કૃષ્ણ 'પંચામૃત' : પ્રેમ + પરાક્રમ + પ્રજ્ઞા + પરિવર્તન + પ્રસન્નતા !

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
કૃષ્ણ 'પંચામૃત' :  પ્રેમ + પરાક્રમ + પ્રજ્ઞા + પરિવર્તન + પ્રસન્નતા ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ક્રિએટિવિટી અને રિસ્પોન્સિબિલીટીના સનાતન નાયક એવા કૃષ્ણનું આકર્ષણ કેમ ઓસરતું નથી ? આજના સમયે એમના જેવા થવા માટે કયા ગુણો કેળવવા? 

સાધન કરના ચાહિયે મનવા

ભજન કરના ચાહિ

પ્રેમ લગાના ચાહિ રે મનવા

પ્રીત કરના ચાહિ..

નિત નાવન સે હરિ મિલે

તો જલ જંતુ હોય,

ફલમૂલ ખા કે હરિ મિલે

તો બાદૂર બાંદરાય.

તુલસી પૂજન સે હરિ મિલે

તો મૈં પૂજૂ તુલસી ઝાડ,

પત્થર પૂજન સે હરિ મિલે

તો મૈં પૂજૂં પહાડ.

તિરણ ભખન સે હરિ મિલે

તો બહુત મૃગી અજા,

સ્ત્રી છોડન સે હરિ મિલે

તો બહુત રહે હૈં ખોજા.

દૂધ પીને સે હરિ મિલે

તો બહુત વત્સ બાલા

'મીરાં' કહે બિના પ્રેમ સે

નહીં મિલે નંદલાલા...

વિડીયો પર વૃંદાવન રચીને અસલ ઇસ્લામિક મૌલવીઓની જેમ સ્વર્ગ ને અપ્સરા ને એવા વર્ણનો કરીને સંસારને માયામિથ્યા ઠેરવવામાં ને ખુદ એ માયામાં રમમાણ થઈને છપ્પનભોગ ભોગવતા બાબાબેબીઓનો રાફડો ફાટયો છે ત્યારે મીરાંબાઈ જેવા અદ્ભુત કૃષ્ણપ્રેમીની આ રચના તો ગાલે આંગળીઓના સોળ ઉઠી જાય એવા તમાચા જેવી લાગે ! સાધન એટલે સાધના. મીરાં વાત અહીં પ્રીતિભક્તિની કરે છે. કહે છે કે નિત્ય શુદ્ધિ સ્નાન કરવાથી હરિ મળે તો જળમાં રહેનારા જંતુ ભગવાન હોય ને ઉપવાસ જેવા ફળાહારી વ્રતથી મળે તો કાયમ ફક્ત એ ખાનાર વાંદરા પણ ઈશ્વર થઇ ગયા હોત. તુલસી જેવા કોઈ વૃક્ષ કે કોઈ પણ મનગમતી મૂર્તિ પણ પૂજવાથી એમ ભગવાન મળી જતા નથી. ઘાસ ખાવાથી યાને તૃણભક્ષણથી (ઈશારો અહીં સંસાર ત્યાગી વનમાં જવા તરફ છે) તો જંગલના હરણ પણ હરિ હોત. માસ્ટરસ્ટ્રોક તો પછીની પંક્તિમાં છે જડસુ બ્રહ્મચર્યના નામે શરીરસુખની સૂગ રાખનારા પર કે એનાથી ઈશ્વર મળી જાત તો ખોજા (મીરાં એક સમયે રાણી હતા ને એ સમયે મુઘલ અસરમાં રાણીવાસમાં ખસી કરાયેલા હીજડા સેવામાં રહેતા જેમને ખોજા કહેવાતા) યાને કિન્નરો તો કાયમ બ્રહ્મચર્યનું પાલન કરે છે, એમને પ્રભુ મળી ગયા હોત ! કેવળ દૂધ પીવા જેવા રિચ્યુઅલથી સ્પિરિચ્યુઅલ નથી થવાતું કહીને મીરાં કહે છે - પ્રેમની ભીનાશ વિના કેવળ જ્ઞાન કે તપથી ભગવાન નથી મળવાના !

