Get The App

સદીઓ પહેલાંની ન્યાય પ્રણાલી: બળાત્કારીઓને કઈ રીતે સજા કરાતી?

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
સદીઓ પહેલાંની ન્યાય પ્રણાલી: બળાત્કારીઓને કઈ રીતે સજા કરાતી? 1 - image


- નિર્ભયા પરની બળાત્કારની ઘટનાના છેક આઠ વર્ષ પછી ગુનેગારોને ફાંસી આપવામાં આવી હતી : આપણા સ્મૃતિ ગ્રંથોમાં કાયદાની કલમ અને આકરી સજા બતાવાઈ છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- તત્કાળ બે હાથ અને ગુપ્ત અંગો કાપી નાંખવામાં આવતા : જાહેરમાં મોતની સજાની પણ હિમાયત કરવામાં આવી છે

કો લકાતા અને બાદલપુરની ઘટનાને લીધે તબીબી અને શિક્ષણ જગત જ નહીં દેશના નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો છે.

કોલકાતાના કે આવા બધા બળાત્કારી માટે આપણી ત્વરિત પ્રતિક્રિયા એવી હોય છે કે 'આ અધમોને તો તત્કાળ ફાંસીના માંચડે ચઢાવી દેવા જોઈએ.'

પણ, નિર્ભયા કેસને યાદ કરો. ૧૬ ડિસેમ્બર,૨૦૧૨ના દિવસે બસમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. છેક ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ એટલે કે નવ મહિના પછી તો ગુનેગારોએ ખરેખર બળાત્કાર કર્યો હતો તે નિશ્ચિત થયું હતું અને તેઓને ફાસ્ટ ટ્રેક કોર્ટે  મૃત્યુ દંડની સજા જાહેર કરી હતી. તે પછી દિલ્હી હાઇકોર્ટમાં આરોપીઓએ સજા સામે અપીલ કરી હતી.

૧૩ માર્ચ, ૨૦૧૪ના રોજ દિલ્હી હાઈકોર્ટે ફાંસીની સજા યોગ્ય જ છે તેમ ચુકાદો આપ્યો હતો. પણ ફાંસીની સજાનો અમલ શક્ય ન બન્યો. પાંચ વર્ષ સુધી  સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો અને ફાંસીની સજા કાયમ રાખી. આ પછી પણ દયાની ભીખની પ્રક્રિયા જારી જ રહી. અંતે બળાત્કારની ઘટનાના આઠ વર્ષ  બાદ  ૨૦ માર્ચ, ૨૦૨૦ના રોજ ચાર બળાત્કારીઓને ફાંસી આપવામાં આવી.

ફાસ્ટ કોર્ટ છતાં પણ બળાત્કાર જેવા કેસમાં કાનૂની પ્રક્રિયા આવી હોય પછી સમાજમાં હેવાનોને જે ધાક બેસવી જોઈએ તે નથી બેસતી. 

પણ જાણીને નવાઇ લાગશે કે પ્રાચીન અને  મધ્યકાલીનથી માંડી તે પછીના રાજાઓના યુગમાં બળાત્કારીઓને ત્વરિત ફાંસીના માંચડે ચઢાવી દેવાતા હતા. આપણા શાસ્ત્રોમાં પણ આવી સજાની હિમાયત કરાઈ છે. સદીઓ પહેલાંની ન્યાય પ્રણાલી જાણીએ. 

ત્રીજી સદી અને તે પછી આપણા રાજાઓ  'યજ્ઞાવાલકય સ્મૃતિ ગ્રંથ'નો બંધારણ અને કાયદાના પાલનના સંદર્ભ ંગ્રંથ તરીકે ઉપયોગ કરતા. આ ગ્રંથના ૧૩માં પ્રકરણના ૧૧માં પાના પર બળાત્કારી માટેની સજાની કલમ ૨૮-૨૯માં જણાવાયું છે કે 'જો કોઈ પુરુષ મહિલા પર બળાત્કાર કરે તો તેના ગુપ્તાંગને કાપી નાંખીને જાહેર જનતાની હાજરીમાં પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ફેંકી દેવામાં આવે તેવી સજા કરો.'

