Get The App

વંશનો પરણ્યા છતાં કુંવારા જેવો ઘાટ .

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
વંશનો પરણ્યા છતાં કુંવારા જેવો ઘાટ                       . 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- ગ્રીષ્મા માનની હતી કે લગ્ન એ એક ઘરમાંથી કદમ ઉઠાવી બીજા ઘરમાં મૂકવાની વિધિ નથી ! પાંજરૂ પિતાનું ઘર હોય કે પતિનું પણ આખરે પાંજરૂ એ પાંજરુ છે...

ગ્રી ષ્મા અમીર પરિવારની દીકરી હતી. તેણે નમ્રતા, સાદગી અને સરળતાનો દેખાવ કરીને વંશનું દિલ જીતી લીધું હતું. પણ હકીકતમાં એક ઘમંડી પિતાની સ્વચ્છંદી પુત્રી હતી. વંશની સરળતા, નમ્રતા, સહિષ્ણુતા અને સંસ્કારિતા ગ્રીષ્માને સહેવા માટે સુયોગ્ય છે, એવી ખાતરી કર્યા પછી જ ગ્રીષ્માના પપ્પાજી અનુરોધ શેઠે વંશ સાથે તેનાં લગ્નની સ્વીકૃતિ આપી હતી. પરંતુ ધીરે-ધીરે ગ્રીષ્માનું મૂળ સ્વરૂપ વળી પાછું દેખાવાનું શરૂ થઈ ગયું હતું.

ઘરનાં લગભગ બધાં જ સભ્યો, વાચાદીદી, સ્નેહાભાભી, અંશભાઈ વગેરે વંશને 'વહુઘેલો' કહીને મહેણાં મારતાં હતાં. પણ વંશનાં વિધવા મમ્મી ઉપાસનાદેવી સંસ્કાર અને સૌજન્યની મૂર્તિ હતાં. તેઓ હંમેશા કહેતા : ''ગ્રીષ્મા જુદા વાતાવરણમાંથી આવી એટલે અહીંના વાતાવરણમાં ભળતાં તેને વાર થાય એ સ્વાભાવિક છે. ''

ગ્રીષ્મા વંશની હાજરીમાં, પરિવારનાં સૌ પ્રત્યે અત્યંત લાગણી દેખાડતી, પણ વંશ ઓફિસ જાય, એટલે પોતે અસલી રૂપમાં આવી જતી. એના દામ્પત્યજીવનમાં મોજ, મસ્તી અને આનંદ-પ્રમોદને જ સ્થાન હતું. કર્તવ્ય, ફરજ, જવાબદારી જેવી કોઈ ભાવના એ સ્વીકારવા જ તૈયાર નહોતી. વંશ ઓફિસ જાય એટલે ગ્રીષ્મા પણ પોતાના પપ્પાજીને ઘેર જતી રહેતી, પરંતુ ઉપાસના દેવી અસંતોષ કે ફરિયાદનો અણસાર પણ આવવા દેતાં નહીં.

એકવાર વંશ ઘેર વહેલો આવી ગયો હતો. ઘરમાં ગ્રીષ્મા નહોતી. ઉપાસના દેવી તો કાંઈ ન બોલ્યાં પણ સ્નેહાભાભીએ તક ઝડપી લીધી : ''અરે, વંશભાઈ, તમને ખબર નથી, પણ ગ્રીષ્મા તો રોજ તમારા ગયા પછી તેના પપ્પાજીને ઘેર જતી રહે છે. મમ્મીજીને પૂછતી પણ નથી.''

ઉપાસનાદેવીએ તરત જ કહ્યું હતું : ''ના બેટા, એવું નથી. ગ્રીષ્મા મને પૂછીને જ બહાર જાય છે. મા વગરની દીકરી છે. અમીર પિતાના લાડકોડમાં ઉછરેલી છે. એને પિયર તો યાદ આવે જ ને. ધીરે-ધીરે સેટ થઈ જશે. તું ચિંતા ન કર.'' મમ્મીજીની વાત વંશના ગળે ઊતરી ગઈ. પરંતુ વાચાદીદી અને સ્નેહાભાભીની વારંવાર ફરિયાદ સાંભળીને વંશે એક દિવસ ગ્રીષ્માને પૂછી જ લીધું : ''ગ્રીષ્મા, મેં સાંભળ્યું છે કે ઘરમાં તું જરાય રસ લેતી નથી. દરરોજ પપ્પાજીને ત્યાં ઊપડી જાય છે.''

