

૫૮ વર્ષનાં એલિસ્ટર પ્રેસ્ટન રેનોલ્ડ્સ, તેમના હાર્ડ કોર સાયન્સ ફિક્શન માટે જાણીતા છે. સ્પેસ ઓપેરામાં પણ તેમની માસ્ટરી છે. તેમણે ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટીમાંથી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડીની પદવી મેળવી છે. ટૂંકી વાર્તાઓ 'ઝિમા બ્લુ' અને 'બિયોન્ડ ધ એક્વિલા રિફ્ટ'ને નેટફ્લિક્સના એનિમેટેડ કાવ્યસંગ્રહ, 'લવ, ડેથ એન્ડ રોબોટ્સ'ના ભાગ રૂપે સ્વીકારવામાં આવી છે. આ વાર્તાઓ રેનોલ્ડ્સની પ્રથમ કૃતિઓ છે. જેને ટીવી અથવા ફિલ્મ માટે સ્વીકારવામાં આવી છે. 

મૉનોપૉલી તોડતી મહિલા ટોળી 

માર્થા વેલ્સ, ૬૦ વર્ષની લેખિકા, અસંખ્ય કાલ્પનિક નવલકથાઓ, યુવા પુખ્ત નવલકથાઓ, મીડિયા ટાઈ-ઇન્સ, ટૂંકી વાર્તાઓ અને કાલ્પનિક અને વિજ્ઞાન સાહિત્ય વિષયો પર નોનફિક્શન નિબંધો પ્રકાશિત માટે જાણીતા બન્યા છે. તેણીની નવલકથાઓ બાર ભાષાઓમાં અનુવાદિત થઈ ચુકી છે. તેમને ચાર હ્યુગો એવોર્ડ બે નેબ્યુલા એવોર્ડ અને ત્રણ લોકસ એવોર્ડ મળ્યા છે. સાયન્સ ફિક્શન સિરીઝ 'ધ મર્ડરબોટ ડાયરીઝ' માટે લોકસ એવોર્ડ મેળવેલ છે. તેમનું  સાયન્સ ફિક્શન, અનેક પ્રકારના એસ.એફનું હાઇબ્રીડ સંયોજન જેવું હોય છે. એન લેકી સાયન્સ ફિક્શન લેખિકા છે. ૨૦૨૩માં પ્રકાશિત, ઇમ્પીરીયલ રેડચ બ્રહ્માંડમાં સિરીઝના કારણે તેઓ લોકપ્રિય બન્યા છે. લેકીની પ્રથમ કાલ્પનિક નવલકથા, ધ રેવેન ટાવર, ફેબુ્રઆરી ૨૦૧૯માં પ્રકાશિત થઈ હતી. 

એન.કે. જેમિસિન એટલે નોરા કીતા જેમિસિન, અમેરિકન વિજ્ઞાનકથા લેખિકા છે. તેણીની પ્રથમ નવલકથા, ધ હન્ડ્રેડ થાઉઝન્ડ કિંગડમ્સ દ્વારા તેમણે સાહિત્ય વિવેચકોની પ્રશંસા મેળવી હતી. હાલમાં તેઓ 'ધ બ્રોકન અર્થ' ટ્રાયોલોજી માટે જાણીતા બન્યા છે. 

બેકી ચેમ્બર્સ, અમેરિકન વિજ્ઞાન સાહિત્ય લેખિકા, તેણીની હ્યુગો એવોર્ડ વિજેતા 'વેફેરર્સ' જાણીતા બન્યા હતા. તેમજ ૨૦૧૯માં 'ટુ બી ટાઉટ, ઇફ ફોર્ચ્યુનેટ' નવલકથા લોકપ્રિય બની હતી. આ ઉપરાંત વાચકોમાં તેમની 'મોંક એન્ડ રોબોટ' સિરીઝ પણ  લોકપ્રિય થતી જાય છે. તેમણે હોપપંક પ્રકારનાં સાયન્સ ફિક્શનની શરૂઆત કરી છે.  ચાર્લી જેન એન્ડર્સએ અનેક નવલકથાઓ તેમજ ટૂંકી સાહિત્ય, પ્રકાશિત સામયિકો અને વેબસાઇટ્સ ઉપર લખ્યું છે. અનેક પોડકાસ્ટ હોસ્ટ કર્યા છે. ૨૦૦૫માં તેણીને ટ્રાન્સજેન્ડર સીરીઝમાં કામ કરવા બદલ લેમ્બડા લિટરેચર એવોર્ડ અને ૨૦૦૯માં સમ્રાટ નોર્ટન એવોર્ડ મળ્યો હતો. તેણીની ૨૦૧૧ની નવલકથા સિક્સ મન્થ્સ, થ્રી ડેઝ ૨૦૧૨ હ્યુગો એવોર્ડ જીતવામાં સફળ નિવડી હતી. આ યાદીમાં આર.એફ. કુઆંગ, મેરીકે નિજકેમ્પ, ટેમસીન મુઇર, નેડી ઓકોરાફોર, આર્કાડી માર્ટીન, રિવર્સ સોલોમનનો ઉમેરો કરી શકાય. જગ્યાનાં  અભાવે તેમનો પરિચય આપતા નથી.