કેટલું સામ્ય છે કે કૃષ્ણના અધિકારી ભક્ત કહેવાય એવા નરસિંહ મહેતા પણ વધુ સ્પષ્ટ રીતે આવી જ રચના લખી - ગંગાસ્નાનથી વેદપાઠ સુધીની બધી બાબતોને પેટ ભરવાના પ્રપંચ કહીને છેલ્લે ચેતવણી આપી ગયા છે : જ્યાં લગી આત્મા તત્વ ચીંધ્યો નહિ. ત્યાં લાગી સાધના સર્વ જૂઠી ! અંદરથી વૈરાગ ના ઉઠે ત્યાં સુધી બધો દેખાડો એ દંભ એ તો ઘૂંટી ઘૂંટીને ગીતામાં પણ કહેવાયું છે. સહજના સથવારે જ હરિ મળે એ કહેવા જે મીરાંબાઈએ કનક્લુઝન કાઢયું એ જ નરસિંહ મહેતા પણ આપેલું 'પ્રેમરસ પા ને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે !' મતલબ કૃષ્ણત્વની કૂંજી યાને ચાવી તો કેવળ આડંબરને ચીરી નાખતો, અહંકારને ઓગાળતો અને પોતાના કરતા અન્યના સુખમાં રાજીપો અનુભવતો પ્રેમ છે !

પણ આટલું સરળ સત્ય સમજાઈ જાય તો ધર્મના ધંધા ખોલીને બેઠેલા દુકાનદારો ક્યાં જાય ? એટલે આપણે કૃષ્ણની બાબતે ઓથોરિટી ગણાય એવા નરસિંહ, મીરાં, સુરદાસ કે વેદવ્યાસનું ડાયરેક્ટ નથી માનતા પણ સેંકડો સ્વઘોષિત એજન્ટો પાસે જઈને બરબાદ થઈએ છીએ. જેણે આજીવન સમન્વય અને સંવાદનું કાર્ય કર્યું એવા જગદગુરુ કૃષ્ણ માત્ર પોતાની જ જ્ઞાતિના છે, બીજા કોઈના નહિ એવું ઠસાવવા માટે હૂંસાતુંસી આજે પણ ચાલે છે. કૃષ્ણે તો ઋષિઓના ચરણ પખાળી વિનયથી સેવા કરી છે. ગમતા હોય એનું એંઠું ખાધું છે. સારથી થવામાં નાનમ નથી અનુભવી કે શિષ્ય થવામાં શરમ નથી અનુભવી. 

પણ આજકાલ તો પોતાના આરાધ્ય એટલે બધાથી સર્વોપરી એવી ગુમાની દોટ ચાલે છે. કૃષ્ણના નામે એવા ચુસ્ત નિયમો પાળનારા મળે છે, કે સ્થાપિત નિયમો અને પૂજાયજ્ઞાોની પરંપરા તોડી એ સમયના મહાદેવતા ઇન્દ્રને પણ ઝુકાવી ઉપેન્દ્ર જેવું નામ ધારણ કરનાર કૃષ્ણ ક્રાંતિકારી હતા એ તો વાત જ વિસારે પાડી દેવાઈ છે. આ અડાય નહિ, ત્યાં જવાય નહિ. પેલું ખવાય નહિ, ઓલું પીવાય નહિ જેવી સંકડાશમાં વિશ્વરૂપની મોકળાશ ક્યાંથી સમાય કદી ? એટલે જ ધર્મની ગ્લાનિ છતાં ભારતમાં કૃષ્ણ ફરી દેખાતા નથી, કારણ કે એ કરનારા ચુસ્ત જડસુ માલિકીભાવ ધરાવનાર ને અખિલ દ્રષ્ટિ વિનાના કેવળ ચુસ્ત સેવાપૂજાના બાહ્ય આચરણને જ કૃષ્ણચરણ માનતા અતિધાર્મિક ભક્તો છે ! ''યથેચ્છસિ તથા કુરુ'' આખી ગીતા પછી પણ કહેનારના નામે આટલા બધા પારંપારિક નિયમો ને વિધિવિધાનો ? જેણે ધૂળમાં દરિદ્રો સાથે રમીને નદીનું પાણી ગટગટ પીધું હોય, જેણે રસપૂર્વક યૌવનની રાસલીલા રચીને પ્રણયની ઉત્કટ છોળો ઉડાડતું નર્તન કર્યું હોય, એને નામે જાતભાતની આભડછેટ અચરજ ના પમાડે ? અમુક શુષ્કજનો તો વળી માત્ર ગીતાના જ કૃષ્ણ સાચા ને બાકી માસુમિયત ને મહોબ્બતનો જીવનસંદેશ આપતા એમના આનંદો સાવ ખોટા એવી જીદે ચડેલા હોય છે. અરે જે બધા રંગોમાંથી પસાર થઈને ઘડાયા હોય, જે જીવનમાં દરેક અનુભવો લઈને બેઠા હોય એ જ ગીતાજ્ઞાની બને ને ! વૃન્દાવનમાં રાસ હોય કે કુરુક્ષેત્રનો સંગ્રામ હોય, જે વિચલિત થયા વિના કે મોહાંધ થયા વિના દરેક સમયને માણી શકે એ જ યોગેશ્વર હોય ને !

