ભગવાન શ્રીકૃષ્ણ અસ્તિત્વનું પરમ સત્ય

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રીકૃષ્ણ અસ્તિત્વનું પરમ સત્ય 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- તું મને પોતાની આ સ્થૂળ આંખોથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ દિવ્ય દ્રષ્ટિ આપું છું. એનાથી તું મારી ઇશ્વરીય યોગ શક્તિને નિહાળ...

'ધૂરિ ભરે અતિ શોભિત શ્યામજૂ તૈસી બર્ની સિર સુંદર ચોટી ।

ખેલત ખાત ફિરે અંગના પગ પૈજની બાજતી પીરી કછોટી ।

વા છબિકો રસખાન બિલોક્ત વારત કામ કલા નિધિ કોટી ।

કાગ કે ભાગ બડે સજની હરિ-હાથસોં લૈ ગયો માખન-રોટી ।।'

એક ગોપી એની સખીને ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની સુંદરતાનું વર્ણન કરતાં કહે છે - ધૂળથી ખરડાયેલા શરીરવાળા શ્રીકૃષ્ણ અત્યંત શોભાયમાન લાગી રહ્યા હતા. તેમના માથાના વાળની સુંદર ચોટી વાળેલી હતી. તે રમતાં રમતાં માખન-રોટી ખાઈ રહ્યા હતા અને એમના આંગણામાં ઘૂમી રહ્યા હતા. એમના નમણા-નાજુક પગમાં પહેરાવેલ નૂપુરની ઝાંઝરીઓ રણકી રહી હતી. તેમણે પીળી લંગોટી પહેરી હતી. તેમની તે સમયની શોભા, સુંદરતાને નિહાળીને પ્રેમ અને સૌંદર્યના દેવ કામદેવ પણ પોતાની કરોડો સુંદરતાઓને તેમના પર ન્યોછાવર કરી રહ્યો હતો. હે સખી ! એ કાગડાનું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય જે કૃષ્ણના હાથમાંથી માખન-રોટી ઝપટ મારીને લઈ ગયો.

ભક્તોને સુખ આપવા ભગવાને લીધેલો આ પ્રેમ-માધુર્ય યુક્ત સુંદર અવતાર અનુપમ છે. ભક્ત કવિ રસખાન કહે છે - 'દેખ્યો રૂપ અપાર મોહન સુંદર સ્યામ કો । વહુ બ્રજરાજકુમાર હિય જિય નૈનનિ મેં બસ્યો ।। અતિ સુંદર, વ્રજના રાજકુમાર શ્રીકૃષ્ણ એમના હૃદય, મન, પ્રાણ અને આંખોમાં નિવાસ કરી વસી ગયા છે.

બંક વિલોચન હંસનિ મુરિ મધુર બૈન રસખાનિ ।

મિલે રસિક રસરાજ દોઉ હરખિ હિયે રસખાનિ ।।'

વાંકી નજરથી નિહાળીને મંદ મંદ મધુર મુસ્કાન કરતાં અને પ્રેમમધુર મીઠી વાણી બોલનાર મનમોહન શ્રીકૃષ્ણને જોઈને એમનું હૃદય હર્ષવિભોર બની જાય છે. જ્યારે રસિક ભક્ત અને રસરાજ શ્રીકૃષ્ણ મળે છે ત્યારે પ્રેમ અને આનંદનો સાગર હિલોળા લેવા લાગે છે.

પ્રેમ હરિકો રૂપ હૈ ત્યૌં હરિ પ્રેમ સ્વરૂપ । એક હોઈ હૈ યોં લસૈ જ્યોં સૂરજ સૌ ધૂપ ।। પ્રેમ પરમાત્મા એવા હરિનું રૂપ છે અને હરિ પ્રેમનું રૂપ છે. પ્રેમ અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી હોતો જેમ સૂર્ય અને એનો તડકો એક સાથે જોડાયેલા છે તેમ પ્રેમ અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી.

શ્રીકૃષ્ણ અસ્તિત્ત્વમાં વ્યાપેલો આનંદ છે. એની અભિવ્યક્તિ કૃષ્ણ રૂપે થઈ. ગૌતમીય તંત્રમાં કહેવાયું છે - 'કૃષ શબ્દશ્ચ સત્તાર્થોણશ્ચાનંદ સ્વરૂપક: । સુખરૂપો ભવેદાત્મા ભાવાનંદમયસ્તત: ।। 'ણ' શબ્દનો અર્થ આનંદ થાય છે. આત્મા સુખરૂપ અને આનંદમય છે એટલે કૃષ્ણ આનંદમય પૂર્ણ બ્રહ્મના સૂચક છે.'

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાય 'વિશ્વરૂપદર્શન યોગ'ના આઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે -

'ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વ ચક્ષુસા ।

દિવ્યં દદામિ તે ચક્ષુ: પશ્ય મે યોગમૈશ્વરમ્ ।।'

તું મને પોતાની આ સ્થૂળ આંખોથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ (દિવ્ય દ્રષ્ટિ આપું છું. એનાથી તું મારી ઇશ્વરીય યોગ શક્તિને નિહાળ. કોઈ ખગોળવિજ્ઞાાની વેધશાળાના વિશાળ શક્તિવાળા ટેલિસ્કોપથી અવકાશદર્શન કરે ત્યારે અનેક ગ્રહો, નક્ષત્રો, આકાશ ગંગાઓને જુએ તેમ અર્જુનને દિવ્ય ચક્ષુથી અખિલ અસ્તિત્ત્વ રૂપ શ્રીકૃષ્ણમાં આખા બ્રહ્માડનું દર્શન થયું હતું. તે રીતે બાળકૃષ્ણના મુખારવિંદમાં માતા યશોદાને આખા જ્યોતિષચક્ર અને બ્રહ્માંડના દર્શન થયા હતા.