અનોખી ત્રિપુટીની ઓળખ

નીલ ટાઉન સ્ટીફન્સન (ઉંમર ૬૯ વર્ષ) અમેરિકન લેખક છે. તેમની નવલકથાઓને વિજ્ઞાન સાહિત્ય, ઐતિહાસિક સાહિત્ય, સાયબરપંક અને બેરોક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. સ્ટીફન્સનની રચનામાં ગણિત, સંકેતલિપી, ભાષાશાસ્ત્ર, ફિલસૂફી, ચલણ અને વિજ્ઞાનના ઇતિહાસની ઝલક જોવા મળશે. તેઓ વાયર્ડ જેવા પ્રકાશનોમાં ટેક્નોલોજી વિશે નોન-ફિક્શન લેખો પણ લખે છે. તેમણે તેમના કાકા, જ્યોર્જ જ્યુઝબરી સાથે સામૂહિક ઉપનામ સ્ટીફન બ્યુરી સાથે પણ નવલકથાઓ લખી છે. સ્ટીફન્સને સ્પેસક્રાફ્ટ અને સ્પેસ લોંચ સિસ્ટમ વિકસાવતી કંપની બ્લુ ઓરિજિનનાં પાર્ટ-ટાઇમ સલાહકાર તરીકે  કામ કર્યું છે. સુબુતાઈ કોર્પોરેશનના કો-ફાઉન્ડર પણ છે, તેમનો પ્રથમ ઇન્ટરેક્ટિવ ફિક્શન પ્રોજેક્ટ છે. મંગોલિયાડ. 

૫૫ વર્ષનાં જ્હોન સ્કેલ્ઝી નામના અમેરિકન સાયન્સ ફિક્શન રાઇટર, તેમની 'ઓલ્ડ મેન્સ વોર' સીરીઝ દ્વારા ચર્ચાસ્પદ બન્યા હતા. જેમાંથી ત્રણ નવલકથાઓને હ્યુગો એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. તેઓ અમેરિકાના સાયન્સ ફિક્શન અને ફૅન્ટેસી રાઇટર્સના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની 'ધ ઈન્ટરડિપેન્ડન્સી' ટ્રાયોલોજી પણ જાણીતી બની હતી. તેમની નવલકથા 'રેડશર્ટ્સે' શ્રેષ્ઠ નવલકથા માટે ૨૦૧૩નો હ્યુગો એવોર્ડ જીત્યો હતો. તેમણે ટેલિવિઝન સિરીઝ 'સ્ટારગેટ યુનિવર્સ'મા સલાહકાર તરીકે સેવા આપી છે.

લિયુ સિક્સિન (૬૧ વર્ષ) ચાઇનીઝ કમ્પ્યુટર એન્જિનિયર અને વિજ્ઞાન સાહિત્ય લેખક છે. તેમણે ચીનનો ગેલેક્સી એવોર્ડના નવ વખત મેળવ્યો છે. તેમની નવલકથા 'ધ થ્રી-બોડી પ્રોબ્લેમ'ને ૨૦૧૫નો હ્યુગો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ એશિયન નાગરિક બન્યા છે. આ ઉપરાંત 'ડેથ્સ એન્ડ' માટે ૨૦૧૭નો લોકસ એવોર્ડ પણ મેળવ્યો છે. તેઓ ચાઈનીઝ નેબ્યુલા એવોર્ડના વિજેતા પણ છે. તેમની કૃતિઓના અંગ્રેજી અનુવાદોમાં, તેમનું નામ સિક્સિન લિયુ તરીકે આપવામાં આવ્યું છે. તેઓ ચાઇના સાયન્સ રાઇટર્સ એસોસિએશનના સભ્ય અને શાંક્સી રાઇટર્સ એસોસિએશનના ઉપપ્રમુખ છે. ચીનમાં તેમના મિત્ર લેખકો, તેમને ક્યારેક 'ડા લિયુ' ('બિગ લિયુ') તરીકે લાડ કરે છે.