ધર્મશાસ્ત્રના આ સંબધી શ્લોકની રીતે જોઈએ તો

'બુદ્ધિ પૂર્વમ્ તું દુષ્ટા ભવો દન્ડયહ' ( જો કોઈ પુરુષ મહિલાની છેડતી કરે તો તેને દંડ કરવો જ રહ્યો.- તે જમાનામાં પણ આવા પુરુષને જાહેરમાં ફટકારવામાં આવતો અને તેને મોટી રકમનો દંડ થતો હતો.)

સમનિપ્તે વ્રત્તે શિશ્ન છેદનમ સા વ્રસાનાસ્યા' (જો કોઈ પુરુષ બળાત્કાર કરે તો તેના શિશ્નનું છેદન કરવામાં આવે.)

'મહાનિર્વાણ તંત્ર'ના ૧૧માં પ્રકરણમાં પણ જણાવાયું છે કે 'ગમે તેવી અધમ મહિલાનો પણ બળાત્કાર કરનારને ત્વરિત મૃત્યુ દંડ ફટકારી દેવી જોઈએ.'

તે જમાનામાં પણ કેવી સ્પષ્ટતા  'મનુસ્મૃતિ'માં હતી.

કલમ ૮.૩૨૩ : મહિલાનું અપહરણ કરનારને મૃત્યુદંડ આપો.

કલમ ૯. ૨૩૨ :  મહિલા, બાળક કે સાક્ષર વ્યક્તિની હત્યા કરનારને પણ સખ્ત સજા અને મૃત્યુની સજા જાહેર કરો.

કલમ ૮.૩૫૨ : બળાત્કારીને જાહેરમાં એવી આકરી સજા આપો કે તેને જોઈને અન્ય કોઈ વ્યક્તિ આવા કૃત્યનો વિચાર કરતા જ ધૂ્રજી જાય.

કલમ ૮.૩૮૯ : જો સંતાનો તેમના માતા પિતાને, પતિ તેની પત્નીને અને પિતા તેના સંતાનોને યોગ્ય કારણ વગર તરછોડે તો તેઓને પણ ઉદાહરણીય સજા કરો. ગામના લોકો તે જાણે તે જરૂરી છે.

કલમ ૩૫૭ : મહિલાને ખરાબ હેતુ માટે ભેટ આપીને ફસાવવી કે તેની મરજી વગર તેના અંગ, ઘરેણાં કે વેશ પરિધાનને સ્પર્શ કરનારને પણ પાઠ તો ભણાવવો જ પડે તેવી સજા કરવી.

કલમ ૩૬૭ : કોઈ પુરુષ બળપૂર્વક તેની દાસી કે કામ કરનાર મહિલા પર દુષ્કર્મ આચરે તો તેની બે આંગળી કાપી નાંખવામાં આવે.

તે જમાનામાં પણ કઈ હદે સમાન ન્યાય દ્રષ્ટિ હશે તે કલમ ૩૭૦ પરથી સમજાય જે અંતર્ગત કોઈ મહિલા પુરુષને ફસાવે કે પરણિત હોય અને અન્ય જોડે અનૈતિક સંબંધ બાંધે અને પુરુષ ફરિયાદ કરે તે પુરવાર થાય તો તે મહિલાનું મુંડન કરીને બે આંગળી કાપી નાંખવાની સજા આપવી તેમ જણાવાયું છે.

હિન્દુ ધર્મના ગ્રંથોમાં બળાત્કારને માફ ન કરી શકાય તેવું પાપ ગણાવાયું છે અને જે સજાની જોગવાઇનો સંદર્ભ જોવા મળે છે તે હદનો સંદર્ભ અને સજા અન્ય ગ્રંથોમાં જોવા નથી મળતી.

કૌટિલ્યએ અર્થશાસ્ત્રમાં બળાત્કારીના જાહેરમાં બંને હાથ કાપી નાંખવાથી માંડીને મૃત્યુદંડનો ઉલ્લેખ કર્યો છે. હિન્દુ ધર્મના મહત્તમ ગ્રથોમાં બળાત્કારીને લાંબી પ્રક્રિયા બાદ નહીં પણ જેમ બને તેમ ઝડપથી મૃત્યુદંડનો અમલ થાય તેમ તાકીદ કરવામાં આવી છે.