રીડરબિરાદર શૃંગારચિંતક અભિષેક અગ્રાવત કહે છે : 'આપણી સૌની અંદર ગોકુળ અને કુરુક્ષેત્ર વસેલાં છે.

ગોકુળમાં રસોનો, આનંદનો, સગપણોનો, શૃંગાર, સંગીત અને સ્નેહનો ઉત્સવ બારેમાસ ચાલે છે. કુરુક્ષેત્રમાં અપેક્ષાઓ, નિર્ણયો, અસમાનતા અને સ્પર્ધાનું યુધ્ધ નિરંતર ચાલે છે. અને આ બંન્ને ભૂમિકા માનવસ્વભાવના મૂળમાં છે. કોઇ માણસ દુ:ખથી પર નથી હોતો, કોઇ માણસ ઉલ્લાસનો વિરોધી નથી હોતો. હલકાઇની કોલેજમાં પી.એચડી થયેલાની અંદર પણ કરૂણા તો હોવાની જ. બધાની અંદર માત્રાભેદ હોય છે. ગોકુળ અને કુરુક્ષેત્ર માનવસ્વભાવમાં નામશેષ ન થઇ શકે. પરંતુ સારથિપણું કૃષ્ણને સોંપ્યું હોય તો વનરાવન વધુ ખીલે, ધર્મનો ઉઘાડ વધુ થાય અને જીવનસૌંદર્યની પહેચાન વહેલી થાય એવી આશા વાજબી લાગે છે.'

કૃષ્ણ એટલે જ ગોકુળથી પ્રભાસની યાત્રા વાયા દ્વારકા અને કુરુક્ષેત્ર. કૃષ્ણ પૂર્ણાવતાર છે. એ રસિક પ્રેમી પણ છે અને સાહસિક યોધ્ધા પણ છે. એ છોડે છે. સતત માના ખોળાથી સખીના આગોશ સુધીનું બધું જ છોડે છે. છતાં એ સખ્યથી સહશયન સુધીનો પૂર્ણ આનંદ ભોગવે છે. મોરપીંછ તો મલ્ટીકલર હોય. ભલે ભુવનમોહિની વાંસળી કે સુદર્શનચક્ર દોરો તો પણ કૃષ્ણના સિમ્બોલ ગણાય. પણ કૃષ્ણ એટલે વાંસળી નહિ, કૃષ્ણ એટલે ચક્ર પણ નહિ. કૃષ્ણ એટલે તો ચક્ર ક્યારે વાપરવું ને વાંસળી ક્યારે વાપરવી એનો વિવેકસભર નિર્ણય ! કમિટમેન્ટ છતાં પણ ક્યારે કયું કર્મ કરવું કે ના કરવું એની હોશિયારી એ કૃષ્ણ છે. રસખાનની પંક્તિ છે : જોગી જતી તપસી અરુ સિદ્ધ નિરંતર જાહિ સમાધિ લગાવત; તાહિ અહીર કી છોહરિયાં છછિયા ભરી છાછ પૈ નાચ નચાવત ! કૃષ્ણ મસ્તીના મૂડમાં છાશ માટે પણ દૂધ વેંચતી છોકરીઓ સામે નાચે છે, પણ કૃષ્ણ આખા સંસારને, મહાયુધ્ધને  પોતાની આંગળીએ નચાવે છે. એ વિરાટ થઇ શકે એ સિદ્ધિ નથી. એ તો એમને માટે સ્વાભાવિક છે. એ બાળક પણ થઇ શકે છે, ત્રિલોકના સ્વામી હોવા છતાં એ ખરી મહાસિદ્ધિ છે કૃષ્ણની ! 