ये एवार्ड अगर मिल भी जाये तो क्या है ?

સાયન્સ ફિક્શન નવલકથાનું વેચાણ વધે, સાયન્સ ફિક્શન લેખકોને માન્યતા મળે, તેમને પ્રોત્સાહન મળે તો, વિશ્વને વધારેમાં વધારે સાયન્સ ફિક્શન મળે તેમ છે. લેખકને માન્યતા આપવાનું અને પ્રોત્સાહન આપવાનું કામ, વિવિધ પ્રકારના એવોર્ડ અને પ્રાઇસ કરે છે. હ્યુગો એવોર્ડ્સ, નેબ્યુલા એવોર્ડ્સ, લોકસ એવોર્ડ્સ, થિયોડોર સ્ટર્જન મેમોરિયલ એવોર્ડ, બ્રિટિશ સાયન્સ ફિક્શન એસોસિએશન એવોર્ડ્સ મેળવનારા સાયન્સ ફિક્શન લેખકોને, 'પ્રાઈસ મની' મળતા નથી. પરંતુ એવોર્ડ વિજેતા બનતા જ તેમને સાયન્સ ફિક્શન જગતમાં અનોખી માન્યતા મળે છે. લોકપ્રિયતા મળે છે. જેના કારણે તેમના પુસ્તકોનું વેચાણ પણ વધે છે. સાયન્સ ફિક્શન જગતમાં આર્થર શ્રી ક્લાર્ક એવોર્ડ ખૂબ જ મહત્વ ધરાવે છે. જેમાં લેખકને ૨૦૦૦ પાઉન્ડ જેટલી રકમનું ઇનામ પણ આપવામાં આવે છે. આવા જ એકબીજા વિજ્ઞાનકથા લેખકના નામે આપવામાં ફિલિપ કે. ડિક એવોર્ડની ધન રાશી ૧૦૦૦ ડોલર જેટલી છે. જોકે આ ધન રાશી પેપરબક સ્વરૂપે પ્રકાશિત થતા સાયન્સ ફિક્શનને આપવામાં આવે છે. 

૧૯૭૯માં, વિજ્ઞાન સાહિત્ય લેખક એલ. નીલ સ્મિથે સ્વતંત્રતાવાદી વિજ્ઞાન સાહિત્યના સન્માન માટે પ્રોમિથિયસ એવોર્ડની રચના કરી હતી. તે વર્ષે એક પેનલે શ્રેષ્ઠ નવલકથા તરીકે એફ. પૌલ વિલ્સનની 'વ્હીલ્સ વિધીન વ્હીલ્સ'ની પસંદગી કરી હતી. સન્માન સ્વરૂપે વિલ્સનને ઇં૨,૫૦૦ની કિંમતનો સોનાનો સિક્કો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાક વર્ષ, ઔપચારિક સંસ્થાના અભાવને કારણે અને વધતાં જતાં ખર્ચના કારણે, એવોર્ડ સ્વરૂપે સોનાનો સિક્કો આપવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. ૧૯૮૨માં સ્થપાયેલ, લિબરટેરિયન ફ્યુચરિસ્ટ સોસાયટી (LFS)એ પ્રોમિથિયસ એવોર્ડને પુનર્જીવિત કર્યો હતો. હવે શ્રેષ્ઠ સાયન્સ ફિક્શન કથાને પુરસ્કાર સ્વરૂપે એક સોનાનો સિક્કો આપવામાં આવે છે. જેના ઉપર મુક્ત વેપાર અને મુક્ત મનના પ્રતીક તરીકે આકૃતિ કોતરેલી હોય છે. એક વાત નિશ્ચિત છે કે વિજ્ઞાન કથા લેખકોને પ્રોત્સાહન મળે કે ન મળે, જ્યાં સુધી મનુષ્યની કલ્પનાશીલતા જીવતી રહેશે, ત્યાં સુધી સાયન્સ ફિક્શનની કોઈને કોઈ સ્વરૂપે રજૂઆત થતી રહેશે.


Google NewsGoogle News