બ્રહ્માંડના સિમસિમ સંદૂકમાં હજી કેટલાં સિક્રેટ સંતાયાં છે?
- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- બ્રહ્માંડ એક એવી સસ્પેન્સ કથા છે, જેનો અંત લખાયો જ નથી. દર થોડા વખતે નવાં રહસ્યમય પ્રકરણો કથામાં ઉમેરાતા જાય છે. જેમ કે, તાજેતરમાં પાંચ ભેદી રહસ્યો ખગોળવિદ્દો સમક્ષ આવ્યાં છે.
જગતનો સૌપ્રથમ ખગોળશાસ્ત્રી કદાચ એ ગુફાવાસી આદિમાનવ હતો કે જેણે રાત્રિ આકાશ તરફ નજર માંડીને કલાકો સુધી તારાઓનું અવલોકન કર્યું. ઇતિહાસના ચોપડે માનવ તવારીખ લખાવાનું ત્યારે હજી શરૂ થયું નહોતું, એટલે તે સંભવિત આદિ ખગોળશાસ્ત્રી કઈ સાલમાં થઈ ગયો એ તો કળી ન શકાય. પરંતુ માનવજાતના હોમો સેપિઅન્સ (વિચારશીલ આદિમાનવ) કહેવાતા પૂર્વજો આફ્રિકાના બીડ પ્રદેશમાં આજથી ત્રણેક લાખ વર્ષ પહેલાં ઉદ્ભવ્યા હોવાથી અનુમાન કરી શકાય કે વિશ્વનો પ્રથમ ખગોળવિદ્દ પણ કદાચ તે અરસામાં અવતર્યો.
ત્રણ લાખના આંકડામાં ચાહો તો ઓગણીસ-વીસના તફાવત સાથે અમુક સદીઓની કે પછી કેટલીક સહસ્રાબ્દિની બાદબાકી કરી શકો છો. પરંતુ કહેવાનું તાત્પર્ય એટલું કે વિષય તરીકે બ્રહ્માંડ, પૃથ્વીવાસી માનવજાત માટે આજકાલનો નથી તેમ અજાણ્યો પણ નથી. આમ છતાં આજે કોઈ સ્થિતપ્રજ્ઞ ખગોળશાસ્ત્રીને સવાલ કરો કે, બ્રહ્માંડ વિશે માનવજાત કેટલું જાણે છે? તો કદાચ એવા મતલબનો જવાબ મળે કે, આપણે હજી તો બ્રહ્માંડને જાણવાની શરૂઆત જ કરી છે. આશરે ૯પ ટકા બ્રહ્માંડ તો આજ દિન સુધી મનુષ્યના જોવામાં જ આવ્યું નથી!
ચાલો, ન જોયેલા ૯પ ટકા અવકાશની વાત તત્પુરતી જવા દો. સત્તરમી સદીના આરંભે ઇટાલીના ગેલિલિઓ ગેલિલીએ સાવ સામાન્ય પ્રકારના દૂરબીન વડે અંતરિક્ષ તરફ નજર માંડી ત્યારથી શરૂ કરી હબલ અને જેમ્સ વેબ જેવા દીર્ઘદૃષ્ટા ટેલિસ્કોપ વડે ખગોળવિદ્દોએ અત્યાર સુધી જે અવકાશી ફલક ફંફોસ્યો તેને પણ હજી બરાબર સમજી શકાયો નથી. અનેકવિધ રહસ્યોથી ભરેલો તે એવો સિમસિમ સંદૂક છે જેમાંથી દર થોડા વખતે કેટલાંક અકળ સસ્પેન્સ બહાર નીકળે છે. અહીં પ્રસ્તુત છે તાજાકલમ તરીકે નોંધવા જેવાં પાંચ રહસ્યો કે જેમણે સંશોધકોને વિચારોના ચકરાવે ચડાવી દીધા છે.