તો આવા પોતાના ભક્તો પણ ભાગેડુ નહિ, જ્ઞાની અને કર્મશીલ હોય, જીવનરસ માણતા રસિક અને ખોટા સામે પડકાર ફેંકતા સાહસિક હોય એવી જ અપેક્ષા રાખતા કૃષ્ણને ઓળખવા હોય અને એમના વહાલા એટલે હરિપ્રિય થવું હોય તો ? શીર્ષકમાં જ પંચામૃતરૂપે એ સમીકરણ આપી દીધું છે. આ પાંચ ગુણોમાં કૃષ્ણત્વનું રેપિડ રિવિઝન કરો તો એ માટેનું વિઝન આપોઆપ ખુલી જશે.

(૧) પ્રેમ  : લવ ઈઝ ગોડ તો બધા ચિંતકો કહે છે. પણ ભારત એ સમજાવવા મથે છે (જે કહેવાતા રાષ્ટ્રવાદીઓને બિલકુલ સમજાતું નથી ) કે ગોડ ઈઝ લવ. પરમાત્માનું બીજું નામ જ પ્રેમ છે. ધર્મ સનાતન હોઈ ના શકે. એ તો કાલબાહ્ય છે. રથ ને પીતાંબર પણ છૂટી ગયા અને મુગટ કે મંત્રો પણ ખોવાઈ ગયા. સનાતન તો પ્રેમ છે. પ્રેમના પ્રાચીન વર્ણનોમાં ખાસ કરીને પૌરાણિક સાહિત્યમાં ઘણીવાર છાશ લેવા જવું ને દોણી સંતાડવી જેવી ઉઘાડી છલના છે. ઘડી ઘડી ઉત્તેજક શૃંગારિક વર્ણનો પણ લખવા કે કોતરવા ને પછી વચ્ચે વચ્ચે શિખામણો આપવી કે આ બધું તો વિલાસ છે, માયામોહ છે. અરે, તો પછી તમે સતત એની જ લંબાણપૂર્વક રસઝરતી કૃતિ આકૃતિ શા માટે સર્જ્યા કરો છો ? આત્માનું રહેઠાણ શરીર છે તો પ્રેમ શારીરિક આકર્ષણથી શરુ થાય. પણ પછી એ ઊંચાઈ પર યાત્રા પહોંચી શકે કે પ્રેમ ખાતર એ શરીર કુરબાન કરી દેવામાં ખચકાટ ના થાય! 

કૃષ્ણ તો આકર્ષણનું કેન્દ્ર છે. એ કંઈ બુદ્ધ કે મહાવીરની જેમ સંસારત્યાગ કરી આશ્રમમાં બેઠા નથી. ગૃહસ્થાશ્રમને ધન્ય કરે છે, ને એ પણ એકાધિક વાર. લગ્ન પહેલા પણ પ્રણયક્રીડામાં રત રહેવાનો છોછ નથી. બસ એમાં એ ક્ષણને ઉજવે છે. શાશ્વત આસક્ત રહેતા નથી. કારણ કે કૃષ્ણ સેલ્ફ કન્ટ્રોલ ઉર્ફે સ્વયંશિસ્તના જીવ છે. રાસ રચતા રચતા એક પળે વિકાસના તબક્કા બદલાય તો કોઈને છેતર્યા વિના કે પરેશાન કર્યા વિના એ આગળ મૂવ ઓન પણ થાય છે. છતાં પ્રેમ પ્રત્યેની પ્રતિબધ્ધતા કૃષ્ણે છોડી નથી. પોતે તો ઇન્ટરરેસિયલ ગણાય એવા લવ મેરેજ કર્યા જ છે. પોતાની આસપાસ રહેલના પણ વિનાસંકોચે કોઈ શરત મુક્યા વિના કરાવ્યા છે. રાધા પ્રેમને સમર્પિત સ્મરણનું પ્રતીક છે, અને રુક્મિણી કૃષ્ણના મનમોહક સહચર્યનું. પ્રેમમાં અનેક કલર્સ ને લેયર્સ હોય. જો પ્રેમ શુદ્ધ હોય તો બધા સત્ય હોય. કૃષ્ણને સતત નારીઓનો પ્રેમ મળે છે, કારણ કે એ પુરુષની જેમ વર્તે છે. કૂલ એન્ડ ઈન્ડીપેન્ડન્ટ કોન્ફિડન્ટ મેન. ભેટ આપવાનું ઔદાર્ય હોય કે લડી લેવાનું શૌર્ય, કૃષ્ણ બોરિંગ નથી. કારણ કે એ સહજ જીવે છે. જે માણસ પ્રેમ કરે નહિ, વ્યક્તિ નહિ તો પ્રકૃતિને કે બીજાનો પ્રેમ જોઈ વખાણે નહિ એ ગમે તેટલા પાઠ કરે, કૃષ્ણથી દૂર રહે. કોઈનો પ્રેમ જોઇને પણ આંખ ઠરે ને ઝેર ના ઝરે એ સાચો કૃષ્ણપ્રેમી. ભલે પ્રેમ અધૂરો રહે કે પાછળથી પહેલા જેવો ના રહે. જ્યાં સુધી હતો ત્યાં સુધી તો એમાં વૃંદાવનનો રસ રચાયો ને. બસ, ધરતી પર આવવાનું મુખ્ય કર્તવ્ય જ એની અનુભૂતિ છે. 

