Get The App

મોહનની મોરલી : દુનિયાનું સૌથી પ્રાચીન વાદ્ય

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
મોહનની મોરલી : દુનિયાનું સૌથી પ્રાચીન વાદ્ય 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણને પ્રિય વાંસળીની થોડી વાત... કૃષ્ણએ ભારતવર્ષમાં બાંસુરીના સૂર છેડયા તે પહેલાં વાંસળીના સૌથી જૂના અવશેષો ક્યાં અને કઈ સદીના મળ્યા છે?

૭૦ હજાર વર્ષ પહેલાં પૃથ્વીના પટ પર આજના યુરોપ અને એશિયાના વિસ્તારોમાં આદિમાનવો રહેતા હતા તેને નિએન્ડરથલ કહેવાય છે. એ ગાળામાં પહેલી વખત માણસે કોઈ વાદ્ય બનાવીને વગાડયું હતું ને એ વાદ્યનું નામ હતું : વાંસળી.

જી હા! મોહનની મોરલી દુનિયાનું સૌથી જૂનું મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ છે. એનો દેખાવ આજની વાંસળી જેવો ન હતો, પરંતુ એ ઈન્સ્ટ્રુમેન્ટ વાંસના લાકડામાંથી બન્યું હતું. ખોદકામ દરમિયાન સંશોધકોને ૬૦ હજાર વર્ષ પહેલાંની વાંસળી મળી છે. જર્મનીના સ્વાબિયન જુરામાંથી મળેલી નાનકડી વાંસળીને નિએન્ડરથલ ફ્લુટ નામ આપવામાં આવ્યું છે.

બીજી રીતે કહીએ તો આજના માનવીને કોઈ વાદ્યના જૂનામાં જૂના પુરાવા હાથ લાગ્યા છે એ વાંસળીના છે. વાંસળી પહેલાં આદિમાનવોએ કોઈ સંગીતવાદ્ય વગાડયું હોય તોય એનો પુરાવો હજુ મળ્યો નથી. નવો પુરાવો ન મળે ત્યાં સુધી વાંસળીને જ દુનિયાના સૌથી પ્રાચીન વાદ્યનું સન્માન મળશે.

૧૯૯૫માં સૌથી જૂની વાંસળી હાથ આવી ત્યારથી ઈતિહાસકારોમાં ભારે મતભેદો પણ સર્જાયા છે. અમુક ઈતિહાસકારો વાંસળીને પ્રાચીન વાદ્ય ગણવા તૈયાર નથી. ઘણાંના મતે ખોદકામ દરમિયાન જે મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ મળ્યું છે તેને વાંસળી કહેવી યોગ્ય નથી. પરંતુ પછીના વર્ષોમાંય ખોદકામ દરમિયાન વાંસળીના આકારના એકથી વધુ વાદ્યો મળી આવ્યાં. ૪૩ હજાર પહેલાં જે વાંસળી ગૂંજી હતી એ સ્લોવેનિયામાંથી મળી. ૩૨ હજાર વર્ષ પહેલાંની એક વાંસળી ફ્રાન્સમાંથી હાથ લાગી, તો ૯૦૦૦ વરસ જૂની એક ફ્લુટ ચીનમાંથી મળી.   આટ-આટલા મજબૂત પુરાવા પછી ઈતિહાસકારો પાસે વાંસળીને સૌથી જૂના વાદ્યના રૂપમાં સ્વીકૃતિ આપ્યા સિવાય છૂટકો ન રહ્યો.

આ વાત થઈ ગ્લોબલ રેફરન્સ પોઈન્ટથી. હવે વાત કરીએ ભારતીય બાંસુરીની.

બાંસુરી મૂળ સંસ્કૃત શબ્દ છે. બાંસ અને સૂર શબ્દો ભેગા કરીને બાંસુરી શબ્દ બન્યો છે. બાંસ એટલે વાંસનું પોલું લાકડું. વાંસમાંથી સૂર નીકળે છે એટલે એનું નામ પડયું - બાંસુરી. બાંસુરીને ગુજરાતીમાં વાંસળી, મોરલી, વેણુ, બંસી પણ કહેવાય છે. શાસ્ત્રીય વ્યાખ્યામાં વાંસળી સુષિર વાદ્યોના ગુ્રપમાં આવે છે. સુષિર વાદ્યો એટલે ફૂંક મારીને વગાડી શકાય એવા વાદ્યો.

લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં અવતરેલા ભગવાન શ્રીકૃષ્ણના યુગ અગાઉ પણ ભારતીય ગ્રંથોમાં વાંસળીના ઉલ્લેખો મળે છે. ત્યારે એનું નામ વાંસળી ન હતું. ઋગ્વેદ અને તે પછીના વૈદિક ગ્રંથોમાં વાંસળી માટે વારંવાર વેણુ શબ્દ પ્રયોજાયો છે. પ્રાચીન કથાઓ પ્રમાણે ઈન્દ્રના દરબારમાં જે વાદ્યો વાગતા હતા એમાં એક બાંસુરી પણ હતી.

ત્રેતા અને દ્વાપર યુગની કથાઓમાં ગોવાળો ગાય ચરાવવા જાય અને નિરાંત મળે ત્યારે વાંસળીનો સૂર છેડતા. ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા જતા ત્યારે બાળપણમાં વાંસળી વગાડતા. ભાગવત, વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથોમાં કૃષ્ણની લીલામાં વાંસળી અભિન્ન અંગ છે. રાસલીલામાં શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા અને સૌ ગોપ-ગોપીઓ મંત્રમુગ્ધ થઈ જતા.

કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીના સૂર સાંભળવા યમુનાજીનું પાણી સ્થિર થઈ જતું. સ્વંય માતા સરસ્વતી સહિત દેવતાઓ ભગવાન જે વાંસળીનો નાદ છેડે તેને સાંભળવા આવી પહોંચતા. આવી અનેકાનેક કથાઓના કારણે કૃષ્ણ અને વાંસળી એકાકાર થઈ ગયા ને બીજા બધા રેફરન્સ ઝાંખા પડી ગયા.

અન્ય કોઈ વાદ્યો નહીં ને વાંસળી પર જ ભગવાન શ્રીકૃષ્ણે કેમ પ્રેમ વરસાવ્યો?

આનું કારણ આપતી ઘણી લોકકથાઓ પણ પ્રચલિત છે. રામાવતારમાં ભગવાન શ્રીરામ વનવાસમાં હતા ત્યારે તેમણે જોયું કે ફળ-ફૂલોને બહુ જ સન્માન મળે છે. અન્ય વૃક્ષોને પણ યથાયોગ્ય માન-પાન મળતા હતા, પરંતુ વાંસનું વૃક્ષ ઉપેક્ષિત એકલું અટૂલું હતું. ભગવાને એની નોંધ લીધી. તેને પ્રેમપૂર્વક મળ્યા અને વચન આપ્યું કે આવતા જન્મમાં તને સવિશેષ સન્માન આપીશ. એ વચન પૂરું કરવા વાંસળી ધારણ કરી.

ભાગવત પછી પણ વાંસળીના વ્યાપક ઉલ્લેખો છે, પરંતુ મોટાભાગના ઉલ્લેખો કૃષ્ણ સાથે થયા છે. ઉપનિષદોમાં વીણાના સહાયક વાદ્ય તરીકે વેણુની નોંધ થઈ છે. એમ તો ૨૨૦૦ વર્ષ જૂના ભરતમૂનિના નાટયશાસ્ત્રમાં જે વાદ્યો નાટક માટે અનિવાર્ય ગણાયા છે એમાંની એક વાંસળી પણ ખરી. એ જ અરસામાં પતંજલિ ઋષિના યોગના ગ્રંથોમાં વાંસળીને શાંતિ આપવારું વાદ્ય ગણાવાયું છે.

ગીતગોવિંદમાં પહેલી વખત કૃષ્ણ અને રાધાના પ્રેમને વર્ણવવામાં આવ્યો. એ કથામાં વાંસળી બંનેના મિલનનું પ્રતીક બની ગઈ. ગીતગોવિંદથી પ્રેરિત થઈને પછી કેટલાય ભક્ત કવિઓએ રાધા-કૃષ્ણના પ્રેમના પદો રચ્યા. એ સૌમાં વાંસળી સ્વયં જાણે એક પાત્ર બનીને ઉપસી આવી. ગોપીઓને કૃષ્ણની સૌથી નજીક રહેતી વાંસળીની ઈર્ષ્યા થઈ તેના અનેક પદો લખાયા છે.