1. ભાગતા ભૂતની (બે લાખ પ્રકાશવર્ષ) લાંબી ચોટલી
બ્લેક હોલ! આ શબ્દ હવે સરેરાશ વ્યક્તિ માટે અજાણ્યો નથી. છતાં બે વાક્યો તેની ઓળખાણમાં વાંચી લો. આપણા સૂર્ય કરતાં ત્રણથી પાંચ ગણો તારો પોતાનું લાંબું આયુષ્ય ભોગવીને સુપરનોવા તરીકે ફાટી પડી હિંસક મોતને ભેટે ત્યાર બાદ તેનો શેષ બચતો સોલિડ ઠળિયો ન્યૂટ્રોન સ્ટારનું સ્વરૂપ ધારણ કરે છે. આવા તારાના આંતરિક ગર્ભમાં ઘણી વાર ગુરુત્વાકર્ષણની એવી તો પ્રચંડ ભીંસ પેદા થાય કે તારાનો પદાર્થ કેંદ્ર તરફ ફસકવા લાગે. કેંદ્રગામી સંકોચન સાથે ગર્ભનું ગુરુત્વાકર્ષણ બળ પણ એકધારું વધ્યા કરે—અને છેવટે તે એટલું બધું શક્તિશાળી બને કે પ્રકાશનાં કિરણો સુધ્ધાં બળનું બંધન છોડાવીને નીકળી ન શકે. પ્રકાશના અભાવે તારાના કેંદ્રની ઇર્દગિર્દ કાળું ચકામું રહી જાય. ખગોળવિદ્દોએ તે અદૃશ્ય, ભૂતિયા ચકામાને આપેલું પ્રચલિત નામ : બ્લેક હોલ!
ઈ.સ. ૧૯૭૧માં Cygnus/ સિગ્નસ/ હંસ નક્ષત્રમાં પહેલવહેલો બ્લેક હોલ શોધી કાઢવામાં આવ્યો ત્યારથી આજ સુધીમાં સંશોધકોને અવકાશમાં બીજા સેંકડો ભૂતિયા ચકામાં મળી આવ્યાં છે. પરંતુ એપ્રિલ, ૨૦૨૩માં હબલ સ્પેસ ટેલિસ્કોપે શોધી કાઢેલો runaway/ રનઅવે/ ભાગેડુ બ્લેક હોલ બે રીતે અજીબ છે.
(૧) પૃથ્વીથી ૭.૮ અબજ પ્રકાશવર્ષ દૂરના અવકાશમાં આવેલું એ ભૂતિયું ચકામું કલાકના પ૬,૦૦,૦૦૦ કિલોમીટરની તેજ રફતારે સફર ખેડે છે. અત્યાર સુધી મળી આવેલા બ્લેક હોલ પૈકી એકેયનો વેગ આટલો અસાધારણ નથી. (૨) દરિયામાં હંકારતું જાયન્ટ જહાજ જે રીતે પોતાની પાછળ સફેદ ફીણનો ચાષ રચે તેમ પેલો ભાગેડુ ભૂતિયો બ્લેક હોલ પોતાની પાછળ ધગધગતા વાયુઓની તથા કરોડો તગતગતા તારાઓની ચોટલી રચે છે. લંબાઈ ૨,૦૦,૦૦૦ પ્રકાશવર્ષ જેટલી છે, જેને પણ અસાધારણ ગણવી જોઈએ. અંગ્રેજીમાં Milky Way/ મિલ્કી વે અને ગુજરાતીમાં દૂધગંગા તરીકે ઓળખાતી આપણી આકાશગંગા ‘ફક્ત’ ૧ લાખ પ્રકાશવર્ષનો વ્યાસ ધરાવે છે. બાય ધ વે, ભાગેડુ બ્લેક હોલનું કદ જાણવું હોય અને થોડીક ફુરસદ હોય તો ૧ પ્રકાશવર્ષ = ૯,૪૬૦ અબજ કિલોમીટરના હિસાબે ૨ લાખ પ્રકાશવર્ષને કિલોમીટરમાં ફેરવી જુઓ.
આપણા સૂર્ય કરતાં બે કરોડ ગણું દળ ધરાવતો runaway/ રનઅવે/ ભાગેડુ બ્લેક હોલ સંશોધકો માટે પઝલ બન્યો છે. આટલી તીવ્ર ગતિ તેણે શી રીતે મેળવી અને આવડો લાંબો ચાષ તેણે શી રીતે રચ્યો તેનું રહસ્ય હજી પાકા પાયે પામી શકાયું નથી. થોડી રાહ જુઓ, કોયડારૂપી કોકડું ધીમે ધીમે ઉકેલાઈ રહ્યું છે.■
2 JUMBO : તારા બનતા રહી ગયેલા ગોળા આવારા
નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે લીધેલી ઉપરોક્ત તસવીર Orion/ ઓરાયન/ મૃગશિર નિહારિકાની છે. પહેલી નજરે આપણને તેમાં કશું અજુગતું કે અસાધારણ ન લાગે, પણ નાસાના સંશોધકો માટે તસવીર એક પિકચર પઝલ હતી. વાત જાણે એમ છે કે ઓક્ટોબર, ૨૦૨૩માં જેમ્સ વેબની વેધક આંખે ૧,૩૪૪ પ્રકાશવર્ષ દૂર મૃગશિર નિહારિકાની તસવીર લીધી. એકસામટાં ૮૦ અવકાશી ગોળા તેમાં ઝીલ્યાં, જેમનું દળ આપણા ગુરુ જેટલું હોવાથી સંશોધકોએ તેમને JUpiter-Mass Binary Objects/ JUMBO/ જમ્બો એવું નામ આપ્યું.