(૨) પરાક્રમ : કૃષ્ણને રસ પ્રિય છે, પણ એ સમજે છે કે રસને સુરક્ષિત રાખવા માટે પણ બળ જોઇશે. વાત પડછંદ દેહ કે પ્રચંડ તાકાતની નથી. વાત છે અભયની. ખરું પરાક્રમ કોઈને ડરાવવામાં નથી. એ તો ગુંડાગીરી છે. પરાક્રમ તો કોઈનાથી ડર્યા વિના ખુદની મોજ મુજબ જીવવાની નફકરાઈમાં છે. કૃષ્ણમાં એ ભારોભાર છે. અગાઉ શું થયું એની કોપી કરીને એ કદી જીવ્યા નથી. નવીનતા એમનો પ્રાણ છે. ને એ માટે એ સાહસ કરે છે, નવી અજાણી જગ્યાએ સફર ખેડે છે. સમય યોગ્ય લાગે તો સમી છાતીએ મલ્લયુદ્ધ કરી લે, ને અયીગ્ય લાગે તો હળવેકથી કોઈના અભિપ્રાયની પરવા વિના દાવ લેવાનો મોકો મળે ત્યાં સુધી નાસી પણ જાય. પરાક્રમી વટવૃક્ષ જેવો હોય તો કોઈ પણ એને પછાડી દે. એ તો પવન જેવો ઈલાસ્ટિક હોવો જોઈએ. યોધ્ધાનો ગુણ ઉભા રહેવામાં નહિ, ચપળતાથી છુપાઈ જવામાં ને લાગ જોઈ પ્રહાર કરવામાં છે. દરેક દડે સિક્સર મારવાનું બેવકૂફ લોકો તો કહે. પણ જે બેટ્સમેન સંયમ રાખીને અમુક દડા જવા દે કે એક બે રન લઇ પાવર પ્લેની રાહ જોવે એ મહાન બને છે. 

પણ કૃષ્ણનું ખરું પરાક્રમ લડવામાં નથી. સાચું કહેવામાં છે. કહેવાતા સમાજ કે શાસન સામે ટટ્ટાર ઉભા રહેવામાં છે. હિંસા હાથવગી હોવા છતાં સો ગાળ માફ કરવા કે યુદ્ધ અટકાવવા જાતે દૂત થવા સુધીની સમજાવટના ધૈર્યમાં છે. જ્યાં સ્ત્રીઓ સાથે કશું ખોટું થતું હોય એમની મરજી વિરુદ્ધ, ત્યાં પરાક્રમી કૃષ્ણે કાયમ લાલ અંખ કરી છે. દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે એમાં સામેલ કે મૂક તમાશબીન તમામનો કુરુક્ષેત્રમાં અંજામ જુઓ. છેડતી કરનારા પોતાના જ વંશજોને જાતી જિંદગીએ યાદવાસ્થળીમાં 

ભણાવેલો પાઠ જુઓ. કૃષ્ણનો પરાક્રમ છે, ચાલુ ચીલે ચાલવાનો ઇન્કાર. ક્રાંતિપુરુષ કૃષ્ણને શિશુપાલ કે રુક્મિ જેવા પોતાનાઓ જ વખોડે છે, ત્યારે કાયમ એમને પરંપરા તોડનારા અને લોકપ્રિયતાને લીધે ઊંડાણ વગરના કહે છે. કૃષ્ણને તો આવા અભિપ્રાયોની પરવા નથી ને નવું નવું કરવાનું કાર્ય એમનું ચાલુ છે એ પણ મોટું પરાક્રમ !