ભારતના બે હજાર વર્ષ જૂના મંદિરોમાં, સેંકડો વર્ષ જૂના ભીંતચિત્રોમાં તો કૃષ્ણના હાથમાં વાંસળી જોવા મળે છે, પરંતુ વિદેશમાં પણ એવી સદીઓ જૂની મૂર્તિઓ છે. કૃષ્ણ વાંસળી વગાડતા હોય એવી જૂનામાં જૂની સાતમી સદીની મૂર્તિ જાપાનના તોડાઈજી મંદિરમાં હજુય સચવાઈ છે.

ભગવાન બુદ્ધ ધ્યાનમાં સ્થિર રહેવા વાંસળીના ઠંડા સૂરને ઉપયોગી ગણાવતા હતા. ૨૦૦૦ વર્ષ પહેલાંના ભગવાન બુદ્ધના ઘણાં ચિત્રોમાં વાંસળી વાદકોમાં ગુ્રપને સ્થાન મળે છે. આજેય બૌદ્ધધર્મમાં ધ્યાન વખતે બાંસુરીના મધુર ધ્વનિનું મહત્ત્વ સ્વીકારાયું છે.

જુદા જુદા દેશોના સર્વેક્ષણના આધારે થયેલા એક ખાનગી અહેવાલ પ્રમાણે ગ્લોબલી ૧૭ અબજ રૂપિયાનું ફ્લુટનું માર્કેટ છે. એમાં ૫.૫ ટકાના દરે વધારો થઈ રહ્યો છે અને ૨૦૩૦માં આ માર્કેટ ૨૪ અબજ રૂપિયાનું થાય એવી શક્યતા છે. 

ટૂંકમાં, નવા નવા વાદ્યોના ખડકલામાં વાંસળીનો સૂર વિસરાઈ જવાની ભીતિ વચ્ચે હજુય મોહનની મોરલી દુનિયાભરમાં ગૂંજી રહી છે.

કૃષ્ણનું યુપી હજુય વાંસળી માટે જગવિખ્યાત

શ્રીકૃષ્ણનો જન્મ આજના ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલો અને ઉછેર ગોકુળમાં. ગોકુળ-મથુરા-વૃંદાવન જતાં શ્રદ્ધાળુઓને માર્કેટમાં ઠેર-ઠેર વાંસળી જોવા મળે છે, પરંતુ વાંસળીનું ઉત્પાદન મથુરા-ગોકુળ કે વૃંદાવનમાં ક્યાંય થતું નથી. આખા ભારતમાં વાંસળીના ઉત્પાદન માટે વિખ્યાત સ્થળ છે યુપીનું જ પીલીભીત.

પીલીભીતમાં બે હજાર જેટલાં નાના-મોટા વાંસળી મેકિંગના યુનિટ છે. એક લાખથી વધુ લોકોને વાંસળીના ઉત્પાદન યુનિટથી સીધી રોજગારી મળે છે. અઢી લાખ લોકોને વાંસળીના કારણે બીજી રીતે રોજગારી મળી રહી છે. પીલીભીતના બાંસુરીના કારખાનાઓની ખાસિયત એ છે કે એમાંના અડધો અડધ મુસ્લિમ માલિકોના છે અને કારીગરો પણ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ છે. શ્રીકૃષ્ણને પ્રિય એવી વાંસળી બનાવીને દેશભરમાં સપ્લાય કરતાં આ કારખાનેદારો અને કારીગરોને એ બાબત માટે ખૂબ ગૌરવ છે કે તેઓ કૃષ્ણને પ્રિય વાદ્ય બનાવે છે.