નામમાં ઓબ્જેક્ટ્સ (અર્થાત્ પદાર્થ) શબ્દને જરા માર્ક કરો. કુલ ૮૦ અવકાશી ગોળા માટે વિજ્ઞાનીઓએ ગ્રહ યા તારા એવો શબ્દ વાપર્યો નથી. કારણ કે પિંડની પાકી ઓળખાણ જ તેમને થઈ શકી નહોતી. ધારો કે, બધા ગોળા વામન કદના તારા છે, તો તેમનો જન્મ શી રીતે થયો એ મોટો પ્રશ્ન છે. સામાન્યત: વિરાટ કદના કોઈ પિતૃતારાનું સર્જન થયા પછી શેષ બચતી વાયુરૂપી કણકમાંથી વામન તારાઓ રચાતા હોય છે. પરંતુ મૃગશિર નિહારિકાના આવારા અવકાશી ગોળાઓની દૂર દૂર સુધી ક્યાંય જાયન્ટ પિતૃતારો જોવામાં આવ્યો નથી. પરિણામે કુલ ૮૦ તગતગતા ગોળા બન્યા શેમાંથી એ સવાલ છે.
ટેલિસ્કોપે શોધેલા અવકાશી પિંડ તારા નહિ, પણ ગ્રહો હોય એવું બને ખરું? પિતૃતારાની ગેરહાજરી જોતાં મોટે ભાગે તો જવાબ નકારમાં દેવાનો થાય. અચ્છા, તો શું એવું બન્યું હોય કે બહુ દૂરના ભૂતકાળમાં તમામ ગોળા ક્યાંકથી જબરજસ્ત હડદોલો પામીને ફંગોળાયા અને આખરે મૃગશિર નિહારિકામાં સ્થાયી બન્યા? આ લોજિક પણ સામાન્ય બુદ્ધિને પડકારે તેવું છે. કારણ કે, સાચે જ એમ બન્યું હોત તો બધા ગોળા એકમેકથી બહુ છેટે ગોઠવાયા હોત, જ્યારે અહીં તો તેઓ બબ્બેની જોડીમાં એકમેક સાથે ફુદરડી રમે છે. જુદા શબ્દોમાં કહો તો તેઓ યુગ્મ યાને જોડકા છે. ફંગોળાયા પછી કયા યોગાનુયોગે તેમને એકબીજાની નજીક લાવી દીધા હશે તે સમજાતું નથી.■
3 યે કૌન ચિત્રકાર હૈ? આ પ્રશ્નાર્થ ચિહ્ન કોણે દોર્યું?
બાજુની તસવીર પૃથ્વીથી ૧,૪૦૦ પ્રકાશવર્ષ છેટે આવેલી Vela/ વેલા/ નૌવસ્ત્ર નિહારિકાની છે. જેમ્સ વેબ ટેલિસ્કોપે જૂન, ૨૦૨૩માં ઝીલી ત્યારથી ખગોળ જગતમાં રહસ્યમય કોયડો બની તેનું કારણ દેખીતું છે. આકાશગંગાની રકાબી જેવી તકતીઓ, ગેસનાં વાદળો તથા તારાના દેદીપ્યમાન ટપકાં વચ્ચે પ્રશ્નાર્થ ચિહ્નનો અસાધારણ આકાર ઝિલાયો છે. અંતરિક્ષના વિશાળ કેનવાસ પર અગાઉ ક્યારેય આટલી સચોટ ડિઝાઇન જોવા મળી નથી. કયા સંજોગોમાં તથા કયા પરિબળો થકી રચાઈ હશે તેના અંગે હાલ સંશોધકો તર્કવિતર્ક લડાવી રહ્યા છે. અમુકના મતે બે નોખી આકાશગંગાના પરસ્પર ટકરાવના પગલે અનાયાસે પ્રશ્નાર્થ ચિહ્નનો આકાર બન્યો હોવો જોઈએ. અલબત્ત, એ ફક્ત અનુમાન છે, જેને પુષ્ટિ આપતું વૈજ્ઞાનિક સંશોધન થાય ત્યારે ખરું. દરમ્યાન નૌવસ્ત્ર નિહારિકાનું પ્રશ્નાર્થ ચિહ્ન બ્રહ્માંડના ગૂઢ રહસ્યોના લિસ્ટમાં એક ઔર તરીકે ઉમેરાયું છે.■
4 ફર્મી બબલ : ગામા કિરણોનો ભેદી ‘પરપોટો’