(૩) પ્રજ્ઞા : 'શ્રેયાન દ્રવ્યમયાત્ યજ્ઞાત્ જ્ઞાનયજ્ઞા: પરંતપ !. 'દ્રવ્યો દ્વારા થતા બધા જ યજ્ઞાો કરતાં જ્ઞાનયજ્ઞા ઉત્તમ' એવું ગીતામાં વારંવાર કહેનાર કૃષ્ણ પ્રેમી ને પરાક્રમી હોવા ઉપરાંત બુદ્ધિશાળી છે. ક્યારે ક્યાં કઈ શક્તિઓ ઉપયોગમાં લેવી એમાં એમનું જજમેન્ટ સચોટ છે. બીજા પાસેથી કામ લેવાની કાબેલિયત પણ છે અને ફ્રેશ કહી શકાય એવું નવસર્જનનું વિઝન પણ. બધા શ્લોકો કંઠસ્થ એવા પોપટિયા જ્ઞાનમાં એમને રસ નથી. વિભૂતિયોગ વાંચો તો એ પ્રકૃતિના વિજ્ઞાની લાગે અને સૌંદર્યના કળાકાર લાગે. એટલે જ જેન્યુઈન સાયન્ટિસ્ટ હોય કે રિયલ આર્ટીસ્ટ, કૃષ્ણને ભલે ઓળખતા ના હોય પણ એ બધા એમની પ્રજ્ઞા એમના ક્ષેત્રમાં જનકલ્યાણ ખાતર વાપરીને કૃષ્ણકાર્ય જ કરી રહ્યા છે. સોનાની દ્વારિકા દ્વારા કૃષ્ણે સરાજાહેર બે વાત સાબિત કરી. જે બુદ્ધિમાન છે એને સિંહાસનની ગરજ નથી. (કૃષ્ણ સુધર્મસભાના સંકલનકાર છે, રાજ્યના અધિપતિ નહી.) એ હૃદયસિંહાસને બિરાજવા જેટલા પ્રજ્ઞાપુરુષ છે. 

બીજું, જ્ઞાનને પુરતી સગવડસુવિધાસુખ મળવા જોઈએ. કષ્ટ સામે લાદવામાં એની ઊર્જા વેડફી ના નખાય. પોતાના કાંડે સોનાની દ્વારકામાં હકથી ને વટથી રહેવું કોઈ પાપ નથી. બીજાના હિતનો વિચાર કરવામાં ખુદનું અહિત કરનાર ધૂની જ્ઞાનીઓ પોતાની જ ક્ષમતા ઘટાડી દે છે. સાદગી હોય કે વૈભવ, બેઉમાં સાહજિક રીતે જીવતા આવડવું જોઈએ. બેઉના તિરસ્કાર વિના પસાર થઇ જવાની લીલા ગણીને. કૃષ્ણનું આત્મજ્ઞાન પણ અલ્ટીમેટ છે. એટલે એ બહુ છકી પણ નથી જતા ને છળી પણ નથી જતા. સુખ અને સુખને નિત્ય ચાલતી જીવનગાડીના પસાર થઇ જતા સ્ટેશન ગણે છે. એ સ્થિર ગાદીના નહિ. ચલાયમાન ગાડીના વ્યક્તિ છે. આ દૂરંદેશી એમની બુદ્ધિમત્તા છે. લાગણીને હુંફાળો પ્રતિસાદ આપતા આપતા પણ કૃષ્ણ ઇન્ટેલીજ્ન્સને માન આપવાનું ચૂકતા નથી. વિદૂર હોય કે યાજ્ઞાવલ્ક્ય કે નારદ કે સત્યભામા. એમની પ્રજ્ઞા જ તફાવત છે પાંડવ અને કૌરવ પક્ષનો. જેમાં એ કટોકટીનો ઉકેલ શાંતિથી ઈનોવેટિવ આઈડિયાઝ દ્વારા શોધે છે. કોમ્યુનિકેશનમાં કૃષ્ણ પાવરધા છે ને એ પણ એમની હોશિયારીનો ચમકારો છે. 