ગ્રીષ્માએ તરત જ વળતો જવાબ આપ્યો હતો : 'વંશ, ચોક્કસ તને મમ્મીજીએ ચઢાવ્યો લાગે છે. એટલે આવો પ્રશ્ન પૂછે છે. સાંભળ, લગ્ન એક ઘરમાંથી કદમ ઉઠાવી બીજા ઘરમાં કદમ મૂકવાની વિધિ માત્ર નથી.પાંજરું પિતાનું ઘર હોય કે પતિનું ઘર. પણ પાંજરું આખરે પાંજરું છે. આઝાદ તબિયતના કોઈપણ માણસે ભાવાવેશી બની કેદ થવાની ઉતાવળ ન કરવી જોઈએ. વંશ, તું મને, તને અને આ ઘરને સમજવાની તક નહીં આપે ?' વંશને ગ્રીષ્માની ઈમાનદારી ગમી હતી. વંશને પોતાની મમ્મી પર સંપૂર્ણ વિશ્વાસ હતો. ઘરનાં કોઈ સમજે કે ના સમજે પણ મમ્મીજી ગ્રીષ્માને જરૂર સમજશે. અને તેને સાચવી પણ લેશે.

એક દિવસ ઉપાસનાદેવી શાકભાજી લેવા માર્કેટ ગયાં હતાં. રાબેતા મુજબ ગ્રીષ્મા પપ્પાજીના ઘરે જવા નીકળી ગઈ હતી. ગ્રીષ્માના પપ્પાજી અનુરોધ શેઠ વંશના ઘર આગળથી પસાર થતા હતા.... તેમણે વિચાર કર્યો કે ગ્રીષ્માને પોતાની સાથે કારમાં લેતા જાય. એટલે તેઓ વંશના ઘેર આવ્યા. ઘેર વાચાદીદી અને સ્નેહાભાભી હતાં. સ્નેહાભાભીએ અનુરોધશેઠને આવકારો આપ્યો, ડ્રોઈંગરૂમમાં બેસાડયાં : અનુરોધ શેઠે 'ગ્રીષ્મા કેમ દેખાતી નથી ?' એવું પૂછ્યું એટલે સ્નેહાભાભીનો પિત્તો ગયો. મમ્મીજી ઘરમાં નહોતાં એટલે બોલવાનું એમને મોકળું મેદાન મળી ગયું હતું. તેઓ તાડૂક્યાં : ''રહેવા દો, વડીલ આમ અજાણ્યા ન થાવ. શું તમે ગ્રીષ્માને નથી ઓળખતા ? તમારી દીકરી હરામહાડકાંની છે. આળસુ, બહાનાખોર અને ઘરની જવાબદારી સંભાળવામાં ઢબુ પૈસાનાં 'ઢ' જેવી છે. લગ્ન પહેલાં તો તમે એનાં વખાણ કરતાં થાકતાં નહોતા. પણ કશું કહેવા જેવું એણે બાકી રાખ્યું જ નથી. સવારે ૯ વાગે ઊઠવું. ન્હાવા-ધોવાને તૈયાર થવામાં ૧૦ વગાડવા. એને તો ખબર જ નથી કે એનો પતિ ૧૦ વાગે શું ખાઈને ઓફિસ જવા નીકળી જાય છે. અને વંશભાઈના ગયા પછી ગ્રીષ્મા તમારે ઘેર આવવા નીકળી જાય છે. અમારા વંશભાઈનો તો પરણ્યા છતાં કુંવારા જેવો ઘાટ છે. હવે ગ્રીષ્માને તમારે ઘેર જ રાખજો. નારીનું પાયાનું કર્તવ્ય શીખવીને પછી અહીં મોકલજો.'' સ્નેહાભાભીનું રૌદ્ર સ્વરૂપ જોઈને અનુરોધશેઠ તો ડઘાઈ ગયા અને ઊભા થઈને ચાલવા માંડયા.

ઉપાસનાદેવી માર્કેટથી પાછા આવ્યાં, ત્યારે તેમને ઘટનાની જાણ થઈ. તેમણે સ્નેહાવહુને કશું જ ન કહ્યું. અને ગ્રીષ્માને પાછી લાવવાનો મનોમન નિર્ધાર કરી અનુરોધશેઠને ત્યાં જવા તૈયાર થઈ ગયાં હતાં. 