હવે સદીઓ પહેલાનો ઉદાર અભિગમ જુઓ. વશિ ધર્મ સૂત્રોમાં જણાવાયું છે કે જેના પર બળાત્કાર થયો છે તે મહિલાએ પણ માનસિક આઘાતમાંથી બહાર આવવાનું છે. બળાત્કાર પછી તેને માસિક સ્ત્રાવ થાય તે ગાળા પછી તે અગાઉ જેવી જ પવિત્ર છે તેમ સમાજે  દ્રષ્ટિ કેળવવી તેમ હિમાયત કરાઈ છે.

'યજ્ઞાવાલકય ૩.૨૦' અનુસાર જો બળાત્કારને લીધે મહિલા સગર્ભા થઈ જાય તો તેને ગર્ભપાત કરવાની કાયદેસર છૂટ મળે છે.

આવી મહિલાના શુધ્ધિકરણ માટે 'બ્રહ્મ કુર્કા' નામની વિધિ પણ થતી હતી.

હિન્દુ ધર્મમાં કર્મનો સિધ્ધાંત છે. શાસક તો દુન્યવી સજા આપે જ છે.ઘણા કિસ્સાઓમાં અધમ કૃત્ય કે વિચારો કરવા છતાં કાયદાની પકડમાં તે વ્યક્તિ ન આવતી હોય તેવું બને જ છે.ગુનો આચરનાર સત્તા, સંપત્તિ અને બાહુબળને લીધે સજાના દાયરામાં જ નથી આવતો હોતો. શાસક કે કોર્ટ અનૈતિક જીવન અને વ્યવહારની હંમેશા સજા નથી આપી શકતું. આવા બધા અધમ કૃત્ય કરનારને કર્મનો  સિદ્ધાંત છોડતો નથી. બળાત્કારી કે જુલમી ભલે સજામાંથી દેખીતી નજરે બચી જાય પણ કર્મ બૂમરેંગ જેમ દેખા દે છે. હિન્દુ ધર્મમાં તો આ માટે શનિ ગ્રહ ભગવાન કોર્ટ તરીકે જોવાય અને પૂજાય છે. તેનો ચોપડો બધું નોંધે છે અને તેનો ચુકાદો આપે છે. ભગવાન કંઈ સજા નથી આપતા.તેના કરતાં કર્મનો ડર રાખવા પર હિન્દુ ધર્મમાં ભાર મુકાયો છે.

પણ, તમે જાણો છો હિન્દુ ધર્મમાં સૌથી મોટું પાપ ક્યુ માનવામાં આવે છે?

'ગરૂડ પુરાણ ૧,૫૨.૨૪' પ્રમાણે જેમણે પણ તમારા માટે નિ:સ્વાર્થ કંઈ કૃત્ય કર્યું છે તેને માટે આભારની લાગણી વ્યક્ત નહીં કરો અને તેનાથી આગળ કહીએ તો તેને તરછોડશો કે આંતરડી  કળાવશો તો કર્મનો સિધ્ધાંત તમને છોડશે નહીં. સંતાનોએ માતા પિતા, વિદ્યાર્થીએ ગુરુ ,એક મિત્રએ બીજા મિત્રનું કે કોઈના માટે કોઈએ કરેલું ઋણ હંમેશા યાદ રાખો. સમાજને પણ પરત આપવું તે આપણો ધર્મ છે. તેઓને ત્યજતા કે દગો ન દેતા.

તેવી જ રીતે શાસ્ત્રમાં ગાયની હત્યા, શરાબનું કે નશાનું સેવન, ચોરી અને પ્રતિજ્ઞાા ભંગ જેવા કૃત્યોને પાપ ગણવામાં આવ્યા છે.

વેદોમાં છ પ્રકારના ગુનાને કર્મના સિદ્ધાંતની રાહ જોયા વગર યથાયોગ્ય  ન્યાયતંત્ર દ્રારા સજા આપવી જોઈએ તેવો ઉલ્લેખ છે. જેમ કે(૧) કોઈ તમારી ધર્મપત્ની કે સંતાનોનું અપહરણ કર ે(૨) કોઈ ઝેર આપીને મારી નાંખે (૩) મૃત્યુ નીપજે તેવા શસ્ત્રથી હુમલો કરે (૪) બીજાના ઘરને આગ ચાંપે (૫) કોઈની જમીન પચાવી પાડે (૬) સંપત્તિની ચોરી કરે.