અર્જુને વિશ્વ રૂપ દર્શન કર્યું તે વખતે થોડીવારમાં જ કમનીય (સુંદર) શ્રીકૃષ્ણનું સ્વરૂપ ઉગ્ર અને ભયાનક દેખાવા લાગ્યું હતું. અર્જુન બોલી ઉઠયો હતો - 'દૃંષ્ટ્રા કરાલાનિ ચ તે મુખાનિ, દૃષ્ટ્રવૈવ કાલાનલસંનિભાનિ । દિશો ન જાને ન લભે ચ શર્મ, પ્રસીદ દેવેશ જગન્નિવાસ ।। હે દેવેશ, વિકરાળ દાઢોવાળા અને પ્રલયકાળના અગ્નિ જેવા આપનાં મુખ જોઈ હું દિશાઓ જાણતો નથી તેમજ સુખ પામતો નથી. તેથી હે જગન્નિવાસ, આપ પ્રસન્ન થાઓ.' તે પછી આગળ કહેવા લાગ્યો હતો - જેમ પતંગિયા નાશ માટે અત્યંત વેગથી પ્રજ્વલિત અગ્નિમાં જઈ પડે છે તેવી જ રીતે આ (કૌરવ પક્ષના યોદ્ધા) લોકો પણ પોતાના નાશ માટે ખૂબ વેગપૂર્વક આપના મુખોમાં પ્રવેશે છે. મને કહો, આવા ઉગ્ર, ભયંકર, કરાલ રૂપવાળા આપ કોણ છો? તેના જવાબમાં શ્રીકૃષ્ણે કહ્યું હતું - કાલોડસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો, લોકાન્સમાહર્તુમિહં પ્રવૃત્ત: । ઋતેડપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે, યેડવસ્થિતા: પ્રત્ય નીકેષુ યોધા: ।। હું લોકોનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું અને લોકોનો સંહાર કરવા અહીં પ્રવૃત્ત થયો છું. તેથી સૈન્યમાં જે યોદ્ધાઓ ઊભા છે તે તારા વિના પણ એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ) જીવતાં રહેવાના નથી.

અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાાની, લોસ એન્જિલસ લેબોરેટરીના ડાયરેક્ટર ક્વૉન્ટમ, સબ-એટોમિક પાર્ટિકલ અને એટમ બોંબ બનાવનાર ટુકડીના વડા જુલિયસ રોબર્ટ ઓપનહાઈમરે ૧૬ જુલાઈ ૧૯૪૫ના રોજ સવારે ૫ વાગીને ૨૯ મિનિટ અને ૪૫ સેકન્ડે ન્યૂ મેક્સિકોના જંગલમાં એટમ બોંબનું પ્રાયોગિક પરીક્ષણ કરાયું ત્યારે તેની ભયંકર વિનાશકારી શક્તિ જોઈ ભગવાન શ્રીકૃષ્ણના અગિયારમાં અધ્યાયના બત્રીસમાં શ્લોકના વાક્યો ઉચ્ચાર્યા હતા -

'કાલોડસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો, લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્ત: ।' ઓપનહાઈમર જે બોલ્યા તેના ૨૦ દિવસ બાદ તે સાચું પુરવાર થઈ ગયું. તે વખત બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ અમેરિકન બી-૨૯ બોમ્બરે પહેલો અણુબોંબ જાપાનના હિરોશિમા પર ફેંક્યો અને ૮૦,૦૦૦ લોકો તત્કાળ મરણ પામ્યા હતા. એના ૩ દિવસ બાદ એક બીજા બી-૨૯ બોમ્બરે જાપાનના નાગાસાકી શહેર પર ફરી બીજો એટમ બોંબ ફેંક્યો ત્યારે લગભગ ૪૦,૦૦૦ જેટલા લોકો મરણ પામ્યા હતા.

સંસ્કૃત ભાષામાં કાળ શબ્દના બે અર્થ થાય છે. એક અર્થ થાય - સમય અને બીજો અર્થ થાય મરણ. ભૂતકાળ, વર્તમાનકાળ વગેરે શબ્દોમાં તે સમયનું સૂચન કરે છે અને હું કાળ છું, વિનાશ કરવા પ્રવૃત્ત થયો છું, એ ભગવાન શ્રીકૃષ્ણના વાક્યોમાં મરણનો અર્થ સૂચવે છે. જીવન અને મરણ બન્ને જોડાયેલા છે. કાળ સમયના પ્રવાહમાં જીવનના અંતે મરણ લાવે છે. અસ્તિત્ત્વ સૂચક સત્તા જે ભગવાન શ્રીકૃષ્ણમાં રહેલી છે તે જન્મ-જીવન અને મરણ એ બધાનું નિયમન કરે છે. સુંદર, કમનીય કૃષ્ણ ક્યારેક ઉગ્ર અને કરાલ પણ બની જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અસ્તિત્ત્વગત સત્ય છે.


Google NewsGoogle News