ઉપાસના દેવીને આવેલા જોઈને અનુરોધ શેઠને ખૂબ જ નવાઈ લાગી. તેમણે ઉપાસના દેવીને 'નમસ્તે'  કહીને સન્માનપૂર્વક ડ્રોઈંગરૂમમાં બેસાડયાં અને કહ્યું : ''માફ કરજો, ગ્રીષ્મા બહુ નાની હતી, ત્યારે તેનાં મમ્મી ગુજરી ગયાં હતાં. ત્યારે સ્નેરાંક પાંચ વર્ષનો હતો અને ગ્રીષ્મા ત્રણ વર્ષની હતી. મેં બીજાં લગ્ન ન કર્યા. બન્ને બાળકોના ઉછેરમાં ધ્યાન આપ્યું. પરંતુ મા વગરનાં સંતાનોને વધુ લાડ કર્યા. એટલે બન્ને થોડાં જિદ્દી બની ગયાં છે. મારી ગ્રીષ્મા થોડી મનસ્વી, થોડી આખાબોલી અને થોડી સ્વચ્છંદી છે, પરંતુ દિલની સાફ છે. તેના ગુનાઓ માટે હું માફી માગું છું. એની મમ્મીની ગેરહાજરીમાં એનું એક દીકરી તરીકે ઘડતર થવું જોઈએ તેવું થયું નથી. એ અહીં મારે ત્યાં રહેવાની ઈચ્છા પ્રગટ કરશે, તો મારે તેને રાખવી પડશે. તમને એક સારી પુત્રવધુ ના મળી એનું દુ:ખ હશે, એ હું સમજી શકું છું.''

''અરે- અરે, અનુરોધભાઈ, હવે બસ કરો. હું ગ્રીષ્માની ફરિયાદ કરવા નથી આવી હું તો એને તેડવા આવી છું. તમે કહો છો ને કે ગ્રીષ્માને માનો પ્રેમ નથી મળ્યો. માતા વગર એનું ઘડતર બરાબર થયું નથી. તમે ચિંતા મારી પર છોડી દો. હું આજથી ગ્રીષ્માની મા અને ગ્રીષ્મા મારી દીકરી. એનું ઘડતર હું કરીશ. હું જાઉં છું. ગ્રીષ્માને એમ ન લાગે કે મમ્મીજી મને પરાણે લઈ ગયાં. અત્યારે એને આરામ કરવા દો. રોજના વંશના આવવાના સમયે એને મારા ઘરે મોકલી દેજો. ચાલો હું રજા લઉં છું. નમસ્તે.'' અનુરોધશેઠ ઉપાસના દેવીને અશ્રુભીની આંખે નિહાળી રહ્યા. શું નારીમાં ભગવાને કરુણા ઠાંસી-ઠાંસીને ભરી હશે?

અનુરોધ શેઠ પુત્ર સ્નેહાંક અને પુત્રી ગ્રીષ્માને જરાપણ ઓછું ન આવે એટલે તેમની બધી ફરમાઈશો પૂરી કરતાં હતાં. બન્ને જણાં બહાર હોટલમાંથી મંગાવેલું પંજાબી ખાણું અને પીઝાના શોખીન હતાં. એટલે ગ્રીષ્માને ગુજરાતી વાનગીઓ જરાય પસંદ નહોતી. ઉપાસના દેવીએ વિચાર્યું કે ગ્રીષ્માનું લેશમાત્ર ઘડતર થયું નથી એટલે મા વગરની છોકરીની દોષશોધ ટોળકીના સભ્ય થવાને બદલે તેને કરુણાપૂર્વક ઘડવાનું એમણે મનોમન વિચારી લીધું. ઉપાસનાદેવીએ બીજે દિવસે સવારે ગ્રીષ્માને પૂજાગૃહમાં બોલાવી, પ્રેમથી બેસાડી, માથે હાથ ફેરવ્યો અને આજથી રસોડાની જવાબદારીમાં ગ્રીષ્માને સાથે રાખવાની ઈચ્છા તેમણે દર્શાવી. ગ્રીષ્મા તો મમ્મીજીના પ્રસ્તાવથી સ્તબ્ધ થઈ ગઈ. મરી-મસાલા અને રસોડાને લગતી ચીજવસ્તુઓથી એ સાવ અજાણ હતી. એને મન બુરું ખાંડ અને મીઠા વચ્ચે કશો જ ફેર નહોતો.

ઉપાસના દેવી વહેલાં ઊઠીને ગ્રીષ્માને જગાડીને જલ્દીથી નાહી-ધોઈને રસોડામાં બોલાવી લેતાં. અને પાકશાસ્ત્રનાં પાઠ શરુ કરતાં ઊંધી છરીએ શાક સમારવા તૈયાર થયેલી ગ્રીષ્માને શાક સમારવાની છરીથી કાકડીની ચીરીઓ કરતાં, કોથમીર સમારતાં શીખવાડયું અને બટાકાની છાલ કેમ દૂર થાય તેનું ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું. શાકભાજીને ધોવાની રીત અને મરી-મસાલાના પ્રમાણનો ગ્રીષ્માને ઝીણવટ ભર્યો ખ્યાલ આપ્યો. ગ્રીષ્માને ભારતના નકશા જેવી રોટલી-ભાખરી બનાવવામાંથી ગોળમટોળ રોટલી શીખવવામાં ઉપાસનાદેવીને ઠીક-ઠીક કષ્ટ વેઠવું પડયું. જીરૂ અને અજમાનો ભેદ પારખવાનું ગ્રીષ્મા માટે સહેલું નહોતું. પરંતુ ગ્રીષ્માને શીખવામાં ખુબ જ મઝા આવતી હતી. જ્યારે ગ્રીષ્માને બરાબર ગોળ રોટલી વણતાં આવડી ગયું ત્યારે એ ઉપાસનાદેવીને લોટવાળા હાથે ભેટી પડી હતી. અને કહ્યું હતું : ''મા, જુઓ મેં ગોળ રોટલી બનાવી.'' અને ઉપાસનાદેવીએ પ્રસન્ન થઈને એને શાબાશી આપી હતી.