અર્જુન ઉમદા અને સંવેદનશીલ વ્યક્તિ હતો એટલે ઉપરોક્ત જેવા કૃત્ય કરનાર કૌરવો તેના સગા હોઈ યુદ્ધ કરવા નથી માંગતો પણ ભગવાન શ્રીકૃષ્ણ તેને ખુદ શાસ્ત્ર બની શસ્ત્ર ઉઠાવવા સમજાવે છે.

ભગવાન રામ પણ રાવણનો વધ એટલે જ કરે છે કે તેણે વૈદિક સંસ્કાર ત્યજી દીધા હોય છે.

એવું પણ જાણવા મળ્યું છે કે સદીઓ પહેલા કેટલાક રાજાઓ ગામના ચોકમાં ધગધગતા લોખંડનું કોઈ મહિલાનું નગ્ન પૂતળું બનાવતા અને જાહેર મેદની વચ્ચે બળાત્કારીને તે પૂતળાં જોડે બાથ ભીડવાની સજા કરવામાં આવતી. આજીવન બળી ગયેલ ભડથાંની જેમ પારાવાર પીડા સાથે બળાત્કારી બાકીનું જીવન વિતાવતો. સ્વાભાવિક રીતે તેના ગુપ્તાંગ બળી ગયા હોય.

બળાત્કારી કે જઘન્ય અપરાધ કર્યો હોય તેને 'શૂળી પર ચઢાના' તરીકે ઓળખાતી સજા પણ સદીઓ પહેલા પ્રચલિત હતી.આ સજાનો ચુકાદો જાહેર થતાં જ આરોપીના મોતિયા મરી જતા.

જાહેર જનતા વચ્ચે આરોપીને ગામની ભાગોળમાં આવેલ વિરાટ ઝાડની ડાળી પર દોરડું વીંટીને ફાંસી અપાતી.તે અગાઉ ઉપસ્થિત મેદની તેને પથ્થરો મારીને લગભગ અધમૂઓ કરી નાંખતા. ઝાડની જગ્યાએ ઊભા અને આડા લાકડા પર પણ ખીલા ઠોકીને આરોપીનું મોત નીપજાવવામાં આવતું હતું.

પર્શિયાના રાજા આ રીતે આરોપીને સજા આપતા તેવું હેરોડોટુસની નોંધમાંથી મળી આવે છે.આવા ત્રણ હજાર આરોપીઓ કે જેમાંના મોટાભાગના બેબીલોનના હતા તેઓને આ સજા ફટકારવામાં આવી હતી. પર્શિયા પછી વિશ્વના અન્ય રાજાઓ આ પ્રથા અમલમાં મૂકી હતી.

ગ્રીસમાં આરોપીને ધસમસતા જંગલી આખલા વચ્ચે મૂકી દેવામાં આવતો અને પ્રજા કિકિયારી પાડતા આ મોત નિહાળતી હતી. મધ્યકાલીન યુરોપમાં આરોપીના કપાળ પર તીવ્ર વેદના આપીને ખાસ  નિશાન કરી દેવાતું જેથી ગામના લોકો તેની સાથે હડધૂત અને અપમાનિત કરતો વ્યવહાર કરે. બધા તેનાથી દૂર ભાગે. ચામડી ઉતારી દેવી કે ખીલા ભોંકાવીને જીવતો છોડી દેવાની સજા પણ થતી હતી.

વર્તમાન વિશ્વમાં આવી સજા તો શક્ય નથી. વિકસતા વિશ્વમાં  ન્યાયનો હક્ક આરોપીને પણ છે અને આવા હેવાનોને બચાવવા વકીલો પણ તેઓને મળી જ રહે છે. આમ છતાં આરોપીને જેમ બને તેમ ઝડપથી તેના કૃત્ય પ્રમાણે આકરી સજા થાય તે અંગે ન્યાય તંત્રએ વિચારવિમર્શ કરવો જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટનો અર્થ સરવો જોઈએ. 


Google NewsGoogle News