(૪) પરિવર્તન : કૃષ્ણ સતત બદલાયા છે. એમનું કર્મ કાયમી છે. પણ એને લીધે એ એક ફ્રેમમાં ફિક્સ થઈને રહેતા નથી. સમય સંજોગો સાથે તાલ મિલાવીને એ ચેન્જ થયા છે. પોતે જ પ્રલય અને નિર્માણ છે એવું સાબિત કરીને એ શુષ્ક થઇ એક જગ્યાએ બેસી જતા નથી. પણ ફૂલોમાં વહ્યા કરે છે. એમનું આ પરિવર્તન આસપાસ ઘણાને પચતું નથી ને એ વાંધાવિરોધ કર્યા કરે છે. છતાં કૃષ્ણ અટકતા નથી. એ જૂની મથુરામાંથી નવી દ્વારકા ઘડે છે, પ્રાચીન ખાંડવવનની પૂજા કર્યા કરવાને બદલે એનું દહન કરીને નવુંનક્કોર ઇન્દ્રપ્રસ્થ બનાવે છે. કાળ યાને સમય કોઈ માટે રોકાતો નથી. એટલે એને પામી જનાર કોઈ જડ હોઈ જ ના શકે. કૃષ્ણ નિત્ય યુવા જ લાગે છે ને કલ્પનામાં પણ લાંબી ઉંમર જીવ્યા છતાં વૃદ્ધ થતા નથી એનું કારણ જ એમના દ્વારા થતો આ પરિવર્તનનો સ્વીકાર છે. જૂનાને આદર આપે છે, પણ નવાનો તિરસ્કાર નથી કરતા. પરિવર્તનનો સ્વીકાર ના કરે અને આધુનિક ના બને, એ કૃષ્ણપ્રિય રહી ના શકે. કૃષ્ણ કોઈની ખાનગી મિલકત નથી કે ગોખલામાં બેસેલી મૂર્તિ નથી. એ સનાતન ચેતના છે, ને સનાતન નિત્ય નૂતન હોય તો જ રહેવાય. પ્રાચીન હોય એ સનાતન ના થઇ શકે !

(૫) પ્રસન્નતા : ધેટ્સ ધ ક્રિશ્ના કી ! જીવનના આરંભના તબક્કે પ્રેમ જોઈએ, જુવાનીમાં પરાક્રમ જોઈએ, પ્રધ્તામાં પ્રજ્ઞા આવે ને પછી મોટી ઉંમરે પરિવર્તન સ્વીકારવાનું જીગર જોઈએ પણ સ્મિત, ખુશી, આનંદ તો સતત જોઈએ જ. કૃષ્ણ એટલે રંગ, કૃષ્ણ એટલે સંગીતનૃત્ય, કૃષ્ણ એટલે મલકાટ, કૃષ્ણ એટલે આલિંગનચુંબનનો તલસાટ અને કૃષ્ણ એટલે જ હોવાપણાનો ઉત્સવ. કોઈ પણ સ્થિતિમાં ગાયો ચારતા હોય કે યુધ્ધમાં ઝુકાવતા હોય, કૃષ્ણની તોફાની મસ્તી ઘટતી નથી. આઠમ એટલે કૃષ્ણનો જન્મ નહિ. એ તો થઇ ગયો યુગો પૂર્વે. આઠમ એટલે આપણા ચિત્તમાં પાવક પ્રસન્નતાનો પુન:જન્મ ! ઉદાસી, ડિપ્રેશન, નેગેટીવિટી, ચીડિયાપણું, ખટપટ, જલન, અસલામતી, ટાંટિયાખેંચ, ફરેબી જૂઠ, શોખનો અભાવ, અરસિકતા, અસ્વાદ, આળસ, અશિસ્ત આ બધા કૃષ્ણના વિરુદ્ધાર્થી શબ્દો જાણવા. પ્રેશર આવે તો પ્રસન્નતા ભાગે. એટલે એમની સ્થિતપ્રજ્ઞાતા ટેન્શન હળવું કરે છે, પણ પેશન ઓછું નથી કરતી ! એમની આંતરિક પ્રેરણા આપણને કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રાખે એ જ આપણી પ્રાર્થનાનો પડઘો !

જય કનૈયાલાલ કી !

ફાસ્ટ ફોરવર્ડ 

કર્મમાં રસ, રસમાં કર્મ

એ જ સાચો કૃષ્ણધર્મ !


Google NewsGoogle News