એટલે ગ્રીષ્મા બોલી ઊઠી : ''મા, તમે મને આટલાં મોડાં કેમ મળ્યાં ? વહેલાં મળ્યાં હોત તો ? હું નાની હતી, ત્યારે મને કેમ ન મળ્યાં ?'' અને ઉપાસનાદેવીએ 'મારી પાગલ દીકરી,' કહી ગ્રીષ્માને છાતી સરસી ચાંપી હતી.

આ દ્રશ્ય જોઈ વંશ બોલી ઊઠયો હતો : 'મમ્મી, તમે તો ગ્રીષ્મા પાછળ ઘેલાં થઈ ગયાં છો. થોડો આ દીકરાનો તો ભાવ પૂછો' ત્યારે ઉપાસનાદેવી બોલી ઊઠયાં હતાં : ''ખબરદાર, જો મારી દીકરી ગ્રીષ્મા અને મારા સંબંધોને નજર લગાડી છે તો. તને મેં ઉછેરીને મોટો કર્યો. હવે ગ્રીષ્માનો વારો. મારો બધો પ્રેમ ગ્રીષ્મા પર ન્યોછાવર'' અને ગ્રીષ્મા ખડખડાટ હસતી અને વંશને ચીઢવતી.

ઉપાસનાદેવીએ ધીરે-ધીરે ઘરની તમામ ચીજવસ્તુઓ ગ્રીષ્માને પોતાની સાથે બજારમાં લઈ જઈને ખરીદતાં શિખવાડયું. ઘરની આવક અને બજેટ પ્રમાણે ખર્ચ કરવાનું માર્ગદર્શન આપ્યું. ગ્રીષ્મા તો ખુશખુશાલ હતી. એને તો જાણે જિંદગીમાં કાંઈક નવું કરવાનું બહાનું મળી ગયું હતું. માણસને નવો ઘાટ આપવા હથોડાની જેમ નહીં, પણ સોનીની જેમ નાજુક હથોડી જ ખપમાં લેવાય.

અને ગ્રીષ્માના જન્મદિવસે ઉપાસનાદેવીએ હરખભેર ગ્રીષ્માના પપ્પા અનુરોધશેઠને તથા ભાઈ સ્નેહાંકને પોતાને ત્યાં જમવા બોલાવ્યા. અને જાહેર કર્યું ''આજે જમવાની બધી વાનગી ગ્રીષ્માએ બનાવી છે.'' અને ગ્રીષ્મા નાના બાળકની માફક ઉપાસનાદેવીની પાછળ છુપાઈ ગઈ હતી.

અનુરોધ શેઠ ગ્રીષ્માના નવા સ્વરૂપને નિહાળીને ગદ્ગદ્ થઈ ગયા હતા. એમણે કહ્યું : ''મેં આપના પરિવારનું અપમાન કર્યું એ બદલ માફી માગું છું. તમે ગ્રીષ્માને નવો અવતાર આપ્યો છે. એની ખુશાલીમાં આપના પરિવારને એક ભવ્ય બંગલો ભેટ આપું છું, ઈનકાર ન કરતાં.'' ઉપાસના દેવીએ કહ્યું : આપના પ્રેમનો ઈનકાર કરવાની મારામાં તાકાત નથી પણ બંગલાનું નામ 'અનુરોધ' રાખીશું, બરાબર ?

''હરગિઝ નહીં, હવે આ બંગલો ગ્રીષ્માની પ્રોપર્ટી છે એટલે એનું નામ 'ગ્રીષ્મા સદન' રહેશે અને સહુએ તાલીઓના ગડગડાટ સાથે એ પ્રસ્તાવને વધાવી લીધો હતો. ગ્રીષ્માને એક નવું સન્માન મળ્યું હતું. અનુરોધ શેઠ ગ્રીષ્માના નામનું બોર્ડ ચિતરાવીને જ લાવ્યા હતા. ડ્રાઈવરે બોર્ડ લટકાવી દીધું. એ બોર્ડને કુમકુમનો ચાંલ્લો કરતાં ઉપાસના દેવીએ કહ્યું હતું : ''ગ્રીષ્માસદન ઝિંદાબાદ.''


Google NewsGoogle News