વર્ષ ૨૦૧૦માં નાસાના ફર્મી ગામા-રે સ્પેસ ટેલિસ્કોપે આપણી દૂધગંગાના કેંદ્રમાં વિરાટ કદના બે ‘પરપોટા’ શોધી કાઢ્યા. દૂધગંગાની સમાંતર લીટીથી તેઓ ઉપર-નીચે તરફ પચ્ચીસ-પચ્ચીસ હજાર પ્રકાશવર્ષ સુધી લંબાતા હતા. સંયુક્ત રીતે જોતાં તેમનો આકાર અંગ્રેજી 8 જેવો હતો. અતિરિક્ત માત્રાની ઊર્જા ધરાવતા ગામા કિરણોના ‘પરપોટા’ને સંશોધકોએ ફર્મી બબલ એવું નામ આપ્યું. અલબત્ત, તેનું સર્જન શા કારણે થયું એ ત્યારે કોઈને સમજાયું નહિ. આજની તારીખેય ફર્મી બબલ વણઉકેલ રહસ્ય છે. થોડા વખત પહેલાં ફર્મી બબલના ઉદ્ભવ વિશે આવેલી બે થિઅરીઓ મુજબ કાં તો તેનું સર્જન દૂધગંગાના કેંદ્રમાં રહેલા સુપરમેસિવ (અત્યંત વિરાટ) બ્લેક હોલના લીધે થયું હોવું જોઈએ; અથવા તો કોઈ વિરાટ તારાના મૃત્યુ વખતે મુક્ત થયેલી બેસુમાર ઊર્જાએ દૂધગંગાના કેંદ્રની ઉપર-નીચે ગામા કિરણોના આવડા મોટા ‘પરપોટા’ રચી દીધા.
ફર્મી બબલના કારક તરીકે ઉપરોક્ત બન્ને ઉમેદવારો પૈકી બ્લેક હોલ વધુ દાવેદાર જણાય છે. તાજેતરનાં વર્ષોમાં કરાયેલા અભ્યાસ મુજબ ૨૬ લાખ વર્ષ પહેલાં દૂધગંગાના કેંદ્રમાં આવેલા બ્લેક હોલે સૂર્ય જેવા હજારો તારાનું ભક્ષણ કરી તેમની સામૂહિક અધધ ઊર્જાનો અવકાશમાં કોગળો કર્યો હતો. પૂરાં ૧ લાખ વર્ષ સુધી બેસુમાર ઊર્જાનું ઉત્સર્જન થતું રહ્યું, જેના નતીજારૂપે ‘પરપોટા’ રચાયાં હોવાનું અનુમાન છે. જો કે, આજનું અનુમાન આવતી કાલે સચોટ વૈજ્ઞાનિક ખુલાસામાં ફેરવાય ત્યાં સુધી ફર્મી બબલ એક રહસ્ય છે.■
5 નવમો ગ્રહ રખે હોય, તો આખરે છે ક્યાં?
આજકાલથી નહિ, પણ છેક વીસમી સદીના આરંભથી જેનું અસ્તિત્વ માત્ર કાગળ પર થિઅરી તરીકે રહ્યું છે તે કથિત નવમો ગ્રહ હમણાં ફરી સમાચારોમાં ચમક્યો. જાપાનના બે ખગોળવિદ્દોએ કમ્પ્યૂટર સિમ્યૂલેશન કહેવાતી મેથેમેટિકલ ગણતરીઓ વડે સૂર્યમાળાના આઠમા ગ્રહની પેલે પાર પૃથ્વી જેવડા કદનો નવમો ગ્રહ ‘શોધી’ કાઢ્યો છે. કથિત ગ્રહે હજી સાક્ષાત દર્શન દીધાં નથી. છતાં તેના અસ્તિત્વ અંગે સંશોધકો એટલા માટે આશાવાદી છે કે કોઈક અકળ પરિબળ આઠમા ગ્રહ વરુણને તેની ચાલમાં વારંવાર ડગમગાવે છે. પરિબળ ગુરુત્વાકર્ષણનું હોય અને ગુરુત્વાકર્ષણ એકાદ ગ્રહનું હોય એવું અનુમાન ખોટું ન ગણાય. પાછલાં બસ્સો વર્ષથી સંશોધકો તે અનુમાન સેવીને બેઠા છે, પરંતુ કથિત ગ્રહ હજી દેખાયો નથી.
આ છે બ્રહ્માંડની તાસીર, જે આપણે ધારીએ છીએ એટલી નહિ પણ ધારી શકીએ તેના કરતાં ક્યાંય વધારે ભેદી છે.■