બાળકોને રમવા માટેની નાનકડી વીસ-પચ્ચીસ રૂપિયાની વાંસળીથી લઈને પાંચ હજાર સુધીની બાંસુરી પીલીભીતમાં બને છે. ૭૦૦ રૂપિયાથી ૧૦૦૦ રૂપિયા સુધીની મિડલ રેન્જ સૌથી પોપ્યુલર છે. દેશભરમાંથી આ રેન્જની વાંસળીની ડિમાન્ડ રહે છે એટલે એનું ઉત્પાદન પણ વધારે થાય છે. પીલીભીતમાં બંસી બને છે તેના માટે વાંસ પૂર્વોત્તરના રાજ્યોમાંથી આવે છે. ખાસ તો આસામમાંથી આ કારખાનેદારોની વાંસની જરૂરિયાત પૂરી થાય છે. પીલીભીતના મેકર્સ કહે છે એમ ભલે બીજા વાદ્યોની ડિમાન્ડ વધી હોય છતાં તેમના ઉત્પાદનમાં કોઈ કમી આવી નથી. ૧૦-૨૦ વર્ષ પહેલાં જેટલી વાંસળી પીલીભીતમાં બનતી હતી એનાથી વધુ આજેય બને છે. ઉત્તર ભારતમાં જ્યાં પણ વાંસળી જોવા મળે એ પીલીભીતમાં બનેલી હોય છે. દક્ષિણના રાજ્યોમાં પણ પીલીભીતના મેકર્સ જ સપ્લાય કરે છે. ઓડિશા, પશ્વિમ બંગાળથી લઈને મહારાષ્ટ્ર, ગુજરાત સુધી પીલીભીતથી વાંસળી પહોંચે છે. દેશભરમાં વેચાતી ૯૦ ટકા વાંસળી પીલીભીત જિલ્લામાં તૈયાર થાય છે. હવે વિદેશમાં પણ પીલીભીતની વાંસળી પહોંચી રહી છે. રાજ્ય સરકારે પીલીભીતની આ ઓળખને ધ્યાનમાં રાખીને શહેરની વચ્ચે એક બાંસુરી ચોક બનાવ્યો છે. મોરપીંછથી શોભતી બાંસુરી શહેરની શોભા વધારી રહી છે.

પન્નાલાલ ઘોષે શાસ્ત્રીય સંગીતમાં વાંસળીને પોપ્યુલર બનાવી

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સદીઓથી વાંસળીને સ્થાન મળતું આવ્યું છે, પરંતુ એ એક સહાયક વાદ્ય તરીકે વધુ સ્થાન પામતું હતું. રાજા-મહારાજાઓના દરબારમાં નૃત્યની પ્રસ્તુતિમાં પણ સહાયક વાદ્યના સ્વરૂપમાં વાંસળીની હાજરી હોય, પરંતુ તેને મુખ્ય વાદ્યનો માન-મરતબો અપાવવામાં પન્નાલાલ ઘોષની ભૂમિકા ચાવીરૂપ હતી. ૧૯૧૧માં અખંડ ભારતના બરિસાલમાં જન્મેલા પન્નાલાલ ઘોષે ૯ વર્ષની ઉંમરથી વાંસળી વગાડવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા અક્ષય કુમાર ઘોષ સિતાર વગાડતા હતા. પન્નાલાલે પણ સિતાર શીખવાની શરૂઆત કરેલી, પરંતુ ગોવાળોને વાંસળી વગાડતા સાંભળીને તેમની પાસેથી એ વાદ્ય લઈને તેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ એવી સ્ટોરી પણ કહેતા કે નદીમાં નહાવા પડયા બાદ તેમના હાથમાં એક વાંસળી આવી હતી. એ જ વખતે તેમને નદી કિનારે એક વ્યક્તિ મળી હતી. એની પાસે શંખ અને વાંસળી હતાં. એ વ્યક્તિએ બાળક પન્નાલાલ ઘોષને કહ્યું હતું કે તું વાંસળી વગાડશે, તારું કલ્યાણ થશે. ત્યારબાદ તેમણે સિતારને બદલે વાંસળીની તાલીમ મેળવી. સેંકડો વર્ષો સુધી લોકવાદ્ય ગણાતી બાંસુરીને ક્લાસિકલ મ્યુઝિકમાં લોકપ્રિય બનાવવાનો યશ પન્નાલાલ ઘોષને આપવામાં આવે છે. તેમને ઈન્ડિયન ક્લાસિકલ ફ્લુટના પાયોનિયર કહીને નવાજવામાં છે. ૧૯૬૦માં ૪૮ વર્ષની વયે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.


Google NewsGoogle News